Mythology

પુરુષોત્તમ માસની કથા – છાપરેથી વરસ્યું ધન

કોઈ એક સુંદર નગરમાં મગન નામનો એક ગરીબ સુથાર રહે. એની પત્નીનું નામ શાંતિ. તેમણે સંતાનો પણ ઘણાં, પરંતુ સમય એવો આવ્યો ઘરમાં એક ટંક ખાવાનું પણ ન મળે. સમય જતા સંતાનો મોટા થયા ગમે તેમ કરીને પણ તેમને બધાને પરણાવ્યા ઘર ખાલી થઈ ગયું કાળી મજૂરી મગજનું શરીર પણ ખરાબ કરી નાખ્યું.

એકવાર એ ગામમાં કથાકાર આવ્યા અને એમના મુખેથી નીકળેલા શબ્દો તે મગન ના કાને સંભળાયા.. “કીડીને કણ ને હાથીને મણ, દેનારો ભગવાન.  જગની ચિંતા જગદીશને, એને સહુ સમાન.” 

આવા શબ્દો સાંભળતા જ તેના હૃદયમાં શ્રદ્ધા જાગી અને સાથે પસ્તાવો પણ થયો.વિચાર્યું કે ધિક્કાર છે મારા જીવનને કે પેટની ભૂખ માટે થઈ પ્રભુને વિસરી ગયો. ભગવાનનું ભજન કરવાને બદલે મજૂરી જ કરી. પચાસ વર્ષ ભલે પાણીમાં ગયા પણ હવે જાગ્યા ત્યારથી સવાર. હવે બાકીનું જીવન પ્રભુ ભક્તિમાં જ વિતાવું. જેથી આ અવતાર ભલે એળે ગયો હશે પણ પરલોક સુધરી જશે.

તેણે તો ઘરે આવીને પોતાની પત્નીને વાત કરી. પત્ની પણ રાજી થઈ અને બોલી કે પ્રભુની કૃપા વગર ભાગ્ય આડેનું પાંદડું ખસતું નથી. જેવી પ્રભુની ઈચ્છા. મગન તો ભક્તિમાં એટલો થયો કે કામ ધંધામાં સહેજ પણ ધ્યાન ન રહ્યું.  સમયસર કામ ન થવાથી લોકો એને કામ આપતા બંધ થયા. ઘરમાં એક ટંક ખાવા પણ ન મળવાથી પત્ની મુંજાઈ, પણ મગન ની શ્રદ્ધા ડગી નહીં.

તે કથાકાર ના શબ્દો એના હૃદય પર કોતરાઈ ગયા હતા. એને તો ભૂખ્યા પેટે ભજન કરવામાં અનેરો આનંદ આવતો.સમય જતાં એક દિવસ પુરૂષોત્તમ માસ આવ્યો. બંને પતિ-પત્નીએ વ્રતનો સંકલ્પ કર્યો. બ્રહ્મમુહૂર્તમાં વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દક્ષિણા આપે. ઘરમાં ખાવાની તકલીફ પણ બ્રાહ્મણ ને સીધું અવશ્ય આપે.

પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો ત્યારે પત્નીએ વિચાર કર્યો કે, ઘરમાં નથી અન્ન કે નથી ધન. વેચવા જેવું દરદાગીના કે વાસણ પણ નથી. હવે છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડે, બ્રાહ્મણોને જમાડવા પડે. એ વગર વ્રત અધૂરું ગણાય. હવે મગન પણ ચિંતામાં પડ્યા. અને પ્રભુને યાદ કરીને કહ્યું કે, પ્રભુ મારી લાજ તારા હાથમાં છે. જો તારું વ્રત તૂટશે તો એનું પાપ તને લાગશે.

બીજા દિવસે મગન પરોઢિયે ઊઠીને નિયમ પ્રમાણે લોટો લઈ હાજતે જવા ગયો. પડી ન જવાય એ માટે બાજુમાં એક નાના છોડનું મૂળ પકડીને બેઠો. મૂળિયું હલાવતાં જ તૂટી ગયું અને ઝબકારો થયો. મગને  ખાડામાં નજર કરી હીરાજવેરાત અને સોનામહોરો ભરેલો ચરુ દેખાયો. એ તો રાજી રાજી થઈ ગયો અને વિચાર્યું કે પુરૂષોત્તમ પ્રભુએ જ મહેર કરી. પણ પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન છે. લઉં તો પાપમાં પડું. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોય તો મારો હક પણ આતો પાદરે પડેલું ધન. આ તો હરામ છે.

મગને તો ચરુ પાછો એની જગ્યાએ મૂકીને ઉપર માટી  વાળી દીધી. ઘરે જઈ પોતાની પત્નીને બધી વાત કરી તો પત્ની ગુસ્સે થઈને બોલી કે, “અરે રે! તમે તો સાવ મૂરખ છો. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા… અક્કરમીનો પડિયો કાણો જ હોય.. ચાલો મને દેખાડો એ જગ્યા હું એ ચરુ કાઢી લઉં..”

મગન કહે, “એ  આપણા હકનું ન કહેવાય. એને જો હું લઉં તો મારી ભક્તિ એળે જાય.  હે ભાગ્યવાન! પ્રભુ પર મને શ્રદ્ધા છે.  હું એ ધનને હાથ નહી લગાડું. તારે જોઈતું હોય તો જઈને લઇ આવ. બાકી મારા ભગવાનને મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠાબેઠા છાપરું ફાડીને ધનનો વરસાદ વરસાવશે.”

પત્ની જવા તૈયાર થઈ પણ વિચાર્યું સૂર્યોદય પહેલા નદીએ નહાવાનો નિયમ છે. નિયમ તૂટે તો વ્રત તૂટે. માટે  નદીએથી આવ્યા પછી એ ચરુ કાઢી લઈશ.

પતિ-પત્ની બંને જ્યારે આ બધી વાતો કરતા હતા ત્યારે પાડોશમાં રહેતો વાણંદ આ બધું સાંભળી ગયો. તેણે તો ઘરે જઈ પોતાની પત્ની ને વાત કરી. બંને આ મૂર્ખાઓ પર હસતાં હસતાં ધનનો ચરુ લેવા ઉપડ્યા. બંને પાદરે આવ્યા. મગન સુથારે જે જગ્યા કહી હતી તે જગ્યા ખોદી. પણ આ શું એમાં સોનામહોર ના બદલે પીળા વીંછી ખદબદતા જોયા. “ઓય માડી,” કરતી વાણંદ ની પત્ની પાછળ હટી ગઈ અને વાળંદ ને કહ્યું કે “સુથારે તમને વીંછી કરડે એ માટે આ કાવતરું ઘડ્યું છે. એ મગનીયો કંઈ ઓછો નથી. અહીં તો સોનામહોરો ને બદલે પીળા વીંછી છે.”

ગુસ્સે થયેલા વાળંદે વિચાર્યું કે આનો જડબાતોડ જવાબ એને આપવો જ પડશે. તેણે ચરુનું મોઢું ફીટ બાંધી, ચાદરમાં છુપાવીને  ઘરે આવીને સીધો ચઢી ગયો છાપરે અને મગનના ઓરડાના નળિયા ખસેડીને બેઠો.આ બાજુ મગન અને એની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા.

મગન પુરૂષોત્તમ પ્રભુની પૂજા કરવા બેઠો. એ સમયે લાગ જોઈને વાળંદે તે ચરુ ઊંધો વાળી દીધો અને વિચાર્યું કે હવે ખબર પડશે. પણ થયો ચમત્કાર. છાપરેથી વીંછી ની જગ્યાએ  સોના મહોરો વરસી. મગન અને એની પત્ની તો હેબતાઈ ગયા. મગનની આંખમાં આંસુ આવી ગયા. “અરે રે.. ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં તો અમસ્તું ઘેરબેઠા ધન માગ્યું હતું, તો પ્રભુએ છાપરું ફાડીને સોનામહોરો વરસાવી.”

પતિ પત્ની એ બધું જ ધન કોઠી માં મૂકી દીધું. આ બાજુ વાણંદ અને એની પત્ની વિચારે કે હમણાં મગન કાળી ચીસો પાડશે. ઘણીવાર થઈ પણ ચીસો ન સંભળાતા બંનેએ અંદર જોયું તો મગન બેઠો માળા ફેરવે. ધન મળતા જ મગને મન મૂકીને દાન ધર્મ કર્યા. સદાવ્રત ખોલ્યું.

કહ્યું છે ને કે, “वो जब देता है तो छप्पर फाडके देता है।।” ભગવાને આપેલું ધન ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી રહે .આમ પોતાનું બાકી જીવન ધર્મ કાર્ય માં વિતાવી મગન અને તેની પત્ની અંતે વૈકુંઠમાં ગયા.

હે પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા મગન સુથારને ફળ્યા એવા વ્રત કરનાર અને આ કથા સાંભળનાર સૌને ફળજો…  

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.. 

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply