Mythology

પુરુષોત્તમ માસની કથા- ભોળી ભરવાડણ ની વાર્તા

બ્રાહ્મણોની વસ્તી ધરાવતું જમનાપુર નામે એક ગામ હતું. એ ગામમાં બે ચાર ભરવાડ નાં પણ ઘરો હતા. એ ગામને પાદર એક ભોળી ભરવાડણ રહે. નામ પ્રમાણે સાવ ભોળી. પાછી ધાર્મિક હોવાથી એને આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં એકવાર પુરૂષોત્તમ માસ આવ્યો.

એણે પણ વ્રત લીધું. રોજ નદીએ નહાવા જાય અને વાર્તા સાંભળે. હવે વ્રત પૂરું થતાં ઊજવણાનો દિવસ આવ્યો. ભોળી તો મુંજાઈ. દાન દેવા કશું જ નથી. ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ, બ્રાહ્મણો ને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. ભોળી તો બ્રાહ્મણના ઘેર નિમંત્રણ આપવા ગઈ. જઈને પૂછ્યું, “ભૂદેવ.. જમવા આવશો ને?”

ત્યારે બ્રાહ્મણ બોલ્યો, “જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માગી દક્ષિણા મળે તો કેમ ન આવું?” આ સાંભળી ભોળી તો ઉદાસ થઈ ગઈ.

ભોળી એ કહ્યું “ભૂદેવ હું તો સાવ ગરીબ છું. મેં મારી આખી જિંદગીમાં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેંસ છે, ને ખાટી છાશ છે. પણ હા.. જમાડી પ્રેમથી.”

હવે ખાટી છાશ અને ઘેંસની વાત સાંભળી બ્રાહ્મણે તો ભોળી ને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી પણ કોઈ બ્રાહ્મણે જમવા આવવાની હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર હોળીને પોતાના ગરીબ હોવાનું દુઃખ થયું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

ભોળી ને આમ રડતી જોઈ પુરુષોત્તમ ભગવાન ને ચિંતા થઈ. “ભક્તની તકલીફ એ ભગવાન ની તકલીફ.” તરત ભગવાને બાર વર્ષના બટુક નું રૂપ લીધું અને ભોળી ના ઘેર આવ્યા. ખભે જનોઈ જોતાં જ ભોળીએ ભોળા ભાવે નિમંત્રણ આપ્યું, ત્યારે ભગવાન બોલ્યા: “માં તમે ચિંતા ન કરો. હું સ્વયં તમારા ઘેર જમીશ. મને સીધું આપી દો. હું જાતે રસોઈ બનાવી લઈશ.”

ભોળી તો રાજી થઈ ગઈ. તેણે તરત સીધું આપ્યું. ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યાં. ભોળી પાદર સુધી પ્રભુ ને વળાવવા આવી. ગામની પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુ એ વૃક્ષ પર ચઢીને આંબળા પાડવા લાગ્યા. “માં આ આંબળા ઘેર લઈ જાવ તમારું બધું જ દુઃખ દૂર થશે.”

ભોળી એ તો ગાંસડી બાંધી. પછી જ્યાં ઊંચે નજર કરે તો પ્રભુ ન મળે. પ્રભુનું નામ લેતી એ પોતાના ઘેર આવી. ખૂબ કકડીને ભૂખ લાગી હતી એટલે એ તરત જમવા બેસી, પણ આ શું? ઘેંસ ની જગ્યાએ ૩૨ પકવાનનાં થાળ ભર્યા છે. એતો અચંભિત થઈ ગઈ. ત્યાં જ એની નજર પેલી આંબળાની ગાંસડી પડી. એમાં અજવાળું જોઇને એણે ગાંસડી ખોલી તો અંદર હીરા માણેક નો ઢગલો. ભોળી ના જ્ઞાનચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ ભગવાન પધાર્યા હતા. તે ઘણી જ દુઃખી થઈ ગઈ.

અરે રે… હું કેવી આંધળી… પ્રભુને ન ઓળખી શકી…. અધિકાર છે મને…. મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી.

ભોળી એ સંકલ્પ કર્યો કે, હવે પ્રભુ દર્શન દે તોજ અન્ન-જળ લેવાં, નહીંતો ભૂખ અને તરસથી આ દેહનો ત્યાગ કરવો. ભોળીનો આવો દઢ સંકલ્પ જોઈ પ્રભુએ તેને દર્શન દીધા અને તેનો અવતાર સફળ થયો.

“ભગવાન ભૂખ્યા ભાવ તણાં, ના માંગે પકવાન.
શ્રદ્ધા થકી જે કોઈ ભજે, એને આપે દર્શન ના દાન.
વિદૂર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધન નાં મિષ્ટાન.
ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન.. “

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા ભોળી ભરવાડણ ને ફળ્યા, એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો..

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય..
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply