Nayna Shah

ચપટી આપો , ખોબો ભરો

“તાજગી ભાભી નથી ?”આશ્ર્લેષા અે આવતાંની સાથે જ ફોઈને પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાવ સામાન્ય હતો .પરંતુ તાજગી ના સાસુને આ પ્રશ્ન તીર ની જેમ વિંધતો હતો. ઘરમાં પ્રવેશતી દરેક વ્યક્તિ તાજગી  વિશે પૂછતી હતી . જાણે કે આ ઘરમાં વર્ષેા થી રહેતી વ્યક્તિઓ નું કંઈ સ્થાન ના હોય અને માત્ર મહિનાથી પરણીને આવેલી તાજગી આ ઘરની સર્વેસર્વા ના હોય!

“આશ્ર્લેષા બહેન હું તમારા માટે મહેંદી જ પલાળતી હતી. મમ્મી તો ક્યારના  કહેતા હતા કે હું કામ કરીશ, પણ તું આશ્લેષા માટે બધી તૈયારી કર.” અને તાજગી સાસુ સામે નજર કર્યા વગર પોતાની રુમ બાજુ જવા લાગી.

તાજગી જાણતી હતી કે સાસુની આંખમાં થી અત્યારે અંગારા વરસતા હશે. પરંતુ ત્યાં જ આશ્લેષા, “ફાેઈ, તમે કેટલા સારા છો! ભાભી નસીબદાર છે .” કહેતી કહેતી તાજગી ના રૂમ માં ગઈ .

તાજગીની સાસુને આશ્લેષાના શબ્દો  ઘણા જ ગમ્યા. પરંતુ તાજગી આશ્લેષા પ્રત્યે જે પ્રેમ બતાવી રહી હતી એ એના સાસુને પસંદ ન હતું. વર્ષોથી ભાઈ બેન વચ્ચે મિલકત બાબતે મન દુઃખ હતું. તાજગીના સાસુ કોઈપણ ભાેગે પોતાનો અડધો ભાગ છોડવા તૈયાર ન હતા. એ કહેતા, “મારા સાસરે ગમે એટલી મિલકત હોય  એનો અર્થ એ નથી કે પિયર ની મિલકત માં આપણો ભાગ જતાે કરવો .” પરિણામે ભાઈ બહેન વચ્ચે બોલવા વહેવાર હતો જ નહીં.

પરંતુ લગ્ન પહેલા તાજગી એ તૃષાંતને પૂછ્યું હતું “તૃષાંત,  તમારા કુટુંબમાં તમારે  બધા સાથે મનદુઃખ કેમ છે?  શું મન દુઃખ દૂર થઈ શકે એમ નથી? “

“તાજગી , ઈચ્છા તાે મારી પણ  એવી જ છે. પરંતુ મમ્મી અને મામા ને મિલકત બાબતે ઝઘડો છે.” કહેતા ,તૃષાંતનાે  સ્વર રૂંધાઈ  ગયો.

તાજગી હસીને કહ્યું “તો મામા સાથે  ઝઘડો તાે મમ્મી ને  અને એમના ભાઈને મિલકત બાબત છે.  તમારે  તો  મામા સાથે ઝઘડો નથી ને ? આપણે બંને સાથે જઈને  તમારા મામા ને કંકોત્રી આપી આવીશું.  મને વિશ્વાસ છે કે તમારા મામા મારી વાતનો અસ્વીકાર નહીં કરે.”

તૃષાંત થોડી પળેા પૂરતો ભાવિ પત્ની સામે જોઈ રહ્યો. બોલ્યાે “તાજગી, હું વર્ષોથી મામા સાથે બોલવા ઇચ્છતો હતો. મામાને ત્યાં રહેવા જવા ઈચ્છતો હતો.અાશ્લેષા સાથે તોફાન કરવા ઈચ્છતો હતો. પરંતુ  કોણ જાણે મારામાં  એટલી હિંમત ન હતી ,કારણ મને થતું હતું, મામા મને કાઢી મૂકશે તાે? પરંતુ આજે તાે તેં  મારા મનની વાત કરી.  તાજગી!આપણે  જરૂરથી મામાને ત્યાં જઈશું.  મને વિશ્વાસ છે  કે મામા તારી વાત માની જશે. ખરા દિલથી કરેલો આગ્રહ કાેઈ ટાળી  શકે જ  નહીં.”

“તૃષાંત  ! મામા કાઢી મૂકે તો પણ ઘરની બહાર પગ મૂકવાે કે કેમ એ આપણા મનની વાત છે. કદાચ  ગુસ્સામાં કંઇ બોલે તો ,મોટા છે અને  બોલ્યા ,એમ માનવાનું. પરંતુ હું નથી માનતી કે નવી આવનાર વહુ સાથે કોઈ ખરાબ વર્તન કરે.”

તૃષાંત! વાત આગળ ચલાવતા બોલ્યો ,” કાકા વર્ષોથી મુંબઈ રહે છે. કાકા કહે છે છે  કે મારી મમ્મી એમને પ્રેમથી બોલાવતી નથી. અમે ક્યારેક જ  આવીએ છીએ છતાં પણ અમને કોઈ  બોલાવતું નથી.” તૃષાંતે ભાવિ પત્ની આગળ હૈયાવરાળ ઠાલવી.

‌”તૃષાંત ,આપણા લગ્નની કંકોત્રી તો કાકા ને મોકલજે  જ. અને છતાં પણ જો કાકા ના આવે તો આપણે લગ્ન બાદ માથેરાન ફરવા જઈશું  ત્યારે એક દિવસ મુંબઈ કાકાને ત્યાં જઈશું. બસ આટલી નાની વાતનું મન દુઃખ હોય તો હું કાકાનું મન સહેલાઈથી જીતી શકીશ. મને વિશ્વાસ છે કે આપણે ચપટી ભરીને પ્રેમ આપીએ તો બદલામાં ખોબો ભરીને પ્રેમ મેળવી શકીશું.”

ત્યારબાદ તાજગી તથા તૃષાંત ત્યાં ગયા ત્યારે  મામાએ બંનેનું ભાવભર્યું સ્વાગત કર્યું અને વર્ષોનો વિખૂટો પડેલો પુત્ર પોતાને ત્યાં આવ્યો હોય એમ એને ભેટી પડતાં મામા ની આંખો ભીની થઈ ગઈ હતી .આશ્લેષા એ તો દોડીને તૃષાંત નો હાથ પકડી લીધો હતો અને બોલી હતી,  “તૃષાંત છેલ્લા દસ વર્ષથી તારો જમણો હાથ મારી રાખડી વગર સુનો પડી ગયેલો ને શું હું તને યાદ ન હતી આવતી ? આજની જેમ – ૧૦ વર્ષ પહેલાં કેમ ના આવ્યો?” કહેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.આશ્લેષા એકની એક હતી અને તૃષાંત  પણ. વર્ષોથી બંને સગા ભાઈબેન માફક રહેતા હતા .પરંતુ આજે જાણે વર્ષોથી વિખૂટા પડેલા ભાઈ બેન મળી ગયા હતા.

‌આશ્ર્લેષા નું આગમન તાજગી ના સાસુને  પસંદ નહોતું .પરંતુ  તાજગી જે રીતે હસી હસીને આશ્ર્લેષા સાથે વાત કરતી હતી એ જોઈને આશ્ર્લેષા સાથે ખરાબ વર્તન પણ તે કરી શકતા નહોતા .તાજગી એ જ આશ્ર્લેષા ને કહેલું. ” દીદી, તમારા વિવાહ ના આગલા દિવસે તમે મારે ત્યાં આવજો હું મેંહેદી મૂકી દઇશ. વિવાહ ના દિવસે તમને તૈયાર કરીશ .તાજગી આ ડહાપણ પણ તેના સાસુ ને પસંદ ન હતું.

રાત્રે તૃષાંત ઓફિસેથી આવતાં એના મમ્મી એ  ફરિયાદ ચાલુ કરી હતી “તૃષાંત! તાજગી એની મનમાની કરે છે તારા મામા સાથે આપણે સંબંધ નથી છતાં પણ સંબંધ રાખે છે.”

“મમ્મી તારે અને મામા ને મિલકત નો ઝગડો છે આપણી પાસે પુષ્કળ પૈસા છે મામા તો સામાન્ય કારકુન છે તું એટલો ત્યાગ ના કરી શકે ?આપણી પાસે શું નથી ? મમ્મી,  જીવવા માટે કેટલો પૈસો જોઈએ અને જેટલો જોઈએ એના કરતાં પણ વધુ પૈસા આપણી પાસે છે”.

“‌તૃષાંત—! તું પણ આજકાલ ની આવેલી તાજગી ના વાદે ચઢ્યો?”

“‌આ બધું કોના માટે, તારા માટે જ છે ને? મમ્મી ,તું એવું જ માનતી  હોય તો મારે  એ મિલકત જોઈતી નથી અને તૃષાંત બીજા રૂમમાં ગયો . પાછો ફર્યો ત્યારે એના હાથમાં એક લાંબુ કવર  હતું. મમ્મીના હાથમાં મૂકતા બોલ્યો ,મમ્મી તારે મિલકત જ જોઈએ છે ને ?તો લે મારા લગ્ન નિમિત્તે મામા એ  ઝગડા વાળી  મિલકત મારા નામે કરી મને ભેટ આપી છે.”

‌ઘડીભર  તૃષાંતને એના મમ્મી જોઈ રહ્યા. જાણે કે આ વાત સ્વપ્ન સમી હતી. તૃષાંત  બરાડી ઉઠ્યો ,”મમ્મી હજી તને અવિશ્વાસ આવતો હોય તો આ વાંચી લે .પણ એક વાત યાદ રાખજે કે આ બધી  મિલકત હું આશ્લેષા ને એના લગ્નમાં ભેટ આપી દેવાનો છું.”

ગુસ્સામાં તૃષાંત બીજા રૂમમાં જતો રહ્યો .એની મમ્મીની આંખો માં આંસુ આવી ગયા. જે મિલકત માટે એ વર્ષોથી સગા ભાઈ જોડે સંબંધ તોડી બેઠી હતી એ ભાઈ એ તો પ્રેમથી બધી મિલકત પોતાના પુત્રને નામે કરી દીધી અને પુત્ર પણ કેવો જળકમળવત રહ્યો. તાજગીના સાસુ ને લાગ્યું કે પોતાની જ કંઈક ભૂલ હશે. ભાઈ તો પહેલેથી જ ઉદાર હતો. પણ પોતે એની મમ્મી ના બધા જ દાગીના ઉપરાંત મિલકતમાં અડધો ભાગ માંગેલો. જ્યારે તાજગી તો ઘરમાં આવતાંની સાથે જ મામા જોડે મીઠો સંબંધ બાંધી દીધો હતો.

‌છેલ્લા અઠવાડિયા નું ચિત્ર તાજીગીનાં સાસુ સમક્ષ તરવરવા લાગ્યું. કુટુંબના લગભગ બધા સભ્યો સાથે વર્ષોથી મનદુઃખ ચાલ્યા કરતું હતું. પરંતુ ત્રણેક દિવસ પહેલાં જ તેમના દિયર મુંબઈથી આવ્યા ત્યારે હલવાનું પેકેટ, ભાભી તથા તાજગી માટે સાડી અને તૃષાંત માટે શર્ટ નુ કાપડ લઈને આવેલા. આવતાની સાથે જ તાજગીના સાસુને પગે લાગતા બોલેલા”, ભાભી ,તમે મારી પસંદ નો કેટલો ખ્યાલ રાખો છો! તૃષાંત અને તાજગી સાથે તમે યાદ રાખીને મારા માટે ભાખરવડી અને લીલો ચેવડો મોકલેલો. મને લાગ્યું, વર્ષો પછી પણ ભાભી મને એટલેા જ યાદ કરે છે.  મારી પસંદ નો એટલો જ ખ્યાલ રાખે છે .ભાભી!  હું લગ્નમાં ના આવ્યો તે બદલ દિલગીર છું, પણ તમે વિશાળ હૃદય રાખી તૃષાંત- તાજગીને આશીર્વાદ લેવા મારે ત્યાં મુંબઈ મોકલ્યા. ભાભી! ભૂલ મારી હતી. મારે બધું ભૂલીને લગ્નમાં આવવું જોઈતું હતું. તાજગી કહેતી હતી કે મમ્મી તમને ખૂબ યાદ કરે છે !તમે અમારા લગ્નમાં ના આવ્યા એ બદલ હવે અમે ફરીથી પાછા વડોદરા જઈએ ત્યારે આપણે બધા અઠવાડિયું સાથે રહીશું ભાભી! મારાથી અઠવાડિયું રહેવાય એમ નથી, પણ તમારો આગ્રહ હતો અને મારે ઓફિસનું કામ વડોદરાનું હતું એટલે બે દિવસ રહેવાય એમ આવ્યો છું.”

‌એ બે દિવસ ઘરનું વાતાવરણ ઊલ્લાસમય રહ્યું હતું.

‌તાજગીનાં સાસુએ હકીકતમાં ભાખરવઙી કે લીલો ચેવડો મોકલ્યા જ ન હતા. પરંતુ દિયર ની વાત પરથી સમજી ચૂક્યા હતા કે તાજગીએ દિયર પાસે તેમની ભરપૂર પ્રશંસા કરી હશે. વર્ષોના મનદુઃખ ઘડીકમાં ઓગળી ગયા હતા . લાગતું હતું જાણે કોઈ ઝઘડો જ ન હતો .બે ભાઇઓએ પણ મોડે સુધી વાતો કરી હતી. તૃષાંતની ની વાત સાંભળી એની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા હતા. એ આગળ કઈ વિચારે એ પહેલાં જ એને અવાજ સંભળાયો,

“મોટીબેન, આવું? ” તૃષાંતની  મમ્મી ભાઈની સામે જોઈ રહી. તૃષાંતના લગ્નમાં ભાઈએ  હાજરી આપી હતી .પણ પોતે ભાઈ સામે માત્ર ફિક્કું સ્મિત જ કર્યું હતું. જો કે તાજગી અને તૃષાંતના પ્રેમ આગળ ભાઈ એ અપમાન ગળી ગયો હશે. હવે એ વાત તાજીગી ના સાસુને પણ સમજાઈ ચૂકી હતી.” બહેન! હજી પણ તું રીસાયેલી છે ? કાલે આશ્ર્લેષાના ‌વિવાહ છે .જમાઈ ઘેર આવવાના છે. બહેન, તુ ધેર નહીં  આવે?

તાજીગીના સાસુનો કંઠ રૃઘાઈ ગયો. “ભાઈ  કેમ નહીં આવું ? મોટીબેન તો માની જગ્યાએ હોય છે. વાંક મારો જ હતો.” કહેતા એ ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં.

તાજગી અને તૃષાંત પણ એમની રૂમમાંથી મામા ને મળવા બહાર આવેલા .તૃષાંત મમ્મી પાસે જઈને બોલ્યો, ” મમ્મી !જો બધાંને  તારા પ્રત્યે કેટલો પ્રેમ છે! મમ્મી! પ્રેમ તો ચપટી જેટલાે આપો તો સામે ખોબો ભરીને મળે. મમ્મી! આ વાત તાજગી પાસેથી શીખવા જેવી છે .”

તૃષાંતનુ  વાક્ય પૂરું થતાં જ બધાના મોં પર સંતોષનું સ્મિત રેલાઈ ગયું હતું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Leave a Reply