Mythology

પુરુષોત્તમ માસની કથા-શ્રી કાંઠાગોરની વાર્તા

ભૃગુપુર માં એક ડોશી રહે જેનું નામ જમના ડોશી. એ ડોશી ને બે દીકરા. બંને ખાધેપીધે સુખી પણ ડોશી દીકરાથી જુદી રહે, અને ધર્મધ્યાન કરે,કથા-કીર્તન કરે. કોઈને ખવડાવીને ખાય એવો સતિયો જીવ.

એકવાર અધિક માસ આવતા જમના ડોશી એ વ્રત લીધાં. સાથે નાની વહુ એ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નહાવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણાં કરે. આ જોઇને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડકોડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણા નું અપમાન કરે, ભજન ને પાંડે. વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેંત ઊંચી ચાલે.

જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની. નાનપણથી જ ધર્મનાં સંસ્કાર મળેલા. સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એનેય ભગવાન ફળે.

ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી., “ભાભી વ્રતમાં વ્રત અધિકમાસનું. તમેય ચાલો ને અમારી સાથે. નદીકાંઠે ન્હાશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું અને મંદિરે જઈ કથા સાંભળશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે.”

આ સાંભળીને જેઠાણી છણકો કરતાં બોલી, “જા બાઈ જા. તું છે વેવલી ને ડોશી છે નવરી. મારે તો ઘડીનીય નવરાશ નથી. કરમ ફૂટે કાંઠાગોર પૂજે. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારે તો બત્રીસ ભોજન અને તેત્રીસ શાક, કપાળે ટીકો અને કાંખમાં કીકો, ઝુલતું પારણું અને ઘમ્મર વલોણું, ખદબદતી ખીચડીને સુવાવડી દીકરી.. તમ તમારે રહો ભૂખ્યા અને બાંધો ના પોટલા…”

જેઠાણી નું આવવું અભિમાન જોઈ વિચારી દેરાણી તો ગળગળી થઇ ગઇ ભગવાનનું અપમાન ભક્ત થી કેવી રીતે સહન થાય? એ તો ગઈ સાસુ પાસે, ત્યારે સાસુમા બોલ્યા; “કરે ઈ ભરે અને વાવે ઈ લણે. એના કર્યા એ ભોગવશે.”

સાસુ વહુ તો પાછા ધર્મધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ.

પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરીયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોળો ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્રો ગળી ગયા. સુખમાં સાંભરે સોનું અને દુઃખમાં સાંભરે દેવ.

જેઠાણી તો ગઈ દેરાણી પાસે. રડતા રડતા કાળા કેર ની વાત કરી. દેરાણી અને છીંકણી સુંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી રે માડી! મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાંખર ગયા,સવળા નાંખુ તો અવળા પડે છે… માટે મારગ ચીંધો.. તમે કહો એ મારગે ચાલીશ.

ત્યારે સાસુ બોલ્યા;- “વહુ રેવહુ! તે કાંઠાગોર ને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાનમેદાન કરે. છૂટવું હોય તો પુરૂષોત્તમ માસનું વ્રત કર, કાંઠાગોર ને રીઝવ, મનથી માફી માંગ. થાય એટલું ધરમ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ પણ ધર્મનું અપમાન ન કરીએ.”

ત્યારે જેઠાણી રડતાં રડતાં બોલી – માડી રે માડી.. હું તો આંધળી ને વળી અજ્ઞાન, ન ધરમ જાણું ન ધ્યાન….કઈ રીતે કાંઠાગોર ને રીઝવું?

સાસુ બોલ્યા- ખભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો ક્રશ, થાળમાં અબીલ- ગુલાલ, ધૂપ- દીપ અને શ્રીફળ, સોપારી લઈને વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. “કાંઠાગોર રીઝે તો અભરે ભરે”

જેઠાણીએ તો સાસુ ના કહેવા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી. પછી ચુંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માગી. – હે માં પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. માટે દયા કરો… દયા કરો… સાત ભવ માં આવી ભૂલ નહીં કરું.

જેઠાણી ના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર ને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરીનાં સાસરેથી શુભ સમાચાર આવ્યા., સીમમાંથી ઢોરઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાનાં થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મધ્યાન તરફ વળી તેથી દેરાણી અને સાસુ મા પણ રાજીના રેડ થઈ ગયા…

હે કાંઠાગોર! તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુ ને ફળ્યા એવા વ્રત કરનાર અને સાંભળનાર સૌને ફળજો..

કાંઠાગોરની કૃપા થકી સુખ-સમૃદ્ધિ છલકાય.

*ઘોર પાપ થી મળે મુક્તિ પરલોકે મોક્ષ થાય..

બોલો પુરૂષોત્તમ ભગવાનની જય

કાંઠાગોરની જય

નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply