SHORT STORIES / लघु-कथाए

આખરે સમજાયું

પ્રેમની આંખો વિસ્મય અને આનંદથી નાચી ઉઠી, સાત સાત મહિના પછી એણે નવ્યાને દૂર દૂર પણ નજરો નજર જોઈ…….કામ અર્થે એને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો આ સિમેન્ટ ક્રોકિટના જંગલમાં એટલે કે, મુંબઈ નગરીમાં એ નવ્યા જોઈ શકાશે, મળી શકાશે.! કોઈ મેસેજ નહિ, કોઈ સમાચાર નહિ ને આમ કહ્યા વગર જ સાત મહિનાથી ગૂમ મારી દિલોજાન જીગર દોસ્ત આખરે મળી તો ખરી, હા…..એ જ છે, એ જ એની ચાલવાની અદા, એ જ સ્માઈલ ને એ જ આંખો….હા હા એ જ છે.

એના કપડા પહેરવાની સ્ટાઇલ, એની હેર-સ્ટાઇલ બધું બદલાઈ ગયું છે…પણ તોય હું એને ઓળખી જ ગયો આખરે, અરે, ભૂલું પણ કેમ ? રાત-દિવસ અમે સાથે તો રહેતા હતા…સતત પાંચ વર્ષ સુધી અમદાવાદમાં લીવ ઇન રીલેશનશિપમાં રહ્યા પછી હું એને કેમ ભૂલી શકું ? એના પડછાયાને પણ ઓળખી જાવ…..ત્યાં આ તો એ જ સાક્ષાત છે.

રાહદારીઓથી ખીંચોખીચ ભરેલો રસ્તો, રસ્તાની આ છેડે હું ને આ છેડે નવ્યા. રેડ કલરનો કોટ, ફોર્મલ બ્લેક જીન્સ, વ્હાઈટ શર્ટને ખુલ્લાં હેર…આંખો ગોગલ્સથી ઢાંકેલી હજી એટલી જ સુંદર લાગતી હતી. એના ચહેરા પર બ્રાઉન ગ્લાસના ગોગલ્સ એનાં રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. નવ્યા ઓટોમાં બેસવા જઈ રહી હતી…ત્યાં જ પ્રેમે બૂમ પાડી, ‘નવ્યા! નવ્યા!’

આટલાં ધોંધાટ વચ્ચેય નવ્યાના કાને જાણે પ્રેમની પુકાર ઓળખી ગયા હોય એમ એને ઓટોમાં બેસતાં પહેલાં થોડું અચકાય છે. એને ચારેકોર નજર કરી આમ જોયું, તેમ જોયું પણ અફસોસ! સામેના છેડે બૂમ મારતો પ્રેમ એની નજરમાં ન આવ્યો ને એને થયું કે એને આવો ભાસ થાય છે…એમ વિચારી માથામાં હળવી એક ટપલી મારીને ફેસ પર હળવા સ્મિત સાથે ઓટોમાં બેસી જાય છે.

“નવ્યા! નવ્યા!…….કેટલીય બૂમો પાડી પરંતુ ઓટો રોડ પરથી ઉપડી ગઈ હતી.”

“અફસોસ કરતો પ્રેમ ઢીલો થઇ ગયો. કેટલા સમયે મળી હતી. એ પણ આ ટ્રાફિક વચ્ચે. હવે હું એને ગોતીશ તોય કેમ ગોતીશ? આ ભગવાન પણ ક્યારેય હેલ્પ નથી કરતા….મારા જીગરના ટુકડાને હવે મારે આ જંગલ જેવાને ભુલભુલામણી જેવા રસ્તાઓ વચ્ચે ક્યાં ગોતવી…!”

આમ તો હું ક્યાય જતો જ નથી. જ્યારથી આ મારી જિંદગીમાં નથી ત્યારથી મારી જાતને ચાર દીવાલની વચ્ચે જ પૂરી રાખું છું. જયારે એ મારી લાઈફમાં હતી. ત્યારે કેટલી મજા હતી જિંદગીમાં. મારી તો જિંદગી જ મારી આ દોસ્ત હતી.

અને અત્યારે ? અત્યારે તો ….પ્રેમનું મગજ વિચારોમાં અટવાઈ ગયું હતું….અત્યારે એને હવે નવ્યા સિવાય કશું જ સૂજતું ન હતું…..એટલે એ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં એના રૂમ પર પહોચી જાય છે…..હોટેલના રૂમનો દરવાજો બંધ કરી એ એ જ પરિસ્થિતિમાં બેડ પર ધસડાઇ પડે છે…..નવ્યાનાં જ વિચારો પ્રેમના હ્રદયને કોરી ખાય છે. દીવાલ તરફ મો રાખીને શાંતિથી સૂતો છે. ઘણું બધું એનું મન વિચારે છે…આવું કેમ કર્યું નવ્યાએ મારી સાથે? હું એને કેટલું રાખતો હતો, ક્યાં એને મારા પ્રેમમાં ખામી દેખાઈ ને મારામાં પણ શું ખોટ છે? પ્રેમ તો સમજ્યા પણ મારી દોસ્તીનેય એ ન સમજી શકી.? હું શું હતો જયારે એ મને મળી ત્યારે? અત્યારે હું જે કઈ છુ એ એના સાથથી, એના પ્રેમથી તો છું. મારા માટે એણે એની જિંદગીમાં કેટલો ભોગ આપ્યો છે એ હું કેમ ભૂલી શકું? તોય આવું કેમ કર્યું એણે મારી જોડે?

જયારે હું અને એ બને અમદાવાદ ગુજરાત કોલેજમાં જર્નાલીઝમ જોડે કરતા હતા…અમે બંને ક્લાસમેટ હતા…..હું ખુબ જ શરમાળ ને એ એટલી જ નટખટ…અમારા બનેની વિરુદ્ધ પ્રકૃતિ હોવા છતાં અમે બંને ખાસ દોસ્ત બન્યા. એને સારું એન્કર બનવું હતું….અને એ ઇચ્છતી કે હું પણ સારો એન્કર બનું! એને ગોડ ગીફ્ટ હતી….વાણી કૌશલ્ય એનું એકદમ વાચાળ, શુદ્ધ ઉચ્ચારણ ને મારું સાવ ગામડાનો બોલવામાં પણ હું શું બોલું એ મને જ ખબર ન પડે તો અન્ય શું સમજી શકે?

કોલેજ પતાવ્યા પછી અમે બને ગાર્ડનમાં બેસતા..કલાકો સુધી મારે બોલ્યા કરવાનું, મોટે મોટેથી વાંચવાનું જયારે હું વાંચતો હોય ત્યારે એ નવ્યા મારી ટીચર હોય, એક એક શબ્દ ઝીણવટથી સાંભળે પ્રોપર ઉચ્ચારણ ન હોય ત્યાં મને ટોકે ને, મારી પાસે એ જ શબ્દ પચ્ચીસ વાર બોલાવે….એક જ મહિનામાં મારી બોલવાની સ્પિચ એકદમ સરસ થઇ ગઈ….જર્નાલીઝમ પત્યું…અમે બંને એક ટી.વી ચેનલમાં એન્કર તરીકે જોડાયા…..શરૂઆતમાં નવું નવું હતું એટલે થોડી તકલીફ પડી….પણ પછી એકદમ સેટ થઈ ગયા બંને…હવે સેલેરી પણ સરસ હતી ને અમારા બંનેની એન્કરીંગમાં પકડ સરસ આવી ગઈ હતી..અમે બંને એકબીજા માટે જ બન્યા હોય એવું જ લાગ્યા કરતુ.

એણે મારા માટે થઈ એની ફેમિલીને છોડી….મારી સાથે લીવ ઇનમાં રહેવા લાગી…અમે બને અમારા કેરિયર બાબતે ખુબ સભાન હતા…એટલે અમે બંને મેરેજ કરવા નહોતા માંગતા.

જોડે રહેવાનું, જોડે જોબ કરવાની એકબીજાને તમામ કામમાં હેલ્પ કરવાની, એકબીજાને સમજવાના….એને અને મને ફૂલ આઝાદી ગમતી એટલે બંધનનો કોઈ પ્રશ્ન જ ન હતો…નજીક તો એટલા આવી ગયા હતા કે સાત જન્મથી પતિ-પત્ની બનતા હોય એ પણ થોડા દૂર રહેતા હશે.

હજી મને યાદ છે એ બધી જ વાતો, એ બધી જ મસ્તી…..એ અમારું નિસ્વાર્થ જોડે રહેવું…..જેવું અમારું સ્ટુડીયોમાં વર્ક પતે કે તરત જ અમે અમારા ટેબલ પર આવીને બેસી જતાં……વાતો કરતા એકબીજાથી ઘરે કે જોબ પર દૂર તો થતા જ નહી….અમારો સ્ટાફ પણ અમને બંનેને લવ-બર્ડ જ કહેતો.

ઘરે પણ એ શાક બનાવવા એ તેલ મૂકે તો હું રાઈ નાખું….એ મસાલો નાખે તો હું હલાવું શાક….એ રોટલી બનાવે તો હું એ રોટલી પર ધી લગાવું…..ખાલી ન્હાવા જઈએ ત્યારે જ અલગ બાકી અમે બંને જોડે જ હોય. ઉઠવાથી લઈને સુવા સુધી અમે બંને સાથે જ રહીએ…અમારા કોઈ પડોશીને પણ એ ખ્યાલ ન હતો કે, અમે બંને અનમેરીડ છીએ….

એ લોકો પણ અમને બંનેને જોઈ કોમેન્ટ આપતા કે,”નાઈસ કપલ.”

અમે પણ બંને પ્રેમથી કહેતા. “ થેન્ક્સ અંકલ…….થેન્ક્સ આંટી”… ને પછી એકબીજા સામે આંખ મારતા ને હસી પડતાં.

ક્યારેક કપડાનું ક્રોસ મેચિંગ, તો ક્યારેક મિસ મેચ હોય. અમારા બંનેના ફ્લેટમાં એક પરિવાર ત્યોહાર સેલીબ્રેટ કરે એમ જ અમે બંને કરતા! એ બધી મજા કેમ ભૂલી શકાય? શું એ….!

“ના ના એ પણ ન ભૂલી શકે!”

વચ્ચે પાછું મન પ્રશ્નોય કરે ને એ જ પાછું જવાબ આપે. કેવું અજીબ છે નહી?

હજી મને યાદ છે….હું એક સ્ટોરી કરવા ફિલ્ડ પર ગયો હતો……નવ્યા બીમાર હોવાથી ઘરે જ હતી….હું જયારે ઘરે પહોચ્યો ત્યારે ઘરમાં નવ્યા નહી….પણ ૨૦ પેજનો મોટો લેટર હતો. લેટરમાં કશું જ લખ્યું ન હતું…

ખાલી એ ક જ પેજ પર લખેલું હતું કે, “હું મારી મરજીથી હવે અલગ થાવ છું. નથી કોઈ દબાવ કે નથી કોઈ અભાવ!” બાકીના ઓગણીસ પેજ પર લખ્યું હતું, “આઈ લવ યુ…..ઓલ્સો મિસ યુ.”

પ્રેમ તો પાગલ જ બની ગયો…….આમ અચાનક જીવનમાં પાનખર આવે તો સ્વાભાવિક છે કોઇપણ તૂટી જાય! ગલી ગલી શહેર શહેર ગોતી પણ ક્યાય નવ્યાનો અતો કે પતો લાગ્યો જ નહી!

સાત સાત મહિના થયા છતાં આદત મુજબ રોજ પ્રેમ નવ્યા માટે નાસ્તો બનાવે…..એ શોપિંગ કરવા જાય તો નવ્યા જે શોપિંગ કરતી એ બધી એ પણ કરે….એને વિશ્વાસ હતો કે નવ્યા જરૂર પાછી આવશે…ને ત્યારે આ બધી જ વસ્તુ એને જોશે જ! નવ્યાની તમામ આદતથી પ્રેમ વાકેફ હતો.

આખી રાત સંભળાતો ઝીણો કલબલાટ, ચાર દીવાલો વચ્ચે પ્રેમ બસ વિચારતો જ રહ્યો…વિચારતો જ રહ્યો. કોઈ કારણ વગર નવ્યાનું આમ અચાનક જવું એને હજી સમજાયું ન હતું…આજે નહી એ રોજ આ જ વિચારતો બધું……એ નવ્યાની યાદોને સાચવી રાખવા માંગતો હતો….એ નહોતો ઈચ્છતો કે હું એક ક્ષણ પણ એના વગર રહું એટલે પ્રેમ હરપળ એના જ વિચારો કર્યા કરતો.

સવાર પડી પણ દુનિયા માટે પ્રેમ ક્યાં આખી રાત સુતો હતો. શોર કલબલાટ વધ્યો એટલે એ ફટાફટ તૈયાર થયો….આજે એને એક કેન્સરની હોસ્પિટલમાં જવાનું હતું..ત્યાં જઈ એને એક સ્ટોરી કરવાની હતી….એ ફટાફટ હોસ્પિટલ પહોચ્યો…રીપ્સેપશન કાઉન્ટર પર બેઠેલ યુવતીને પોતાનું આઈ કાર્ડ બતાવીને એ ડોક્ટરની કેબીનમાં મળવા માટે અંદર જાય છે….જઇને જોવે છે તો નવ્યા પણ ત્યાં જ હતી. એણે પ્રેમને જોયો પણ ન જોયો હોય એમ નજર ફેરવી એ ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળી ગઈ.

પ્રેમને શંકા ગઈ એને તરત જ નવ્યાનું આવવાનું કારણ ડોક્ટરને પૂછ્યું……

ડોક્ટરે જણાવ્યું કે, એમને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે….આવતા વીકથી એમની કેમો ટ્રીટમેન્ટ શરુ થવાની છે…ખુબ સારી વ્યક્તિ છે…ભગવાન આવા સારા વ્યક્તિને જ કેમ આવી ભયંકર બીમારી આપતા હશે?” પ્રેમને અંતે બધું સમજાયું કે નવ્યા ક્યા કારણથી એને છોડીને ગઈ હતી..

હજી ડોક્ટર બોલે જ છે ત્યાં જ પ્રેમ ઉભો થઇ ગયો…..દોડવા લાગ્યો ને ફટાફટ હોસ્પિટલના ગેટ પાસે પહોચેલી નવ્યાનો હાથ પકડી એટલું જ બોલ્યો, “હવે હું તને એક સેકન્ડ પણ મારાથી દૂર નહિ જવા દવ! વિલ યુ મેરી મી?”

નવ્યા એકશબ્દ પણ બોલ્યા વગર પ્રેમને ગળે વળગી રડવા લાગે છે.

લેખિકા : તૃપ્તિ ત્રીવેદી

Leave a Reply