Mythology

પુરુષોત્તમ માસની કથા – આપો એવું મળે

સુંદરપુર નામે ગામમાં મંછા અને ગંગાના મે બે સખીઓ રહે ગંગા ઘણી ગરીબ હતી તેનો પતિ લુહારી કામ  કરી આખો દિવસ મજૂરી કરે ત્યારે બે ટંકનું જમવા માટે મળે જ્યારે મને મંછા  નો પતિ  દરજી કામ કરે. ખાધેપીધે સુખી પણ જીવ ટૂંકો.

કોઈને જલ્દી કંઈ આપે નહીં અને આપે તો દેખાવ તો એવો કરે જાણે મોટો ખજાનો ન આપી દીધો હોય બીજી બાજુ ગંગા ગરીબ ખરી પણ દિલની બહુ ઉદાર પોતે ભૂખી રહે પણ આંગણે આવેલા અતિથિ અભ્યાગત ને પાછો ન જવા દે વળી અફસોસ કરે કે પ્રભુએ કંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને દેત.

એવામાં પરમ પવિત્ર અધિકમાસ આવ્યો. ગામના સૌ લોકોએ વ્રત લીધાં. ગંગાએ પણ વ્રત કર્યું. એ જોઈને મંછાએ પણ દેખાવ ખાતર વ્રત લીધું. ભક્તિભાવ નો છાંટોય નહીં પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું. સવારના પહોરમાં તૈયાર થઈને સૌની સાથે નદીએ નહાવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારે. પ્રભુનું નામ લેવાના બદલે ટાઢ ચડી ગઈ હોય એમ સિસકારા બોલાવે. પગ ભીના થયા ન થયા ત્યાં તો ઝડપભેર નીકળી જાય બહાર.

બધા વાર્તા સાંભળવા બેસે ત્યારે બ્રાહ્મણના કપાળે ચાંદલો કરે, પોથી ને કંકુ ચોખા લગાવે. ત્યારબાદ બધા પોતાની સાથે જે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની બ્રાહ્મણ પાસે ઢગલી કરે. જ્યારે મંછા શેર ઘઉં લઈને આવે. એમાં ઘઉં તો પાશેર જ હોય. પોણો શેર તો કાંકરા હોય. પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાના બદલે એ પોતાનો ઢગલો જોતી જાય અને ફૂલાઈને ખોંખારા ખાતી જાય.

એમ કરતા અધિક માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધા ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા. ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, આ તે મારા કેવા ભાગ્ય? આજે જો કોઠી ઘઉંથી ભરેલી હોત તો બ્રાહ્મણને પાંચ મણ ઘઉં આપત. આવો અમૃત માસ ફરી ક્યારેય આવે.

જ્યારે બીજી બાજુ મંછાએ બરાબર તોલીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા પાંચ શેર કાંકરા. પછી એ તો ગઈ નદીએ. સ્નાન કરીને વાર્તા સાંભળી. મંછાનો ઢગલો તો સૌથી મોટો દેખાયો. એટલે તો વારેવારે ખોંખારા ખાવા લાગી.

પણ વૈકુંઠમાં બેઠા બેઠા લક્ષ્મીજીની મૂંઝવણનો પાર ન રહ્યો. એમને જોઈને પ્રભુએ પૂછ્યું કે દેવી શું મૂંઝવણ છે?ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો પાશેર ઘઉંમાંથી પોણોશેર કાંકરા વીણતા નાકે દમ આવી જાય છે…. આજે તો શેર ઘઉં માં પાંચ શેર કાંકરા છે. ઘઉં વીણું કે કાંકરા.?

આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા, “જેનો જેવો ભાવ એવા તમે થાવ.”

ગંગા અને મંછા બંને કથા સાંભળી ઘરે આવ્યા. ગંગાએ ઘેર જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી. તેના આનંદનો પાર ન રહ્યો. એ તો દોડતી ગઈ પેલા બ્રાહ્મણ પાસે. જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે. મારા ઘેર પધારો. મારે અન્નદાન કરવું છે. બ્રાહ્મણ ઘરે આવ્યા ત્યારે ગંગાએ સુપડે સુપડે ઘઉં આપ્યા, પણ કોઠી ખાલી ન થાય. પાંચના બદલે 15 મણ ઘઉં આપ્યા, પણ તોય કોઠી તો ભરેલી ને ભરેલી જ. ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ એ દયા કરી છે.

આખા ગામમાં જોતજોતામાં આ વાત ફેલાઈ ગઈ. લોકો ગંગા ને ઘેર જોવા ટોળે વળ્યા. ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરી ભરીને ઘઉં આપ્યા પણ કોઠી છલકાતી જ રહી.

આ વાત મંછાએ સાંભળી. એને થયું કે વ્રત તો મેં પણ કર્યું છે. મને પણ આવું ફળ મળવું જોઈએ. પણ આ શું? એણે જઈને જોયું તો આખી કોઠી કાંકરા થી ભરેલી.

ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મંછાની કોઠી માંથી કદી કાંકરા ન ખુટ્યા.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ તમે જેવા ગંગાને ફળ્યા એવા કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો.

બોલો શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય…

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર..

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply