Sense stories / बोध कथाए

આંદોલન અને સમાધાન-એક બોધકથા

પોતાને થતા અન્યાયનો સામનો કરવાનો એક માર્ગ એટલે આંદોલન . પોતાનો હક્ક મેળવવા માટે મોટાભાગે વિશ્વમાં આંદોલનો કરવામા આવે છે . આવા સમયે માંગણી કરનાર પક્ષ અને સત્તાધારી પક્ષ કે માલિક ધ્વારા સમજ પૂર્વક અને બુધ્ધિપૂર્વક નિર્ણય લેવામાં આવે તો આંદોલનનું હકારાત્મક પરિણામ પ્રાપ્ત થતું હોય છે . એનાથી ઉલટું જો જોહુકમીથી અને અનઆવડતથી કામ લેવામાં આવે તો વ્યક્તિ….સમાજ અને રાષ્ટ્રને સમય અને આર્થિકરીતે ઘણુંબધું નુક્શાન થતું હોય છે .  જાપાનની કંપનીના માલિક ધ્વારા લેવામાં આવેલ આંદોલન સમયના   એક પ્રેરણાદાયી ઘટનાનું વર્ણન જોઈએ……

એકવાર જાપાનની ચપ્પલ બનાવતી એક મોટી કંપનીના કામદારો પોતાની માંગણીઓ સંતોષવા માટે આંદોલન પર ઊતર્યા. ત્યાં આંદોલન કરવાની પધ્ધતિ ભારત દેશ કરતા અલગ છે. આપણે ત્યાં આંદોલન એટલે કામકાજ બંધ કરી હડતાલ પાડવી. જાપાનમાં વિરોધ એટલે ડબલ કામ કરવું. કંપનીના કામદારોએ વિરોધ બતાવવા માટે ડબલ કામ કરવાનું શરુ કરી દીધું. રાત–દિવસ કામ કરવા લાગી ગયા.

પરંતુ આ કામની વિશેષતા એ હતી કે તેમને માત્ર ડાબા પગના જ ચપ્પલ બનાવવાનું શરુ કર્યું. થોડા દિવસોમાં તો ચપ્પલોનો ઢગલો થઈ ગયો. પરંતુ આ બધા જ ચપ્પલો તો એક જ પગના હતા. માલ સપ્લાય થવાનો બંધ થઈ ગયો. માલનો ભરાવો થઈ ગયો. આ વાત માલિકના ધ્યાનમાં આવી. તે તરત જ સમજી ગયો કે આ તો કંપનીને જ નુક્શાન થઈ રહ્યું છે. આમ ને આમ ચાલશે તો દેશને પણ નુક્શાન થશે.

માલિકે બુધ્ધિનો ઉપયોગ કર્યો અને વચ્ચેનો રસ્તો કાઢ્યો. તેમને બધા કામદારોને એકસાથે બોલાવ્યા. તેમની સાથે વાર્તાલાપ કર્યો. માલિકે કામદારોને કહ્યું કે…..મને તમારા કામ પર સંપૂર્ણ ભરોસો છે. તમે જે હડતાલ ચલાવી રહ્યા છો તે પણ યોગ્ય જ છે. તમે કેટલાય દિવસથી પગાર વિના જ કામ કરી રહ્યા છો. મને તમારા બાળકો  પત્ની અને પરિવારની ચિંતા છે. પૈસા વગર તે લોકોની કેવી પરિસ્થિતિ હશે તેની હું કલ્પના કરી શકું છું. તમે બધા મારા પરિવારના જ સભ્યો છો. હું ઈચ્છુ છું કે તમે લોકો જલ્દીથી કંપનીનું કામ નિયમિત અને વ્યવસ્થિત શરૂ કરી દો. તમારી જે કાંઈ માંગણીઓ છે જલ્દીથી સ્વીકારી લેવામાં આવશે. ટૂંક સમયમાં તમારી માંગણીઓ અંગે વાર્તાલાપ થશે અને સુખદ પરિણામ આવશે.

માલિકનો આવો વર્તાવ સાંભળી બધા જ કામદારો તરત કામે લાગી ગયા અને રાત – દિવસ એક કરીને થોડાક જ સમયમાં બીજા પગના ચપ્પલ બનાવી દીધા. અને કંપની ફરીથી પૂર્વવ્રત શરૂ થઈ ગયી . માલિકે કામદારોની માંગણીઓ પણ સંતોષી .

આ વાર્તા પરથી બોધ એ મેળવવાનો છે કે જ્યારે મુસીબતની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે મધ્યમ માર્ગ અપનાવો જોઈએ . જેનાથી કોઈપણ વ્યક્તિને નુક્શાન થતું નથી . મૂળ તો અહં નો ત્યાગ કરવાથી કોઈપણ કાર્યમાં અવશ્ય સફળતા મળે છે . મધ્યમ માર્ગ જ સફળતાનો ઉત્તમ માર્ગ છે .

-જીતુ નાયક.

9228705796

Leave a Reply