Ujas Vasavda

ઇસ્કોતરો

“મમ્મી…આજે ફરી દાદાજી તેના ઇસ્કોતરામાં પડેલી પેલી પેન્સિલ બહાર કાઢી રડી રહ્યા હતા. એ વારંવાર એક પેન્સિલને જોઈ શા માટે રડતાં હોય છે!” માસુમ બાળકોના અવનવા પ્રશ્નોના જવાબ વડીલો પાસે ક્યારેય હોતા નથી, જો જવાબ હોય તો તે કહેવાનો યોગ્ય સમય હોતો નથી. આજે પણ કાનાએ પૂછેલા પ્રશ્નોનો જવાબ અમૃતા પાસે ન હતો.

અમૃતા નાનકડાં કાનાને રસોડામાં પ્લેટફોર્મ પર બેસાડી,”બેટા..ઘણીવખત વસ્તુ સાથે કોઈ યાદગીરી જોડાયેલી હોય છે. દાદાજીને પણ એ પેન્સિલ સાથે તેની કોઈ એવી વાત જોડાયેલી હશે જે તે યાદ કરી રડી રહ્યા છે. તું હમણાં દાદાજીને પરેશાન ન કરીશ.” જેમતેમ કરી અમૃતા કાનાને સમજાવી રમવા મોકલી દે છે. અંતરની ઉર્મિઓ, લાગણીઓ, યાદો આ બધી વસ્તુઓ જયારે પરિપક્વ માણસ નથી સમજી શકતો, તો પછી બાળકનું શું ગજું!

થોડીવારે દાદાજી એમના રૂમની બહાર આવી હિંડોળા પર બેઠા. અમૃતા સવારની બીજી વખતની ચા દાદાજીને આપતાં, “આજે ફરી બાપુજી યાદ આવ્યા?” પ્રશ્નના જવાબમાં માત્ર આંખની પાંપણ પર બાજેલા અશ્રુબિંદુ જ કાફી હતાં. અમુક ઉંમર વટાવ્યા બાદ લાગણીઓ પર કાબુ રહેતો નથી. ચાની એક ચૂસકી લગાવી થોડી સ્વસ્થતા મેળવીને, “વહુ બેટા.. આ લેખનો કાગળ નૈમિષને આપીને કહેજે પ્રેસમાં પહોંચાડી આવે.”

બહારથી રમતો કૂદતો કાનો હિંડોળે હીંચકતા દાદાજીના પડખે ચડી બેઠો અને મનમાં ઘુમરાતો પ્રશ્ન સીધો દાદાજીને જ પૂછ્યો, “તમે ઇસકોતરામાં રાખેલી પેન્સિલને જોઈ શા માટે રડતા હતા?”

દાદાજી કાનાના નિખાલસ પ્રશ્નના જવાબમાં એક અટ્ટહાસ્ય કરી કહ્યું, “એ પેન્સિલ મારા માટે સિસપેન છે. અમારા વખતમાં પેન્સિલને સિસપેન કહેતા, લખવા માટે ફાઉન્ટેન પેન અથવા સિસપેન જ હતી.”

તુરંત જિજ્ઞાસાવશ કાનાએ પૂછ્યું, “ફાઉન્ટેન પેન! એ કેવી હોય?”

દાદાજી કાનાનો હાથ જાલી, “ચાલ મારી સાથે… તને બતાવુ.”

દાદા અને પૌત્ર બન્ને રૂમમાં ગયા. રૂમમાં જઈ દાદાજીએ ઇસ્કોતરો ખોલ્યો અને તેમાંથી ફાઉન્ટેનપેન તેમજ સિસપેન બન્ને કાનાને બતાવી. સિસપેન જોઈ કંઈ નવાઈ ન લાગી પણ ફાઉન્ટેનપેન જોઈ, તેનાથી કેવી રીતે લખાય તે જોવા ટપુકડો અધીરો થયો. દાદાજીએ તેની ઉત્સુકતાને તૃપ્ત કરવા એક કાગળ પર ફાઉન્ટેનપેનથી પોતાના હસ્તાક્ષર ઉમાશંકર રેવાશંકર ત્રિપાઠી કરી બતાવ્યાં.

“દાદાજી..મને આ ફાઉન્ટેનપેન આપશો? હું પણ એક દિવસ તમારી જેમ આ પેનથી લખીશ અને તમારી જેમ હું પણ વાર્તાની મારી ચોપડી બનાવડાવીશ.”

ઇસ્કોતરામાં ફાઉન્ટેનપેન અને સિસપેન ફરીથી મૂકી કાનાના માથા પર હાથ પસવારી વ્હાલ કરતા, “તું મેટ્રીકમાં સારા માર્કસ લઈ આવીશ તો આ ઇસ્કોતરો, સિસપેન અને ફાઉન્ટેનપેન તને ઇનામમાં આપીશ કારણ મને પણ આ બન્ને પેન મેટ્રિકમાં પાસ થતા ઇનામ રૂપે મળેલી હતી.

બાળકના મનમાં ઉઠેલાં પ્રશ્નને બીજા પ્રલોભનો આપી મેટ્રીકના પરિણામ સુધી ધકેલી દીધો હતો. “આમ પણ કાનો મેટ્રિકમાં પહોંચશે ત્યાં સુધી ક્યાં હું જીવવાનો છું!” તેવું મનોમન વિચારી મલકાયા અને કાનાને ફરી રમવા રવાના કર્યો. અચાનક કંઈક વિચાર આવતાં ફરી ફાઉન્ટેનપેન ઇસ્કોતરામાંથી કાઢી એક કાગળ પર પોતાના ભૂતકાળની યાદો કંડારવા માંડ્યા.

ગોરપદું કરી અમે પાંચેય ભાઈ-બહેનોનો ઉછેર બાપુજીએ કર્યો હતો. ગરીબાઈની અસર ક્યારેય પણ ઘરના સભ્યોને અનુભવવા દીધી ન હતી. મોટકા ભાઈ મહીપતરાયને કાળો અક્ષર ભેંસ બરાબર હતો તેથી તરુણ થતા જ ગામના એક માત્ર શેઠને ત્યાં મજૂરીએ મોકલી દીધા. પછીના ત્રણ બહેનો હીરાવરી, ભાનુમતિ અને મીનળદેવી, એ જમાનામાં છોકરીઓને ભણવા મોકલવામાં ન આવતી અને તેથી ગૃહ કાર્યમાં નિપુણતા મેળવવા માટેની બધી જ શિક્ષા બા પાસેથી મેળવી અને પાંચમો હું નાનકો..’ઉમાશંકર’.

બાપુજીનો વારસો મને એકને જ મળ્યો. બાળપણથી જ વાંચનનો શોખ હતો. બાપુજી ભિક્ષામાં કે પછી બક્ષીસમાં ચોપડીઓ લઈ આવતાં અને ઘરમાં જ મને અક્ષરજ્ઞાન આપવા લાગ્યા. પણ, માત્ર અક્ષરજ્ઞાન જ ઘરે શક્ય હતું, આગળની શિક્ષા મેળવવા બાજુના ગામની પાઠશાળાએ જવું પડે તેમ હતું. આવક-જાવક અને ભણતરના નજીવા ખર્ચને પણ બાપુજી પહોંચી વળે તેમ ન હતા. પણ, ભાઈના સથવારે બધું સમુ સુતરું પાર પાડી મને પાઠશાળા એ મોકલ્યો.

બાપુજીનું એક સ્વપ્ન કે મારો ‘ઉમા’ ભણીગણીને મોટો શિક્ષક બને અને ગામનાં બાળકોને મફત શિક્ષણ પુરૂ પાડે. પેટે પાટા બાંધી, યેન કેન પ્રકારેણ મોટાભાઈ અને ત્રણેય બહેનોને પરણાવ્યાં. વળી એ જ વર્ષે હું મેટ્રીકમાં આવ્યો હતો, અને સાથે બાપુજીની તબિયત પણ વણસી હતી. મારુ આખું વર્ષ બાપુજીની તબિયતની સાર સંભાળ અને મેટ્રિકમાં સારા માર્ક્સ લાવવાના તણાવ વચ્ચે હું ઝોલા ખાતો રહ્યો.

મારી વર્ષાન્ત પરિક્ષાના આગલા અઠવાડિયે જ બાપુજીને લોહીની ઉલ્ટીઓ થઈ. હું અને મોટાભાઈ શહેરના ડોક્ટર પાસે બાપુજીને વધુ તબીબી તપાસ કરાવવા લઈ ગયા. ત્યાં એ સમયે ગરીબોનો દોસ્ત કહો કે દુશ્મન એવો રોગ એટલે કે ક્ષયરોગ છેલ્લા સ્ટેજમાં હોવાનું જાણવા મળ્યું. મોટાભાઈએ બાપુજીને આ વાતની જાણ ન કરવી અને દવાથી મટી જશે તેમ કહેવાનું મને સૂચન કર્યું.

પરંતુ બાપુજીને તેના અંતિમ દિવસો નજીક આવી ગયાની જાણ સાક્ષાત યમદૂતો સ્વપ્નમાં આવીને આપી ગયા હોય, તેમ પરીક્ષાના પ્રથમ દિવસે હું બાપુજીના આશીર્વાદ લેવા પહોંચ્યો, ત્યારે મારો હાથ પકડીને ફાઉન્ટેનપેન અને સિસપેન મારા હાથમાં મુકતાં, “ઉમા..બેટા… હું કદાચ તારૂ પરીણામ નહીં જોઈ શકું.. પણ તારું ઇનામ હું મારા હાથે જ આપવા માંગતો હોઉં, આ તારી પસંદગીના જફાઉન્ટેનપેન અને સિસપેન મેં મોટકાના શેઠ પાસે વિદેશથી મંગાવ્યા છે. આ તારા પરીણામનું ઇનામ તેમજ મારા તરફથી તને મળતો વારસો સમજી લે જે.”

બાપુજીના એ ધ્રુજતાં હાથ અને રૂદન ભરેલો સ્વર જીવનપર્યંત મારા અંતરમાં કોતરાઈ ગયા. આજે પણ જયારે પેન હું હાથમાં લઈ નવો આવિષ્કાર કરવા જાઉં ત્યારે મારુ ઇનામ, મારો વારસો મને રડવા મજબૂર કરી દે છે. આજે મારા બાપુજી પાસેથી મળેલ ઇનામ તેમજ વારસો મેં મારા પૌત્ર કાનાને આપવાનું અનાયસે મુખમાંથી નીકળી ગયું. વાક્ય પુરૂ કરતાં આંખો વાટે ઊર્મિઓ બહાર નીકળી અને હસ્તાક્ષર કરી ગઈ. આ યાદોરૂપી કાગળ ઘડિબંધવાળી ફાઉન્ટેન પેન સાથે કાનાને નામ ઇનામ તેમજ વારસારૂપે આપવાની હિમાયત કરતાં સૂચન સાથે ઇસ્કોતરામાં મૂકયાં.

કાના ઉર્ફે ક્રિસ નૈમિષ ત્રિપાઠીનું મેટ્રીકનું પરીણામ આવતાં ઇનામ તેમજ વારસારૂપે વર્ષો પછી ઇસ્કોતરો ખોલવામાં આવ્યો, તેમાં ફાઉન્ટેનપેન સાથે રહેલા પત્ર વાંચતા ક્રિશ, નૈમિષ અને અમૃતા ત્રણેયની આંખો ભીંની થઈ ગઈ સાથે કાનાને તેના પ્રશ્નનો જવાબ પણ મળી ગયો.

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as:

Leave a Reply