Mythology

પુરુષોત્તમ માસની કથા-દોકડા ની વાર્તા

નવાપુર નામે એક ગામ માં એક વિધવા બ્રાહ્મણી અને એનો દીકરો રહેતા હતા. બંને ઘણા ભાવિક અને સંતોષી. ભિક્ષા માગી દીકરો જે કંઈ પણ લાવે તેનાથી તેમનું ઘર ચાલે. વાર-તહેવારે સીધું મળે, કંઈક દક્ષિણા મળે અને મા દીકરાનો જીવનનિર્વાહ ચાલે.

હવે ધાર્મિક બ્રાહ્મણીએ એક સમયે પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો ત્યારે વ્રતનો સંકલ્પ કર્યો. રોજ નદીએ નહાવા જાય, વાર્તા સાંભળે અને એકટાણાં કરે. બ્રાહ્મણીની ઈચ્છા એવી કે દીકરો પણ આ વ્રત કરે તો કેટલું સારું. પણ દીકરો તો લોટ માંગવા માંથી ઊંચો જ ન આવે. માં એ ઘણું સમજાવ્યું ત્યારે દીકરો નદીએ ન્હાવા માટે તૈયાર થયો. છેલ્લા પાંચ દિવસ બાકી હતા.

મા ની ખાતર દીકરો બ્રહ્મમુહૂર્તમાં વહેલો ઊઠીને નદીએ ન્હાવા પહોંચ્યો. ડુબકી મારીને બહાર ભીના કપડે જ ઘરે જવા નિકળ્યો. હવે ભીના કપડાં એટલે ઠંડી ચઢી. દાંત પકડે એટલે પુરૂષોત્તમ ભગવાનનું નામ લેતો લેતો એ તો ચાલ્યો. રસ્તામાં એક જુના ખંડેર જેવું શિવાલય આવ્યું. દીકરાએ વિચાર કર્યો કે લાવને હવે નીકળ્યો છું તો મહાદેવને એક લોટો પાણી ચડાવતો જાઉં.

છોકરો શિવાલય માં ગયો. પણ ત્યાં જુએ તો સાક્ષાત્ શિવ અને પાર્વતી સોગઠાબાજી રમે. રમતમાં રંગ જામ્યો છે. ત્યાંજ શિવજી બોલી ઉઠ્યા કે હું જીત્યો અને પાર્વતી કહે કે હું જીતી. બંને રકઝક કરવા લાગ્યા. ત્યાં જ શિવજી ની નજર પેલા છોકરા પડી. શિવજીએ તેને બોલાવી ને પૂછ્યું કે સાચું બોલજે કોણ જીત્યું?

છોકરો ખૂબ ચાલાક હતો. તેણે વિચાર્યું કે સ્ત્રી માત્રને પ્રશંસા ગમે છે. એટલે માતાજી જીત્યા એમ કહું તો મને ઈનામ મળે અને મારી ગરીબી દૂર થાય. મહાદેવ તો શું આપે?

એટલે તે બોલ્યો કે, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પાર્વતીએ ખુશ થઈને બટુકને બે અમૂલ્ય રત્ન આપ્યા. બટુક તો રાજીનો રેડ થઈ ગયો. રત્ન લઈને દોડ્યો ઘર તરફ. રસ્તામાં નદી આવી તરસ લાગી હતી એટલે લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં તો બંને રત્ન પાણીમાં પડી ગયા. બહુ શોધ્યા પણ રત્ન મળ્યા નહીં. એટલે ભાગ્યને કોસતો તે ઘરે ગયો.

તેણે ઘરે જઈને બધી જ વાત માં ને કરી, ત્યારે માતાએ કહ્યું કે “અક્કરમીનો પડિયો કાણો, ભાગ્યમાં હોય તો જ ભોગવાય માટે ચિંતા કરીશ નહિ.”

હવે બીજા દિવસે પણ એવું જ બન્યું. તે બ્રાહ્મણ બટુક નહાવા ગયો. વળતા શિવ મંદિરમાં ગયો. ત્યાં સોગઠાંબાજી રમતાં શિવ પાર્વતી પાસે જઈને ફરીથી બોલ્યો કે માતાજી જીત્યા એટલે માતા પાર્વતીએ ખુશ થઈને કાન ની ઝાલ તેને આપી. આજે કાલનાં જેવી ભૂલ ન થાય અને હાથમાં આવેલું ધન ચાલ્યું ન જાય એટલા માટે તે બ્રાહ્મણ બટુકે ઝાલ ધોતિયા ના છેડે બાંધી દીધી અને ઘરે આવ્યો. ઝાલ જોઈને માતાના આનંદનો પાર ન રહ્યો. આવા અલૌકિક આભૂષણ ના એટલા પૈસા મળે કે આખી જિંદગી બેઠા-બેઠા ખવાય.

મા એ ઝાલ ગોખલામાં મૂકી અને ચૂલે થી શાક ઉતારવા ગઈ. પાછળથી પડોશણ તેનાં ઘરમાં કંઈક કામ માટે આવી. ગોખમાં કિંમતી ઝાલ જોઈને એની નિયત બગડી. આગળ પાછળ જોઈ અને ઝાલ લઈને તે ચાલતી થઈ. આ બાજુ માં જ્યારે પાછી આવીને જુએ છે તો ઝાલ ન મળે. એતો બેબાકળી થઈ ગઈ અને પછી લમણે હાથ દઈને રોવા લાગી.

ત્રીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા એટલે પાર્વતીએ ગળામાંથી લાલ માણેક નો હાર ઉતારીને આપી દીધો બ્રાહ્મણ બટુકે ઘેર જઈને એ હાર પોતાની માને આપ્યો માં તો આંગણામાં ઉભી ઉભી હરખાતી હાર જોવા લાગી ત્યાં અચાનક એક સમડી ઊડતી ઊડતી આવી તેને લાગ્યું કે કંઈક ખાવાનું હશે એટલે અને લાલ માણેક ના હાર ઉપર તરાપ મારી અને હાર લઈને ઊડી ગઈ. મા-દીકરો બંને લમણે હાથ દઈને રોવા લાગ્યા.

હવે બ્રાહ્મણ બટુકને થયું કે નક્કી હું ખોટું બોલું છું એટલે મને ધન મળતું નથી. ચોથા દિવસે બ્રાહ્મણ બટુકે વિચાર કર્યો કે આજે ખોટું નથી બોલવું. થવું હોય એ થાય આજે તો પિતાજી જીત્યા એમ બોલવું. તે તો નક્કી કર્યા પ્રમાણે પિતાજી જીત્યા બોલ્યો એટલે શિવજીએ જટા ખંખેરી. એમાંથી એક દોકડો (સિક્કો) ખર્યો. એ દોકડો પેલા બ્રાહ્મણ બટુકને આપતાં કહ્યું કે આનાથી તારી બધી જ ગરીબી દૂર થશે.

રસ્તામાં જતાં જે કોઈ પહેલું સામે મળે એની પાસેથી આ દોકડા ની વસ્તુ ખરીદી લેજે તારું ભાગ્ય પલટાઈ જશે. આ વાત સાંભળીને પાર્વતીજી ખડખડાટ હસ્યા. બ્રાહ્મણ બટુક પણ ભોંઠો પડીને વિચારવા લાગ્યો કે માણેક, ઝાલ અને રત્નો મારુ ભાગ્ય ન પલટી શક્યા તો આ મામૂલી દોકડો શું પલટવાનો હતો? છતાં મહાદેવને ખોટું ન લાગે એટલા માટે દોકડો લઈને તે બ્રાહ્મણ બટુક ઘર તરફ પાછો ફર્યો.

રસ્તામાં સૌથી પહેલો માછલાં વેચતો માછીમાર મળ્યો. બટુક ને તો ચીતરી ખૂબ ચઢી પણ શિવજી ની આજ્ઞા માન્યા વગર છૂટકો ન હતો. બટુકે દોકડો આપીને એક માછલી ખરીદી અને લઈને આવ્યો ઘરે.

આ બાજુ હજી સુધી દીકરો ઘરે નથી આવ્યો તેવી ચિંતાથી બ્રાહ્મણી દીકરા ની વાટ જુએ છે. આજે કંઈ પણ ગફલત ન થઈ જાય એટલા માટે તે બટુક સતર્ક છે. બ્રાહ્મણ બટુકે તો આવીને પેલી માછલી માં ના હાથમાં મૂકી. માછલી જોતાંજ માં ને એવો ગુસ્સો ચડ્યો કે માછલી નો ઘા કરીને દીકરાને ધમકાવવા લાગી અને કાન પકડીને એને બરાબર ઘસીને નવડાવ્યો.

બટુક ન્હાઈને વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઊડતી ઊડતી આવી. એની ચાંચમાં પેલો લાલ માણેક નો હાર હતો. સમડી પેલી માછલી લેવા નીચે ઉતરી ત્યાં જ બ્રાહ્મણીની નજર એના પર પડી. એની ચાંચમાં પેલો હાર જોઈને એણે જોરથી બૂમ પાડી – ઝાલ… ઝાલ… સમડી…

હવે બન્યું એવું કે બ્રાહ્મણીની જે પાડોશણ હતી એનું નામ હતું સમૂડી. તેણે આ બૂમ સાંભળી અને ડરી ગઈ. વિચાર્યું કે નક્કી બ્રાહ્મણીએ પોતે ઝાલ ની ચોરી કરી છે એ પકડી પાડ્યું છે. હવે આખા ગામમાં ફજેતી થશે. ગભરાયેલી સમૂડી એ પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના ઉંબરામાં નાખી દીધી.

આ બાજુ મા દીકરો સમડી પાછળ દોડ્યા એટલે સમડી હાર નાખીને માછલી ચાંચમાં લઈ ને ઉડી ગઈ પણ જ્યાં ચાંચ મારેલી ત્યાં બે રત્ન પડ્યા હતા. એ રત્ન પાર્વતીએ બ્રાહ્મણ બટુકને આપેલા હતા એ જ હતાં. પાણીમાં પડતાં જ આ માછલી એને ગળી ગઈ હતી.

માં-દીકરો તો પુરૂષોત્તમ ભગવાનની આ અપરંપાર લીલા જોઈને ગળગળા થઈ ગયા. માણેક હાર મળ્યો, રત્નો મળ્યાં અને ઉંબરે પડેલી ઝાલ પણ મળી. પળવારમાં ભાગ્ય આડેથી પાંદડું ખસી ગયું.

બ્રાહ્મણીએ તો ધામધૂમથી વ્રત ઉજવ્યું અને મળેલું ધન સત્કાર્યમાં વાપરીને સુખી જીવન જીવવા લાગી અને અંતે વૈકુંઠને પ્રાપ્ત કર્યું…

“પ્રભુકૃપાથી પળવારમાં, પલટાય વિધિના લેખ.
રત્ન, માણેક, હાર પડી રહ્યા, દોકડા એ મારી મેખ.”

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા બ્રાહ્મણી અને બટુક બ્રાહ્મણને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો..

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય….
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…..

Categories: Mythology

Leave a Reply