SHORT STORIES / लघु-कथाए

મેરેજ મંત્ર

‘ના, બેટા. રાહુલ કદી એવું ન કરે. તું નર્વસ છે અને હું આજે થોડો ગિલ્ટી ફિલ કરી રહ્યો છું. મેં આવા ઉમદા માણસોને ઓળખવામાં ભૂલ કેમ ખાધી? એની વે, હું આજે જયસુખભાઈ અને જયાબહેનની માફી માગીને બધુ સમૂસૂતરુ કરી લેવાનો છું. નિશા, આઈ એમ વેરી હેપ્પી ફોર યું.’ આટલુ કહીને પંકજભાઈએ નિશાના માથે હાથ ફેરવ્યો.

નિશા આજે બહુ નર્વસ હતી. રાહુલના મમ્મી-ડેડી સાંજે એને મળવા આવવાના હતા. એને જીવનમાં પહેલીવાર એક પ્રકારની મીઠી મુંઝવણ થઈ રહી હતી. રાહુલના મમ્મી-ડેડી એને  કાંઈ પૂછશે તો પોતે જવાબ આપી શકશે કે નહિ એની નિશાને દ્વિધા હતી.

ખાસ તો એટલા માટે કે રાહુલના આ જ મા-બાપ જ્યારે ત્રણ વરસ પહેલા એનું માંગું લઈને આવ્યા હતા ત્યારે નિશાના ડેડીએ એમનેે  હડધૂત કર્યા હતા. એટલા માટે કે  એમની આર્થિક સ્થિતિ નિશાના ડેડી જેટલી સંગીન નહોતી.

રાહુલ એક મામૂલી કરિયાણાના વેપારીનો દીકરો હતો. જ્યારે નિશા ત્રણ શહેરોમાં બધા મળીને તેર મોટા મોટા મૉલ ધરાવતા કરોડપતિ પંકજભાઈ પારેખની લાડકી પુત્રી હતી. રાહુલ અને નિશા વચ્ચે કોલેજકાળથી મૈત્રી હતી. રાહુલના ધીરગંભીર અને સાલસ સ્વભાવ અને ઉંચા આદર્શો ઉપરાંત તીક્ષ્ણ બુદ્ધિમતાને કારણે નિશા ક્યારે એના તરફ આકર્ષાઈ એનું એને ભાન ન રહ્યું.

કોલેજના પ્રથમ વર્ષમાં બંને વચ્ચે છાશવારે મતભેદો થતા. એનું કારણ કદાચ નિશાનું પોતાના રૂપ અને પૈસાનું અભિમાન હતું. તૌરમાં ને તૌરમાં એ ક્યારેક રાહુલને બધાની વચ્ચે ઉતારી પણ પાડતી પરંતુ રાહુલ ક્યારેય આવા નાના નાના પ્રસંગોને ગાંઠે બાંધતો નહિ. એ જેટલો ભણવામાં હોશિયાર હતો એટલે સ્વભાવથી પણ  ઉદાર  પણ હતો. એટલે જ ક્લાસના બધા વિદ્યાર્થીઓ એને માનની નજરે જોેતા.

નિશા ભણવામાં ઠોઠ નહોતી  પણ આળસુ હતી. એને કોલેજમાં લેક્ચર ભરવાનો અને ચોપડી હાથમાં લઈ વાંચવા બેસવાનો બેહદ કંટાળો આવતો. યુનિવર્સિટીની એક્ઝામ સિવાય એ કોલેજની કોઈ એક્ઝામને ગંભીરતાથી નહોતી લેતી. આખું વરસ ઠાગાઠૈયા કર્યા બાદ એ ફાઈનલ એક્ઝામના બે મહિના પહેલા વાંચવાનું શરૂ કરતી.

ગોખણપટ્ટી કરીને એ પરીક્ષાની તૈયારી કરતી અને મેથ્સ કે સ્ટેટિસટિક્સ જેેવો અઘરો વિષય હોય તો ભણવા માટે રાહુલ પાસે પહોંચી જતી. દર વરસે કોલેજમાં ફર્સ્ટ આવતો રાહુલ પોતાના બિઝી શેડયુલમાંથી સમય કાઢી નિશાને ભણાવતો. એના જોરે નિશા ફાઈનલ પરીક્ષાની કસોટીમાંથી પાર ઉતરી જતી. એ ગ્રેજ્યુએટ થઈ એમાં રાહુલ અગત્યનો ફાળો હતો. નિશાને આજે પણ બધુ જ યાદ હતું.

ગ્રેજ્યુએશન બાદ રાહુલ આઈઆઈએમમાં જોેડાવા કૅટની તૈયારીમાં લાગી ગયો હતો. જ્યારે નિશાએ આગળ ભણવાનું માંડી વાળ્યું હતું. એને મન તો ગ્રેજ્યુએટ થવું જ મોટી વાત હતી. માલેતુજાર પિતાની દીકરી હોવાને કારણે એને રાહુલની જેમ પોતાની કરિઅર બનાવવાની કોઈ ચિંતા નહોતી. એને બદલે લગ્નની ઉતાવળ હતી. એટલે નિશાએ રાહુલની અનિચ્છા છતાં એને ડેડી પાસે પોતાનું માગું નાખવા મનાવી લીધો. રાહુલે આ જવાબદારી પોેતાના સ્વભાવે રાંક એવા મા-બાપને સોંપી.

એમને મન દીકરાના સુખથી વિશેષ કાંઈ નહોતું એટલે પંકજ પારેખ જેવા મોટા માણસ પાસે એની દીકરીનું માગુ લઈને જવાની પોતાની હેસિયત ન હોવા છતાં એમણે હિંમત કરી. અને રાહુલને જેની બીક હતી એવું જ બન્યું. પંકજભાઈએ એના પિતા જયસુખલાલ અને માતા જયાબેનને ઘરને બદલેપોશ ઓફિસમાં જ મળવા બોલાવ્યા. એક ચતુર અને ખંધા બિઝનેસમેન હોવાને નાતે પંકજભાઈ જાણતા હતા કે જયસુખલાલ અને જયાબહેનને  મારા બંગલે મળવા  બોલાવીશ તો પુત્રી નિશાની શરમે મારે એમની કમને આગતા સ્વાગતા કરવી પડશે અને મારે એમને જે કહેવાનું છે એ કહી નહી શકું.

એટલે એમણે ઓફિસમાં પોતાની કોન્ફરન્સ રૂમમાં જ મિટીંગ રાખી. જયસુખલાલ અને જયાબહેન તો  પંકજભાઈની સેન્ટ્રલી એરકન્ડીશન્ડ કોર્પોરેટ ઓફિસ જોઈને ડઘાઈ જ ગયા. પંકજભાઈનો વિશાળ સ્ટાફ અને એમનો ઠાઠ જોઈને એમની જીભ જ સીવાઈ ગઈ. બંને એપોઈન્ટમેન્ટના ટાઈમની ૨૦ મિનિટ પહેલાં જ પહોંચી ગયા હોવા છતાં પંકજભાઈની સેક્રેટરીએ એમને બહાર રિસેપ્શનમાં પોણો કલાક બેસાડી રાખ્યા. અનુભવી જયસુખભાઈને એ સમજતા વાર ન લાગી કે આ બધું પંકજભાઈની સૂચનાથી થઈ રહ્યું છે. ભલોભોળા ગૃહિણી જયાબહેનને આવી બધી સ્ટ્રેટજીઓ ક્યાંથી સમજાય?

ખેર, પોણો કલાક અધ્ધર શ્વાસે બેસી રહ્યા બાદ એક પ્યુન બંનેને કોન્ફરન્સ રૂમ તરફ દોરી ગયો. ખાસ્સા લાંબા રૂમની વચ્ચોવચ એક લાંબુ ગ્લાસટેબલ હતું અને એની ફરતી લાલ રંગની ખુરશીઓ હારબંધ ગોઠવાયેલી હતી. પંકજભાઈ એક મોટી રિવોલ્વિંગ ચેરમાં બેસી ફોેન પર પોતાના સ્ટાફને એક પછી એક સૂચનાઓ આપી રહ્યા હતા.

એમની સામે ખુરશી પર ગોઠવાયેલો જયસુખભાઈ અને જયાબહેન તરફ એમણે પંદરેક મિનિટ બાદ માંડ એક નજર નાખી, ‘હા, તો બોલો! શું હતું ? યુનો આઈ એમ બિઝી અપ ટુ નેક! સો પ્લીઝ હરી અપ!’ ‘એ તો સાહેબ, અમારા દીકરા રાહુલ અને તમારી દીકરી નિશાની વાત કરવી હતી. આપણા બંને છોેકરાવ એકબીજાને ચાર વરસથી ઓળખે છે અને હવે મેરેજ કરવા માગે છે.

એટલે, તમારી સાથે…’ જયસુખભાઈ માંડ ત્રૂટક ત્રૂટક શબ્દોમાં આટલું બોલી શક્યા. પંકજભાઈએ એમનંું છેલ્લું વાક્ય પૂરું ન થવા દઈને પોતાનું લેક્ચર ચાલુ કરી દીધું. ‘નિશા તો હજી છોકરું છે. એની ઉંમર જ શું છે! એકવીસ વરસની ઉંમર, કાંઈ પરણવાની ઉમર છે! અને હું તમને પૂછું છું શું નામ તમારું? ચાલો, જે હોય તે, છોેકરાવ તો આવુ બધુ બોલ્યા કરે પણ આપણે વડીલોએ તો પ્રેક્ટિકલ થવું પડે ને! લગ્ન એટલે કાંઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ થોડા જ છે!’

‘એ તો સાહેબ, રાહુલે કહ્યું કે નિશા હવે આગળ ભણવા નથી માગતી. એટલે એને મેરેજ કરી લેવા છે…’

‘રાહુલે કહ્યું અને તમે માની લીધું? તમારો દીકરો હજુ તો માંડ ગ્રેજ્યુએટ થયો છે એ હજુ તમારી પાસે જ પોકેટમની માગતો હશે, નહિ? એટલે મેરેજ પછી મારી દીકરી પણ પૈસા માટે તમારી સામે હાથ ફેલાવીને ઊભીરહેશે… સાહેબ, એ મા વગરની છોકરીને મેં આજ સુધી ફુલની જેમ સાચવી છે. મારી પોતાની સામે પણ હાથ ફેલાવવાની નોબત એના માટે આવવા નથી દીધી. એના એકાઉન્ટમાં પાંચ-સાત લાખની  બેલેન્સ પડી જ હોય …. મેં ક્યારેય એને પૈસાનો હિસાબ પૂછ્યો જ નથી.

તમારા ઘરે આવીને નિશા પોતાની આવી લેવિશ લાઈફસ્ટાઈલ જાળવી શકશે? હજુ તો એની મોજ-મજા કરવાની ઉમર છે… મેં એને કાલે જ કહ્યું કે તારી  બહેનપણીઓ સાથે એકાદ વર્લ્ટ ટુર કરી આવ. આ મેરેજ  -બેરેજમાં શું રાખ્યું છે?’ પંકજભાઈ હજુ લાંબુ ચલાવત પણ જયસુખભાઈ વચ્ચે જ ઉભા થઈ ગયા, ‘સમજી ગયો, સાહેબ, તમારી વાતનો સાર સમજી ગયો… આ તો દીકરા પ્રત્યેની લાગણી અમને અહીં ખેંચી લાવી. બાકી તો કયાં રાજા ભોજ અને કયાં ગંગુ તૈલી! અમે હવે જઈશુ .તમારો કિંમતી સમય બગાડયો એ  બદલ ક્ષમા ચાહું છું.’

‘બહુ જલદી સમજી ગયા ભાઈ! ગમે તેમ તો વેપારીના દીકરાને એક વેપારી જ બીજા વેપારીની વાત સમજી શકે. ક્યારેક ચા પીવા ઘરે આવો…’ પંકજભાઈ ઔપચારિકતામાં આટલું બોલી ગયા.

નિશાને આ બધુ આજે પણ અક્ષરશ: યાદ હતું. આ બધી વાતની જાણ થયા બાદ એ રાહુલના ઘરે ગઈ ત્યારે એ આઈઆઈએમમાં જોડાવા લખનઉ રવાના થઈ ગયો હતો. એ પોતાના ડેડીને તો કાંઈ કહી શકે એમ નહોતી  પણ રાહુલને એણે  ઈ-મેઈલ કરીને માફી માગી લીધી. પછી તો બે વરસ સુધી બંને નેટ પર ચેટીંગ કરતા રહ્યા. એ દરમિયાન પંકજભાઈએ પોતાના બિઝનેસ સર્કલમાં નિશા માટે મુરતિયા શોેધવા માંડયા.

તેઓ લગભગ દર બીજા મહિને નિશાની કોઈને કોઈ શ્રીમંત ઘરના નબીરા સાથે મિટીંગ ગોઠવતા. એમનું મન રાખવા નિશા યુવાન ઉમેદવારને મળવા જતી પણ પછી ‘છોકરો મને નથી ગમતો’ કહીને વાત પર પડદો પાડી દેતી. પંકજભાઈને એથી ગુસ્સો આવતોે પણ તેઓ લાડકોટથી ઉછેરેલી દીકરીને કાંઈ કહી શકતા નહિ.

રાહુલ બે વરસમાં આઈઆઈએમમાંથી એમબીએ થઈ ગયો. એને એક અમેરિકન ફાયનાન્સ કન્સલ્ટન્ટ કંપનીમાં વરસે એક કરોડના પગારની જોબ મળી ગઈ. એથી એનોે આત્મવિશ્વાસ વધ્યો.  અને મુંબઈ આવીને નિશાને મળવા સીધો એના બંગલે ગયો. એ વખતે પંકજભાઈ પણ ઘરમાં હાજર હતા.

એમણે રાહુલ સાથે લગભગ અડધો કલાક અલકમલકની વાત કરીને જાણી લીધું કે એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. એમનો રાહુલ  વિશેનો મત તો બદલાઈ ગયો હતો પણ  મનમાં  પ્રશ્ન થતો હતો કે એના મા-બાપ શું ભૂતકાળના પેલા કડવા પ્રસંગને ભૂલી શકશે ખરા?  ત્રણ વરસમાં ઘણં બધું બની ગયું હતું.

પંકજભાઈને મળીને રાહુલ નિશાના રૂમમાં ગયો. એણે જોયું કે એના આગમનનો નિશાના ચહેરા પર ઉમળકો હતો પણ સાથોસાથ  એક પ્રકારનો ભય અને ખચકાટનો ભાવ પણ હતો. થોેડીવાર બાદ નિશાએ પોતે જ એનોે ખુલાસો કર્યો, ‘રાહુલ, આપણી વચ્ચે ઘણું બધુ બદલાઈ ગયું છે.

તું હવે હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ બની ગયો છે અને હું એક એવરેજ ગ્રેજ્યુએટ છોેકરી. તને મારે બીજી પણ એક અગત્યની વાત કરવી છે…’ એટલું કહીને નિશાએ પોતાના હાથ પરથી શર્ટની બાંય સેરવી. એના બંને હાથ પર બબ્બે સફેદ ડાઘ જોઈને રાહુલ ચોંકી ગયો. નિશાએ એને કોઢના સફેદ ડાઘ નીકળવાની વાત કરી.

લગભગ એકાદ વરસથી એને સફેદ ડાઘ નીકળ્યા હતા, જે અનેક પ્રકારની દવા કરવા છતાં જતા નહોતા. ડોક્ટરોનો એવો મત હતો કે ભવિષ્યમાં સફેદ ડાઘ શરીરના બીજા ભાગમાં પણ નીકળી શકે છે. નિશાના આ  પ્રોબ્લેમને કારણે પંકજભાઈને પણ હવે બીપીની તકલીફ રહેવા માંડી હતી.

નિશાના મોઢેથી આ બધુ સાંભળીને રાહુલ  પામી ગયો કે એના મનમાં શું છે! એ કદાચ હવે પોતાને રાહુલને લાયક નહોતી સમજતી. થોડીક વાર સુધી બંને એકબીજાને તાકી રહ્યા. નિશાની આંખ ભીની  થઈ ગઈ. રાહુલે પોતાના  હાથરૂમાલથી એના આંસુ લૂછ્યા અને પછી નિશાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, ‘નિશુ, હું તારા મનમાં ચાલતી ઉથલપાથલ સમજી શકું છું.

પણ તુ મને એક સવાલનો જવાબ દે કે તારે બદલે મને આવા સફેદ ડાઘ નીકળ્યા હોત તો તું મને મૂકીને કોઈ બીજા સાથે લગ્ન કરી લેત? શ ું આપણે માત્ર શારીરિક દેખાવને કારણે એકબીજાના પ્રેમમાં છીએ? અને આપણા મેરેજ પછી આપણાં બંનેમાંથી કોઈને શારીરિક વ્યાધિ આવ્યો હોત તો? કમ ઓન,  ફરગેટ ઈટ. પ્રેમમાં પડયા ત્યારે આપણી વચ્ચે કોઈ શરત નહોતી તો હવે શા માટે? નિશુ, એક વાત સમજી લે જે કે હું લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે જ અને કદાચ તૂ ત્યાગ, બલિદાનની ભાવનાથી પ્રેરાઈને લગ્નની ના પાડી દઈશ તો હું જિંદગીભર કુંવારો રહીશ. હવે અંતિમ નિર્ણય હું તારા પર છોડું છું.’ આટલું  કહીને રાહુલ ઝડપથી નિશાનો રૂમ છોડી ગયો હતો. એના ગયા  બાદ નિશાની આંખોમાં ગર્વ અને હર્ષના આંસુ આવી ગયા હતા.

‘નિશા, તારે તૈયાર નથી થવું.  સાંજ પડવા આવી. હમણા જયસુખભાઈ અને જયાબહેન આવી પહોંચશે. બેટા, તું આખો દિવસ બેઠી બેઠી શું વિચાર કર્યા કરે છે?’ પંકજભાઈ ઓફિસેથી આજે વહેલા આવી ગયા હતા. એમણે  નિશાને ફ્લેશ બેકમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. ખુશીથી ઝૂમી ઉઠેલી નિશા પંકજભાઈને વળગી પડી, ‘ડેડી, આઈ એમ અ બિટ નર્વસ. રાહુલે એના મમ્મી-પપ્પાને મારા વિશે બધી વાત તો કરી હશે ને? કાંઈ છૂપાવ્યું તો નહિ હોય?’

‘ના, બેટા. રાહુલ કદી એવું ન કરે. તું નર્વસ છે અને હું આજે થોડો ગિલ્ટી ફિલ કરી રહ્યો છું. મેં આવા ઉમદા માણસોને ઓળખવામાં ભૂલ કેમ ખાધી? એની વે, હું આજે જયસુખભાઈ અને જયાબહેનની માફી માગીને બધુ સમૂસૂતરુ કરી લેવાનો છું. નિશા, આઈ એમ વેરી હેપ્પી ફોર યું.’ આટલુ કહીને પંકજભાઈએ નિશાના માથે હાથ ફેરવ્યો.

અચાનક તેઓ રૂમની બહાર જતા અટક્યા અને પાછા ફરીને નિશાના ગાલે ટપલી મારી કહ્યું, ‘તારો રાહુલ તો બહુ ઉતાવળો છે, ભાઈ. હું ઓફિસેથી ઘરે આવવા કારમાં બેઠો ત્યારે મારા સેલફોન પર એનો ફોન આવ્યો હતો. મને કહે કે અંકલ તમને વાંધો ન હોય તો મારે બે મહિનામાં જ નિશા સાથે મેરેજ કરી લેવા છે. તમે અને નિશાએ મને મુરતિયા તરીકે પસંદ કરી લીધો છે ત્યારે હું હવે મોડું કરીને કોઈ જોખમ ઉઠાવા નથી માગતો. આફ્ટર ઓલ, હું તકવાદી માણસ છું!  એનું પ્રપોઝલ સાંભળીને મેં તો હા પાડી દીધી છે.

બેટા, હવે તારું શું કહેવું છે? પંકજભાઈને જવાબ આપવાને બદલે નિશા દોડીને બાથરૂમમાં ભરાઈ ગઈ. એ કદાચ જાણતી હતી કે રાહુલને લગ્નની ઉતાવળ શા માટે હતી?

-અજ્ઞાત 

Leave a Reply