Mythology

પુરુષોત્તમ માસની કથા – ગુરુ શિષ્ય ની વાર્તા

પતિતપાવની ગંગાકિનારે એક પવિત્ર અને જ્ઞાની સંત પોતાના એક શિષ્ય સાથે રહેતા હતા. ગામના લોકો એમની પાસે સત્સંગ કરવા આવે અને જે દક્ષિણા આપે તેમાંથી તેમનું ગુજરાન ચાલે.

એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ઘણા બધા નરનારી એ વ્રતનો સંકલ્પ કર્યો. શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો એટલે એ ગુરુ ને પૂછવા લાગ્યો કે, ગુરુજી આ કયું વ્રત છે અને એનો શું મહિમા છે?

ત્યારે ગુરુજી બોલ્યા, હે શિષ્ય! આ પુરૂષોત્તમ પ્રભુનું વ્રત છે. અપાર ફળદાયી છે. જે શ્રદ્ધા ભાવે વ્રત કરીને બ્રહ્મભોજન કરાવે તેને પ્રભુના દર્શન થાય.

શિષ્યએ પણ પ્રભુના દર્શન કરવા માટે એ વ્રત શરૂ કર્યું રોજ નદીમાં સ્નાન કરી વાર્તા સાંભળે ધારણા-પારણા કરે અને ૩૦ દિવસ પછી ઉજવણું કરવા એકસો એક બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું. બધાને જમાડવા સારું લચપચતા લાડુ બનાવ્યા. બ્રાહ્મણો જ્યાં બેસવાની તૈયારી કરે છે ત્યાં અચાનક એક ભિખારી આવી ચડ્યો. જોતાં જ ચીતરી ચડે એવી ગંધાતી એની કાયા, ફાટેલા વસ્ત્રો, મુખ પર માખીઓ બણબણતી હતી. ભિખારીએ આવીને ભોજન માગ્યું.

પહેલા તો શિષ્યએ સમજાવીને એને પાછો કાઢવાનો પ્રયાસ કર્યો પણ ભિખારી તો ન ગયો એટલે ગુસ્સે થઈને શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો. ખૂબ માર મારી એને કાઢી મૂક્યો.

આ બાજુ પધારેલા બધા જ બ્રાહ્મણોને ભોજન કરી લીધું. શિષ્યએ બધાને દક્ષિણા આપી. પછી બધા પ્રભુ પ્રગટ થાય અને દર્શન આપે એની રાહ જોવા લાગ્યા, પણ પ્રભુ પ્રગટ ન થયા. ત્યારે શિષ્ય ગુરુ પાસે ગયો અને જઈને ફરિયાદ કરી કે આપનાં કહ્યા પ્રમાણે મેં બધું જ કર્યું પણ પ્રભુ તો પ્રગટ ન થયા.

ત્યારે ગુરુજી બોલ્યા, હે શિષ્ય! એ શક્ય નથી. પ્રભુ તો અવશ્ય આવે જ છે. કદાચ તું પ્રભુને ઓળખી નહીં શક્યો હોય…

પણ શિષ્ય તો માન્યો નહીં. એતો દલીલ કરવા લાગ્યો કે, પ્રભુ તો આવ્યા નથી એની મને ગળા સુધી ખાત્રી છે. કોઈ આવ્યું નથી.

જ્ઞાની ગુરુએ તરત સમાધિ લગાવી અને સમાધિમાં જોયું ત્યારે બધી વાત જાણી ગયા. તેમણે શિષ્ય ને કહ્યું, હે શિષ્ય! બ્રહ્મ ભોજન સમયે કોઈ ભિખારી આવ્યો હતો?

ત્યારે શિષ્યએ કહ્યું -હા ગુરુજી, એક ગંદો ભિખારી આવ્યો હતો. ઘણું કહેવા છતાં ન ગયો એટલે એને મારીને કાઢી મૂક્યો હતો.

ત્યારે ગુરુએ કહ્યું કે, તેં જે ભિખારીને માર માર્યો એ સ્વયં ભગવાન હતા.

શિષ્યના ગળે વાત ન ઊતરી. એણે તો એક જ વાત પકડી રાખી કે ભગવાન આવ્યા જ નથી. ત્યારે ગુરુએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ પ્રગટ થયા. એ જ ભિખારીનો વેશ અને શરીર પર લાકડીના મારના નિશાન હતા. શિષ્ય તો જોતાં આ વેંત પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરવા લાગ્યો.

ત્યારે દયાળુ પુરૂષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત! મારા સહસ્ત્ર (1000) સ્વરૂપો છે. જીવમાત્ર પર દયા રાખે એ જ મને ઓળખી શકે. આટલું કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુદર્શન થી શિષ્યના બધા જ પાપો નાશ પામ્યા અને ગુરુ શિષ્ય સુખપૂર્વક જીવન વિતાવી ને વૈકુંઠ પામ્યા…

“શ્રદ્ધા ભાવે વ્રત કરે, દર્શન સાક્ષાત થાય.
પૂર્ણ પુરુષોત્તમ સેવતાં, ભવસાગર તરાય..”

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ તમે જેવા ગુરુ અને શિષ્ય ને ફળ્યા, તેવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો..

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply