ડાળખીથી પર્ણ ફૂટવું , એટલે મીરાં થવું !
ભોર થાતાને ઝબકવું , એટલે મીરાં થવું !
સેજ છોડી; સૂર્ય કિરણોનો બનાવી હિંચકો,
સ્વપ્ન એમાં સુવડાવું ! એટલે મીરાં થવું !
આ સતત ફરતાં બ્રહ્માંડી બોજથી છૂટા પડી,
મોરપીછું થઇ ફરકવું ; એટલે મીરાં થવું !
અશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની;
શુષ્ક ધરતી પર લપકવું , એટલે મીરાં થવું !
પ્રિત મિશ્રિત રંગમાં પીંછીને બોળી હોઠમાં,
હાથમાં પીછું ચીતરવું , એટલે મીરાં થવું !
આપણામાં ‘આપણે’ નો અર્થ કેવળ છે મીરાં !!
નિત્ય એ માળામાં જપવું , એટલે મીરાં થવું !
-પાયલ ઉનડકટ
Categories: SELF / स्वयं