સગાઓ વારાફરતી આવતા ગયા .દરેક જણ કલ્પનાબેન ને જાતજાતના વાક્યો સંભળાવતા રહેતા હતા. કોઈ કહેતું હતું કે, “દુનિયાનો નિયમ છે કે આંગળીથી નખ વેગળા “તો કોઈ કહેતું હતું કે ,”જેના તે તેના ,પારકા તે કંઈ પોતાના થતા હોય? કલ્પનાબેન ,તમે તો ખરેખર દૂધ પીવડાવીને સાપ ઉછેર્યાે છે. “
કલ્પનાબેન દરેકની વાત સાંભળતા અને કહેતાં ,”હું તો દરરોજ ગીતાપાઠ કરું છું મારા મતે ગીતા એ વાંચવાનો વિષય નથી. ગીતાનો દરેકે દરેક શબ્દ જીવનમાં ઉતારવા જેવો છે .જે વાત ગીતામાં નથી એ બીજે ક્યાંય નથી. દુનિયામાં તો ગીતા જેવો બીજો કોઈ ગ્રંથ નથી. નાનપણથી હું ગીતાપાઠ કરું છું .ગીતાપાઠ મેં મારા જીવનમાં ઉતાર્યો છે .હું સુખમાં છકી નથી જતી કે દુઃખમાં ભાંગી નથી પડતી. ગીતામાં લખ્યું છે તેમ હું સ્થિતપ્રજ્ઞ સ્થિતિ ધરાવું છું .તમે મને કંઈ પણ કહેશો, મારી તો સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે ,મેં જે કંઈ પણ પણ કર્યું એ મારી ફરજ હતી. એથી આ વિશે હવે હું કંઈ જ સાંભળવા માંગતી નથી. “
કલ્પનાબેન રાતના સૂતી વખતે વિચારતા હતા કે એમને જિંદગીમાં કોઈ વાત નો મોહ રાખ્યો નથી .જ્યારે લગ્ન કર્યું ,આ ઘરમાં આવી ત્યારે લગ્ન પછીના થોડા દિવસો ખૂબ આનંદમાં પસાર થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની થોડા દિવસ બહારગામ સાથે જાય છે એ દરમિયાન બંને જણા એકબીજાના સ્વભાવ થી પૂરેપૂરા પરિચિત થઈ જાય છે .કલ્પનાબેન પણ પતિના સ્વભાવને જાણી ચૂક્યા હતા.
બહારગામથી પાછા ફર્યા બાદ કલ્પનાબેને જોયું કે પતિ ઉદાસ રહે છે. જો કે ઓફિસમાં તે ઉચ્ચ પદ પર હતા. એમના કહેવા મુજબ તેમના હાથ નીચે કામ કરનારા પણ બહુ સારા માણસો હતા. તો પતિ ઉદાસ કેમ રહે છે એ બાબતે કલ્પનાબેન વિચારતા હતા. કારણ કે ગામડે ખેતી હતી,સાસુ-સસરા નોકરો-ચાકરો રાખી દેખરેખ રાખતાં હતા. ખેતીમાંથી પણ તગડી આવક થતી હતી. શહેરમાં પોતાનું ઘર હતું. એકલા રહેવાનું હતું એ પણ પૂરી નિષ્ઠાથી પતિને સાચવતા હતા. તો પછી ઉદાસ રહેવાનું કારણ શું હતું?
તેથી જ એક દિવસ કલ્પનાબેને પૂછી લીધું “તમને મારા તરફથી કોઈ મનદુઃખ છે? મારી કંઈ ભૂલ થઈ ગઈ છે ?તમે ખૂબ ઉદાસ રહો છો, મને તમારી ઉદાસીનતા નું કારણ કહો તો હું પણ તમને થોડી મદદરૂપ થઇ શકુ.”
પતિ થોડીવાર પત્ની સામે જોઈ રહ્યો રહ્યો. આજકાલની આવેલી તેની પત્ની એને પૂરેપૂરી સમજી ચૂકી છે એ તો એના માટે આનંદનો વિષય હતો. મનમાં વિચાર પણ આવી ગયો કે મા-બાપે ખાનદાન ખોરડું જોઈને આ સંસ્કારી છોકરી સાથે એનાં લગ્ન કરાવ્યા છે, તેથી હવે મનની વાત કરવામાં વાંધો નથી.
થોડા ખચકાટ સાથે કલ્પનાબેન ના પતિ બોલ્યા ,”આમ તો ખાસ કારણ નથી, પણ મને લાગે છે કે હું કંઈક કહું અને તને ના ગમે તો ક્યાંક આપણા સંબંધોમાં મનદુ:ખ ઊભા ના થાય.”
પતિને વાત કરતા અટકતા જોઈ કલ્પનાબેન બોલ્યા, “તમે મનની વાત નહીં કરો તો મને ક્યાંથી ખબર પડશે કે તમારા મનમાં શું છે ?હવે આપણે પતિ-પત્ની છીએ એક બીજાના સુખે સુખી અને દુ:ખે દુખી”.
“સાચી વાત છે તારી. તો સાંભળ કે અહીંથી થોડે દૂર એક નાનકડા ગામમાં મારા માસી રહે છે એમને ચાર દિકરીઓ છે. ખેતીની ખાસ આવક થતી નથી. એમના ઘરનું ગાડું માંડ ચાલે છે. મારી ઈચ્છા એમને મદદરૂપ થવાની છે. જો કે મારા મા-બાપ દર મહિને થોડી ઘણી મદદ તો કરે જ છે. મારા માસા માસીએ મને ઘણો પ્રેમ આપ્યો છે. બંને જણા ખૂબ સારા છે. મારી ઈચ્છા માસીની ચારમાંથી એક દીકરીને અહીં ભણાવવાની છે જો તને વાંધો ના હોય તો.”
પતિ ની વાત પૂરી થતાં પહેલા જ કલ્પનાબેન બોલી ઉઠ્યા, “સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. તમારી સાથે લગ્ન કરવાની મારી ઇચ્છા એટલા માટે ન હતી કે તમે એક ના એક હતા. તમે નોકરી એ જાવ ત્યારે હું ઘરમાં એકલી પડી જવું અને અમારા ઘરમાં સંયુક્ત કુટુંબ ,એમાં અમે બાર ભાઈ બહેનો અને બે કાકા કાકી અને મારા મા-બાપ મારે એકલા રહેવું જ ન હતું, તમે તો મારા મનની વાત છીનવી લીધી. તમે જરૂરથી તમારી માસી ની દીકરી બહેન ને લઇ આવો. હું એને મારી દીકરીની જેમ રાખીશ”.
કલ્પનાબેન જોયું કે પતિ ના મોં પર પરમ સંતોષ હતો. ટૂંકસમયમાં નાની ઢીંગલી જેવી માત્ર પાંચ વર્ષની પ્રગતિ ઘરમાં આવી ગઈ. કલ્પનાબેન ખુબ જ ખુશ હતા. ક્યાં સવાર પડતી અને ક્યાં સાંજ પડતી એ જ ખબર પડતી ન હતી. પ્રગતિની વાતોથી ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું હતું .પ્રગતિ પણ કલ્પનાબેન જોડે હળીમળી ગઈ હતી. એટલે સુધી કે વેકેશનમાં પણ એના મા-બાપ પાસે જવા રાજી ના હોય .એની દુનિયા એટલે કલ્પનાબેન અને તેમના પતિ.
પ્રગતિના આગમન બાદ પાંચ વર્ષોમાં સૌરભ અને સંસ્કૃતિનું આગમન થઈ ગયું. ત્રણેય ભાઈ- બહેનો સંપીને આનંદથી રહેતા હતા .પણ સમય ક્યાં કોઇની પ્રતિક્ષા કરે છે! પ્રગતિ ગ્રેજ્યુએટ થઈ એ સાથે જ એના માટે પરદેશથી આવેલા મૂરતિયા નું માંગુ આવ્યું. બંને જણે એક-બીજાને પસંદ કરી લીધા હતા. એટલું જ નહીં, પણ પ્રગતિ ના લગ્ન પણ કલ્પનાબેન અને તેમના પતિએ પોતાના ખર્ચે કરાવ્યા. લગ્ન બાદ થોડા સમયમાં જ પ્રગતિ ને પરદેશ જવાનું થયું ત્યારે એની મા કરતાં પણ વધુ એના ભાઈ ભાભી ને બાઝી ને રડી રહી હતી.
ત્યારબાદ પ્રગતિના અવારનવાર ફોન આવતા. એ પરદેશમાં એના પતિ સાથે સુખી છે એ જાણીને કલ્પનાબેન તથા એના પતિ ખુશ થતા. જ્યારે પ્રગતિને સારા દિવસો જઈ રહ્યા છે, ત્યારે એ સમાચાર સાંભળતાં જ કલ્પનાબેન ખુશ થઈ ગયા હતા. પરંતુ પ્રગતિ એ એની મમ્મીને અમેરિકા આવવા માટે ટિકિટ મોકલી કે મારા બાળકને સાચવવા તું આવજે. બીજી વખતે દીકરી આવી ત્યારે પણ પ્રગતિ એ એના મમ્મી ને જ ટિકિટ મોકલી ને બોલાવ્યા. જ્યારે જ્યારે પ્રગતિને તકલીફ પડે ત્યારે એની મમ્મીને જ બોલાવતી. જો કે એક વાત જરૂર હતી કે કલ્પનાબેન જોડે ખૂબ જ સારા સંબંધ રાખતી હતી. પ્રગતિ નોકરી કરતી હતી તેથી વારંવાર મુશ્કેલીના સમયમાં એની મમ્મીને જ બોલાવતી. તેથી જ બધાને લાગતું કે પ્રથમ હક કલ્પનાબેન નો છે, એમને જ આ છોકરીને નાનેથી મોટી કરી, છતાં પણ જ્યારે જરૂર પડે ત્યારે એની માને કે સાસુ ને બોલાવે છે, ભાભીને નહીં જ.
જોકે કલ્પનાબેન ના દિકરા દિકરીઓ માટે ત્યાંથી ઢગલો વસ્તુ મોકલતી. કલ્પના બેન વિચારતા કે આથી વધારે મારે શું જોઈએ? એ તો અમારી દીકરી છે અને દીકરીની વસ્તુ લેવી અમને નથી ગમતી, ત્યારે પ્રગતિ કહેતી ,”ભાભી હું તો મારા નાના ભાઈ અને બહેન માટે મોકલું છું.”
જ્યારે કલ્પનાબેન ના દિકરા અને દીકરી ના લગ્ન હતા ત્યારે પણ પ્રગતિ આવી શકી ન હતી ખરેખર તે કહેતી, ” મને ભારત આવવાની ઈચ્છા નથી થતી”.
પરંતુ પ્રગતિ નો દીકરો ગ્રેજ્યુએટ થયો કે તરત એને એની પસંદગી ની છોકરી સાથે લગ્ન કરી લીધા.જોકે એ વખતે પણ એના સાસુ તથા એના મમ્મી ને લગ્નની તૈયારી માટે બોલાવેલા. તેથી જ સગાસંબંધીઓ કહેતા ,”કલ્પનાબેન તમે એને નાનેથી મોટી કરી એનો ગુણ જ ક્યાં છે?
ત્યારે કલ્પનાબેન કહેતા “પ્રગતિ ને રાખવાનો નિર્ણય શાંત ચિત્તે કરેલો. શાંત મનથી મેળવેલું સુખ મુક્તિ અપાવનારું હોય છે. આવા બંધનમાં નાખતું નથી , મારે શા માટે આશા રાખવી કે પ્રગતિ મને બોલાવે !સુખ મેળવવામાં છે એથી વધુ આપવામાં છે એવી દ્રષ્ટિ કેળવી એ તો પછી દુઃખ થાય જ નહીં.
પ્રગતિ ની યાદો હંમેશા કલ્પનાબેન માટે સુખદ્ હતી .માત્ર લગ્નના પંદર દિવસ બાદ પ્રગતિના સાસુ-સસરા તથા એના મા-બાપ પાછા આવ્યા એના બીજા જ દિવસે પ્રગતિ નો ફોન આવ્યો “ભાઈ ભાભી હું ટિકિટ મોકલું છું તમે અહીં આવતા રહો. હવે તમે દીકરા-દીકરીના લગ્ન બાદ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છો. મેં પણ નોકરી છોડી દીધી છે. મારી ઇચ્છા હતી કે હું આખો સમય તમારી સાથે જ રહું. તમે આખી જિંદગી મારા માટે ઘણો ભોગ આપ્યો છે. મારા દીકરા તથા દીકરીના જન્મ વખતે મારે તમને તકલીફ આપવી નહોતી. મારે તો તમને મહારાણીને રાજાની જેમ રાખવા હતા. તમને મારે આખુ અમેરિકા ફેરવવા છે. આટલા વર્ષોમાં અમે ખૂબ કમાયા છીએ. તમારા જમાઈની પણ એજ ઈચ્છા છે કે તમને બંને જણાને અમેરિકામાં ખૂબ ફેરવવા. તમે ડોલરની ચિંતા ના કરતા માત્ર તમારા કપડાં લઈને આવજો. તમારી સેવા કરવાનો લ્હાવો અમને આપજો. તમને બોલાવવાનો ઘણી વખત વિચાર આવતો હતો પણ અમને બંનેને જોડે રજા મળે એમ ન હોતું.જ્યારે રજા નો મેળ પડ્યો ત્યારે સૌરભ અને સંસ્કૃતિ વારાફરતી દસમા કે બારમામાં હોય. તમે આવી ના શકો એ સ્વાભાવિક છે. તમે આવો, અમારે તમારી ખૂબ સેવા કરવી છે. તમારું સ્થાન તો મા બાપ થી પણ ઉંચુ છે. જેમ આજે પણ આપણે કહીએ છીએ કે દેવકી કરતા યશોદાને કૃષ્ણ એ વધુ મહત્વ આપ્યું છે. તમે તો મારા માટે યશોદા માતા છો.”
ત્યારબાદ પ્રગતિ ઘણું બધું ફોન ઉપર બોલતી ગઈ ,પણ કલ્પનાબેન ના આંસુ રોકાતા નહોતા. આજે પ્રગતિ અને સંસ્કૃતિ બંને દીકરીઓ કલ્પનાબેન માટે સરખી જ લાગણીથી ધરાવી રહી છે.
એ વાતનો કલ્પનાબેન ને અહેસાસ થઇ રહ્યો હતો. એમને તો માત્ર પ્રગતિને દીકરીની જેમ ઉછેરી એ પણ કોઈપણ જાતની અપેક્ષા વગર. ખરેખર ગીતામાં કહ્યું છે કે આપણે શા માટે સુખ ની રાહ જોવી. ખરેખર તો સુખ જ આપણી રાહ જુએ છે કારણ કે એમને જે કર્મ કર્યું એ પણ ફળની આશા વગર.
વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮
Categories: Nayna Shah