Mythology

પુરુષોત્તમ માસની કથા – ડોશીમાનો દેડકો

એક સુંદર મજાનું ગામ હતું. એમાં એક ડોશીમા રહે. તે ખૂબ ધાર્મિક, પણ તેમને આગળ પાછળ કે સગુ વ્હાલું કોઈ નહીં એટલે પોતાનું પેટ ભરવા આટલી ઉંમરે પણ મજૂરી કામ કરે.

એવામાં એકવાર પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ગામલોકોની સાથે આ ડોશીમા એ પણ વ્રત લીધું. રોજ નદીએ ન્હાવા જાય, કાંઠા ગોરની વાર્તા સાંભળે. દેવદર્શન કરે ને કથા સાંભળે. બપોરે ઘેર આવે રાંધીને ખાય ને પાછી કથા સાંભળવા જાય.

ઘણીવાર ડોશી વિચાર કરે કે અરે રે, ભગવાને મને એક દીકરો દીધો હોત તો ઘરમાં મા દિકરાની વહુ આવત. વહુ ઘરનું કામ કરતી અને હું નિરાંતે કથા સાંભળતી.

ડોશીમાનું આવું કહેવું સાંભળી ભગવાન પુરુષોત્તમે વિચાર કર્યો કે, આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે. માટે મારે એનો ભવ સુધારવો જોઈએ.

એક દિવસની વાત છે. ડોશી દાતણ કાપવા જતાં વગડામાં  હાથ પર કાંટો વાગતા એક ફોલ્લો પડ્યો. ડોશી તો મુંજાઈ. એક હાથે તો હવે કામ થાય નહીં. વળી રોજ ન્હાવા નદીએ જવું પડે. ફોલ્લામાં પાણી ભરાય અને પીડા વધતી જાય. દિવસે દિવસે ફોલ્લો મોટો થતો ગયો.

પણ ડોશીતો એમાંય ભગવાનની ઈચ્છા ગણી પીડા સહન કરી ભગવાનનું નામ લેતી જાય.

એક દિવસ એ ફોલ્લો ફૂટ્યો. પણ આ શું? એમાંથી પરુ ને બદલે દેડકો નીકળ્યો. ડોશી તો નવાઈ પામી. ત્યાં તો દેડકો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. એને જોઈ ડોશી તો હરખાવા લાગી. ઘરમાં કોઈ માણસ ન હોવાથી એકલી ડોશી ઘણી મૂંઝાતી. પણ આ દેડકો આવ્યા પછી ડોશી નું એકલાપણું ઓછું થયું. ડોશી તો દેડકા સાથે સુખદુઃખની વાતો કરે, એને રમાડે-જમાડે. દેડકો સામે ડ્રાઉં ડ્રાઉં કરી માથું હલાવે.

દેડકો તો ડોશી સાથે એવો હળી મળી ગયો કે વાત ન પૂછો ડોશી જ્યાં જાય ત્યાં દેડકા ને સાથે લઈ જાય સગા દીકરાની જેમ એને રાખે દેડકા ની પથારી સાથ રે પારણિયે હિંચોળે,હાલરડાં ગાય. ક્યારેક લડે પણ ખરી. જે મળે એને દેડકા ની વાત કરે.

“દિકરો મારો દેડકો, નદીએ ન્હાવા જાય.

દેવ દર્શન નિત કરે, જે આપું એ ખાય.”

ગામમાં તો બધે ડોશી અને દેડકા ની વાતો થવા લાગી. બધા એને દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. ઘણા દાંત કાઢે, મશ્કરી કરે પણ ડોશી કોઈનું સાંભળે નહીં. આમ કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. પણ દેડકો રોજ પરોઢિયે નદીએ નહાવા જાય.

ડોશી રોજ એને નદીએ લઈ જાય. આ કિનારે ડોશીમા ન્હાય ત્યારે દેડકો તરતો તરતો સામે કિનારે જાય અને ત્યાં ન્હાઈને  પાછો આવે. હવે અસલમાં થતું એવું કે દેડકો સામે કિનારે જાય એટલે એક દિવ્ય પુરૂષ નુ રૂપ ધારણ કરતો અને સ્નાન કરતો. સ્નાન કરીને પાછું દેડકો બની જતો, અને તરતો તરતો આ કિનારે આવી જતો. ડોશી તો બિચારી આ વાતથી એકદમ અજાણ. પરંતુ નદીના સામે કાંઠે એક રાજાનો મહેલ હતો. એક દિવસ તે રાજાની કુંવરી ઝરૂખામાં ઊભી હતી. તેણે આ બધું જોયું. દેડકા માંથી દિવ્ય પુરુષ અને ફરીથી પાછો દેડકો બનવું આ બધું એ જોઈ ગઈ. એણે તો મનથી સંકલ્પ કર્યો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ, બીજા કોઈને નહીં. પછી તો કુંવરી રોજ પરોઢિયે આવીને જરુખે બેસે અને તે દિવ્ય પુરુષ ના દર્શન કરે. એક દિવસ રાજકુંવરી નું માગું આવ્યું પણ કુંવરીએ તો સ્પષ્ટ કહી દીધું કે પરણીશ તો ડોશીમા ના દેડકા સાથે જ, જગતના બીજા બધા પુરુષ મારે મન ભાઈ અને બાપ છે.

રાજા રાણી એ દીકરીને ખૂબ સમજાવી કે બેટા દેડકા જોડે તો વળી પરણાય? આપણી આબરૂ જાય, જગતમાં લોકો હસે.

ખૂબ સમજાવ્યા છતાં પણ કુંવરી એકની બે ના થઈ *”પરણું તો દેડકાને જ પરણું, નહીંતર કુંવારી મરું “*

બીજા દિવસે ડોશીને રાજમહેલમાં બોલાવવામાં આવી અને એને આ બધી વાત કરી. પહેલા તો ડોશી ગભરાઈ, પણ પછી કુંવરીની હઠ જાણી *જેવી ઈશ્વરની ઈચ્છા* એમ કહી ડોશી તો દેડકા નો ગોળ ખાઈને પાછી આવી. દેડકાને ખોળામાં લઇ ભાવથી બધી વાત કરી. બીજા દિવસે લગ્ન લેવાયા દેડકો અને કુંવરી પરણી ગયા.

આ બાજુ ડોશીમાને ઘરે આવ્યા પછી  ડોશી સુઈ ગઈ ત્યારે કુંવરી દેડકા ને કહેવા લાગી, હે દેવ! હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો. તમે કોણ છો એ મને કહો અને તમારા અસલ સ્વરૂપમાં મને દર્શન આપો.

ત્યારે દેડકા સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુંવરી! તારા પિતા મહાયજ્ઞ કરે, એક હજાર ગાયોનું દાન કરે અને બ્રહ્મભોજન કરાવે તો હું મારા અસલ સ્વરૂપમાં આવું. બીજે દિવસે કુંવરીએ તત્કાળ મહેલમાં જઈ પિતાને બધી વાત કરી. રાજાએ તો મહાયજ્ઞ આરંભ કર્યો, ગાયોના દાન આપી બ્રહ્મભોજન કરાવ્યા. જેવું શ્રીફળ હોમ્યું કે તુરંત જ દેડકા માંથી પુરૂષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. બધાને દર્શન આપી પ્રભુ ડોશીને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા.

આમ, ડોશીમાની અનન્ય ભક્તિથી દેડકા રૂપે પણ પુત્ર થઈ તેમના મનોરથ ભગવાને પૂર્ણ કર્યા.

હે પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા ડોશીમા અને કુંવરીને ફળ્યા એવા આ કથા વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો..

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply