Mythology

સંયમ વિના નહીં ઉદ્ધાર

નાનકડું ગામ…જૈનોની વસ્તી ખૂબ ઓછી…તેમાં ૭૦ માણસોનું સંયુક્ત પરિવાર વસે. ધર્મની લાગણી ઠીકાઠીક હતી, પણ તે પરિવારનો પુણ્યોદય કે તે સાધુ-સાધ્વીજી ભગવંતના વિહારનું ક્ષેત્ર. મહાત્માઓની પુષ્કળ અવરજવર… એના કારણે સંતાનોમાં અને વડીલોમાં સામાન્ય સંસ્કારો જળવાઈ રહ્યા હતાં.

તેમાં એક દિકરી દોઢ વરસની હતી અને પિતાજી મૃત્યુ પામ્યા હતા. પણ માતા ખૂબ સંસ્કારી કુળમાંથી આવેલી તેથી દિકરીને સુંદર સંસ્કારો આપે. વિહારમાં આવતાં મહાત્માઓ પાસે સત્સંગ કરાવે. ખૂબ સંસ્કારી બની. મોટી થતાં દીક્ષા લેવાની પ્રબળ ભાવના થઈ. પરિવારમાં વાત મૂકી પણ તેના પિતા ન હોવાથી કાકા વિગેરેને દીક્ષા આપવી યોગ્ય ન લાગી. માતાની ખૂબ ઈચ્છા છતાં દિકરીને દીક્ષા ન આપવી શકી.

દિકરીને મુંબઈ પરણાવી. સાસરું ખૂબ જ ખાનદાન પણ ધાર્મિક સંસ્કારો ઓછા, છતાં પોતે પોતાની આરાધના વ્યવસ્થિત કરે. તે દિકરી હવે માતા બની. તેને પણ એક દિકરી થઈ.

પોતાની દીકરી જ્યારે સાડા ત્રણ વર્ષની થઈ ત્યારે સપરિવાર સમેતશિખરજી જવાનું થયું ત્યારે પોતે ગર્ભવતી હતી. તીર્થનો કોઈ પરમપ્રભાવ કે યાત્રા કરતાં આ બેનને ભાવોલ્લાસ ખૂબ થયાં અને ગિરિરાજ ઉપર જ વિશિષ્ટ ભાવ જાગ્યો કે, ‘આ ગર્ભમાં જે દિકરો કે દિકરી હોય તેને મારે શાસનને સમર્પિત કરવો. જૈન શાસનનો અણગાર બનાવવો. હું તો પાપોદયના કારણે દીક્ષા ન પામી શકી પણ મારા સંતાનને તો હું શ્રમણ જ બનાવીશ.’

થયેલા આ ભાવને એમણે નિર્ણય બનાવી દીધો અને એ ભાવને ફળીભૂત કરવા આજથી જ કમર કસી દીધી. ગર્ભને શુભ અસરો થાય તે માટે નવકાર, સામાયિક, પ્રતિક્રમણ, સત્સંગ વિગેરે ખૂબ વધારી દીધું. છેવટે દિકરાનો જન્મ થયો. નાનપણથી જ સારા સંસ્કારો, સતત સત્સંગ વિગેરેમાં રાખ્યો.

કોઈપણ કારણસર દિકરાને દીક્ષાના ભાવો થતાં નથી. ધો. ૧૦ અને ધો. ૧૨માં સારા માર્કે પાસ થયો. પણ માને તેમાં આનંદ નથી. અવસરે અવસરે તેને શિખરજી તીર્થનો પોતાનો ભાવ-સંકલ્પ વિગેરે કહે છે. છોકરો પણ હળુકર્મી, સમજૂ, વિનયી છે. પણ ભાવ વિના કેવી રીતે દીક્ષા લે?

તીર્થક્ષેત્રોમાં કરેલો સંકલ્પ ખરેખર ફળદાયી બને છે.

એકવાર એક આચાર્ય ભગવંતની શિબિરમાં ગયેલો છે. સુંદર મજાના પ્રવચનો ચાલી રહ્યા છે. આ આચાર્ય ભગવંત પણ ખૂબ ગુણસંપન્ન, વૈરાગી, હૃદયદ્રાવક શૈલીના સ્વામી છે. અને શિબિરનો ત્રીજો દિવસ સવારે ૯:૦૦ વાગ્યાનું પ્રવચન… વિષય હતો ‘માનવજીવનનો સાર… સંયમ.’

આ દિકરો શિબિરના પહેલા દિવસથી આ પ્રવાચનની રાહ જોઇને બેઠો હતો. મા ના સંસ્કારો, ગર્ભથી સંસ્કરણ વિગેરેને કારણે સંયમજીવન ખૂબ ગમતું. પણ છલાંગ લગાવવાનું સામર્થ્ય હજૂ પેદા થયું ન હતું.

પૂજ્ય ગુરુદેવ એ પ્રવચનમાં ખૂબ જ ખીલ્યાં. સંયમના અતિશય રાગી હોવાથી ખાલી મોં ના શબ્દો ન હતાં પણ હૃદયના તાર તાર અંદર જોડાયેલા હતા. સંસારની ભયાવહતા, મોહકતા, વિષયદારુણતા, આપાત મધુરતા ખૂબ જ વૈધક શૈલીમાં રજૂ કરીને સંયમ-જીવનની નિષ્પાપતા, નિર્ભયતા, વિપાકમધુરતા, આનંદમયતા ખૂબ તર્કબદ્ધ રીતે શિબિરાર્થીઓને સમજાવી.

સંયમરાગી આ છોકરો તો ગારૂડીમંત્ર તુલ્ય એક એક વાક્યે સંયમ તરફ ખેંચતો ગયો. ડોલવા લાગ્યો. વૈરાગ્યથી ભરપૂર આ પ્રવચને તેની બંને આંખોમાંથી અશ્રુની ધાર વહેવડાવી દીધી. તેનાં રોમે રોમ સંયમની લગનીથી વ્યાપ્ત બની ગયા.

શિબિર બાદ ઘેર પહોચીને પોતાની સંયમભાવના રજૂ કરી. માતાએ પણ તેના ભાવોલ્લાસની ચકાસણી કરી ત્યારબાદ રજા આપી. દિકરાની દીક્ષા થઈ બે વર્ષ બાદ દિકરીઓને પણ તૈયાર કરી તેમને સંયમમાર્ગે વળાવી અને બે વર્ષ બાદ બંને માતા-પિતા પણ સંયમમાર્ગે નીકળી પડ્યા.

પ્રગટેલો એક દિપક હજારો દિવાને પ્રગટાવી શકે છે.

ધન્ય છે ધર્મશ્રદ્ધાળુ માતાને ! વિનયી દિકરાને.

-આચાર્ય વિજય શ્રી જિનસુંદર સૂરિ લિખિત પુસ્તક સુકૃત અનુમોદના માંથી સાભાર…

Categories: Mythology

Leave a Reply