Mythology

પુરુષોત્તમ માસની કથા-તાવડી તપેલીની વાર્તા

કંચનપુર નામના એક નગરમાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને દયાળુ અને પારકા ના દુખે દુઃખી થાય એવા, તેમજ કોઈનું પણ ખરાબ ન ઇચ્છે એવા હતા. સંતાનોમાં બે દીકરા અને એક દીકરી હતી. દીકરીઓને પરણાવી દીધી હતી જ્યારે દીકરાઓ સાથે બંને રહેતા હતા.

બ્રાહ્મણીની ઉંમર થવાથી હવે તેનાથી ઘરે કામ થતું નહોતું. દીકરાઓ પણ નાના એટલે વહુ પણ ક્યાંથી આવે? હવે એક વખતની વાત છે. પવિત્ર પુરૂષોત્તમ માસ ને એક દિવસની વાર હતી એટલે બ્રાહ્મણી દુઃખી થઈને વિચારવા લાગી, કાલથી અધિકમાસ શરૂ થાય છે. રાંધવાની કડાકૂટમાં ભક્તિ પણ થતી નથી. કથાવાર્તા માં જવાતું નથી. હે પ્રભુ! મારા માથે આ રાંધવાની જવાબદારી ન હોત તો હું પણ સવારથી સાંજ સુધી ભક્તિ કરતી.

બ્રાહ્મણીની આજીજી સાંભળી ભગવાને રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું કે, કાલથી તારે રાંધવાની કડાકૂટ નહીં કરવી પડે. હું તને એક તાવડી અને તપેલી આપું છું. તાવડીમાં તાવેતો ફેરવીશ એટલે મન ભાવતાં મેવા મિષ્ટાન્ન મળશે. પણ એ તાવડી-તપેલી કોઇને આપતાં નહીં.

બીજા દિવસે સવારે બ્રાહ્મણ- બ્રાહ્મણીએ રસોડામાં જઈને જોયું તો રૂપાની તાવડી અને સોનાની તપેલી હતા. તે જોઈ બંને રાજીનાં રેડ થઈ ગયા. બંનેએ આરામથી સ્નાન ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવ દર્શન કરી બપોરે ઘેર આવીને તાવડીમાં તાવેતો ફેરવ્યો ત્યાં તો રોટલા ઉતારવા માંડ્યા. તપેલીમાં કડછી ફેરવતાં જ મેવા મિષ્ટાન્ન તૈયાર થઈ ગયા. બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા.

હવે તો બ્રાહ્મણી ઘણી ખુશ હતી. માથેથી રાંધવાનું ટેન્શન ગયું. એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. પણ છોકરા વિચાર કરે છે કે, માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવી હતી કે નથી લોટ બાંધતી. તો પછી રોજ મેવા મીઠાઈ વગેરે આવે છે ક્યાંથી?

એક દિવસ છોકરાઓએ છુપાઈને બધું જોયું. જોઈને ચકિત થઈ ગયા. એમણે તો આ વાત પોતાના મિત્રોને જણાવી. બસ… પછી તો બે-ચાર ચાર દિવસમાં આખું ગામ તાવડી-તપેલી ની વાત જાણી ગયું. ઉડતી ઉડતી વાત રાજા-રાણીના કાને પહોંચી. રાણીએ તો તરત હઠ કરી કે તાવડી-તપેલી મંગાવો તો જ હું જમીશ નહીંતર નહીં.

રાજાએ પ્રધાનને આદેશ કર્યો કે બ્રાહ્મણ-બ્રાહ્મણીને મોંમાંગી કિંમત આપીને એ બન્ને વસ્તુ લઈ આવો. જ્યારે પ્રધાને બ્રાહ્મણીના ઘરે જઈ બન્ને વસ્તુ ની માંગણી કરી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે, માથું માંગો તો આપી દઉં પણ એ બંને ચીજો મારા પ્રભુની પ્રસાદી છે. એ તો અપાય નહીં.

પ્રધાને જઈ રાજાને કહ્યું તો રાજા ગુસ્સે થયો, અને સેનાપતિ ને કહ્યું કે ન માને તો પરાણે લઇ આવો. ત્યારે સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘરે. જેવો એણે તપેલીને હાથ લગાવ્યો કે તરત જ ચોંટી ગયો. ના હાલે કે ન ચાલે. એ તો બૂમાબૂમ કરવા લાગ્યો. બૂમ સાંભળી અનેક લોકો એકઠા થઇ ગયા. “તમાશાને તેડું ન હોય.”

સિપાઈઓ દોડતા રાજા પાસે આવ્યા .રાજા આ વાત સાંભળીને જોરથી હસવા લાગ્યો. રાજા તો અભિમાનથી છાતી ફુલાવતા આવ્યો બ્રાહ્મણના ઘરે. જેવો રાજા તપેલી ને અડ્યો એવો એ પણ ચોંટી ગયો. આ બધું જોઇને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગવા લાગી. બ્રાહ્મણ-બ્રાહ્મણી બિચારા શું કરે? એ તો પ્રભુને યાદ કરવા લાગ્યા.

ત્યારે આકાશવાણી થઇ. હે રાજન્ ! તેં રાજા થઈને પણ પ્રજાની ચીજ પર દાનત બગાડી એની આ સજા છે. આમાંથી જો છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને એક હજાર સોનામહોર દાનમાં આપ. આ સાંભળી રાણીએ તરત સોનામહોર મંગાવીને બ્રાહ્મણને દાનમાં આપી. જેવું દાન હાથમાં આપ્યું એવા જ રાજા અને સેનાપતિ મુક્ત થયા. આખા નગરમાં પુરૂષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો…

“પ્રેમે પુરુષોત્તમ ભજે, એનાં કષ્ટ સૌ દૂર થાય.
પ્રારબ્ધ નું ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય.. “

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા, એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો..

બોલો શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય.
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે 

9825998872

Categories: Mythology

Leave a Reply