SHORT STORIES / लघु-कथाए

છેતરપિંડી

હાથમાં મેડીકલ રીપોર્ટ પકડી,પર્વા આગ ઝરતી નજરે સુઝાન સામે જોઈ રહી. સુઝાન નજર મેળવી શકે તેમ નહોતો છતાંય પોતાનું ઊંચું રાખવું હોય તેમ ક્રોધ સાથે ઉંચા અવાજે બોલ્યો:‘રીપોર્ટ બતાવી તું શું કહેવા માગે છે !?’

સામે પર્વા એટલી જ ત્વરાથી બોલી:‘હું જે કહેવા માગું છું તે તમે સારી રીતે સમજી ગયાં છો.’ પછી કહે, ‘મારાં મોંએ ન બોલાવો તો સારું !’

સુઝાન સમસમીને ઊભો રહ્યો.આ માત્ર પુરુષાતન પર જ નહિ પણ સમગ્ર અસ્તિત્વ સામેનો પડકાર હતો.પોતે સહેજ પણ ઢીલોપોચો થશેતો જીવન પરથી હાથ ધોઈ નાખવાનો વારો આવશે. પછી આ ગાડી,બંગલો,ધન-દોલત…સઘળું જ નકામુંને નિરર્થક બની રહેશે. જીવન નામે મીંડું !

સુઝાન ફરી તાડૂકીને બોલ્યો: ‘એટલે…હું ખોટો, રીપોર્ટ ખોટો..એમ તારું કહેવું છે !??’

‘હા..મારા નાથ, મારા પ્રેમાળ પતિદેવ, વન્ડરફુલ હસબન્ડ…’ પર્વા ધીમુંને લાંબુ હસવા લાગી. પછી હસવું રોકીને કહે :‘હૈયે હોય તે હોઠે આવી જતું હોય છે, તમે જ તમારા મોંએ બોલી ગયાં. મારે શું કહેવાનું હવે !?’

પર્વાનું કહેવું અને હસવું સુઝાન પર એસીડ ફેંકાયા જેવું લાગ્યું. તે સળગી ઉઠ્યો. તેને થયું કે પર્વાના મોં પર મુક્કો મારે, બોલતી જ બંધ કરી દે…, કાયમી બોલતી બંધ કરી દે પણ પર્વા હમણાં હમણાં સાવ બદલાઈ ગઈ છે, સામે થતાં ડરતી નથી. સહેજ પણ શરમ લાગતી નથી. કંઈ કહેવા કે કરવા જતાં તે પોલીસ સ્ટેશને જઈને ઊભી રહે તેમ છે…આ છૂપો ડર સુઝાનને અકળાવી નાખે છે, કશું કરતાં હાથ બાંધી રાખે છે.

બેડરૂમના ભારેખમ વાતાવરણ વચ્ચે પર્વા બે ડગલાં આગળ ચાલી. પછી સુઝાનને ખભેથી ઝાલી પોતાના સામે ફેરવીને કહ્યું :‘મને બહુ છેતરી, હવે હું કશું સહન કરવા તૈયાર નથી.’

પર્વાનો સ્વર જ બદલાઈ ગયો હતો.તેનાં અવાજમાં જે આગ,આક્રોશ હતો તે એક ભોગ બનેલી, છેતરાયેલી સ્ત્રીનો હતો. સુઝાન સારી રીતે સમજતો હતો. પણ હવે શું ? તેનો ઉપાય શું !?

મેરેજપૂર્વે મેડીકલ સર્ટિફીકેટમાં સુઝાન સર્વથા ફીટફોર દર્શાવાયો છે. પણ આજે પાંચ વર્ષના સહજીવન પછી પર્વાને લાગે છે કે આ સર્ટિફીકેટ ખોટું છે. પોતાના સાથે એક પ્રકારની છેતરપિંડી થઇ છે. સુઝાનમાં એવી કોઇ ખામી, ખોડ-ખાપણ હોતતો સ્વેચ્છાએ સહજતાથી સ્વીકારી લે. અગ્નિની સાક્ષીએ જે શપથ લીધાં તેને કોઇપણ જાતની ફરિયાદ વગર પુરી નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે તન-મનથી નિભાવત. પણ અહીં તો છેતરપિંડી કરવામાં આવી છે. સત્ય છુપાવવા, જે ખબર નહોતી તેવી વાત સામે ધરી દીધી હતી – એક બીજાની ફિટનેસના મેડીકલ સર્ટીફિકેટ !

‘આવાં ખોટા સર્ટીફિકેટ સાચવી કે ગળે બાંધીને શું કરવાનું !?’ આમ કહી પર્વાએ હાથમાં પકડેલા સર્ટીફિકેટને ફાડી તેનાં લીરેલીરાં કરી નાખ્યા. પછી મનેકમને થોડો સંયમ દાખવી ટૂકડા નીચે ફેંક્યા… નહિતર સુઝાનના મોં પર ફેંકત !

સુઝાનને થયું કે પર્વાએ, પોતાના અસ્તિત્વના લીરેલીરાં નાખ્યા છે !

પાંચ વરસેય સંતાન સુખ પામી શક્યા નથી.તે નરવી અને કડવી હકીકત છે. શરૂઆતના વર્ષોમાં સંતાન માટે ઉતાવળ ન હોય તે સમજી શકાય એવું હતું. પછીના વર્ષોમાં વારંવાર કહેવામાં આવ્યું, તારે ફિગર ન બગાડવું હોય તો રહેવા દે…સેરોગેટનો કન્સેપ્ટ અપનાવવા જેવો છે, બાળક દત્તક લેવું..આવું આવું કહીને સમજાવી દેવામાં આવતી. પણ તેની સમજમાં આવતું નહોતું, પોતે સંતાન આપવા સક્ષમ છે છતાંય પોતાના માતૃત્વની શા માટે આવી ઉપેક્ષા કરવામાં આવે છે !?

‘બોલો મારા પ્યારા પતિદેવ !’પર્વાએ સુઝાનની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહિ. તે ઉઘાડો પડી ગયો હતો તેથી સાવ જુદોને બદલાયેલો લાગતો હતો.

પર્વા સમજતી હતી કે કોઈ પતિ, પુરુષ પત્ની સામે આવી બાબતમાં ક્યારેય ઉઘાડો પડવા માગતો હોતો નથી અને નાછૂટકે આમ બને તો તેનાં માટે જીવવું, વસમું કે મરવા જેવું થાય.

પોતાને સારાં દિવસો ન દેખાયા એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે બન્નેનું ચેકઅપ કરાવવાનું થયું. સુઝાન બહાના ધરતો રહ્યો…ને છેલ્લે તો સુઝાન સાવ પાણીમાં બેસી ગયો. પર્વાની શંકાને પુષ્ટી મળી ગઈ હતી.તેનાં સામે આખું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. છેતરપિંડી કરી, એક ખોટા સિક્કાને માથે મારવામાં આવ્યો છે.

‘બોલો શું કરવું હવે !?’ પર્વા ધીમા છતાં મક્કમ સ્વરે બોલી.

સુઝાનના માથા પર હથોડાના માફક વાગ્યું. તે અંદર અને બહારથી હલબલી ગયો. તે સામે આંખો કાઢી, તાણીને બોલ્યો : ‘શેનું, શું કરવાનું છે ?’

‘ન સમજયા હોતો સમજવું…’પર્વા સુઝાનની ઉરાઉર જઈ, કાન પાસે મોં રાખીને ભીંસાતા અવાજે બોલી: ‘તમે મને સંતાન આપી શકો તેમ નથી ને મારે સંતાન જોઈએ છે… !’

સુઝાનના પગ નીચેથી જમીન સરકવા લાગી. થયું કે પોતે હમણાં ફસડાઈ પડશે. પડીને લોહીલુહાણ થઇ જશે, લાશની માફક લોહીના ખાબોચિયામાં તરફડશે અને…પણ દીવાલે હાથ હતો તેથી તનને સંભાળી શક્યો પણ મનને સંભાળવું અઘરું અને કપરું હતું. એક ક્ષણેતો એમ પણ થયું કે સ્વીકારી લે અને કહી દે, ‘પ્લીઝ તું કહે તેમ…પણ આ વાત બેડરૂમ બહાર જવી જોઈએ નહિ !’

‘શું કરવાનું હોય !?’પછી આગળ કશું સુઝ્યું નહી તે કહે :‘તું કહેતો બીજા ડોક્ટરનું સર્ટીફિકેટ લાવી દઉં, આઈએમ ફીટફોર…’ નાક જતાં હોઠ રાખવા જેવી સુઝાન માટે વાત હતી.

‘સુઝાન !’પર્વાનું ગળું ભરાઈ ગયું. આગને આક્રોશ ઠરી ગયાં.એક સ્ત્રી તરીકેની મર્યાદા જાણે આડે આવીને ઊભી રહી.તે રડમસ કંઠે બોલી:‘તમે બધા જ સર્ટીફિકેટ લાવી શકશો પણ તમારા પ્રત્યેના મારાં વિશ્વાસનું શું કરશો, તેનું સર્ટીફિકેટ ક્યાંથી લાવશો..!’ પર્વા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

**************

‘એક સ્ત્રી તરીકે માતૃત્વ ધારણ કરવાનો મારો અધિકાર છે, તે માટે હું સંપૂર્ણ સક્ષમ છું…મારા અધિકારથી મને કોઈ વંચિત રાખી નહિ શકે!’એડવોકેટ હોય તેવા અંદાઝથી પર્વાએ ઘરના સભ્યોને  સાવ સ્પષ્ટ સંભળાવી દીધું.

ઘરમાં પગલીનો પાડનાર પધારે તેવી સુઝાનના લાગણી અને માગણી હતી. પણ માંહ્યલા ઘાવ મહાદેવજી જાણે. કાપો તો લોહી ન નીકળે તેવી વિષમ સ્થિતિમાં મમ્મી-પપ્પા મુકાઈ ગયાં. તેથી ચૂપ જ રહ્યાં. સામે સુઝાન પાસે મૌન રહી તમાશો જોયાં કરવાનો અથવાતો જે થાય તેમ થવા દેવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.

‘બેટા !’પર્વાના સાસુ ઉર્ફે સુઝાનના મમ્મી, પર્વા પાસે આવીને ઊભા રહ્યાં.તેમનાં શરીરમાં જાણે પ્રાણ રહ્યાં નથી..તેમનાં માટે તો આ કલ્પનાતીત ઘટના છે.

‘તમે જે કાંઈ બોલો, કરો તે સમજી વિચારીને કરો…’પછી હામ હારી ગયાં હોય તેમ નીચે ઢગલો થઈને બેસતાં પૂર્વે બોલ્યા :‘હવે અમે તો બીજું શું કહીએ !’

મમ્મીની આ દશા, વલોપાત સુઝાન માટે અસહ્ય લાગી પણ પોતાની સ્થિતિ માટે કશું કરી શકે તેમ નથી. લાચાર છે….સામે સઘળી સંપતિ પણ વામણી લાગે છે.

પર્વા પરણીને અહીં આવી…આ ઘરમાં દુધમાં સાકર ભલે તેમ ભળી, એક રસ થઇ ગઈ હતી. પોતાનું ઘર, પરિવાર સમજી ઓતપ્રોત થઇ ગઈ હતી. કશું જ કહેવાપણું નહોતું. પણ જ્યારથી તેને ખબર પડી ગઈ છે કે, પોતાના સાથે એક પ્રકારની છેતરપિંડી થઇ છે ત્યારેથી તેનો રવૈયો બદલાઈ ગયો છે. વાણી,વર્તન,વ્યવહાર બદલાઈ ગયાં છે. થાય છે કે પર્વા,પર્વા જ રહી નથી.

પર્વા ઘર છોડી ચાલી જશે. પણ એમ ન બન્યું. તે કહે છે,‘હું જવા માટે આવી જ નથી. અહીં રહેવા-જીવવા આવી છું !’

પર્વાની વાતમાં દમ છે. ઘરના સભ્યો કોઈ કાંઈ કહી શકે તેમ નથી. તેમનાં માટે તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. એક ઘડીએ એમ પણ થયું કે સુઝાનને પરણાવ્યો ન હોતતો સારું થાત.પણ હવે જે થયું છે તે ભોગવ્યા કે જોગવ્યા સિવાય છુટકો નથી. વળી સ્ત્રી અંગેના કાયદાઓ બદલાયા છે. વધુ કંઈ કહેવામાં સાર નથી.દિલની દાઝી ઘર પણ બાળે !

પર્વા માતા બને તે વાતે ના છુટકે સહમતી સધાઈ. તે માટે ફેમીલી ડોક્ટરની સલાહ લેવી. તે જે કહે તેમ કરવું. પર્વા પણ આ બાબતે રાજી થઇ ગઈ.

ડોક્ટરનું કહેવું હતું, ‘સ્પર્મબેંકમાંથી સ્પર્મ મેળવી શકાય…અને તેમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઈચ્છો એવું બાળક મેળવી શકો…’

સુઝાને મુક્તમને કહ્યું કે, ‘પર્વા તું ઈચ્છે તે…વકીલ, ડોક્ટર, એન્જિનીયર, કલાકાર…કોઇપણ હાઈપ્રોફાઈલવાળાનું લઇ શકે છે…!’ પર્વા પ્રત્યે વ્હાલ પ્રગટ કરવાની સુઝાન પાસે આ સોનેરી તક હતી.

પર્વા માટે સોનાનો સૂરજ ઊગ્યો. જે જોઇતું હતું એ મળી ગયું. જો કે પોતાના સાથે જે થયું છે તેને જીવનભર માફ કરી શકે તેમ નથી. પણ જે બની ગયું છે તેને હવે ટાળી કે વાળી શકે તેમ નથી. એટલે જે મળે તેમાંની હવે સુખ શોધવાનું હતું. અને પર્વાને સૌથી મોટો આનંદ એ વાતનો થયો કે બાળક પોતાનું જ હશે, પોતાની જ કૂખમાં ઉછરેલું હશે, પોતાના હાડ-માંસનો હિસ્સો હશે. તેમાં આ વિશ્વાસઘાતિઓનો અંશ પણ નહી હોય…થયું કે, બદલો લેવાનું આનાથી મોટું માધ્યમ બીજું કયું હોઇ શકે !

પોતે પુરુષબીજ દ્વારા ગર્ભધારણ કરશે,ગર્ભવતી બનશે.. ઉબકા આવશે,ખાટું ખાવાનું મન થશે, જીવ મોળ મારશે…નવ માસે પ્રસવ થશે, પીડા ઉમટશેને પછી પોતાના ખોળામાં બાળક રમતું હશે ! એ વિચારમાત્રથી પર્વા સુખથી છલકાઈ ગઈ. તેની સામે બધું ગૌણ બની ગયું.

પર્વાના વાણી, વર્તન, વ્યવહારથી ઘરમાં ખુશીનો માહોલ સર્જાવા લાગ્યો.

***********************

પર્વાના મનમાં એક નવતર વિચારનો ફણગો ફૂટ્યો.થયું કે, ગર્ભધારણ કરવા ડોકટરી પ્રોસેસમાં પડવું તેનાં કરતાં સ્ત્રી-પુરુષ સીધા જ મળી લે તેમાં શું ખોટું છે !?

પર્વાના મનમાં ધમસાણ યુદ્ધ મંડાયું. એક બાજુ ભારતીય સ્ત્રીના સંસ્કાર, એક પતિવ્રતાપણું …તો બીજીબાજુ વૈજ્ઞાનિક અભિગમ,આધૂનિક વિચારસરણી..આમાંથી કોની જીત થાયતે કહેવું મુશ્કેલ હતું. એક વાતતો મનને પજવી રહી હતી કે સંસ્કારનો ઈજારો માત્ર સ્ત્રીનો જ છે, પુરુષનો નહિ !? જો એમ જ હોતતો સુઝાને પોતાના સાથે આવી છેતરપિંડી ન કરી હોત !

રાત્રીએ બેડરૂમમાં પર્વાએ હિંમત એકઠી કરી સુઝાનને કહ્યું :‘મારે એક વાત કરવી છે, કહું ?’

સુઝાન હસવા લાગ્યો. તેણે કહ્યું : ‘ગાંડી, એમાં પૂછવાનું શું હોય !?’

જ્યારથી પર્વાને માતા થવાનું નક્કી થયું છે ત્યારથી ઘરમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે.સુઝાન પણ એટલો જ ખુશી છે. તેથી તે પર્વાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે. પણ પર્વા સમજે છે કે પોતે કહેશે એટલે કોઈથી સહન કે વહન નહિ થાય અને ફરી એક વખત દીવાસળી ચંપાશે,ઘરમાં ભડકો થશે.સૌ સાથે મળીને કહેશે,‘હવે તું આ ઘરમાં જ નહી…!’

પર્વાએ એસીડનો ટેસ્ટ કરવાનો હતો.પણ મનમાં ધાર્યું હતું એટલે પરિણામની પરવા કર્યા વગર સાવ ધીમેકથી વાત વહેતી મૂકી ‘સુઝાન,આપણે ડોકટરી પ્રોસેસમાંથી પસાર થવું પડશે ને !’

સુઝાનને આ સામાન્ય સવાલ લાગ્યો એટલે સહજતાથી કહ્યું :‘હા, એમાં પસાર થવું આમ તો સરળ હોય છે.’

‘મારું પૂછવું સરળ કે મુશ્કેલ સંદર્ભે નથી.’પર્વા સહેજ અચકાઈને બોલી:‘મારું કહેવું એમ છે કે…એમ છે કે…’

‘શું એમ છે કે…’સુઝાન કૃત્રિમ ગુસ્સા સાથે બોલ્યો : ‘કહી દે ને…જે કહેવું હોય તે…’

પર્વાને થયું કે લોઢું બરાબર તપ્યું છે હવે ટીપી નાખવામાં વાંધો નથી. તેણે કહ્યું :‘આવી પ્રોસેસમાં પડવું તેનાં કરતાં સ્ત્રી-પુરુષે સીધા મળી લેવું શું ખોટું છે !’

સુઝાને બગાસું ખાતા કહ્યું :‘હા, મળી લેવું જોઈએ !’

‘હું મારી, આપણી વાત કરી રહી છું..!’

થોડીવારે સુઝાનની બેઠક નીચે જાણે બોમ્બબ્લાસ્ટ થયો હોય એમ લાગ્યું.તે લગભગ ઉછાળી ઉઠ્યો. બોલવું હતું પણ ક્રોધ અને આઘાતના માર્યા બોલી શકાયું નહી. આ ક્ષણનો લાભ લઇ પર્વાએ કહ્યું : ‘બટનેચરલ, મહાભારતથી આ ચાલ્યું આવે છે !’

‘તું શું બોલે છે તેનું તને ભાન છે !?’

‘હું પુરી સભાનતાથી બોલું છું.’ પર્વા તમતમતા સ્વરે બોલી : ‘કોઈના કપાળે બાપનું નામ લખેલું હોતું નથી. માતા હોવું તે હકીકત છે બાકી પિતાતો એક ધારણા છે…!’

સુઝાન કશું બોલી શક્યો નહિ. તેને થયું કે ઘટના મર્યાદા ઓળંગી ગઈ છે. તેને રોકવી કે પાછી વાળવી લગભગ શક્ય નથી. હવે શું કરવું…તે તેનાં માટે પ્રાણપ્રશ્ન થઇ પડ્યો. રાત એમ જ પસાર થતી રહી. બન્ને તરફડતાં અને પડખા ઘસતાં રહ્યાં.

સવારે ઉઠી સુઝાને પર્વાને કહ્યું : ‘તું જે કહે તે કબુલ પણ એક શરત…’

પર્વા ઊંઘરેટી આંખે સુઝાન સામે જોઈ રહી.  તેને નક્કી થતું નહોતું, સુઝાન સ્વેચ્છાએ સ્વીકારે છે કે પછી કંટાળીને… ‘બોલો, શું શરત છે !?’

સુઝાને દુઃખભર્યા સ્વરમાં કહ્યું : ‘મમ્મી-પપ્પાને આ વાતની ખબર પડવી જોઈએ નહિ. તેને તો એમ લાગવું જોઈએ કે મેડીકલ ટ્રીટમેન્ટથી જ સંતાન પ્રાપ્ત થયું છે.’

પર્વાને આ શરત અઘરી અને અજુગતી લાગી. તે મૌન રહી સુઝાનના સાવ ઉતરી ગયેલા ચહેરા સામે ટગરટગર જોઈ રહી. આમ દયા પણ આવી.કોઈ પુરુષ,પોતાની પત્ની આવું કરે તે સહજ સ્વીકારી લે…!

પણ પર્વા કશું બોલે તે પહેલાં સુઝાન લાચારીથી બોલ્યો: ‘મમ્મી-પપ્પાને આવી ખબર પડશે તો તે ઝેર પીશે !’

પર્વા ઘડીભર મૌન રહી. પછી મનમાં વાગોળીને બોલી: ‘સાચું ન કહું તો મારો આત્મા ડંખે અને હું તમારાં જેવી છેતરપિંડી કરું તો તમારાં અને મારામાં ફેર છું !?’

‘પણ..પર્વા…’ સુઝાન આગળ બોલી શક્યો નહિ. તે જાણે સ્થિર અને અસ્થિર થઇ ગયો.

પર્વા કોઈ નિર્જીવ વસ્તુના માફક બે-ચાર મિનિટ બેઠી રહી. પછી કહે :‘એ…મારે કાંઈ નથી કરવું…’ આમ કહી પર્વા કપડાં સાથે સઘળું ખંખેરી પથારીમાંથી એકદમ ઊભી થઇ ગઈ.

*******

લેખક: રાઘવજી માધડ

Mob:   +91 94270 50995

Leave a Reply