SHORT STORIES / लघु-कथाए

ટપાલી

ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇ દિવસોમાં પેન્શનના પૈસા મનીઓર્ડરથી આવતા. ગામડા ગામમાં પેન્શનરો પેલી તારીખે ટપાલીની મે(વરસાદ) ની જેમ રાહ જોતા. ટપાલી પણ બહુ ઓછા પગારમાં ગામે ગામ જઇને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા.

ચોરા પાસે ઉભેલા ગામના ચાર આગેવાનોએ દુર થી આવતી સાયકલ જોઇને કહ્યું “કો’ક નવો જણ આવતો લાગે છે.”

હવામાં વિખરાયેલા વાળ, ટપાલ ખાતાના યુનિફોર્મના ફાટેલ કપડાં અને ઉઘાડા પગે આવનાર ઉપર એક નજર નાખી સરપંચ વખતસિંહે કહ્યું “નવો ટપાલી લાગે છે.”

“હા છે તો ટપાલી.”

તેટલામાં સાયકલ ઉપર આવનાર ટપાલીએ ખભા પરથી થેલો ઉતારતાં રામ રામ કર્યા.

“ભાઇ ક્યાંથી આવો છો? નવા છો?”

“હા, હું મુળીલાથી આવુ છુ?”

“શું નામ તમારું?”

“મારું નામ નટવર”

“આખું નામ હશે ને?”

“હા નટવરલાલ ચિમનલાલ દવે” ટપાલીએ પોતાનું નામ જણાવ્યું અને પુછ્યું તમે?

” હું દામજી પટેલ.” એક આદમી એ પોતાનો પરિચય આપી બીજા તરફ આંગળી ચિંધી કહ્યું ” આ વખતસિંહ બાપૂ. ગામના સરપંચ.”

ટપાલીએ બધા સાથે ફરીથી રામ રામ કર્યા અને થેલામાંથી મનીઓર્ડરનુ ફોર્મ કાઢી પૂછ્યું “ગીતાબેન ડાયાલાલ – આનું ઘર ક્યું છે? તેને પેન્શનના પૈસા દેવાના છે”

“આ સામે રહ્યું. છેલેથી બીજું, દેશી નળિયા વાળું.” સરપંચે ઘર બતાવ્યું અને લગભગ સતાવાહી અવાજે આમંત્રણ આપતા કહ્યું

“પૈસા પેલા ગીતાને હાથોહાથ પોગાળીને પછી ડેલીએ આવો ચા પાણી પીવા.”

સરપંચે બતાવેલ ઘર પાસે જઇને બારણું ખખડાવ્યું

અંદરથી કુમળી વયની સ્ત્રીનો અવાજ આવ્યો. કોણ?

“ટપાલી.” દરવાજો ખોલો.

અંદરથી છોકરીનો જવાબ મલ્યો. એ હા. ટપાલ દરવાજા નીચેથી સરકાવી દો. હું લઇ લઉં છું.

ટપાલી : મનીઓર્ડર છે. તમારે સહી કરવી પડે. આવીને સહી કરો.

છોકરી : એ હા આવી.

ત્રણ- ચાર મીનીટ સુધી કોઇ આવ્યું નહીં. ટપાલી અકળાવા લાગ્યો. આતે કેવું? ઘડીકમાં દરવાજો ખોલે નહીં… અને કંઇક કેવું તો પડશે.

એટલામાં દરવાજો ખુલ્યો. ટપાલીએ જોયું. એક બાર તેર વરસની અપાહીજ કન્યા હતી. બંને પગ પોલિયોની બિમારીમાં જતા રહેલા. ટપાલીનો ગુસ્સો ઉતરી ગયો. પુછ્યું ગીતા બહેન ડાયાલાલ કોણ? તમે જ છો?

“હા અંકલ હું જ ગીતા. લાવો સહી કરી આપું.”

મનીઓર્ડરમા સહી કરાવી પેન્શનના રૂપિયા ગણી આપીને ટપાલીએ પુછ્યું ઘરમાં તમે એકલાં જ છો? બીજા કોઇ નથી? તમારે બારણું ખોલવા આવવું પડ્યું?

“અંકલ હું એકલી જ રહુ છું. મારા મમ્મી પપ્પાનું એકવરસ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયેલ છે.”

“ઓહહ! હશે બેટા. જેવી ભગવાનની મરજી. તું મારી દિકરી જેવી છો. લે હવે સંભાળીને બારણું બંધ કરી દેજે.”

બહુ થોડા દિવસોમાં, ટપાલી નટવર તેમના, હસમુખા અને મિલનસાર સ્વભાવને કારણે ગામમાં દરેક ઘર સાથે આત્મિય સંબંધો કેળવી શક્યા. ગરીબ બ્રાહ્મણ સમજીને ગામના લોકો યથા શક્તિ મદદ પણ કરતા.

દિવાળીના દિવસો નજીક આવ્યા. બોનસની લાલચે, ટપાલ કોઇની હોય કે ન હોય, તો પણ નટવર ટપાલી ગામની મુલાકાતે આવે. જે સામું મળે તેને મીઠાસથી વાત પણ કરે. ખબરઅંતર પુછે.

ગયા મહિને પેન્શનનું મનીઓર્ડર લઇને ટપાલી આવેલ, ત્યારે ગીતાએ વિચાર્યું. બધા પાસેથી અંકલ બોનસ લે છે પણ મારી પાસે માગતા નથી. હું બારણુ ખોલું તેટલી વાર ધીરજ રાખીને તડકામાં ઉઘાડા પગે રાહ જુવે છે. મારે પણ કંઇક આપવું જોઇએ. શું આપવું? એક સરસ વિચાર આવ્યો. અંકલ ઉઘાડા પગે આવે છે બચાડા ગરીબ છે. એને ચપ્પલ લઇ આપું તો કેવું રહે? બાર તેર વરસની દિકરી બીજુ શું વિચારી શકે?

ટપાલીના પગની છાપ ધૂળમાં હતી, તેના પર કાગળ રાખી માપ લીધું. પડોશી પાસે ચપ્પલ મંગાવ્યા. સરસ રીતે ગીફટપેક કર્યા.

બીજે દિવસે ટપાલી ગામમાં આવ્યો. દરેકને ઘરે ટપાલ આપી. પછી વિચાર્યુ. ગીતાને હું દિકરી ગણુ છું તો આજ એને મળીને દિવાળી તથા નવા વરસના આશિર્વાદ આપું. ટપાલીએ બારણું ખખડાવી ધીરજથી વાટ જોતો ઉભો રહ્યો.

“કોણ?”

“ટપાલી.” બેટા ખોલ.

થોડી વાર પછી બારણું ખોલી ગીતાનો હસતો ચહેરો દેખાયો.

“અંકલ હું તમને જ યાદ કરતી હતી. સારૂ થયું તમે આવી ગયા. લો આ. મારી નાનકડી ભેટ.”

“અરે બેટા તારી ભેટ મારાથી ન લેવાય. તું મારી દિકરી છો.”

“અંકલ આજે ના નહીં કહેતા. મને દિકરી ગણો છો તો આટલી ભેટ લેવી જ પડશે. નહીંતર તમારી કિટા કરીશ. અને હા ઘરે જઇને જ ખોલજો.”

ટપાલીએ બોક્સ હાથમા લઇ ને ગીતાના માથે હેતથી હાથ મુકી આશિર્વાદ આપ્યા. દિવાળી અને નવા વરસની હ્દયપૂર્વકની શુભેચ્છા આપી.

ઘરે પહોંચી નટવરે ઉત્સુક્તાવશ બોક્સ ખોલ્યું. તે એકદમ આશ્ચર્યચકીત થયો. ચપ્પલ જોઈને તેની આંખોમાં પાણી ભરાયાં. તરત હેડપોસ્ટ ઓફિસ જઇને મોટા સાહેબને વિનંતી કરી કહ્યું. સાહેબ મને કોઇ પણ બીજા ગામમાં તાત્કાલીક અસરથી બદલી કરી આપો.

સાહેબે પૂછયુ. કેમ એકાએક? શું થયું?

ટવરે ટેબલ ઉપર ચપ્પલનું બોક્સ રાખી આખી વાત વિગત પૂર્વક જણાવી. સજળ નયને આક્રંદ કરતાં કહ્યું. આજ પછી હું એ ગામમાં નહી જઇ શકું. એ અપાહીજ છોકરીએ મારા ઉઘાડા પગ માટે ચપ્પલ આપ્યા પણ હું તેને પગ કેમ આપી શકું?.

હેડપોસ્ટમાસ્તર આંખો બંધ કરી વિચારોમાં ડુબી ગયા. સંવેદનશીલતાની ચરમસીમા જેવો આ બનાવ તેમણે જીંદગીમાં પહેલી જ વાર અનુભવ્યો.

સંવેદનશીલતા એટલે બીજાના દુખ દર્દને સમજવું, અનુભવવું, તેમાં સહભાગી થવું એ એક એવો સદગુણ છે જેના વગર ઇન્સાન અધુરો છે.

ભગવાનને પ્રાર્થના છે કે એ આપણને સંવેદનશીલતા રૂપી આભૂષણ આપણા શીલ અને સંસ્કારમાં ઉમેરે. જેથી આપણે બીજાનાં દુખ દર્દ મીટાવવા યથાચિત યોગદાન આપતાં રહીયે. દુખમાં ઘેરાયેલ માણસને એમ થવું જોઇએ કે તે સંકટસમયે એકલો નથી સારી માનવતા તેમની પડખે છે.

લેખક: પ્રબોધ ભટ્ટ.

Leave a Reply