SHORT STORIES / लघु-कथाए

લાલ ડાઘ

આજ પુરા પચાસ પેપરર્સ ચકાસી એને દોરા થી બાંધી ,માથે વિદ્યાર્થી દીઠ માર્ક્સ યાદી મૂકી ઝંખના બેડરૂમમાં આવી..રાત ના સાડા બાર થયા હતા..છેલ્લા ચાર વર્ષથી કશું જ કામ ન કરતા અને ત્રણ મહિના મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ, વીસ દિવસથી ઘરે આવેલા પતિ તરફ તેણે એક શુષ્ક નજર નાખી…ટીવીની સામે ખુરશીમાં બેઠા એ કોઈ કન્નડ ફિલ્મ જોતા..એકલા એકલા અનુસંધાન વિનાનું બબડતા હતા, તો ક્યારેક ઉપર છત સામું જોઈ કારણ વગર હસતા રહેતા હતા.. આ એનો રોજનો ક્રમ હતો.

ઝંખના ના આગમનની એને નોંધ પણ ન હતી. ઝંખના બારીએ આવી ઉભી રહી.વાતાવરણમાં ખૂબ બફારો હતો..ધરતી ધખતી હતી..આકાશ ગોરંભાયેલું હતું…લાઈટ ઓફ કરી, તેણે પથારીમાં લંબાવ્યું. લગભગ દસેક મિનીટ થઈ હશે અને અચાનક એની ચાદર ખેચાણી..તે ઝબકી ગઈ..એના પતિએ એને આલિંગનમાં લઈ લીધી હતી..તેને ખૂબ નવાઈ લાગી..કેમ કે છેલ્લે ક્યારે? એ પણ હવે તો યાદ નહોતું રહ્યું..પતિના ચહેરાને તે તાકી રહી..એ એકદમ નોર્મલ હતો..જાણે પહેલા જેમ જ …એ જ રીતે…………………!!!!!!

તે આંખો બંધ કરી એમ જ પડી રહી….પણ પછી તો બહાર માવઠાનો વરસાદ તૂટી પડ્યો.અને અહીં એ પણ ગાંડીતૂર નદી બની ગઈ. તે રાતે તેને ક્યારે ઊંઘ આવી ગઈ,ખબર જ ન રહી..વહેલી સવારે તે જાગી ગઈ..બાજુમાં જોયું તો મહાશય જાગીને ફરી પાછા ટીવી સામે ગોઠવાઈ ગયા હતા..ઝંખનાએ ધીમેથી આવી પતિના ખભે હાથ મુક્યો.અને માયાળુ સ્વરે બોલી. ‘રાતે તમને એકાએક શું સાંભરી ગયું હતું.?.તે……હં. ….!!.મીઠો છણકો કરી શરમથી નીચું જોઈ ગઈ…, કોઈ અજાણી વ્યક્તિને પહેલીવાર જોતો હોય તેમ જોઈ ,તે ફરી પાછો ચેનલ બદલવામાં મશગુલ થઈ ગયો..

તે તૈયાર થઈ સ્કૂલે જવા નીકળી. વૃદ્ધ સાસુ, વિધવા ફોઈ ને એ બે માણસ પોતે…આમ ચાર જણાનો પરિવાર.એમાં પણ પતિની આ બીમારીનો દવા ખર્ચ.એનો ખાનગી શાળાનો ટૂંકો પગાર અને થોડું સાસુનું પેન્શન થઈ માંડ બે છેડા ભેગા થતા..એટલે જ ઝંખના લગભગ રોજ ચાલીને જ સ્કૂલે જતી.

આજ સવારથી ઝંખના અવઢવમાં હતી.લાઈટ બીલ અને દુધવાળાનું બીલ તો ચડી જ ગયાં હતા, પણ એને .. પિરિયડ માથે…અઢાર દિવસ ચડી ગયા હતા..પહેલા તો એ આ છ વરસે પ્રથમવાર માં બનવાના ખ્યાલથી જ રોમ રોમ ખીલી ગઈ, જેમ વરસાદ પછી ધરતી ને લીલી કુંપળો ફૂટે અને મ્હોરી ઉઠે એમ.. એને પેલો માવઠાનો વરસાદ યાદ આવ્યો…એણે પતિ સામે જોયું..તે એની ધૂનમાં મસ્ત હતો.છેલ્લી બે કલાકથી એ એક નકામા કપડાના નાના નાના ટુકડા કરી રહ્યો હતો. . લગ્ન જીવનની શરૂઆતમાં તો કાંઈ નહોતું. લગભગ દોઢેક વર્ષ પછી જ ધીમે ધીમે માનસિક અસ્થિરતા આવતી ગઈ. એક ક્ષણ પૂરતો એ વિચાર પણ આવ્યો કે કહેવા વાળા તો આ બાળક ના પિતા અંગે પણ શંકા…..પણ છતાં એ પ્રશ્ન એને મન ગૌણ હતો..

બીજે દિવસે તેણી ગાયનેકોલોજીસ્ટ શ્રેયા ઠક્કરની કિલનીકમાં પ્રેગનન્સીનો પોઝિટિવ રિપોર્ટ લઈ બેઠી હતી.ઝંખનાને ખૂબ નજીકથી ઓળખતી આ ડોકટરે કહ્યું “”ઝંખના તું જે વિચારે છે, એ અસ્થાને તો નથી જ. તું કહે છે એમ ભૂતકાળમાં તારા સસરાને પણ થોડી અસર તો હતી જ.તારા પતિને પાગલપન નો એવો પ્રકાર છે,કે આ ટાઈપ ના પેશન્ટ ક્યારેક એકા એક નોર્મલ થઈ જાય..પણ એ ગાળો ખૂબ ટૂંકો હોય છે..જિનેટિક સાયન્સ પ્રમાણે એ જ વારસો બાળકમાં ઉતરવાની શકયતા નકારી તો ન જ શકાય. મારી જાણ માં એવા એક બે કેસ પણ છે..ઇટ્સ મેં બી..પછી થોડું હસીને કહ્યું.આપણા વડીલો એક કહેવત બોલતા આભ અને ગાભ નું કંઈ નક્કી નહી… બાકી એઝ યુ લાઈક…કાલે વિચારીને આવ..”

તેણી કિલનીકના પગથિયાં ઉતરી રહી હતી.સામે એની જ શાળાની જાહેરાતનું બેનર હતું.. જેમાં હાથમાં શિલ્ડ એવોર્ડ લઈ સ્કૂલડ્રેસ પહેરેલુ તંદુરસ્ત બાળક ઉભુ હતું..નીચે લખ્યું હતું. “અમે સમાજને આપીએ છીએ પ્રતિભાઓની ભેટ.’.

અનેક ચિત્રો અનેક વિચારો વચ્ચે અવઢવ ના ઓશીકે એ આખી રાત ઊંઘી ન શકી…હવે તે કોઈ નવું રિસ્ક લેવા માંગતી ન હતી. સવારે તે ડો. શ્રેયા ઠક્કરની ચેમ્બરમાં હતી…”આર યુ સ્યોર મિસિસ .ઝંખના??” એક ટેબ્લેટ આપતા ડો.શ્રેયા બોલ્યા.

“હા મેડમ !મને લાગે છે,કે એ જ મારા માટે બેટર છે….”

બે દિવસ પછી,ઝંખના બાથરૂમમાં ભીની આંખે ધોઈ રહી હતી…..લાલ ડાઘ…

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

-વિજય મહેતા

Leave a Reply