Mythology

પુરુષોત્તમ માસની કથા-મૃગલા મૃગલીની વાર્તા

સુંદરવન ની અંદર એક ઝાડીમાં નદી કિનારે મૃગલો અને મૃગલી રહે. પશુ હોવા છતાં બંને ખુબ સંતોષી જીવ. એક સમયની વાત છે. પુરૂષોત્તમ માસ આવતાં સૌ નર નારી ત્યાં નદીએ ન્હાવા આવે. ભગવાન ની સુંદર વાર્તા કરે. પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળીને મૃગલા અને મૃગલીને પણ વ્રત કરવાનું મન થયું. પણ નદીમાં નહાવું શી રીતે?

મૃગલાએ એનો ઉપાય શોધી કાઢ્યો. સ્નાન કરી નર -નારી ભીનાં કપડાં એક પાટ પર મૂકતાં. ત્યારે મૃગલો મૃગલી એ પાટ નીચે ઊભા રહી જતાં. જે પાણી ટપકે એનાથી તેઓ સ્નાન કરી લેતાં. વળી વ્રત કરનારે યથાશક્તિ દાન કરવું પડે. એનો ઉપાય મૃગલીએ શોધ્યો. બંને કુણું કુણું ઘાંસ તોડી લાવતા અને ગાયને ખવડાવતા.

આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાય ને વાચા ફૂટી. ગાય એ મૃગલા અને મૃગલીને કહેવા લાગી કે, તમારું વ્રત જોઈને હું પ્રસન્ન થઈ છું. તમે આ વ્રતના પ્રભાવે રાજા રાણી બનીને રાજ ભોગવશો. આજે રાત્રે પુરૂષોત્તમ પ્રભુ સ્વયં કદમ્બ ના ઝાડ નીચે પ્રગટ થશે. માટે રાત્રે જાગરણ કરજો અને ગળે દોરડું બાંધીને ગળેફાંસો ખાજો.

મૃગલો અને મૃગલી તો રાજીના રેડ થઈ ગયા. ગાયનાં કહેવા પ્રમાણે મધ્યરાત્રીએ પ્રભુ પ્રગટ થયા. ચારેબાજુ ઝળહળ જ્યોતિ છવાઈ ગઈ. મૃગલા મૃગલી એ તરત દોરડાના ગાળીયા ગળામાં નાંખ્યા.

પ્રભુ તત્કાળ બોલી ઉઠ્યા, હે ભક્તો! હું તમને તારવા માટે જ આવ્યો છું. તમે પશુ હોવા છતાં પણ મનુષ્ય ન કરે એવું એવું શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે. તેનું ફળ અવશ્ય તમને મળશે.

પુરૂષોત્તમ પ્રભુએ તે બંને ઉપર અમૃત જળનાં છાંટા નાખ્યાં. ત્યાં મૃગલો રાજકુમાર બની ગયો અને મૃગલી રાણી બની ગઈ. બંને પ્રભુના ચરણમાં પડી ગયા અને આંખે આંસુ લાવી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. ત્યાં જ એક દિવ્ય વિમાન આવ્યું અને ભગવાન ભક્તોને સદેહે વૈકુંઠમાં લઈ ગયા..

“જાણી જોઈને વ્રત કરે, કે અજાણ્યે થાય.
ફળ એનું અવશ્ય મળે, પુરુષોત્તમ રાજી થાય.”

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા તેવા આ કથા વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો…

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય..
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply