Mythology

પુરુષોત્તમ વ્રતનાં નિયમો

રાજા બોલ્યા : જેણે પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હોય, તેણે કયા નિયમો પાળવા જોઈએ, તેમજ પુરુષોત્તમ માસમાં કયા ભોજન કરવા જોઈએ અને કયા પદાર્થો ન લેવા તે ઉપરાંત કયા પદાર્થો વર્જ્ય અને કયા લેવા જેવા છે તે બધું અમને જણાવો.

ત્યારે નારાયણ બોલ્યા : મહર્ષિ વાલ્મીકિએ રાજાને જણાવ્યું હતું કે હું જણાવું છું.

-વ્રત કરનારે હવિષ્ય ભોજન જમવા જોઈએ. જેમાં ઘઉં, ચોખા, મગ, જવ, તલ, ઘી, ખાંડ, કેળાં, સફેદ અનાજ, વટાણા, કાંગ , કંદમૂળ, કાકડી, સિંધવ, દહીં – દૂધ, ફણસ, આંબો,હરડે, જીરૂ, સૂંઠ, આંબલી, સોપારી , આમળા અને ગોળ વગેરેનો સમાવેશ થાય છે.

-માંસ, મધ, અડદ, રાઈ, તેલ વગેરે પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન ખાવું નહીં, પરસ્ત્રી સામે નજર ન કરવી, પરદ્રોહ ન કરવો, તીર્થયાત્રા સિવાય મુસાફરી ન કરવી, વળી દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર ભાવિકની નિંદા ન કરવી.

-જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી – ગાય કે ભેંસ સિવાય બીજા કોઈનું દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ અને ચામડા માં રાખેલું પાણી એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો.

-બ્રહ્મચર્યનું પાલન કરવું, નીચે બેસીને જમવું, રજસ્વલા સ્ત્રી, મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સાથે વાત ન કરવી, સુતકનું, બીજીવાર રાંધેલું કે દાઝી ગયેલ અન્ન ન ખાવું , કાંદા લસણ ગાજર અળવીના પાન, મૂળો, સરગવો વગેરે વર્જ્ય છે.

-પતિત પાવન પુરૂષોત્તમ પ્રભુની પ્રીતિ માટે ચાંદ્રાયણ વગેરે વ્રત કરવા. એકમના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજના દિવસે ફળનાં શાક, ચોથના દિવસે મૂળા, પાંચમે બિલીનાં ફળ, છઠે તરબૂચ, સાતમે સર્વફળો ના શાક, આઠમે આમળા-આંબલી , નોમના દિવસે નાળિયેર, દસમ ના દિવસે દુધી, અગિયારસે પટોળું, બારસે બોર, તેરસે કાળા રીંગણ, ચૌદસે વેલમાં ઉગેલા શાક, પૂનમે પાણીમાં થતાં શાકનો ત્યાગ કરવો.

-રવિવારે આમળા ન જ ખાવા. તેમજ જે વસ્તુનો નિયમ લીધો હોય એ વસ્તુ નું સુપાત્રને દાન આપ્યા પછી જ ખાવી.

-જો શક્ય હોય તો આખો મહિનો ઉપવાસ કરવા તેમ ન બને તો માગ્યા વગર ના દૂધ પર રહેવું ફળાહાર કરવો.

-પ્રાતઃકાળે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો દ્રઢ સંકલ્પ કરવો.

-દીપ દાનનું આ મહિનામાં અત્યંત મહત્વ છે દરરોજ ભગવાનની આગળ દીવો અવશ્ય કરવો.

-આ મહિનામાં અત્યંત ભાવપૂર્વક શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવું.

-બને તો સવા લાખ તુલસીદલ થી ભગવાન વિષ્ણુનું કે શાલીગ્રામ નું પૂજન કરવું.

-આ મહિનામાં વ્રત કરનાર ભાવિકને સો યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો પણ એનાથી ડરે છે. આ વ્રત કરનારને આધિ વ્યાધિ અને ઉપાધિ નડતા નથી. એની દરિદ્રતા દૂર થાય છે, સુખસંપત્તિ વધે છે, સંતાન અને યશ પ્રાપ્ત થાય છે. ભૂત-પ્રેત,પિશાચ, ડાકીણી, શાકીણી વગેરે પાસે ના આવે અને મૃત્યુલોકના અનેક સુખ ભોગવ્યા પછી એનો વિષ્ણુલોકમાં વાસ થાય.

पुरुषोत्तम प्रियममुं परमादरेण
कुर्यादनन्यमनसा पुरुषोत्तमो यः।
पुरुषोत्तम प्रियतमः पुरुषः स भूत्वा
पुरुषोत्तमेन रमते रसिकेश्वरेण।। ३९।।
જે ભક્તજન પુરુષોમાં ઉત્તમ હોય, તે જ પુરૂષોત્તમને પ્રિય એવા આ વ્રત -નિયમ પરમ આદર તેમજ મનથી કરે છે. તેથી તે પુરુષ પુરૂષોત્તમ ભગવાનને વિશેષ પ્રિય લાગે છે, તેમજ રસિકોના સ્વામી એવા પુરૂષોત્તમ ભગવાનની સાથે તે નિવાસ કરીને આનંદ પ્રમોદ કરે છે.

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય..
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply