વિજયનગર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં શિવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કર્મકાંડ કરે અને નાણાં ધીરવાનો ધંધો પણ કરે. તેનો એક દીકરો હતો જેનું નામ હતું જ્ઞાન શર્મા. એ દીકરાની વહુ નું નામ ધર્મવતી હતું. જ્યારે પુરુષોત્તમ માસ નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ એ દીકરાને કહ્યું કે, પુરુષોત્તમ માસનું વ્રત આજીવન કરવાનો મેં સંકલ્પ કર્યો છે. જમવા બનાવવાની કોઈ કડાકૂટ ન કરવી પડે માટે તું સાસરે જઈને વહુને તેડી આવ.
જ્ઞાનશર્મા તો સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં એક ગાય ચરતી હતી. એ પટેલને શિવશર્મા નાણા ધીરતો હતો એની જ્ઞાનશર્મા ને ખબર હતી. તેથી એ વિચારવા લાગ્યો કે ઢોર આ રીતે ઉભો પાક ચરી જાય તો ખેડૂત વ્યાજે લીધેલા પૈસા પાછા કઈ રીતે આપે? એ તો જઈને ખેડૂતને બોલાવી લાવ્યો.
ખેડૂતને ગાય પર એવો ક્રોધ ચડ્યો કે એ તો લાકડી લઈને તૂટી જ પડ્યો. માર સહન ન થતાં ગાય ઢળી પડી. મોઢામાં ફીણ આવી ગયું અને મરતા મરતા એને વાચા ફૂટી અને એણે જ્ઞાનશર્મા ને શ્રાપ દીધો કે, તું ગૌ હત્યારો છે. મારા શ્રાપથી તું ગધેડો થઈશ.
જ્ઞાનશર્માના તો હાજા ગગડી ગયા. એને પોતાની ભૂલનો પસ્તાવો થયો પણ હવે કરે શું? એ તો ગાયના પગમાં પડીને કરગરવા લાગ્યો. ત્યારે ગાય બોલી જો તારી વહુ પુરુષોત્તમ માસનું વ્રત કરે અને રોજ તને ગંગામાં સ્નાન કરાવે તો તું ગધેડા માંથી ફરી માણસ બનીશ.
શ્રાપ આપીને ગાય તો સ્વર્ગે ગઈ. જ્ઞાનશર્મા લથડતા પગે સાસરે ગયો. પોતાની પત્ની ને શ્રાપ ની બધી વાત કરી અને જ્યાં વાત પૂરી થઇ ત્યાં જ એ ગધેડો બની ગયો.
વહુ ઘણી ધર્મિષ્ઠ હતી. એ ગધેડા ને લઈને સાસરે આવી. પુરૂષોત્તમ માસ આવતાં વ્રતનો સંકલ્પ કર્યો. રોજ સવારે ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે પછી પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે, ગધેડા ને ખવડાવી ને ખાય. લોકો આ જોઈને એની મશ્કરી કરે પણ વહુને તો એ ભલી અને એનું વ્રત ભલું.
ઉડતી ઉડતી આ વાત ત્યાંના રાજાના કાને ગઈ. રાજાએ સિપાઈ મોકલ્યા અને ગધેડાને પૂરી દીધો. વહુ તરત રાજા પાસે આવી અને રડતા રડતા શ્રાપની બધી વાત કરી. વાત સાંભળી તેના પર વિશ્વાસ બેસતા રાજાએ ગધેડા ને મુક્ત કર્યો.
પછી તો જરા પણ ભૂલ ચૂક વગર વહુએ લોકલાજ છોડી વ્રત પૂર્ણ કર્યું. વ્રત પૂર્ણ થયા પછી શ્રદ્ધાથી પ્રાર્થના કરીને ગંગાજળ લઈ ગધેડા પર છાંટ્યું અને પુરૂષોત્તમ ભગવાનનું સ્મરણ કર્યું. પુરુષોત્તમ પ્રભુ ની કૃપાથી તરત જ તેનો પતિ ગધેડા માંથી પુનઃ માણસ બની ગયો. ત્યારબાદ બંને પતિ-પત્ની સુખપૂર્વક પોતાનું જીવન વિતાવવા લાગ્યા..
“ગંગાજળ સમ જળ નહીં, ધુવે બધાનાં પાપ.
મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ.”
હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા વહુને ફળ્યા, એવા પતિતપાવની ગંગા માં સ્નાન કરનાર તેમજ આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો…
બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…
-શાસ્ત્રી તુષાર ભાઈ દવે
9825998872
Categories: Mythology