Raghuvir Patel

સંબંધોની શતરંજ

‘હરેક પ્યાદું મારવા કે મરવા જન્મ્યું છે,

હરેક સંબંધ હસાવવા,રડાવવા બન્યા છે.’

ગામમાં આજે ભાળેલા અગ્નિ જેવો માહોલ છે. લાગણીથી તરબતર, એકબીજામાં ભળેલા  હૈયાઓને  છૂટા પાડવાનું પાપ કરી રહ્યા છે. વાતનું વતેસર જ થયું છે.એ શંકર ચૌધરી ને જસુ ચૌધરી વેવાઈ તો ન જ રહેવા જોઈએ. કેમ કે તેમના સાળા સામ સામેની પાર્ટીના છે. વેવાઈઓ વચ્ચે કડવાહટ પેદા થઈ.ને વિવાહ ફોક થયા. જસુ ચૌધરી નવા વેવાઈ સાથે ગોળધાણા ખાવાની તૈયારી કરે છે ત્યાં…

આમ તો શંકર ચૌધરી ને જસુ ચૌધરી બે નાનપણના મિત્રો. સાથે રમેલા ને સાથે ભણેલા. શંકર ચૌધરી ભણવામાં થોડો કાચો,એટલે થોડું ભણ્યો. જયારે જસુ ચૌધરી અવ્વલ નંબર લાવે.પણ ખબર છેને ? નોકરી. ન મલી છતાં બંને સારું કમાતા થયા. નવલોહિયા હતા. લગ્ન પણ સમાન વયે, એક જ ગામમાં કરેલા એટલે પત્નીઓ પણ બહેનપણીઓ. પછી તો  પૂછવું જ શું? એમની મિત્રતામાં ચાર ચાંદ લગી ગયા.  બંને પોતાની પત્નીઓને લઈને ફરવા ગયેલા એ સમયે એકબીજાને વચન આપી દીધેલા કે એકબીજાને પુત્ર-પુત્રી થાય તો સગપણ કરી મિત્રતાને વેવાઈમાં ફેરવી સબંધો કાયમ રાખવા.

ને બન્યું પણ એવું જ  શંકર ચૌધરીના કુટુંબમાં પુત્રી આવી ને જસુ ચૌધરીને ત્યાં પુત્ર. ભાઈબંધી આગળ વધારવા તાજા જન્મેલા તેમના બાળકોના સગપણ કરી દીધા. રૂઢિવાદી સમાજમાં બાળલગ્નનો રીવાજ, એટલે  બાળપણથી જ લગ્ન કરી દેવાના.ગામમાં મળે ત્યાં સુધી બહાર ગામ ન જવાનું. ગામમાં વેવાઈ હોય તો ગામના રાજકારણમાં પીઠબળ રહે.  જસુ ચૌધરી થોડું વધારે ભણેલો એટલે સગપણ બરોબર છે પણ લગ્ન તો બાળકો યુવાન થાય ત્યારે જ કરવાના પણ  શંકર ચૌધરીનું મન કચવાયું. જોકે તેણે મિત્રનું માન રાખ્યું. પુત્રી મીરાં સ્વભાવે મીરાં જેવી જ ને પુત્ર મોહન નટખટ.

શાસ્ત્ર એવું કહે છેકે દીકરી ચૌદ વર્ષની થાય એટલે તેને તેનો જીવનસાથી બતાવી દેવાનો જેથી દીકરીનું મન બીજે કલુષિત ન થાય. અહી તો જન્મીને પાંચ વર્ષનાં પણ ન થયાં ને પાત્રો બતાવી દેવામાં આવેલાં. હવે બાળકો યુવાન થયા છે. એકબીજાને જીવનસાથીના રૂપમાં વર્ષોથી જોતાં આવ્યા છે. તે લગ્નનાં દીવા સ્વપ્નો જોઈ રહ્યા છે.  હવે લગ્ન કરી લેવાં જોઈએ એ વાત બધાને મંજુર  હતી.

પણ કહેવાય છેકે સારા કામમાં સો વિગન આવે. છોકરીનો મામો ને છોકરાનો મામો તેમના ગામમાં કાંઇક  જમીનના હક માટે ઝઘડેલા. ત્યાના સબંધોના સમીકરણોના છેડા અહી આ નિર્દોષ હૈયાને ભોગવાના આવ્યા. જોકે ઝઘડાનું તો બાનુ છે પણ મીરાં પર કેટલાય છોકરાઓના બાપની નજર પડતી. તે પોતાના ઘરની લક્ષ્મી બનાવવા  મામાને કોણીએ ગોળ ચખાડી સબંધોની શતરંજ ખોલવા લાગેલા. સબંધ જો રહે તો મામેરું મામો નહી લાવે. જોકે શંકરે તો પડખાવી દીધું કે મામેરા વિના ચાલશે પણ મેં જે મોઢે ગોળ ખાધો છે એ મોઢે કોલસા તો નહિ જ ખવાય. છતાં સબંધોની શતરંજના પાસા એવા ગોઠવાયા કે સાળાઓની  લડાઈના નામે  શંકર ચૌધરી-જસુ ચૌધરીની મિત્રતા ખંડિત થવા લાગી.  મીરાં ને મોહન તો આ શતરંજનાં પ્યાદાં જ છે લડનાર ખેલાડી તો બીજા જ હતા.

પણ કહેવાય છે કે ક્યારેક પ્યાદું પણ વજીરને માત કરી શકે છે.આમ તો પ્યાદાની  કોઈ હેસિયત નથી હોતી કે તે વજીરને માત કરી શકે. પણ જયાં કોઈનું પીઠબળ હોય તો પ્યાદું ગંતવ્ય સ્થાન સુધી પહોચી શકે છે. મીરાં ને મોહનનાં મન તો ક્યારનાંય એકરૂપ થઈ ગયેલાં હતાં.તેમને એકબીજાનું પીઠબળ તો હતું જ સાથે મીરાંના બાપનું પીઠબળ મળ્યું. ‘મારી દીકરીને મેં નાનપણથી ગાળ ચઢાવી છે એટલે વિવાહ તો ફોક નહિ જ કરું.’ તે ભલે ઓછું ભણ્યો હતો પણ તેને કુદરત પર અટલ વિશ્વાસ હતો કે સબંધ તો ભગવાને પહેલેથી નક્કી કરીને મુકેલા છે તેમાં આપણે કોણ તેને રોકવાવાળા ! બીજું તેણે મોહનરૂપી હીરાને પારખી લીધો હતો તેથી તે ગુમાવવા માંગતો નહોતો. લોકો તો સબંધ તોડાવવા તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. એકબીજા પર ખોટા આર ચઢાવે.

કોઈ કોઈ આવી શંકર ચૌધરીને કહે ‘તારા બગીચામાંથી કોઈ  ફૂલ ચુંટી જાય તે તને યોગ્ય લહે છે.’

‘ફૂલનું ચુંટાવું  એ એની નિયતિ છે, અને સૌને મહેંક આપવી એ ફૂલની પ્રકૃતિ છે.’ શંકર ચૌધરી ચૌધરીને ખબર હતી કે પોતાને ભરમાવવા આવી વાતો આવશે જ એટલે  તરત જવાબ આપતો,

‘પણ આતો નજરે જોયું એટલે…’

‘મારું ફૂલ ગમેત્યાં હશે એ સુવાસ જ આપશે.તમારે નજર રાખવાની જરૂર નથી.’

કહેનારાના પાસા અવળા પડતા.જોકે મીરાં ને મોહન આ સબંધોની શતરંજમાં એવા તો ગુંચવાઈ ગયા હતા કે બહાર નીકળવાનો કોઈ આરો દેખાતો નહોતો. વર્ષોનો સબંધ ફોક થવા પર આવી ઊભો રહ્યો. બીજા ફૂલને પામવા તલપાપડ થવા લાગ્યા.મીરાં ને મોહને નક્કી કરી લીધું આ સ્વાર્થી દુનિયા એક સાથે છેડી દેવી.  જોકે શંકર ચૌધરીની મીરાં-મોહનને હુંફ હતી.

‘તમે  ચિંતા ના કરો  હું સબંધોમાં અટવાયો છું એટલે અત્યારે તમને કાંઈ કહી શકતો નથી પણ ધીરજ રાખો, ઉતાવરે કોઈ પગલું ભરતાં નહિ.’

‘પણ બાપુ…?’

‘દીકરી,  કન્યાદાન મારે કરવાનું છે. તે લોકો ભલેને અત્યારે ઉચાનીચા થતાં.સોગઠી સમય આવે મરાય. અત્યારે તમે ફક્ત તમારી સ્થિરતા રાખો. ’

મીરાં-મોહનને તો આટલી હુંફ ગણી હતી.

જસુ ચૌધરીનું ખમતીલું ઘર એટલે એને કન્યા આપવા કેટલાય તૈયાર હતા. આ સબંધ તૂટે તેણી રાહ જોઈ રહ્યા હતા.કોઈએ સારી કન્યા અપાવવાની વાત કરી. જસુ ચૌધરી ભરમાયો. શંકર ચૌધરીની મિત્રતા તૂટી. જસુ ચૌધરીએ સામે આવી સબંધ તોડ્યો.શંકર ચૌધરી પછડાટ ખાઈ ગયો. લોકો ગમેતે કહે પણ જસુ ચૌધરી નહિ બદલાય તેમ એ માનતો હતો, પણ પોતાની આશા ઠગારી નીકળી. છેલ્લે શંકરે મીરાં-મોહનના કાનમાં બ્રહ્માસ્ત્ર ફૂંકી દીધું.

‘ બેટા, તું મારી દીકરી છો મને તારા પર પૂરો વિશ્વાસ છે.’

‘પણ બાપુ, આબરૂ..’

 ‘હવે આબરુની ચિંતા છોડ,આબરૂ સાચવવા આપણી આબરૂ જ લુંટાઈ જાય ત્યાં સાચવીને શું કરવાની?. હવે એકજ…’

‘ સમજી ગઈ બાપુ.’

જસુ ચૌધરીના ઘરે મોહનના વેવિશાળ કરવા રૂપિયો લઈને સવારે દસ વાગ્યે મહેમાનો આવી પહોંચ્યા, ઘરમાં લગ્નના ગાણા ગવાવા લાગ્યા ત્યાં મોહનનો પત્તો નથી. વર વિના ચોલ્લો કોને કરાવવો. જસુભાઇ અવઢવમાં પડ્યા. મોહનને શોધવા  ઉપડ્યા ત્યાં સામેથી મીરાં-મોહન  ગળામાં વરમાળા પહેરીને આવી ઉભાં. જોઈ બધા જડવત બની ગયા.

જસુ ચૌધરી તો મોહનને મારવા…

‘તું મારો દીકરો થઈ મેં જે થુંકીદીધું છે તે ગળી આવ્યો. મારા ઘરે હવે તારો પગ નહિ! ચાલ્યો જા અહીંથી.

‘ઉભારો બાપુ, તમારે  મને જે કહેવું હોય તે કહો, પહેલાં મારી વાત તો સાંભળો?’

‘શું તારી વાત સાંભળવાની? મારી આબરુની ધૂળધણી કરી નાખી !’

‘બાપુ, તમારી આબરૂ બચાવવા જ મેં આ પગલું ભર્યું છે.’

‘ શું આ… આ  આબરૂ…’

‘અમારો વેવિશાળ તો તમે વષોથી કરી દીધો હતો અમે તો યુવાન થયાં ત્યારથી અમારો સંસાર સજાવતાં હતાં.અમરો સ્વપ્નનો મહેલ તો તમે બધાએ ભેગા થઈ સળગાવી દીધો. તેમાં મેં તો મારા રતનને સાચવવા આ સળગતા મહેલમાં પડતું મુક્યું.’

‘સીધી વાત કર,’

‘બાપુ , આ તમારા ઘરની આબરૂ છે. મીરાં મરવા જતી હતી. તેને બચાવી કારણ એ મરી જાત તો આપણો વારસ પણ સાથે મરી…’ મોહનથી એક ડૂસકું નંખાઈ ગયું.આખી ચોપડ જડ બની ગઈ. મીરાં સસરાને પગે પડી. જસુ ચૌધરીનો હાથ મીરાં-મોહનના મસ્તક પર મુકાઇ રહ્યો.. સબંધોની શતરંજમાં પ્યાદાએ વજીરને માત કરી દીધો. સબંધોની શરણાઈ વાગવા લાગી.

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

Categories: Raghuvir Patel

Tagged as:

Leave a Reply