Mythology

પુરુષોત્તમ માસની કથા – વ્યતિપાત યોગ ની કથા

વરાહ પુરાણમાં આ કથા મળે છે.

युधिष्ठिर उवाच –
श्रुतानि त्वन्मुखाद्देव व्रतानि सकलान्यपि।
व्यतीपात व्रतं ब्रूहि सोद्यापन फलान्वितम्।।

યુધિષ્ઠિર કહે છે કે, હે પ્રભુ! તમારા મુખેથી ઘણા બધા વ્રતો સાંભળ્યા પરંતુ હવે આ વ્યતિપાત નામના વ્રતનો વિધિ અને ફળ અમને વિસ્તારપૂર્વક જણાવો.

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-
पुरा व्यासेन कथितं शुकाय वंशवृद्धये।
तद् व्रतं कथयिष्यामि श्रुणु राजन्य सत्तम।।

ઘણા સમય પહેલા જે કથા પૃથ્વીએ વરાહ ભગવાન ને પૂછી હતી તે જ વાત શુકદેવજીએ વ્યાસજી ને પૂછી હતી તે કથા તમારા કહેવાથી હું તમને જણાવું છું.

એક વખતની વાત છે. ચંદ્રદેવને કુબુદ્ધિ પ્રાપ્ત થતાં બૃહસ્પતિની પત્ની તારા પર મોહ ઉત્પન્ન થવાથી એણે તારાનું અપહરણ કર્યું. આ જોઈ ક્રોધે ભરાઈ સૂર્યનારાયણે ચંદ્રમા સાથે યુદ્ધ કર્યું. સૂર્ય અને ચંદ્રનો ભીષણ ક્રોધ સામસામે અથડાતાં એક વિરાટકાય આકૃતિ નો જન્મ થયો.

સૂર્ય અને ચન્દ્રની ક્રોધાગ્નિ થી ખુલ્લા મુખવાળો, પીળા નેત્રવાળો, હોઠ ભીંસતો, લાંબા દાંતવાળો ભૃકુટી વડે કુટિલ મુખવાળો પીળી દાઢી-મુછવાળો, લાંબી ભૃકુટીવાળો, કૃષ પેટવાળો, વિકરાળ, લાંબી જીભવાળો, સૂર્ય જેવો તેજસ્વી, અગ્નિ સમાન સળગતો, યમ જેવો ભયંકર, આઠ નેત્ર, ચારમુખો અને ૧૮ ભુજાઓથી યુક્ત એવો તે પુરુષ ઉત્પન્ન થયો.

આવી બિહામણી આકૃતિ ને જોતાં જ સૂર્ય અને ચંદ્ર લડતા બંધ થઈ ગયા. એ મહાકાય આકૃતિ વાદળોની ગર્જના જેવા અવાજે બોલી, “મારું નામ વ્યતિપાત છે. મને ભયંકર ભૂખ લાગી છે. જલ્દી મને ખાવા આપો, નહીતર હું આખી પૃથ્વીને ખાઈ જઈશ.”

આ સાંભળીને સૂર્ય -ચંદ્ર બોલ્યા; “હે વ્યતિપાત! તું શાંત થા. તારા માટે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. પૃથ્વીલોકમાં જે કોઈ નર કે નારી તારું વ્રત કરે એના બધા પાપ તારે ખાઈ જવાના. અને જે વ્રત ન કરે, વ્રતનો અનાદર કરે, તેને તું ભયંકર પીડા આપી તારા ક્રોધનો શિકાર બનાવજે. તારું વ્રત કરનારને સુખ સંપત્તિ અને સંતતિ આપજે. અમારા તને આશીર્વાદ છે કે તારું વ્રત કરનાર ભાવિકને યમ નાં પાશનો ભય નહીં રહે. બ્રહ્મમુહૂર્તમાં ઉઠી સ્નાન કરી તારી મૂર્તિનું પૂજન કરી ફળફળાદી અને ખાસ કરી કાંસાના સંપુટ ની અંદર માલપૂડા નું દાન કરનાર ના સકળ મનોરથ સિદ્ધ થશે.”

માહાત્મ્ય ની વાર્તા :

માર્કંડેય પુરાણ માં આ વ્રતનું માહાત્મ્ય બતાવેલું છે યુધિષ્ઠિરે યમદંડના મહાદોષ માંથી છૂટવા માટે કયું વ્રત કરવું.? એવો પ્રશ્ન કર્યો ત્યારે માર્કંડેય મુનિએ હર્યશ્વ રાજાની વાત કહી સંભળાવેલી.

પૂર્વે હર્યશ્વ રાજાએ આ વ્રત કરીને એનું ફળ પૂર્વ જન્મે જે અતિ લોભી વૈશ્ય હતો અને વ્યતિપાત વ્રતનો તિરસ્કાર કરતાં જે બીજા જન્મે ભૂંડ તરીકે જન્મેલો એવા વૈશ્યને અર્પિત કર્યું હતું.

એ વૈશ્ય નું નામ ધનદાસ હતું. નામ પ્રમાણે જ ગુણ “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. “

એક વખતે વ્યતિપાત ના મહાપર્વનો દિવસ હતો. ભરપેટ ભોજન કરીને ધનદાસ ગાદી તકિયા પર આડો પડ્યો હતો અને આંગળીના વેઢે વ્યાજ ગણતો હતો. એટલામાં સાત દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો. ‘શેઠ! આજે વ્યતિપાત નું મહાપર્વ છે. દયા કરીને બટકું રોટલો આપો તો મારી આંતરડી ઠરે. સાત દિવસનો ભૂખ્યો છું.’

પણ આપવાની વાત આવી એટલે શેઠને ટાઢ ચડી ગઈ. બ્રાહ્મણ આજીજી કરે પણ શેઠ તો સામે ગાળો દીધે જાય અને હડધૂત કરે જાય. બ્રાહ્મણે વ્યતિપાતની દુહાઈ દઈને ચપટી લોટ માંગ્યો, ત્યારે ખીજાયેલો શેઠ લાકડી લઈને બ્રાહ્મણ ને મારવા લાગ્યો અને સાથે સાથે વ્યતિપાત ને પણ ગાળો દીધી.

માર ખાતાં ખાતાં એ બ્રાહ્મણે શ્રાપ દીધો, “હે ધનના લોભી! તેં મારી આંતરડી ને ઠારવાને બદલે વધુ બાળી છે. તારા પેટમાં લા’ય લાગશે. આવતા જન્મે તું ભૂંડ બનીને વન વન ભટકીશ. તારો મોક્ષ ત્યારે જ થશે જ્યારે કોઈ દયાળુ તને વ્યતિપાત વ્રતનું ફળ આપશે. મારો તને આ શ્રાપ છે.”

આમ, શ્રાપ આપી તે બ્રાહ્મણ ચાલ્યો ગયો. ધનદાસ ના ગભરાટનો પાર ન રહ્યો, અને એ ગભરાટમાં જ ધનદાસ નું મૃત્યુ થયું.

બીજા જન્મે આ શ્રાપને લીધે એ ભૂંડ બન્યો અને વન-વન ભટકવા લાગ્યો. દુર્ભાગ્યવશાત્ એક દિવસ વનમાં આગ લાગી. તે ભૂંડ પણ એમાં સપડાયો. એના અંગો બળી ગયા અને પીડાનો પાર ન રહ્યો. ન ખાઈ શકે ન પી શકે. ભૂખ્યો તરસ્યો એ પ્રભુ પાસે મૃત્યુ માંગવા લાગ્યો.

બરાબર એ જ સમયે હર્યશ્વ રાજા શિકાર કરવા વનમાં આવ્યો હતો. તેને ભૂંડ ની આવી હાલત જોતા એનાં પર દયા આવી. એ વિચારવા લાગ્યો કે આ ભૂંડે પૂર્વજન્મમાં એવા તે કયા મહાપાપ કર્યા હશે કે આજે આની આવી દશા છે?

એ જ સમયે ભૂંડ ને વાચા ફૂટી. અને પૂર્વજન્મમાં પોતે કરેલા પાપની અને બ્રાહ્મણના શ્રાપ ની વાત કરતાં કહ્યું કે, જો કોઈ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારો મોક્ષ થાય.

રાજા હર્યશ્વ વ્યતિપાત નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતો હતો. તત્કાળ એણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો અને વ્રત નું પુણ્ય ભૂંડ ને આપ્યું. એ જ ક્ષણે પેલો વૈશ્ય ભૂંડના દેહમાંથી મુક્ત થયો અને રાજાને પ્રણામ કરી સ્વર્ગે ગયો.

“વ્યતિપાત વિઘ્નવિદારણ! હરે સઘળા પાપ.
વાસ થાય ગોલોકમાં, પુણ્ય એનું અમાપ. “

===================

गणयित्वा व्यतिपात कालं वा वेत्ति यो नरः।
सर्वपापहरौ तस्य भवतो भानुभेश्वरौ।।
જે મનુષ્ય ગણિત કરી વ્યતિપાત ના કાળને જાણે છે તેનાં સઘળા પાપોના હરનારા સૂર્ય ચંદ્ર થાય છે.

पठति लिखति यः श्रुणोति वेतत्-
कथयति पश्यति कारयत्यवश्यम्।
रविशशिवदवाप्य सोऽपि देवै-
श्चिरसमयं परिपूज्यमान आस्ते।। ५०।।
જે મનુષ્ય આ કથા વાંચે છે, લખે છે, કહે છે કે સાંભળે છે, જુએ છે અને બીજા પાસેથી કરાવે છે તે પણ અવશ્ય ચીરકાળ સુધી સૂર્ય ચંદ્ર ની જેમ સ્વર્ગમાં રહી દેવોથી પૂજાય છે.

આ પ્રમાણે વરાહપુરાણ અંતર્ગત વ્યતિપાત વ્રત અને કથા પૂર્ણ થઈ.!!!!

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે.

9825998872

Categories: Mythology

Leave a Reply