Mythology

પુરુષોત્તમ માસની કથા

સાસુ વહુ ની વાર્તા:

એક ગામ હતું. એમાં સાસુ વહુ રહે. ખાધેપીધે સુખી. વ્રત-તપ કરે, ધર્મ – ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત લીધાં. ગામ ની સૌ સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુ ને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે, – “જોઇ જોઇ મોટી ભક્તાણી. ઘરમાં બેસીને ધર્મ -ધ્યાન કરો. જુવાનીમાં નદીએ નહાવા ન જવાય.”

બિચારી વહુ તો શું બોલે? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠાં વ્રત લીધાં. કહેવતમાં કહ્યું છે કે., “મન ચંગા તો કથરોટમેં ગંગા” વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે. લોટો પાણી રેડતી જાય અને પુરૂષોત્તમ પ્રભુનું નામ લેતી જાય. પછી આંગણામાં બેસીને વાર્તા કરે.રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાની દક્ષિણા આપે.

એક દિવસની વાત છે. સાસુ નદીએ નહાવા ગઈ. ન્હાતા ન્હાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો બેબાકળી થઈ ગઈ. ખૂબ શોધી પણ વીંટી મળે નહીં. એટલે સાસુ નિરાશ થઈ ઘરે આવી.

આ બાજુ વહુ કથરોટમાં પાણી લઈને સ્નાન કરે છે. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાઈ. વહુ તો તરત ઓળખી ગઈ કે આતો મારા સાસુ માં ની વીંટી. નક્કી ભૂલી ગયા હશે.

સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુ ને આશ્ચર્ય તો ઘણું થયું પણ છણકો કરીને વીંટી લઇ લીધી. બીજા દિવસે નદીમાં ન્હાતાં ન્હાતાં ગળામાંથી હાર પડી ગયો. સાસુને ધ્રાસકો પડ્યો. કથા-વાર્તા સાંભળવાનું પડતું મૂકીને સાસુ તો હાર શોધવા લાગી. પણ ‘સ્મશાને ગયેલા મડદા જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર ન મળ્યો.’

સાસુ તો ભાગ્યને કોસતી ઘરે આવી. ઘરમાં પગ મૂકતાં જ વહુએ સાસુ ના હાથમાં હાર આપતાં કહ્યું કે માં, આ મને કથરોટમાં થી મળ્યો. હવે સાસુ ની આંખો ચાર થઇ. આવું તો કેવી રીતે બની શકે કે વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં? નક્કી આ વહુ ચુડેલ છે. મેલી વિદ્યાની જાણકાર છે. સાસુના ગભરાટનો પાર ન રહ્યો. ચુડેલ નો શું ભરોસો? ભૂખી થાય તો પણ ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા-છોકરા થશે. ચુડેલ વહુ ભરખી જશે તો, વંશવેલો નહીં રહે.

સાસુ પાણી પહેલા પાળ બાંધવાના મનસૂબા ઘડવા લાગી. એ તો ગઈ રાજા પાસે. જઈને વાત કરી કે, મારા છોકરાની વહુ ચુડેલ છે. માન્યામાં ન આવે એવા જાદુ-ટોણા કરે છે. જો ભૂખી થશે તો આખા ગામને ભરખી જશે. માટે એને શૂળીએ ચઢાવી દો. રાજા ઘણો ભલો અને દયાળુ છે. એ બોલ્યો કે માજી, અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે અને મારે વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય. માટે આ મહિનો પૂરો થવા દો. ઉજવણું થઈ જાય પછી એ ચુડેલ નું માથું ધડથી જુદું કરીશ.

સાસુ તો ઘેર આવી. મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. ૧૦૦૮ બ્રહ્મણો ને આમંત્રણ આપી તેડાવ્યા. આખું ગામ યજ્ઞનાં દર્શને આવ્યું. વહુ બોલી કે સાસુ માં, હું પણ આવું. જો આવા યજ્ઞ નાં દર્શન થાય તો જીવન સફળ થાય. ત્યારે સાસુ છણકો કરતાં બોલી કે “બેસ બેસ ચુડેલ.”

વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞનાં દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં જેવું શ્રીફળ હોમાયું કે ત્યાં જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા, અને એક બાજુ ખૂણામાં ઊભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ આપ્યા. પછી હાથ જોડીને ઉભેલા રાજાને કહ્યું કે, “હે રાજા આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે. માત્ર એને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયો છું.” વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થયા.

રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા. રાજાએ વહુ ને અડધું રાજ્ય આપી દીધું. સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો, પણ ભોળી વહુએ સાસુને માફી આપી. આખી જિંદગી સુખ-સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ.

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા ભોળી વહુને ફળ્યા, એવા સૌને ફળજો.

બોલો શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય…

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

મહેસાણા

9825998872

Categories: Mythology

Leave a Reply