પલીતે પ્રીત બાળો તો,જલન થાશે રગેરગમાં.
શબદથી આગ ચાંપો તો, અગન વ્યાપે રગેરગમાં.
ના બાળો આમ ભીનેરાં હ્રદયને આપ કાંડીએ,
તમારામાં સજાવો તો,હવન લાગે રગેરગમાં.
ઠિઠુરતી રાત ગાળીશું, ગઝલનાં તાપણાં કરજો,
ચલમ ફૂંકીને ગાળો તો પવન ગાજે રગેરગમાં.
મને લાગે છે કે મારે તો મૃગજળને પીવાનું છે,
તરસ રણની બુઝાવો તો શુકન ભાસે રગેરગમાં.
ઉપાધીઓ ને આફત સૌ ચડી ચકડોળ આવે તો,
હરખથી એ વધાવો તો,સ્વજન જાગે રગેરગમાં.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat