Mythology

પુરુષોત્તમ માસની કથા-ડોશીમા ના દિકરાની વાર્તા

ભીમપુર નામે એક ગામ હતું એ ગામમાં એક ડોશીમા રહે. એમના દીકરાનું નામ ગંગારામ. આ ગંગારામ દેખાવે ઘણો રૂપાળો, ભણવામાં પણ હોંશિયાર, શરીર પણ સારું. પણ બસ એક જ વાતનું દુઃખ. આ ગંગારામ ને ભૂખ તો બહુ લાગે પણ ખવાય નહીં. એક પણ કોળિયો ગળા નીચે ઊતરે નહીં.

ડોશીમાને ખૂબ ચિંતા થાય. કેમ કે દીકરો ખાય નહીં તો માં ના ગળે કોળિયો કેમ ઉતરે? આમને આમ બિચારા ડોશીમા પણ દુબળા પડવા લાગ્યા. દીકરા માટે ડોશીમા તો બધા જ મંદિરે ફરી અને ભગવાનને પ્રાર્થના કરે કે, પ્રભુ મારા આ દીકરાને ખાતો કરો… ખાતો કરો…

છેક પાંચમા વર્ષે પ્રભુએ ડોશી ની પ્રાર્થના સાંભળી. અને ડોશીનો દીકરો ખાતો થયો. પણ આ શું? હવે તો એ એવો ખાતો થયો કે રાધે એટલું ખાઈ જાય તોય એની ભૂખ તો એવી ને એવી. આખો દિવસ ખા ખા કરે.

ડોશીની તો કોઠી ખાલી થઈ ગઈ ઘરવખરી વેચાઈ ગઈ બધા પૈસા ખલાસ થઈ ગયા તોપણ આ દીકરાની ભૂખ સંતોષાતી નથી. દીકરાની ભૂખ ઉધાડવા જતાં ડોશી ભૂખ ભેગી થઈ ગઈ.

ડોશી તો ફરી મંદિરે ગઈ અને પ્રભુને પ્રાર્થના કરી કે, હે પ્રભુ! હવે તો છેડો આવી ગયો છે. આ ગંગારામ પહેલા તો કંઈ જ ખાતો નહોતો. પણ હવે તો એવું થાય છે કે ઘરમાં કંઈ જ ખાવાનું રહ્યું નથી. હે પ્રભુ! મારી પર કૃપા કરો.

ડોશી ની પ્રાર્થના ત્યાંના પૂજારી એ સાંભળી. એ ઘણો જ જ્ઞાની હતો. એણે ડોશીમાને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું. ડોશીમાને એની વાતો પર શ્રદ્ધા બેસી.

જ્યારે પાવન પુરૂષોત્તમ માસ આવ્યો ત્યારે ડોશીમાએ વ્રત લીધું. રોજ નદીએ ન્હાવા જાય, વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે.

વ્રત પૂર્ણ થતાં જ ભગવાન પુરુષોત્તમની કૃપાથી દીકરા ગંગારામ નું ખાઉધરાપણું દૂર થઈ ગયું અને એ પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશીમાએ ગદગદ હૈયે પ્રભુનો આભાર માન્યો..

“પુરુષોત્તમ તણા વ્રતનો, મહિમા અપરંપાર.
શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર.”

હે પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા ડોશીમાને ફળ્યા, એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો.

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર……

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply