Payal Unadkat

રાખજો

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

મોજ સાથે દયાનું ચલણ રાખજો,
માનવી છો એ હૈયે સ્મરણ રાખજો,

ભૂલ શોધી બધાને સુધાર્યા કરો,
આતમા સંગ થોડું ભ્રમણ રાખજો,

કાળજું પાંખડી જેમ કોમળ ભલે,
બાહુ આફત સમયમાં કઠણ રાખજો,

સાંભળો ગીતગઝલો ભજનભાવથી,
પીડ ભૂખ્યા જનોની શ્રવણ રાખજો,

નાવડી જિંદગીની તો મઝધાર છે,
પાર કરવા પ્રભુનું રટણ રાખજો,

યુધ્ધમાં સામને જો સ્વજન બાખડે,
ગાળવાને ઇમાની ગરણ રાખજો,

કાકલૂદી કરી વિનવે બાળકો,
દોષ ઢાંકી મને બસ શરણ રાખજો.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply