Dr. Vishnu M. Prajapati

મોહનીયાનું પ્રાયશ્ચિત

સવાર-સવારમાં સ્કુલમાં દોડધામ મચી ગઇ હતી.

‘સાહેબ… સાહેબ…મોહનીયો નથી આઇવો……!’ આ ફરીયાદ તો ગઇકાલે’ય થઇ હતી અને હાજરીપત્રકમાં મોહનીયો તો ગઇકાલે પણ ગેરહાજર હતો.

આદિવાસી વિસ્તારના છેવાડાંના ગામની શાળામાં વિદ્યાર્થીઓની સળંગ બે ત્રણ દિવસોની ગેરહાજરી તો સાવ સામાન્ય બાબત હતી. કેટલાય વિદ્યાર્થીઓ સ્વાદિષ્ટ મધ્યાન ભોજન કે સરકારી લાભો હોય ત્યારે સ્કુલમાં દેખાય…! સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં કોઇને કોઇ લાલચ આપીને આ વિદ્યાર્થીઓને બેસાડીએ ત્યારે બેસે અને જો તેમને ભણાવવા હોય તો જંગલમાં જઇ શોધવા પડે…!

ગુણોત્સવ હોય ત્યારે બધા શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને રીતસરનું કરગરવું પડે….!

જો કે આજે તો મોહનીયાના વાલી ખુદ સામે ચાલીને સ્કુલે આવ્યાં હતા, ‘ સાહેબ તમે મારા મોહનીયાને ક્યાં ભગાડી દીધો….? પાછો લઇ આલો…. નહી તો અમે પુલિસમાં જઇશું….’ તેમના અવાજમાં લાચારી હતી કે ધમકી, તેનો સ્પષ્ટ ખ્યાલ નહોતો આવતો.

જો કે મોહનીયાના મા-બાપ તો તેને સ્કુલમાં પહેલા ધોરણમાં મુકવા આવ્યાં’તા તે દિ’ પછી છેક આજે બીજીવાર નિશાળના ઓટલે ચઢ્યાં હતા.

તે બન્ને આચાર્ય સાહેબની ખુરશી સામે સાવ લાચાર બની ઉભડક પગે જમીન પર બેસી ગયેલા. જો કે આ રીતે જ બેસવાની આદતથી તેવો ટેવાયેલા હતા.

‘અરે… કરમશી તું આ સામે ખુરશીમાં બેસ…!’ આચાર્ય સાહેબે તેને જમીન પરથી ઉભા થવા કહ્યું.

‘ના સાહેબ ઇ ખુરશી’યું અમને નો ફાવે…. મારો મોહનીયો બે દા’ડાથી ઘરે નઇ આઇવો…. માતાની બાધા પણ રાખી લીધી. વશરામભૂવાએ કીધું છે કે ઇના માથે ભૂત છે, ઇ હટે નહી તઇ લગણ ઘરે નઇ આવે…!’

થોડીવાર રોકાઇને તે ફરી બોલ્યો, ‘સાહેબ ઇ ભૂત તમે જ ચડાવેલું, એટલે તમે સંધાય અમારા મોહનીયાને પાછો લઇ આલો….!’ પેલો કરમશી તો સામે બેસી હાથ જોડીને કરગરી રહ્યો હતો.

‘આ કયું ભૂત અને કયો ભૂવો….? કરમશી મને મોહન વિશે કંઇ ખબર નથી.’ આચાર્ય સાહેબે તો પોતાના કપાળે હાથ મૂકીને તેમના ગમારવેડાં પર નાખુશી વ્યક્ત કરી.

‘ઇ શું બોઇલા, સાહેબ…! ઇને તો માથે ટકલું કરાવી દીધેલું અને ઇના બાપાએ તો મારેલો…! આ તો બરાબરનો ટીપાઇ ગીયો પછી ઇને ચોખવટ કરી કે અમારા મોટા સાહેબે કીધું શ એટલે અમે માની ગ્યેલા… અમને ઇમ કે આ ટોલા કરાવવાનું હરકારી અભિયાન હશે અને ઇમાં અમને કંઇક મળશે.. સંધાયને ફરજીયાત ટોલા કરાવવાના હશે, પણ મારા મોહનીયા સિવાય નિશાળમાં કોઇએ ટોલો નથી કરાવ્યો સાહેબ….! અને ઇ ટોલાવાળું ભૂત જ ઇને ભરખી ગ્યુ શ…!’ કરમશીની વહુ એટલે મોહનીયાની માંએ વિસ્તારથી કહ્યું તો આચાર્ય સાહેબને કંઇક સમજણ પડી.

આચાર્ય સાહેબ તો પોતે હસવું કે આ લોકો સામે સોગીયું મોઢું રાખવું તે નક્કી ન કરી શક્યાં એટલે તેમને ટેબલ નીચે મોઢું ઘાલીને થોડીવાર સામે બેસેલા કરમશી અને તેની વહુને ન દેખાય અને ન સંભળાય તે રીતે હસી લીધું.

પછી મોં સહેજ ગંભીર કરી ઉંચુ કર્યુ અને આચાર્ય સાહેબે તેમની પૂછપરછ શરૂ કરી, ‘ મોહનીયો, ક્યારથી ઘરે નથી આવ્યો?’

અને કરમસી તરત જ બોલ્યો, ‘ પેલા’દી ઇ ટાલીયું કરી, ભાભાના વાઘા પેરી નિશાળે આઇવો તો અને મારી હામે તો કંઇક અંતરમંતર જેવું બોલતો’તો…. મને તાણે જ વહેમ હતો કે ઇનું ચશ્કી ગ્યું શ… પણ તમારું નામ દીધેલું એટલે એવા વેહમાં મેં નિશાળે આવવા દીધેલો. ઇને તો તે દિ એવા જ વાઘા પેરી રાખેલા અને બીજા’દી પણ ઇ રીતે જ ઘરેથી ગીયો ને હજુ આઇવો નહી…’

આચાર્ય સાહેબે તો તરત જ બધા શિક્ષકોને ભેગા કર્યા અમે મિશન મોહનીયો શરુ કર્યુ.

‘આ મોહનીયાનું છે શું?’ આચાર્યે તો સામે બેસેલા તેના વર્ગશિક્ષકને પુછ્યું.

‘અરે, સાહેબ, આ બીજી ઓક્ટોબરે, ગાંધી જયંતિની ઉજવણી હતી ઇમાં મારા વર્ગમાંથી કોઇ એકને ગાંધીજીની વેશભૂષા કરવા કીધેલું. મોહનીયાએ તો તરતજ કીધેલું કે મારું નામ મોહન અને મારા બાપાનું નામ કરમશી એટલે આ કામ હું જ કરીશ… અમને’ય ખબર નહોતી કે ઇના માથા પર ગાંધીજીનું ભૂત વળગશે….!’

અને ત્યાં જ મોહનીયાની માં વચ્ચે બોલી, ‘ હા સાહેબ, પેલો વસરામભૂવો કેતો’તો કે ઇના માથે ભૂત છે ઇ જ આ ધીગાજીનું ભૂત…’ તેને ગાંધીજી બોલતા ન ફાવ્યું એટલે ધીગાજી થઇ ગયુ અને બધા હસી પડ્યાં એટલે તે ચૂપ થઇ ગઇ.

‘સાહેબ, ઇને તો સાચો સાચ ટાલ કરાવી દીધી અને આપણાં પ્રોગ્રામમાં ચારચાંદ લાવી દીધા, પેલા બાજુના શહેરનાં પ્રમુખ આવેલા તો ઇ એ ખુશ થઇ ગ્યેલા કે આ બાપુનો તો વટ પડે છે, અને આપણો મોહનીયો પછી ક્યાંથી ઝાલ્યો’રે ઇને તો વૈષ્ણવ જન તો કહીએ.. અને રામધૂન સરસ લલકારી… રેલીમાં આગળ જ ચાલતો અને શેરીના કૂતરા વાંહે પડે તો તેની લાકડી લઇને ભગાડતો, સાહેબ ઇ’નો વિડીયો જોશો તો પેટમાં દુ:ખશે એવો છે…તમે હાજર હોત તો મજા પડે તેવું હતું.’ પેલા શિક્ષકે વિસ્તાર વર્ણન કર્યુ.

જો કે પેલા વર્ગશિક્ષકે આચાર્ય સાહેબની ગેરહાજરીની વાત કરી તો તેમને ન ગમ્યું એટલે વાત ફેરવતા કહ્યું, ‘ એ રીપોર્ટ તો મેં ઉપર મોકલી દીધો છે, પણ આ મોહનીયો ગયો ક્યાં…?’

મોહનના વર્ગશિક્ષકે ફરી કહ્યું, ‘સાહેબ, ગઇકાલે સવારે વહેલો ઇ ગાંધીજીના વેશમાં જ આવેલો અને આખી નિશાળમાં કચરો સાફ કરેલો… ધૂન ગાયેલી… લાઇબ્રેરીમાંથી બે પુસ્તકો મેં ઇને ચાર દિવસ પહેલાં આપેલાં તો ઇમાંથી ભગવદગીતાનું પુસ્તક તો ઇના હાથમાં જ હતું… ઇ કે’તો કે મેં ‘સત્યના ઉપયોગો’ પણ વાંચી લીધુ છે.’

‘સત્યના ઉપયોગો નથી પ્રયોગો છે…. ગુણોત્સવમાં ધ્યાન રાખજો, આમ ઇજજતનાં ભવાડાં ન કરતા..!’ આચાર્યે તરત જ તેમની ભૂલ સુધારતા કહ્યું.

‘મને પણ સાચે આપણો મોહનીયો મોહનદાસ કરમચંદ ગાંધી બની ગયો હોય તેવું જ લાગતું હતું. કાલે સવાર પછી ઇ તો અધવચ્ચે જ સ્કુલેથી ચાલી ગયેલો અને મને એમ કે આપણાં ગાંધીબાપુ છે એમને થોડાં રોકાય….!’ વર્ગશિક્ષકે મજાકના સૂરમાં કહ્યું.

‘પછી એ ઘરે નથી ગયો તો મોહનીયો ગયો ક્યાં…?’ આચાર્ય સાહેબે ટેબલ પર હાથ પછાડ્યો.

‘સાહેબ, વસરામભુવાને અહીં જ લાવો… હાલ દાણા નાખીને કેશે કે મોહનીયો છે ચ્યાં..?’ મોહનની માંને તો હજુ વસરામભુવામાં વધુ વિશ્વાસ હતો.

‘એક કામ કરીએ, આપણે આખા ગામમાં ફરી આવીએ…!’ આચાર્યએ બધા શિક્ષકોને હુકમ કર્યો.

‘સાહેબ,હું સંધેય ફરી આઇવો શું… રાતે’ય ઘરે ન આવે એવું કોઇ’દી બને નઇ.. મોહનીયો તો સાવ ફટ્ટુ છે…રાતે સામે શેઢે મૂતરવા’ય જાય એમ નથી..’ કરમસીએ તેની વાત કરતાં કહ્યું.

‘તો પોલીસને બોલાવીએ….’ આચાર્ય સાહેબે ફોન હાથમાં લીધો..

અને ત્યાં જ મોહનીયો સામે દરવાજામાં પ્રગટ થયો. એ જ તેની ગાંધીજીની વેશભૂષામાં… માથે ટાલ… હાથમાં લાકડી.. પોતડું ને હાથમાં ભગવદગીતા…

તેની માં તેની પાસે જવા ઉભી થઇ ત્યાં આચાર્ય સાહેબે તેને રોકી અને તેમને જ પુછ્યું, ‘ મોહનીયા, ક્યાં ગ્યો તો…? બધા તારી કેટલી ચિંતા કરતા હતા.’

મોહને તો શાંતચિત્તે જવાબ આપ્યો, ‘પ્રાયશ્ચિત કરવાં.’

‘હેં’ બધાના મોંએથી એક જ અવાજ નીકળી ગયો.

‘મેં સત્યના પ્રયોગો વાંચ્યુ એટલે મને સમજાયું કે ગાંધીબાપુ બનવું બહુ અઘરું છે. પહેલા તો પોતાના પાપ ધોવા પડે અને પછી પૂણ્ય કમાવવું પડે.’ મોહનીયો તો કોઇ આદ્યાત્મિક ગુરુ હોય તેમ વાત કરી રહ્યો હતો.

‘તો તેં શું કર્યુ ?’ આચાર્ય સાહેબ તેને પુછી રહ્યા હતા.

‘મેં ગલીના કુતરાઓ, અબોલ પશુઓને વગેરેને અવારનવાર દુ:ખ પહોંચાડ્યું છે એટલે એક દિવસ નકોરડાં ઉપવાસ કર્યા… નદીમાં આખી રાત ઉભો રહ્યો અને મારા પાપોને મેં સ્વીકાર્યા.’ મોહન હજુ શાંત ચિત્તે કહી રહ્યો હતો.

‘કેવા પાપો…?’ આચાર્ય તેની આંખોમાં પ્રગટેલા મોહનને ઓળખી રહ્યા હતા.

‘મેં મારા વર્ગશિક્ષકના પાયજામામાં એક્વાર કુવેચ (ખંજવાળ લાવે તેવી વનસ્પતિ)નો પાવડર નાંખીને તેમને બે દિવસ ખંજવાળતા કરી દીધા હતા.. સાહેબ તમારી ગાદીમાં ક્યારેક કાંટા વાગતા હતા તે હું જ મુકતો હતો… પેલી સરકારી ગાડી આવી’તી તેના ટાયરોની હવા મેં જ કાઢી નાંખી હતી.’ એમ કહીને મોહન એક પછી એક પોતે કરેલી બધી ભૂલો સ્વીકારી રહ્યો હતો.

આચાર્ય સાહેબ આજે તેની આંખોમાં હકીકતમાં ગાંધીબાપુના દર્શન કરી રહ્યા હતા તે તેને શાબાશી આપવા ઉભા થયા. આ મોહનીયો આજે ખરેખર મોહનદાસ ગાંધી બની પાછો ફર્યો હતો.

પણ મોહન તેના માં-બાપ બાજુ ગયો અને બોલ્યો, ‘ બાપુ હું કેટલીયવાર રાતે તમારી ચલમમાંથી ધુમાડાં ખેંચી લઉં છું… અને માંઇ તારા બટવામાંથી મેં ઘણીવાર પૈસા ચોરેલા… આપણાં કુળદેવતાના પેલા પૈસા ચોરાયેલા તે મેં જ ચોર્યા’તા.. બાપુ, મને માફ કરો… આ ગાંધીબાપુ બન્યો અને તેમની આત્મકથા વાંચી એટલે ખબર પડી ખરેખર ગાંધી બનવું એટલે શું ? હવે હું આવી ભૂલો નહી કરું.’ એમ કહી મોહન તેમને પગે લાગ્યો.

પણ આ માં-બાપને આ પ્રાયશ્ચિત શબ્દની ગતાગમ પડે ક્યાંથી..? તેના બાપુએ તો તેના હાથમાંથી લાકડી લીધી અને બરાબરની ફટકારી, ‘નખ્ખોદ જાય તારા ધીગાજીનું અને તેના ભૂતનું… નિશાળે આવીને તને આવું શીખવાડ્યું…!’

અને ત્યાં તેની માં પણ બોલી, ‘ઇ વશરામભુવા જોડે જ લઇ જાવ તો જ તેનું મગજ ઠેકાણે આવશે… નહીતો આ ટાલકાંવાળું ભૂત મારા દિકરાને ભરખી જાહે….!’

આચાર્ય તેમને સમજાવવા નજીક ગયા પણ મોહન બનવા નીકળેલો મોહનીયો ગાંધીવેશમાં જ માર ખાતો ખાતો ઘર તરફ ભાગ્યો.

અને આચાર્ય સાહેબ મનોમન બબડયા, ‘મોહનીયા તારું પ્રાયશ્ચિત ખરેખર વંદનીય છે, આપણાં ખાદીધારીઓ કે દેશવાસીઓ પણ તારી જેમ એકવાર પ્રાયશ્ચિત કરે તો ગાંધીબાપુના જન્મદિવસની ઉજવણી સાર્થક ગણાય.. પણ આ સત્યના પ્રયોગો સહેલા થોડાં છે..??!!’

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply