SHORT STORIES / लघु-कथाए

જિંદગીની દોડ

“આવો ભાઈ, બેસો અહીંયા. હું જાણું છું કે ટ્રેન મોડી પડી છે એટલે તમે ચિંતામાં છો … “ મધેપુરા રેલ્વેસ્ટેશન નાં પ્રતીક્ષાલય માં સિત્તેરેક વર્ષની ઉંમરના એક સજ્જને મને કહ્યું.

વાત જાણે એમ હતી કે મધેપુરા પાસે આવેલી એક નવી સિમેન્ટ ફેક્ટરીમાં કામ અર્થે આવેલો. મધેપુરા એટલે બિહાર માં સાવ આંતરિયાળ પછાત વિસ્તારમાં આવેલું નાના તાલુકાનું મથક. સાવ ગામ જ સમજી લેવાય. ત્યાંથી વીસ કિલોમીટર દૂર આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં મિટિંગ પતાવી મારે રાતની એક માત્ર ટ્રેન પકડી અને પટના વહેલી સવાર સુધીમાં પહોંચવાનું હતું. વહેલી સવારે પટનાથી દિલ્હી માટેની ફ્લાઈટ હતી. ફેક્ટરીની કારમાં રાત્રે ૯ વાગે હું સમયસર સ્ટેશન પહોંચી ગયો.

સામાન ખાસ હતો નહીં, માત્ર એક નાની બેગ અને એક લેપટોપ. સ્ટેશન સાવ નાનું અને ત્યાંથી જવાવાળા બહુ ઓછા. એકાદ નાની ચા-નાસ્તાની દુકાન હતી. બે-ચાર આમતેમ ફરતા લોકો અને પ્લેટફોર્મ પર રખડતા બે-ત્રણ શ્વાન. સ્ટેશન-માસ્ટરની ઓફીસે જઈ ટ્રેઈન માટે પુછ-પરછ કરી, તો જાણવા મળ્યું કે ટ્રેન બે કલાક મોડી છે. સ્ટેશન-માસ્તર ભલો હતો, તેણે કહ્યું, બાબુજી, આ બિહાર છે. તમે, ફર્સ્ટક્લાસ પ્રતિક્ષાલય છે, ત્યાં બેસો. ત્યાં પોલીસ પણ છે એટલે તમે આમ-તેમ ફરવાને બદલે ત્યાં જ બેસવાનું રાખજો. હું તેમની સુચના મુજબ વેઈટીંગ રૂમ પહોંચ્યો.

વેઈટીંગરૂમ સાવ સાધારણ. જુનું ફર્નીચર, જુના બે અવાજ કરતા પંખા અને એક ઉંમરમાં સિત્તેરેક વર્ષનાં સજ્જન. ખાલી પડેલી એક આરામ-ખુરસી પાસે સમાન મૂકી હું બેઠો. પણ, મોડી પડેલી ટ્રેઈન ને કારણે થોડો વ્યગ્ર ચિત્ત હતો. જો ટ્રેન વધારે મોડી પડી, તો પટના મોડા પહોંચાય અને વહેલી સવારની પાંચ વાગ્યાની ફ્લાઈટ ચુકી જવાય, આવા વિચારમાં, વેઈટીંગરૂમ માં આંટા મારવા માંડયો. પેલા સજ્જને મને જોયો અને સમજી ગયા. મારી સામે હસી ને બોલ્યા, “આવો, બેસો અહીંયા….”

હું પણ થોડો સમય પસાર થાય અને વાતો થાય એ ઈરાદાથી તેમની પાસે જઈ ને બેઠો અને પરિચય ની આપ-લે કરી. પેલા સજ્જન અમેરિકા રહેતા હતા અને દિલ્હી જઈ રહ્યા હતા. એમને પણ મારી જેમ પટના પહોંચી, સવારની ફ્લાઈટ પકડવાની હતી.

ચિંતા થી મેં એમને કહ્યું, “ મને લાગે છે કે, સવારની ફ્લાઈટ છૂટી જશે….પકડવી મુશ્કિલ છે….”

પેલા સજ્જન મારી સામે જોઈ, થોડું હસ્યા અને કહ્યું, “ જિંદગીમાં અત્યાર સુધી કેટલુંય છૂટી ગયું, જિંદગી પણ તો છૂટી રહી છે….એક ફ્લાઈટ છૂટી જશે તો શું થઇ જશે?”

એમની આવી ફિલસોફી સાંભળી, મને થોડો ગુસ્સો આવ્યો. મારા થી બોલાઈ ગયું, “ કદાચ તમને ફર્ક ના પડે….મારે તો દિલ્હી પહોંચવાનું છે. બપોરે એક મીટીંગ છે….”

પેલા સજ્જન કહે, “હા, કદાચ તમે સાચુ કહો છો… આ દોડતી જિંદગીમાં તમારા જેવા જુવાન માણસની પાસે ક્યાં સમય હોય છે…તમે સમય પકડવા દોડો છો …ને સમય તો આગળ ભાગતો જાય છે…. આજે સિત્તેર વર્ષની ઉંમરે, આખી જિંદગી દોડ્યા પછી, પાછળ છૂટી ગયેલી જિંદગીને શોધવા મધેપુરા આવ્યો હતો…પણ ખાલી હાથે જઈ રહ્યો છું….”

એમની આંખોમાં દર્દ હતું…વેદના હતી…હું એમની સામે બેઠો અને કહ્યું, “માફ કરજો…મારાથી જરા ઊંચા સ્વરમાં બોલાઈ ગયું… તમે મધેપુરાના વાતની છો, કે કામ થી આવ્યા હતા ?”

પેલા સજ્જને કહ્યું, “ બેટા, હું ૨૨ વર્ષની ઉંમરે મધેપુરા છોડી, આ જ ટ્રેન થી પટના ગયો હતો. પટના એક વર્ષ રહ્યો…નોકરી કરી…અને અંતે દિલ્હી જતો રહ્યો…. મારે જિંદગીમાં કંઇક કરવું હતું…આગળ વધવું હતું… સપના હતા…અને સપનાને પુરા કરવા દિલ્હી ગયો….”

“પણ સપનાનો કોઈ અંત હોય છે? બસ…એક પછી એક… સપનાઓની વણઝાર … નસીબ સાથ આપતું ગયું….જિંદગી દોડાવતી ગઈ…હું દોડતો ગયો….”

“હું એટલું બધું દોડી ગયો, કે મારું ગામ, મારા માતા-પિતા, મારા ભાઈ, બહેન…જે ગામમાં જ રહેતા હતા, એ બધાનો સાથ છૂટી ગયો…મને એ બધા ગમાર લગતા…પછાત લાગતા…. શરુઆત માં એમને પત્રો લખતો, થોડા પૈસા પણ મોકલતો, ક્યારેક આવતો પણ ખરો….પણ મારા સપનાઓ પુરા કરવામાં એવો ખોવાઈ ગયો કે મેં મારો એક સંસાર વસાવી લીધો…અને હું મારા મૂળ, જડ થી અલગ થઇ ગયો…”

“લાખો કમાયો, મોટો બંગલો બાંધ્યો… અમેરિકા જઈ સ્થાયી થયો….ત્યાં મારી પત્ની સાથે રહું છું…એક દીકરો અને એક દીકરી છે….બન્ને અમેરિકા સ્થાયી થઇ ગયા છે…અમારાથી દૂર, અલગ રહે છે…..ખુબ સુખી છે… આજે એ પણ એમના સપનાઓ પુરા કરવા દોડી રહ્યા છે….. અઠવાડિયે એકાદવાર એમનો ફોન આવી જાય છે….”

“પણ, આજે મને અહેસાસ થાય છે…. જિંદગીની દોડમાં જે મેળવ્યું અને જે ગુમાવ્યું, તેને ત્રાજવામાં તોળવાની હિંમત નથી ચાલતી…”

“મને મારી મા યાદ આવે છે…મારા બાપુ યાદ આવે છે….હું દિલ્હી રહેતો ત્યારે વર્ષે એકાદવાર આવતો એમને મળવા ત્યારે ટ્રેઈન ની રાહ જોઈ ને બંને ઉભા રહેતા….ટ્રેઈન માં થી ઉતરતા જ એમને સામે ઉભેલો જોતો… એમની આંખોમાં મને જોયાનો જે આનંદ થતો , તે કદાચ ત્યારે હું નહોતો સમજી શક્યો…”

“પાછો જતો ત્યારે સ્ટેશન સુધી મુકવા આવતા… મા મને રસ્તામાં જમવાનું ભાથું ભરી આપતી….મારા બાળકો અને પત્નીને ગામ આવવું ગમતું નહી …પણ એમના માટે મારી મા બેસનના લાડુ બનાવીને મોકલાવતી….ઘરે થી નીકળતો તો મારા માથે હાથ ફેરવીને બસ નિઃશબ્દ આંખે જોતી… મારા બાપુ ને પગે લાગતો ત્યારે, મારો હાથ પકડી, થોડી ક્ષણો ઉભા રહેતા….”

“મને યાદ છે મારી છેલ્લી મુલાકાત…જ્યારે હું એમને છેલ્લે મળેલો….બે દિવસ માટે આવેલો….જયારે નીકળ્યો ત્યારે મને ગામના પાદર સુધી મુકવા આવેલા…. ઘોડાગાડી માં બેસી, હું સ્ટેશન આવવા નીકળ્યો, ત્યારે મને હાથમાં અગિયાર રૂપિયા આપેલા અને મા બોલી હતી, તારી દીકરીને મારા તરફથી આપજે…. ઘોડાગાડીમાં દૂર સુધી ગયા પછી મેં પાછળ વળી ને જોયું, તો બંને ત્યાંજ ઉભા હતા…. બસ એ એમના છેલ્લા દર્શન હતા…..આ પછી,હું એમને ક્યારેય ના જોઈ શક્યો …”

“જિંદગીની દોડમાં એટલો વ્યસ્ત થઇ ગયો, કે એમને મળવાનો સમય જ ના મળ્યો…. હું અને મારી પત્ની અમેરિકા જઈ ને વસ્યા… ત્યાં હતો ત્યારેજ મારા બાપુનો સ્વર્ગવાસ થયો….એમના ગયા ના ત્રણ દિવસમાં જ મારી મા પણ દેહ છોડી ગઈ….. હું ત્યાંથી આવ્યો પણ, એમને જોઈ ના શક્યો…..”

“દીકરા, જિંદગીની દોડમાં સ્વપ્નો , સુખ, પ્રતિષ્ઠા, પદ, પૈસા આ બધું મહત્વનું છે…પણ બધું મેળવી લીધા પછી શું? હ્રદયનો એક ખૂણો ખાલી રહી જાય છે….. જીવનના આ પડાવ પર પહોંચ્યા પછી, એ ખોવાયેલી, ગુમાવેલી ક્ષણો ને મેળવવાની ઈચ્છા થાય છે….પણ સમયનું વહેણ ક્યા પાછું ફરી શકે? “

“વર્ષે એક વાર આવું છું ….શરીર સ્વસ્થ છે ત્યાં સુધી આવતો રહીશ….ટ્રેઈનમાં થી ઉતરું ત્યારે મને આભાસ થાય છે, કે મારી મા અને બાપુ ત્યાં બહાર ઉભા છે…મારી રાહ જોઈ ને…. એમની આંખો..એમની કરુણા….એમની છલકાતી લાગણીનો અહેસાસ કરું છું…. બસ એમનો આભાસ મેળવવા જ આવું છું….ભીની આંખે પાછો નીકળું ત્યારે પાછળ વળીને જોઈ લઉં છું…..ત્યાં દૂર ઝાડ નીચે ઉભા રહી, મને જોતા એ બંને જણાને હું અનુભવું છું…. મને એમનો અહેસાસ થાય છે…”

“જયારે માતા-પિતા હોય છે ત્યારે આપણે એમને સહજતા થી લઇયે છે….”ટેક્ન ફોર ગ્રાન્ટેડ”…. જયારે નથી હોતા ત્યારે શું ગુમાવ્યું જીવનમાં, તેનો અહેસાસ થાય છે….”

“આ જન્મમાં તો મને ફરી એ જોવાં નહી મળે….એમને હું નહીં મળી શકું… નહીં જોઈ શકું…વાતો નહીં કરી શકું….જિંદગીનો સહુથી મોટો અફસોસ આ હોય છે….વ્યક્તિને ગુમાવ્યા પછી થતો અહેસાસ…….

“દીકરા, આપણી પાસે જે છે, એ આ જ ક્ષણ છે… અને આપણે આજની ક્ષણને જીવવાને બદલે કાલની ચિંતામાં જીવ્યા કરીએ …. સબંધો, નજીકના લોકો સાથેની આ ક્ષણને ભરપુર જીવી લેવી….”

“ખબર નથી, કોની સાથેની મુલાકાત જીવનની છેલ્લી મુલાકાત હોય…. આપણી પાસે યાદો …મીઠી યાદો…લાગણીથી ભરેલી યાદો સિવાય બીજું કશુંજ રહેતું નથી…… આંખો માં, હ્રદયમાં , યાદો ને ભરપુર ભરી લો.. “

જીવનમાં ઘટનાઓ, મીઠી યાદો અને વીતેલી અને વિતાવેલી ક્ષણોની યાદ જ સિવાય આપનો ખજાનો છે…સાચવી રાખવા જેવો…કોણ ક્યારે છોડીને જતું રહેશે ક્યાં ખબર ? બસ, એમની યાદ જ તો રહી જાયે છે….

ટ્રેન આવવાની નિશાનીરૂપે પાંચ ડંકા પડ્યા….અને નિઃશબ્દ …મન ની લાગણીઓના ઝણઝણી ઉઠેલા તારોને સંભાળતો… સામાન લઇ પ્લેટફોર્મ પર આવ્યો……

લેખન : ડો. સ્નેહલ કે. જોશી

Leave a Reply