SHORT STORIES / लघु-कथाए

રામુ

શૂન્યમનસ્ક આંખો ચારેબાજુ જોઈ રહી. એ આંખોમાં ડર નહોતો, થોડુંક વિસ્મય હતું. સ્થળ માટે થોડીક તાજ્જુબી હતી. શું આવું હોઈ શકે ખરું ?

થોડા દિવસોથી રામુ અહીં આવ્યો હતો. અહીં તેના જેવાં બીજાં ઘણાં બાળકો હતાં. ખાવાનું મળતું હતું. સારાં કપડાં પણ આવતાંની સાથે જ મળ્યાં હતાં. રાત્રે સૂવા માટે પથારીની યે વ્યવસ્થા હતી. પણ આજે જ્યારે તેણે સાંભળ્યું કે ‘આ તમારું ઘર છે.’ ત્યારથી તેના નાનકડા દિમાગમાં પ્રશ્નોની પરંપરા સર્જાઈ ગઈ. ‘શું આવું હોઈ શકે ?’ ‘કોઈ મારે માટે આવું કરી શકે ?’ ‘શા માટે કરે ?’ આ પ્રશ્નોને અડીને એક બીજો પ્રશ્ન પણ સળવળ્યો. ‘આને ઘર કહી શકાય ખરું ?’ જો કે આવું સ્પષ્ટ વિચારવા જેટલી વિચારશક્તિ હજુ તેની વિકસી નહોતી પણ કંઈક આ જ પ્રકારનો ભાવ તેની આંખોમાં રમી રહ્યો.

તે હળવેકથી ઊભો થયો. દીવાલોને સ્પર્શી જોયું. ધીમે પગલે હથેળી ભીંત પર સરકાવતાં તે આગળ વધ્યો. દરવાજા સુધી પહોંચતા પહોંચતા તેનો અવાજ ઓગળતો જતો હોય એમ તેને લાગ્યું. દરવાજા પાસે આવી તેણે બહાર નજર કરી. એક મજૂર બાઈ તેના બાળકને ધમકાવી રહી હતી. દીવાલોમાં ઘર શોધતી તેની આંખો બે-ચાર પળ પછી એકદમ પથ્થર બની ગઈ. તેની હથેળીઓમાં અસહ્ય બળતરા ઊપડી. બે ડગલાં પાછળ જઈ તેણે ડરતાં ડરતાં પોતાની હથેળી જોઈ. હવે ત્યાં મારના નિશાન નહોતા. પરંતુ પીડા એટલી જ તીવ્રતાથી હથેળીની સાથે સાથે પીઠ પર પણ ફરી વળી. જો તે પીઠ પર નજર કરી શક્યો હોત તો તેને ખબર પડત કે સોટીના ઊઠેલા સોળની નિશાનીઓ ત્યાં હજુ અકબંધ છે. તેના બંને કાન જાણે કોઈ પૂરી બેરહમીથી આમળતું હોય એવું તેણે અનુભવ્યું. આસપાસમાં કોઈ નહોતું તોય તેના બંને હાથ એકદમ કાન ઢાંકી રહ્યા અને ખુલ્લી આંખો સામે તાજો જ ભૂતકાળ સળવળી ઊઠ્યો.

તે દિવસે ઘણું કરીને રવિવાર હતો. મા કામ પર નહોતી ગઈ. ઘરમાં જ હતી. બાપે આગલી રાત્રે ખૂબ દારૂ ઢીંચ્યો હતો. બપોરના બે સુધી તો બાપના નસકોરા જ સંભળાતા હતા. પછી બાપુ ક્યારે ઊઠ્યા, તેને ખબર નહોતી. તે શેરીમાં બીજા બાળકો સાથે રમતો હતો. એવામાં માની બૂમ સંભળાઈ. પહેલી બૂમ તેણે અવગણી, બીજીયે અવગણી પણ ત્રીજી બૂમ સાંભળ્યા પછી તેને ડર લાગ્યો. તેને થયું હવે જવું જ પડશે. માના ક્રોધી સ્વભાવથી તે પૂરેપૂરો પરિચિત હતો. મન નહોતું પણ તે પરાણે ઘરમાં ગયો. મા ચોકડીમાં બેસીને નાની બેનને નવડાવતી હતી.

‘સુનતા નહીં હૈ બહિરે ! કબસે ચિલ્લા રહી હૂં.’

‘ક્યા હૈ માં ? મુજે ખેલને દે ન !’

‘જા આટા ઔર આલુ લે આ.’

‘અભી રહને દે મા, કલ લા દૂંગા.’

‘તેરા બાપ ખાયેગા ક્યા, મેરા સર ? ઉસે ભૂખ લગી હૈ, ઈતના પી-પીકર ભી ઉસકા પેટ નહીં ભરા.’

તેનો બાપ રાતો-પીળો થઈ ગયો.

‘એ, બડબડ બંધ કર, વરના થોબડા તોડ દૂંગા. એ છોટે, જા તેરી માં કા કામ કર ઔર મેરે લિયે બીડી-માચિસ ભી લે આના.’

‘ફિર પૈસા ભી તેરે બાપસે હી લે લેના.’ માથી ચૂપ ન રહેવાયું.

‘જબાન મત ચલા. તેરે પૈસોંસે મુઝે બીડી નહીં પીલા સકતી ક્યા ?’

‘હાં હાં, બીડી હી ક્યું ? દારૂ ભી પિલાઉંગી. મુઆ, સબકો નિચોડકર રખ દેગા.’

‘ઈધર આ, લે યે પૂરે સો રૂપિયેકા નોટ હૈ. દેખ મગર ઈસમેં સે સિર્ફ બીડી-માચિસ હી લાના હૈ. આટે કે પૈસે તેરી માં દેગી.’

‘ઉસીમેં સે તુમ્હેં આટા ઔર આલુ ભી લાને હૈં. નહીં લાયા તો તેરી ચમડી ઉધેડ દૂંગી.’ કહેતાં કહેતાં મા જરાક જોશમાં આવી ગઈ. મુન્નીના વાળ માના હાથમાં હતા એટલે ખેંચાયા અને મુન્નીએ ભેંકડો તાણ્યો. બીજી જ પળે સટાક….. એક જ તમાચાથી આ બાજુ મુન્ની ચૂપ થઈ ગઈ, બીજી બાજુ રામુ હાથમાં નોટ લઈને શેરી તરફ ભાગ્યો. તેના બધા દોસ્તો તેને ઘેરી વળ્યા. આમ ન ચાલે, દાવ દઈને જા. પણ દાવ દેવા રહે તો વાર થઈ જાય. મુન્નીને પડેલા તમાચાનો અવાજ હજુ તેના કાનમાં ગુંજતો હતો. બધાથી પીછો છોડાવીને તે પહોંચ્યો સીધો મોદીની દુકાને. દુકાને પહોંચ્યા પછી તેને યાદ આવ્યું કે કેટલો લોટ અને કેટલા બટાકા એ તો પૂછવાનું જ ભૂલી ગયો. એકાદ મિનિટ માથું ખંજવાળી પછી પોતે જ નિર્ણય લઈ લીધો.

‘આધા કિલો આલુ દેના, આધા કિલો આટા.’

‘પૈસે લાયે હો ?’

‘હાં, પૂરે સો રૂપિયે દિયે હૈ મેરે બાપુને.’ બહુ ગૌરવથી તેણે કહ્યું.

‘ઠીક હૈ, ઠીક હૈ.’ દુકાનદાર માલ તોલવા લાગ્યો.

ઝૂંપડપટ્ટીને નાકે આવેલી નાની અમથી કરિયાણાની દુકાન જેમાં કરિયાણું તો મળે જ પણ સૂકું શાક ને ઘર વપરાશની નાની મોટી વસ્તુઓ પણ મળી જાય. વસતિના લોકોની રોજિંદી જરૂરિયાત પૂરી થઈ જાય.

‘બીડી-બાકસ ભી દેના.’ અચાનક તેને યાદ આવ્યું.

‘અબ પૈસે નિકાલ.’ પડીકું બાંધતા દુકાનદારે તોછડાઈથી કહ્યું. તેને આ ગમ્યું નહીં. તેના મનમાં થયું સો રૂપિયાની નોટ કાઢી એના માથામાં મારું ! આ લોકો તેના મનમાં શું સમજતા હશે ! પૈસા છે એમ કહ્યું તો પણ…. જવા દે…. તેણે ગજવામાં હાથ નાખ્યો. હાથ ગજવાની ચારેય બાજુ સ્પર્શી વળ્યો. તેને થયું ગજવું ખાલી હોય એમ કેમ લાગે છે? તેણે ફરી ગજવામાં હાથ ઘસ્યો. પરિણામ શૂન્ય. તેને ધ્રાસકો પડ્યો. ખિસ્સું ફાટેલું તો નથી ને ! તેણે ખાતરી કરી જોઈ. ખિસ્સામાં કાણું જરૂર હતું પણ તેમાંથી તો એકાદ નાનો સિક્કો જ બહાર જાય, સો રૂપિયાની નોટ નહીં. તેના ચહેરા પરથી નૂર ઊડી ગયું. દુકાનદાર આ બધું જોઈ રહ્યો હતો.

તે ચિડાઈને બોલ્યો : ‘મુજે બેવકૂફ બનાતા હૈ ? તેરા બાપ કહાંસે પૈસા દેગા ? દારૂ પીકર બચેગા તબ ન ! ફોગટ મેં સમય બરબાદ કરતા હૈ….’ કહેતાં કહેતાં તેણે માલ પાછો અંદર મૂકી દીધો. રામુ સજળ આંખે તેની તરફ જોઈ રહ્યો, પણ દુકાનદાર પીગળ્યો નહીં.

‘તુમ મુજે સામાન દે દો. પૈસે રાસ્તે મેં કહીં ગિર ગયે લગતે હૈં. મૈં અભી ઢૂંઢકર લા દૂંગા.’ તે કરગર્યો.

‘જા જા, યહાં દાન-ધરમ કરને નહીં બૈઠા હૂં.’

‘મેં ખાલી હાથ જાઉંગા તો મેરા બાપ મુજે પીટેગા. ઉધાર હી દે દો.’ ફરી તેણે કાકલૂદી કરી.

‘કુછ નહીં મિલેગા. તેરી માં કો લેકર આ તો ઉધાર દૂંગા…..’

રામુને વિશ્વાસ થઈ ગયો કે આ વેપારી તેને કંઈ આપશે નહીં. એકવાર ફરી તેણે ખિસ્સું તપાસી જોયું પણ હાથમાં આવી રમતાં રમતાં ખિસ્સામાં ભરાયેલી થોડીક કાંકરીઓ. આજુબાજુ પણ વાંકા વળીને બધું ફંફોસ્યું પણ રદ્દી કાગળના ડૂચા સિવાય કંઈ નજરે ચડ્યું નહીં. આંખમાં આવેલાં આંસુઓના પડળ પાછળ પછી એ ય દેખાતા બંધ થઈ ગયા.

તે એકદમ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો. દુકાને આવતી વખતે તેને તેના દોસ્તોએ ઘેરી લીધો હતો. થોડીક ખેંચતાણ પણ થઈ હતી. કદાચ નોટ ત્યાં પડી ગઈ હોય. બધા દોસ્તો હજુ ત્યાં જ રમતા હતા. તે ચારે બાજુ ધૂળ ફેંદવા લાગ્યો. બધા તેને ઘેરી વળ્યા.

‘ક્યા હુઆ ?’

‘પૈસે ગિર ગયે.’ રડમસ અવાજે તે બોલ્યો.

ત્યાં રમતા છોકરાઓમાં એક ‘બાબુ’ પણ હતો. તેને ઘર તરફ જતો જોઈને કોઈએ પૂછ્યું યે ખરું,

‘કહાં જાતા હૈ બાબુ ?’

‘મુજે જોરસે લગી હૈ.’ કહેતાં જ તેણે દોટ મૂકી. ચારે બાજુ શોધવા છતાં નોટ ન મળી તે ન જ મળી. રામુ એકબાજુ બેસી પડ્યો. તેના દોસ્તો થોડીકવાર તેની આજુબાજુ રહ્યા પછી પાછા રમવામાં લાગી પડ્યા.

હવે ઘેર કેમ જવું ? રામુની સામે આ સવાલ પેલા તમાચાની જેમ સમસમતો અને પછી મુન્નીની જેમ સહેમી જતો ઊભો હતો. થોડાંક ડગલાં દૂર જ એનું ઘર હતું ને એમાં….. તે આગળ વિચારી ન શક્યો. થોડે દૂર આવેલ એક મંદિરના ઓટલે જઈને તે બેઠો. ક્યારે અંધારું થઈ ગયું ને રાત થઈ ગઈ તેને ખબર ન રહી. ત્યાં જ મુન્ની તેને શોધતી શોધતી આવી. હવે ઘેર ગયા વગર છૂટકો નહોતો. મુન્નીએ પૂછ્યું :

‘તું કહાં થા ? માં કબસે તુજે ઢૂંઢ રહી હૈ.’

‘સબને ખાના ખા લિયા ક્યા?’ જવાબ આપવાને બદલે રામુએ વળતો સવાલ પૂછ્યો.

‘હાં.’

‘બાપુને ભી ખા લિયા?’

‘હાં લેકિન આજ તુજે નહીં છોડેંગે.’ કહીને મુન્ની ચૂપ થઈ ગઈ.

ઘરમાં પહોંચતાવેંત માએ જોરથી કહ્યું : ‘કહાં મર ગયા થા અબતક ? સામાન કહાં હૈ ?’

માનો ઘાંટો સાંભળીને બાપ પણ બહાર આવ્યો.

‘બદમાશ, પૈસે લેકર છૂ હો ગયા ? લા, મેરી બીડી-માચીસ ઔર બાકી પૈસે…..’

તે ચૂપચાપ ઊભો રહ્યો.

‘જબાન પર તાલા લગા હૈ ક્યા ? કુછ ભોંકેગા યા નહીં ?’

‘પૈસે કહીં ખો ગયે…’ તે ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યો.

‘હાય રામ, કૈસે ખો ગયે ?’ માએ પૂછ્યું.

‘પતા નહીં, જેબ સે ગિર ગયે…..’

‘બતા તેરી જેબ !’ બાપે પૂરી તલાશી લીધી ને પછી જોરથી તેના કાન આમળતાં કહ્યું : ‘સચ સચ બતા, વરના તેરી હડ્ડીપસલી એક કર દૂંગા.’

‘સચ કહતા હૂં બાપુ, મુઝે કુછ માલુમ નહીં. બનિયેકી દુકાન પર પહૂંચા તબ જેબ મેં પૈસે નહીં થે.’

‘જૂઠ બોલતા હૈ, નાલાયક ? મુજે માલુમ હૈ, પૈસે તુને ચુરા લિયે હૈ.’

‘મૈં સચ કહતા હૂં બાપુ’ પણ તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો ગડદાપાટુ અને મારનો વરસાદ શરૂ થઈ ગયો. એનાથી બાપ થાક્યો તો અંદર જઈ લાકડી લઈ તેના બરડા પર ફટકારવાનું શરૂ કર્યું. ફાટેલું ખમીસ સાવ ફાટી ગયું. બરડા પર લોહીની ટશરો ફૂટી. રામુ આજીજી કરતો રહ્યો, છોડાવવા માટે માને કરગરતો રહ્યો પણ મા બધું જોઈ જ રહી. એણેય રામુનો વિશ્વાસ ન કર્યો.

‘અબ કભી તુને પૈસે ચુરાયે ન, તો મૈં તુમ્હેં જાન સે માર દૂંગા.’ બાપ અંતે લાકડીનો ઘા કરી અંદર ગયો.

મુન્ની ડઘાઈને આ બધું જોતી રહી ગઈ. જો કે માર પડવો એ તો સામાન્ય બાબત હતી પણ આ વખતે બાપ હદ વળોટી ગયો હતો. માએ પણ ન બાપને રોક્યો, ન રામુને બચાવ્યો. રામુ પર થતા જુલમની જાણે તેના પર કોઈ જ અસર નહોતી. બાપના ગયા પછી ડૂસકાં ભરતાં ભરતાં તેણે મા સામે જોયું. કદાચ બાપની બીકથી ચૂપ રહેલી મા હવે તેની વાત માને. પણ માએ આંખો ફેરવી લીધી. મુન્નીનો હાથ ખેંચી ઓરડીમાં લઈ ગઈ અને બારણું બંધ કરી દીધું.

ફળિયામાં તૂટેલી ખાટલી પર તે ટૂંટિયું વાળી સૂતો. વાંસામાં ને હાથ-પગમાં અસહ્ય વેદના થતી હતી. આમ ને આમ ઉંહકારા ભરતાં મોડી રાતે તેની આંખ મળી. સવારે જાગ્યો ત્યારે બંને આંખો સૂજી ગઈ હતી. ગાલ પર આંગળાઓના નિશાન ઊઠી આવ્યા હતા. આખા શરીરે પારાવાર વેદના થતી હતી. લથડિયા ખાતાં તેણે મોં ધોયું. ચૂલા પાસે જઈને બેઠો. માએ સામે રોટી ને ચા ધરી દીધાં. પોતે આગલા દિવસનો સાવ ભૂખ્યો હતો. રોટી જોઈ આંખમાં ઝળઝળિયાં આવી ગયા પણ ખાઈ ન શક્યો. ચાના ઘૂંટડા ગળે ઉતારી તે ઊભો થઈ ગયો. મા કશું જ ન બોલી. મા-બાપ બંને કામ પર જતાં રહ્યાં. મુન્નીએ તેને બોલાવ્યો. હવે તેનાથી ભૂખ નહોતી સહેવાતી. બંનેએ સાથે બેસીને ખાધું. પછી આખો દિવસ તે ઊંઘતો રહ્યો.

દિવસો પસાર થતા રહ્યા. તે ચૂપચાપ બધું કરતો રહ્યો. હા, આ દિવસોમાં તે દોસ્તો સાથે ક્યારેય રમવા ન ગયો. ખાવા માટે ઘેર આવતો. ઘરનું કામકાજ કરી દેતો ને બાકીનો સમય મંદિરના ઓટલે બેસી રહેતો. બધો જ સમય તેના મનમાં એક જ સવાલ ઘુમરાયા કરતો. મને શેની સજા મળી ? મેં ચોરી તો નહોતી કરી ? તે જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ ગૂંચવાતો ગયો. ન તેને કોઈ જવાબ મળ્યો ન કોઈ ઉપાય. ઉપર આકાશની સામે તે તાકી રહેતો અને તેને થતું કે તેની સમસ્યા પણ આ આકાશની માફક જ અનંત છે. દિવસો વીતી ગયાં અને આમ એક દિવસ તે નીચું જોઈને પગના અંગૂઠાથી જમીન ખોતરતો હતો. જમીનમાં ખાડો થતો ગયો. ખાડો મોટો ને મોટો થતો ગયો ને અચાનક તેને તેની સમસ્યાનો ઉકેલ જડી ગયો. ખાડા પર તેણે ધૂળ વાળી દીધી. પગથી ખૂબ દાબી પણ દીધી કે જેથી ખાડાનું અસ્તિત્વ જ ન રહે. તેને થયું હું આ ઘા ખોતર્યા જ રાખ્યું છું. હવે મારે તેનું અસ્તિત્વ જ ન જોઈએ.

થોડા દિવસોથી સાવ ધીમી ગતિએ નિરાશાથી ડગલા માંડતો રામુ આજે સ્ફૂર્તિથી પાછો વળ્યો. પીડા મટી નહોતી પણ એક મક્કમ નિર્ણયે તેની દુઃખતી રગોમાં જોશ ભરી દીધું હતું. તે ઝડપથી ઘરે પહોંચ્યો. તેને ખબર હતી, આ સમયે મા-બાપ ઘરમાં હોય નહીં. મુન્ની એટલામાં ક્યાંક રમતી હતી. હળવેકથી ઓરડીનું બારણું ખોલ્યું. ચૂલા પરની અભરાઈ સુધી તેનો હાથ પહોંચ્યો નહીં. ખૂણામાં રાખેલી જૂની પેટી ઉપાડી ચૂલા પાસે મૂકી ઉપર ચડી પતરાના ડબ્બાઓ પાછળ સંતાડેલી એક પોટલી ખેંચી. એકવાર તે માને આ જગ્યાએ પૈસા મૂકતાં જોઈ ગયો હતો. પોટલી ખોલી, પૂરા પાંચસો રૂપિયા તેમાં હતાં. ખિસ્સું ફાટેલું તો નથી ને ? તેણે ખાતરી કરી. ધીમેથી નોટો ખિસ્સામાં સરકાવી દીધી. બહાર નીકળી એકવાર મુન્નીને શોધવા તેની આંખો ફરી વળી પણ મુન્ની દેખાઈ નહીં. હવે મોડું કરવું પાલવે તેમ નહોતું. સ્ટેશન પરની ટ્રેન તેની રાહ જોતી હતી.

-લતા હિરાણી

 

Leave a Reply