Mythology

પુરુષોત્તમ માસની કથા-પરમા એકાદશી વ્રત કથા

(આ કથા વિધિ અગિયારસે સવારે વાંચવી)

યુધિષ્ઠિર બોલ્યા :-
मलिम्लुचस्य मासस्य कृष्ण का कथ्यते प्रभो।
किं नाम को विधिस्तस्याः कथयस्व जगत्पते।।
અધિકમાસની બીજી એકાદશીનું નામ શું છે તેમજ તે દિવસે શું વિધિ કરવો જોઈએ, હે પ્રભુ આપ તે મને જણાવો.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, આ અગિયારસ નું નામ “પરમા” છે, જે અત્યંત પવિત્ર તેમજ પાપ ને હરનારી છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેને ભોગ અને મોક્ષ આપનારી છે. પહેલાં કહેલા વિધિ પ્રમાણે જ બધા જ મનુષ્યોએ આ વદ પક્ષની અગિયારસ પણ કરવી જોઈએ તેમજ પુરૂષોત્તમ ભગવાન નાં પરમ ભક્તિથી પૂજન કરવા જોઈએ. આ વિશે એક સુંદર કથા છે, જે હું તમને કહું છું.

સુમેધા અને પવિત્રા ની કથા

કાંપિલ્ય નામના નગરમાં સુમેધા નામે એક પરમ ધાર્મિક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની પવિત્રા નામે પતિપરાયણ પત્ની હતી. નસીબ જોગે એ બ્રાહ્મણ ધનધાન્ય વિનાનો બની ભીખ માંગવા ઘેર ઘેર ભટકવા લાગ્યો છતાં પણ તેને ક્યાંય ભીખ મળતી નહોતી. તેને ખાવા સારું અન્ન અને પહેરવા સારા વસ્ત્ર ને આભૂષણ પણ મળતા ન હતા. તેની પતિવ્રતા સ્ત્રી પોતે ભૂખી રહીને પણ ઘરે આવેલા અતિથિને જમાડતી હતી, અને ન ખાવા છતાં મુખની કાંતિ ફીકી પડી ગયેલી લાગતી નહોતી. ‘ઘરમાં અન્ન નથી’ – એમ તે પોતાના પતિને કદી પણ કહેતી નહોતી.

પતિએ જ્યારે ધન કમાવવા પરદેશ જવાની ઈચ્છા અને વિચાર વ્યક્ત કર્યો ત્યારે પત્નીએ મધુર વચનથી કહ્યું કે, “આ પૃથ્વીમાં ગમે ત્યાં જાવ પરંતુ જો પૂર્વ જન્મમાં દાન કર્યું હોય તો જ તેનું ફળ મળે છે. ભલેને સોનાના બનેલ મેરુ પર્વત પાસે જાવ તો પણ દાન કર્યા વિના કશું મળતું નથી. વિધાતાએ આપણા લલાટમાં જે લેખ લખ્યા હોય છે તે જ આપણને મળે છે. દાન આપ્યા વિના તો માણસને કાંઈ જ મળતું નથી. અને સ્વામી મારું તો એમ માનવું છે કે આપણે પહેલા જન્મમાં કોઈ સુપાત્રને થોડું કે વધારે દાન આપ્યું નહીં હોય. આ દેશમાં રહો કે પરદેશમાં જાવ. વિશ્વંભર દાન આપ્યા વિના અન્ન પણ આપતા નથી. માટે હે સ્વામી! આપ અહીં મારી સાથે જ નિવાસ કરો. કારણકે હું આપના વિના એક ઘડી પણ રહી શકીશ નહીં. માતા, પિતા, ભાઈ, સાસુ-સસરા વગેરે સ્વજનો પણ સ્ત્રીને અભાગણી કહીને બધા તેની નિંદા કરે છે. માટે અહીં રહીને જ આપ સુખી જીવન નિર્વાહ કરો. આપણા ભાગ્યમાં જો હશે તો આપણને અહીં જ સારી રીતે પ્રાપ્તિ થશે.” એ રીતે પોતાની સ્ત્રી નું વચન સાંભળીને તે બ્રાહ્મણે પરદેશ જવાનું છોડી દીધું અને ત્યાં જ રહેવા લાગ્યો.

કૌંડિન્ય મુનિનું આગમન:

એક સમયે કૌંડિન્ય નામના મુનિવર ફરતા-ફરતા તે બ્રાહ્મણની પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ સુમેધા બ્રાહ્મણ હર્ષ પામ્યા. બ્રાહ્મણ અને તેની સ્ત્રીએ તેમને પ્રણામ કર્યા અને મુનિને બેસવાનું આસન આપીને તેમના પૂજન કર્યા. મુનિને સારી રીતે ભોજન આપીને તે બ્રાહ્મણની સ્ત્રી એ પૂછ્યું કે, “મુનિવર એક વાત તો સાચી છે કે ગૃહસ્થીજનોને ધન કે વિદ્યા વગેરે આપ્યા વિના મળતા નથી. પરંતુ અમને આ દરિદ્રતા શાથી મળી હશે? જો આપ પ્રસન્ન હોવ તો આપ અમને તેનો કોઈ ઉપાય જણાવો.”

મનમાં બરાબર વિચાર કરીને મુનિએ કહ્યું કે, “હું જે ઉત્તમ વ્રત તમને કહું છું તે સર્વ પાપો ના સમૂહ ને બાળી નાખનાર, દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનાર છે. પુરુષોત્તમ માસની જે વદ અગિયારસ આવે છે તે વિષ્ણુ ભગવાન ની તિથિ ગણાય છે. તેનું નામ પરમા છે અને તે ભોગ અને મોક્ષ બંને આપનારી છે. જે ભક્તજન આ અગિયારસે ઉપવાસ કરશે તે ધન અને ધાન્ય મેળવશે. તે રાત્રે વિધિપૂર્વક જાગરણ કરી ભજન-કીર્તન અને ભક્તિ કરવી. જ્યારે ધનભંડારી કુબેર મહારાજે આ ઉત્તમ વ્રત કર્યું હતું ત્યારે મહાદેવે તેની પર રાજી થઈને તેને ધનનો સ્વામી બનાવ્યો હતો. ઇક્ષ્વાકુ વંશના રાજા હરિશ્ચંદ્રે પહેલાં આ વ્રત કર્યું હતું. તેથી તેનું રાજ્ય શત્રુરહિત થયું હતું. હે સુંદર સ્ત્રી! એ કારણે તું અગિયારસ કરજે તેમજ વિધિસર તે રાત્રે જાગરણ પણ કરજે.” ત્યારબાદ તે મુનિવરે બીજું એક પવિત્ર પંચરાત્રનું વ્રત હતું તે કરવાનો વિધિ પણ બતાવ્યો.

પંચરાત્ર નું વ્રત:

એકાદશી થી પંચરાત્ર વ્રત નો આરંભ થાય છે. પંચરાત્ર નું વ્રત અને અનુષ્ઠાન કરવાથી ભક્તજનોને ભોગ અને મોક્ષ બંને મળે છે જ્યારે “પરમા” નામની અગિયારસ આવે ત્યારે સવારે વહેલા ઊઠીને નિત્યકર્મ કરી લેવા. ત્યારથી લઈને તે પાંચ રાત્રિ સુધી વ્રત તપ ના નિયમ લેવાના છે અને પાંચેય દિવસ ઉપવાસ કરવાના છે. આ પાંચેય દિવસ સવારે વહેલા ઊઠી સ્નાન કરી વ્રત-તપ કરવાના છે. એ વ્રત કરનાર ભક્તજન પોતાના માતા-પિતા સ્ત્રી કુટુંબ સાથે વૈકુંઠ લોકમાં ગતિ કરે છે હવે જો ઉપવાસ ના થાય તો પાંચેય દિવસ એકટાણું ભોજન કરવું. એમ કરવાથી પણ તે ભક્તજન સર્વ પાપોથી મુક્ત બનીને સ્વર્ગલોકમાં આનંદ કરે છે. આ પાંચેય દિવસે બ્રાહ્મણો ને જે ભોજન આપે છે તેણે તો દેવો, દાનવો અને માનવો સાથે આખું જગત જમાડયું, એટલું પુણ્ય મળે છે. જે બ્રાહ્મણને પૂર્ણ કુંભ ના દાન આપે છે તેને આખા બ્રહ્માંડ નું દાન આપ્યાનું પુણ્ય મળે છે. તલ થી ભરેલા પાત્રને દાન આપનાર તલ ની સંખ્યા જેટલા વર્ષો સ્વર્ગમાં નિવાસ કરશે. જે દરરોજ પાંચ દિવસ સ્નાન કરી બ્રાહ્મણને ઘી થી ભરેલા પાત્રનાં દાન આપશે તે આ લોકમાં અનંત સુખ ભોગવ્યા પછી દિવ્ય તેજ પ્રાપ્ત કરી સૂર્ય લોકમાં નિવાસ કરશે. જે અધિક માસમાં પાંચ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરશે તે સ્વર્ગના ભોગો ભોગવશે તેમજ અપ્સરાઓ ની સાથે નિવાસ કરશે. “હે સાધ્વી સ્ત્રી! મેં તને જણાવ્યું તે પ્રમાણે તું તારા પતિની સાથે પુરુષોત્તમ માસના વ્રત કર. તેથી તારા ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થશે અને સ્વર્ગ લોકને પ્રાપ્ત કરશો.” એમ જણાવીને તે કૌંડિન્ય મુનિ ચાલ્યા ગયા.

વ્રતનો પ્રભાવ:

ત્યારબાદ સમયાંતરે પુરૂષોત્તમ માસ આવતાં તેની વદ અગિયારસ થી નિયમિત પાંચ દિવસ સુધી સ્નાન કર્યા બાદ પરમા એકાદશી કરી. એ રીતે જ્યારે અગિયારસ પછીના પાંચ દિવસ વ્રતનાં પુરા થયા, ત્યારે તે બ્રાહ્મણને ઘેર અચાનક એક રાજા રાજકુમાર સાથે આવી પહોંચ્યા. તે રાજાએ બ્રાહ્મણ અને તેની સ્ત્રીના વ્રત તપથી પ્રસન્ન થઈ તે સુમેધા બ્રાહ્મણને એક ગામ આપ્યું કે, જે તેની વૃત્તિ ને પોષી શકે. તે ઉપરાંત રહેવાને માટે એક સુંદર રાજ ભવન આપ્યું. એ રીતે પુરુષોત્તમ માસની પરમા એકાદશી આવતા બ્રાહ્મણ અને તેની સ્ત્રીએ પંચરાત્ર ના વ્રત કર્યા અને અગિયારસના ઉપવાસ કર્યા. તે રીતે બંનેના પાપો નાશ પામ્યા તેમ જ સંસારના સર્વ સુખ તેમને પ્રાપ્ત થયા. અને અંતે સર્વ સુખો ભોગવીને તે બંને સ્વર્ગમાં ગયા.

કથાસાર:

માનવમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. પશુઓમાં ગાય સર્વશ્રેષ્ઠ છે. દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે તેમજ સર્વ માસોમાં આ પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ છે. આ પાંચ રાત્રિના વ્રતમાં પરમા એકાદશી પદ્મિની ગણાય છે. તે સર્વ પાપ શોષી લે છે. જો અશક્તિને લીધે પંચરાત્ર વ્રત ન થઈ શકે તો છેવટે પરમા એકાદશીનું વ્રત તો ભક્તિપૂર્વક કરવું જ.

ये त्वेवं भुवि परमाव्रतं चरन्ति
सद्भक्त्या शुभविधिना मलिम्लुचे वै।
ते भुक्त्वा दिवि विभवं सुरेन्द्रतुल्यं
गच्छेयुस्त्रिभुवननंदितस्य गेहम् ।।

જે ભક્તજનો ભક્તિથી અને પવિત્રતાથી આ લોકમાં પુરુષોત્તમ માસની પરમા નામની અગિયારસ નું વ્રત સારી રીતે કરે છે. તે લોકો ઇન્દ્રનાં ભોગ-વૈભવ સ્વર્ગમાં ભોગવીને પછી ત્રિભુવન પાલક વિષ્ણુ ભગવાન ને આનંદ આપનાર ગોલોકમાં નિવાસ કરે છે.

આ પ્રમાણે અધિક પુરુષોત્તમ માસની વદ અગિયારસ (પરમા એકાદશી) ના વ્રતનો મહિમા પૂર્ણ થયો.

હે પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા બ્રાહ્મણ – બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો…

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય….
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…..

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply