SHORT STORIES / लघु-कथाए

અનોખો સંબંધ

ટેકરીનો ઢાળ ઉતરતાં સ્મિતા અને વિશાલ એક ખૂબસૂરત ચર્ચા કરી રહ્યાં હતાં. એમનાં બંને બાળકોએ દાદા કેવા હોય, અમારા દાદા કેમ નથી? વગેરે પ્રશ્નો પૂછતાં એ દંપતી પોતાનાં બાળકોને દાદાની ભેટ આપવાનો નવતર પ્રયોગ કરવા ને એને આખરી ઓપ આપવાની સુંદર ચર્ચા કરી રહ્યાં હતાં.

વિશાલની મા એને જન્મ આપીને તરત અવસાન પામી હતી. વિશાલની સંભાળ લેવા સગાંઓની સમજાવટથી એના પિતાએ બીજું લગ્ન કર્યું હતું. નવી માતાને પણ બે દીકરા થયા. ગમે તેમ કરીને વિશાલે હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

વિશાલના પિતા એક ફેક્ટરીમાં નોકરી કરતા. ઘરખર્ચને પહોંચી વળવા સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી બાર કલાકનો ઢસરડો કરતાં થાકીને લોથપોથ થતા પિતા વિશાલ સાથે ભાગ્યે જ વાત કરી શકતા.

વિશાલને નવી માતા તરફથી તો ક્યારેય પ્રેમ મળ્યો જ નહોતો ને પિતાને બહુ સમય મળતો નહોતો! વિશાલ ભણવામાં હોશિયાર હતો. તેણે શહેરની સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. કોલેજની નજીક જ એમની જ્ઞાતિમંડળની હોસ્ટેલ હતી, તેમાં વિશાલને રહેવાનું પણ ગોઠવાઈ ગયું.

શરૂઆતમાં અતડો રહેતો વિશાલ ધીમે ધીમે સ્મિતા નામની તેના જ ક્લાસની યુવતીના પરિચયમાં આવ્યો. સ્મિતાએ વિશાલની અત્યાર સુધીની જીવનગાથા સાંભળી ને વિશાલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ. સ્મિતાના પપ્પાને કેમિકલ્સની ફેક્ટરી હતી.

સ્મિતાના જન્મદિવસની ઉજવણીમાં સ્મિતાના બીજા મિત્રોની સાથે વિશાલને પણ નિમંત્રણ મળ્યું. સ્મિતાએ અગાઉથી વિશાલની નવી માતાના સ્વભાવથી પીડિત વિશાલની વાત પોતાના પિતાને જણાવી હતી. પણ વિશાલ પ્રત્યે સહાનુભૂતિ જાગી હતી.

બધા મિત્રો સાથે સ્મિતા જન્મદિવસની ઉજવણી માણી રહી હતી. સ્મિતાના પિતા એ દિવસે ફેક્ટરીએ ગયા નહોતા. તેઓ પણ પાર્ટીમાં સામેલ હતા. સ્મિતાએ વિશાલનો પરિચય પિતા સાથે કરાવ્યો. વિશાલ સાથે વાતચીત કરતાં સ્મિતાનાં માતાપિતાને વિશાલ પ્રત્યેની સહાનુભૂતિ બેવડાઈ. સ્મિતાની મમ્મીએ વિશાલને જ્યારે ઈચ્છા થાય ત્યારે બેરોકટોક ઘરે આવવાનું કહી હુંફ આપી.

કોલેજનું છેલ્લું વર્ષ હતું. વિશાલ ઘણી વખત સ્મિતાના ઘરે જતો. સ્મિતા કરતાં એનાં માતાપિતા સાથે તે ઘણો સમય ગાળતો. સ્મિતાની મમ્મીને વિશાલ ગમી ગયો હતો. એમણે એક દિવસ સ્મિતાના પપ્પાને કાને વાત નાખી. સ્મિતાના પપ્પાના મનમાં પણ આ જ વાત રમી રહી હતી.

એમણે સ્મિતાને વિશાલ અંગે પૂછતાં સ્મિતાએ પોતાના મનનો ઉત્સાહ દબાવીને, માતાપિતાની ઈચ્છા પ્રમાણે લગ્ન કરવાની સંમતિ આપી.

પરીક્ષાઓ પૂરી થતાં વિશાલ તેના વતન જતાં પહેલાં સ્મિતાના ઘરે આવ્યો. સ્મિતાએ વિશાલના મનમાં શું છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો, પણ વિશાલે પોતાના પિતાની ઈચ્છા પર ઢોળી દીધું. એને તો સ્મિતા ગમતી હતી, પણ એવી દ્રષ્ટિથી એણે કદી પણ સ્મિતાને જોઈ જ નહોતી!

વેકેશનમાં એક દિવસ સ્મિતાનાં માતાપિતા અને સ્મિતા વિશાલના વતનમાં પહોંચી ગયાં. સ્મિતાના પપ્પાએ વિશાલના પપ્પા સાથે સ્મિતા અને વિશાલનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વિશાલના પપ્પા તો ખૂબ ખુશ થયા, પણ વિશાલની નવી માતાનું મોં કાળું ધબ્બ થઈ ગયું. એમણે સ્મિતાના પપ્પાને સ્પષ્ટ ના પાડી.

વિશાલના પપ્પાનું કશું ચાલ્યું નહીં, ને સ્મિતા પોતાનાં માતાપિતા સાથે નિરાશ વદને શહેર પાછી વળી.

એકાદ અઠવાડિયામાં જ વિશાલે પિતાની છત્રછાયા પણ ગુમાવી. હવે એનું મન અહીંથી ઉઠી ગયું હતું. બારમાની વિધિ પૂરી થઈ એટલે વિશાલ નોકરીની શોધમાં શહેર જવા નીકળ્યો.

એ સીધો સ્મિતાના ઘરે ગયો. પિતાના અવસાનના સમાચાર જાણી સૌએ વિશાલને હૈયાસહારો આપ્યો. વિશાલને એ દિવસે સ્મિતાના પપ્પાએ પોતાના ઘરે રોક્યો.

વિશાલની ઈચ્છા સ્મિતા સાથે લગ્ન કરવાની હતી જ, પણ નવી માતાએ સંમતિ ના આપી. વિશાલ તો આજે પણ તૈયાર હતો, એણે સ્મિતાનાં માતાપિતાને વાત કરી. વિશાલને કુટુંબમાં કાકા કે ફોઈ કોઈ નહોતાં, નવી માતા તો વિરૂદ્ધમાં જ હતી. પણ હવે વિશાલ પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર હતો.

સ્મિતાના પિતાએ પોતાની ફેક્ટરીમાં વિશાલને નોકરી આપી. એમને સ્મિતા એક માત્ર સંતાન હતી. વિશાલે થોડા દિવસમાં જ આખી ફેક્ટરીની જવાબદારી ઉપાડી લીધી. એના કામની ધગશ જોઈ સ્મિતાનાં માતાપિતા રાજી થયાં. ઘણી વખત કામ વધારે હોય તો વિશાલ ફેક્ટરીમાં જ રોકાઈ જતો. છ એક માસમાં તો ફેક્ટરીની સિકલ બદલાઈ ગઈ.

વિશાલ એક વખત વતનમાં જઈ નવી માતાને મળી આવ્યો, પણ જાણે કોઈ સંબંધ જ ન હોય તેવું વર્તન જોઈ વિશાલ સાંજે શહેરમાં પાછો આવી ગયો.

સ્મિતાના પપ્પાનું અચાનક હૃદય રોગથી અવસાન થયું. વિશાલે ફેક્ટરીનું તમામ કામ શીખી લીધું હતું, એટલે એ બાબતની જરાય ચિંતા નહોતી.

સ્મિતાના પિતાની અંતિમ ક્રિયા પૂર્ણ થયા પછી સ્મિતાનાં મમ્મીની સંમતિથી વિશાલ અને સ્મિતાએ સિવિલ મેરેજ કરી લીધાં. વિશાલે સ્મિતા સાથે સ્નેહલગ્ન કર્યાં તે એની નવી માતાથી ન ખમાયું ને એણે વિશાલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા.

લગ્નને દસ વર્ષનાં વ્હાણાં વાયાં, સ્મિતા બે બાળકોની માતા બની. સ્મિતાની મમ્મીએ વિશાલને સગી માતા જેટલો પ્રેમ આપ્યો હતો, એટલે તો એ હુંફના બળે વિશાલે આખી ફેક્ટરીની જવાબદારી માથે ઉપાડી લીધી હતી.

સ્મિતા અને વિશાલનાં બાળકો વેદ અને આરતી શાળામાં જતાં ત્યાં એમના અમુક મિત્રોને શાળામાં લેવા મૂકવા એમના દાદા આવતા. વેદ અને આરતીને પણ એમ થતું કે, આ મિત્રોને દાદા લેવા- મૂકવા આવે છે તો અમારા દાદા ક્યાં હશે? કેવા હશે?

વેદ અને આરતીના આ પ્રશ્નનો ઉકેલ સ્મિતા અને વિશાલે શોધી કાઢ્યો. પરદેશમાં સ્થાયી થયેલા વિશાલના મિત્રનું અવસાન થતાં તેનાં વૃદ્ધ પિતા એકલા અને નિરાધાર બન્યા હતા. વિશાલ અવારનવાર એમની ખબરઅંતર લેતો, નાનીમોટી જરૂરિયાત પણ સંતોષતો. બંને વચ્ચે આત્મીય સંબંધ મજબૂત બની રહ્યો હતો.

સ્મિતા અને વિશાલ પહેલાં સ્વર્ગસ્થ મિત્રના પિતા પાસે પોતાનાં બાળકોના દાદા બનીને એમની સાથે રહેવા આવવાની સંમતિ મેળવવા આવ્યાં હતાં. સ્મિતાની મમ્મીએ તો વિશાલને એમને સાથે રહેવા લઈ આવવા માટે ક્યારનીયે સંમતિ આપી દીધી હતી.

આજે વિશાલ અને સ્મિતા પોતાનાં બાળકોને દાદાની ભેટ આપવા માટે સ્વર્ગસ્થ મિત્રના પિતાજીને મળવા જઈ રહ્યાં હતાં. એમના ઘર સુધી જવાનો ફક્ત પગદંડી રસ્તો જ હોવાથી ગાડી પાર્ક કરી એક નાની ટેકરી ચડીને સામે દેખાતા ઘરની ઓસરીમાં ખાટલો ઢાળી, રેડિયો સાંભળતા બેઠેલા એ વૃદ્ધ દાદા સાથે અનોખો સંબંધ બાંધવા એકબીજાનો હાથ પકડી ટેકરીનો ઢાળ ઉતરી રહ્યાં હતાં!

લેખક : દશરથ પંચાલ

Leave a Reply