Mythology

પુરુષોત્તમ માસની કથા- અભિમાની ભાભીની વાર્તા

જમનાપુર નામના એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ ગરીબ હતા સંતાનમાં 8 છોકરા બ્રાહ્મણ ભિક્ષા માગીને માંડ માંડ ઘરનું ગાડું ચલાવે ક્યારે ખાવા મળે પણ ખરું અને ક્યારેક ન પણ મળે. “જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર મળતા નથી અને જ્યાં ખાવાનું ન હોય ખાનાર નાં ટોળા વળે છે.” પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી જેટલા ધાર્મિક કેટલા જ સંતોષી. જે મળે એ પ્રેમ થી જમે અને ન મળે એ દિવસે પ્રભુ નું નામ લઇ ઉપવાસ કરે.

તે બ્રાહ્મણી નો ભાઈ ખુબ ધનવાન પણ ખાનાર કોઈ નહીં. ભાભી નો ખોળો જ ન ભરાય. ભાભી પણ એવી માથા ફરેલ કે નણંદનું મોઢું જોવા રાજી ન થાય. નણંદ ઘરે આવે ત્યારે મદદ કરવાની વાત તો દૂર રહી પણ વાર તહેવારે કપડું આપવું પડે તોય સો મહેણા મારે. છતાંય આખા ગામમાં પોતાના ભાઈ ભાભીના વખાણ કરે. ઠેસ વાગ્યે તોય ખમ્મા મારા વીર કહીને અડધી અડધી થઈ જાય. આવી હતી એ બેન ની ખાનદાની.

એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો બ્રાહ્મણીએ તો આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો પણ આ વખતે અભિમાની ભાભી એ પણ સંતાન ની ઈચ્છા થી વ્રત શરૂ કર્યું. “એકને સંપત્તિની ઝંખના, બીજીને સંતતિની ઈચ્છા.”

વ્રત પૂરું કરી ઊજવણીનો દિવસ આવ્યો ત્યારે ભાભીએ તો ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી. ઘણા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યા બાદ નણંદના ઘેર જઈ કહેવા લાગી, “સાંભળો… હું બેસવા નથી આવી. લોક લાજે નોતરું આપવું પડે એટલે આવી છું. તમે, તમારા આઠ ગલુડિયા અને દસમા તમારા વર. બધા હું જ્યારે બોલાવા આવું ત્યારે જ જમવા આવજો. ભૂખ્યા વરુ ની જેમ દોડયા ના આવતા.”

ભાભીના આવા વેણથી બ્રાહ્મણીને લાગી આવ્યું. પણ છોકરાઓ તો આજે મામાને ઘેર જમવા જવાનું છે ખુબ મજા આવશે. પેટ ભરીને સાંજે સારું જમીશું એવી આશાએ સવારે ખાધું પણ નહીં. બિચારી બ્રાહ્મણી તો ખૂણે બેસીને રડવા લાગી. એમ કરતાં સાંજ પડી. બધા ભાઈ ભાભી ને ઘેર જમવા જવા લાગ્યા. પેટ ભરીને લાડુ અને ઉપરથી મોં માંગી દક્ષિણા આપે. પણ હજુ સુધી આ બ્રાહ્મણીના ઘરે ભાભી બોલાવવા આવી નહીં.

બ્રાહ્મણી ના છોકરાઓ તો ભૂખ્યા થયા અને ધમપછાડા કરવા લાગ્યા. માંડ માંડ તેમને શાંત રાખી અને કહે કે, “હમણાં જ મામી ભાણેજડા ને તેડવા આવશે.”

એમ કરતાં રાત પડી ગઈ પણ કોઈ તેડવા આવ્યું નહીં. બ્રાહ્મણીનો જીવ કકળવા લાગ્યો.. વિચાર્યું.. અરે રે, મારા ભાઈએ આખું ગામ જમાડયું અને મારા છોકરાને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. આ મારાં કેવા દુર્ભાગ્ય. આવી ગરીબી કરતાં મોત સારું.

બાળકો તો ભૂખ્યા પેટે સુઈ ગયા. પણ બ્રાહ્મણીથી ના રહેવાયું. તે છુપાતી છુપાતી ભાઈના ઘર ની પાછળનાં ભાગે ગઈ જ્યાં પતરાળાનો એંઠવાડ નંખાતો હતો. પોતાનાં ભૂખ્યા સૂઈ ગયેલા છોકરાઓ માટે રડતા રડતા એણે સાડલાના છેડે થોડા પતરાળા બાંધી લીધા.

બધાને એમ કે કોઈ ભિખારણ હશે એટલે કોઈએ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણી એ તો ઘેર આવીને પતરામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા અને પતરાળા ઘરના એક બાજુ ખૂણામાં મૂકી દીધા અને પ્રભુના જાપ કરતી સુઈ ગઈ.

સવારે ઉઠીને ભગવાન નો દીવો કર્યો અને પેલા એઠાં પતરાળાં ઉકરડે નાખી દેવાનો વિચાર કરીને જ્યાં ઘરના ખૂણા આગળ ગઈ, તો જોયું કે બધા જ પતરાળા સોનાના થઈ ગયા હતા. તેણે તરત પોતાના પતિને બોલાવ્યા અને બધી વાત કરી. પતિ પત્ની બન્ને જણાએ આને પુરૂષોત્તમ પ્રભુની કૃપા માની હરખનાં આંસુ સારવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણી બોલી, હે નાથ! લોભ ના કરાય. આ પતરાળા આપણા નથી. મારા ભાઈના છે. પારકી ચીજો લેવી એ પાપ છે.

બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો તરત એણે બ્રાહ્મણીને એના ભાઈના ઘેર મોકલી. નણંદને ઘરે આવેલી જોતાં ભાભી ગભરાઈ. એને લાગ્યું કે એ ભાઈના કાન ભંભેરવા આવી છે. એટલે ઉતાવળી બોલી.. નણંદબા. ! કાલે તો તમે ચાર પેટ ભરીને જમી ગયા છો. તોય હજુ મીઠાઈ માંગવા આવ્યા છો. કાંઈ શરમ જેવું છે કે નહીં?

બ્રાહ્મણીની આંખમાં આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાઝ્યા પર ડામ દેતી હતી. મન તો ઘણું થયું પણ ભાઈ નું દીલ ન દુઃખે એ વિચારથી મૂંગી રહી.

ત્યાં જ તેનો ભાઇ બોલ્યો: બહેન! કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં? મારે તને કપડું આપવું હતું. હવે બ્રાહ્મણીના હૃદયના બંધ તૂટી ગયા. એણે રડતાં રડતાં ભાઈ ને બધી જ વાત કરી. પછી સોનાનાં પતરાળાં બતાવતાં કહ્યું કે આ પાછા આપવા આવી છું. ત્યારે આ જોઈ ભાઈની આંખમાં હેતનાં આંસુ આવી ગયા.

દીધા નોતરે મારા ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણીને એનું અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાળા બેન ને આગ્રહ કરીને કપડામાં વીંટી ને આપી દીધા અને તેની ખાનદાની ને વારંવાર પ્રણામ કરવા લાગ્યો.

બ્રાહ્મણી હરખાતી પોતાના ઘેર આવી એમાંથી થોડું સોનું વેચ્યું ને ટોપલો ભરીને રૂપિયા આવ્યા બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઊગ્યો.

જેનાં ઉપર સ્વયં પુરૂષોત્તમ પ્રભુની કૃપા વરસે, એને વળી કઈ વાતની ઉણપ રહે.? બ્રાહ્મણ બ્રાહ્મણીએ તો આખું ગામ જમાડવાની તૈયારી કરી. ઘેર ઘેર જઈ નિમંત્રણ પાઠવ્યા. આ જોઈ ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ એ કરે શું?

તે બ્રાહ્મણી પોતાના ભાઈ ભાભીને પણ નોતરું દેવા આવી અને કહ્યું વહેલાસર પધારજો. સાંજે સૌ જમવા આવ્યા. બત્રીસ પકવાન, તેત્રીસ શાક પીરસાયા. વળી પુરૂષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાને મોં માગી દક્ષિણા આપી. છેલ્લે પોતે ભાઇ-ભાભી સાથે જમવા બેઠી.

એક ભાણીયો લાડુ પીરસવા આવ્યો. તેણે મામીની થાળીમાં એક સવા શેર સોનાનો લાડુ મુક્યો. આ જોઈ ભાભી ભોંઠી પડી ગઈ અને બોલી, અરે ભાણાભાઇ! સોનાનો લાડુ તે વળી ખવાતો હશે? તમેય ખરા છો…

જે ભાણેજો ને આજ સુધી એ ગલુડિયા કહેતી, એને ભાઈ કહેવા લાગી બધો જ ધનનો પ્રતાપ છે. “નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ. ”
ત્યારે ભાણીયો પણ જાય એવો નહોતો. એપણ સામે બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ… તમને શોભે એવું પીરસ્યું છે. માટે પ્રેમથી જમો. તમે અમને જે હેતપૂર્વક સારી રીતે જમાડ્યા છે એવું તો અમારાથી ન થાય…. પણ આ તો “ફૂલ નહીં ને ફૂલની પાંખડી…”

મામીને આ સાંભળી શરમ આવી ગઈ. એની આંખ ઉઘડી ગઈ. પસ્તાવાનો પાર ન રહ્યો. એ તો સીધી જ ઊઠીને નણંદના પગે પડી, સાચા દિલથી માફી માંગવા લાગી. ભોળી નણંદે એને તરત જ માફ કરી દીધી..સૌ ભેગા મળી અને સુખપૂર્વક રહેવા લાગ્યા.

“શ્રદ્ધા થકી જે વ્રત કરે,
નર હોય કે નાર.
ફળ સદા તે પામશે, નિશ્ચય માનજો એ સાર.
પૂર્ણ પુરુષોત્તમ સેવતા,
સફળ થાય અવતાર.
સુખ સમૃદ્ધિ પામશે,
અભરે ભરે સંસાર.”
હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર તેમજ આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો…

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય..
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply