Nayna Shah

સુગંધા

“નિર્મિશ ! કેટલી સુંદર જગ્યા છે ! આટલી સાેહામણી જગ્યાએ સાત વર્ષમાં પ્રથમ વખત લાવ્યો. આવા સૌંદર્યમાં થાક, દુઃખ, દર્દ બધું જ મનુષ્ય ભૂલી જાય. કુદરતી સૌંદર્ય આગળ મનુષ્ય સર્જીત સાૈંદર્યનું મૂલ્ય તુચ્છ લાગે .જ્યાં…જ્યાં નજર ઠરે ત્યાં …ત્યાં.”

“સુગંધા ! બસ કર. તારામાં એકાએક કવિ નો આત્મા કયાંથી જાગી ઊઠયો? મારે તાે સીધીસાદી ઘરરખ્ખુ ગૃહિણી સુગંધા જોઈએ. એટલે તો હું તને મસુરી લાવતાે ન હતો.”

“ઓહ ..નિર્મિશ! તું પણ શું મજાક કરે છે? દિલ્હી થી મસુરી ખાસ દૂર નથી. છતાં પણ તું મને એકવાર પણ અહીં ના લાવ્યાે!”

“તું હમણાં તો બોલી કે આવી જગ્યાએ માણસ થાક, દુઃખ , દર્દ બધું ભૂલી જાય . એટલે મેં વિચારેલું કે તું દુઃખ દર્દ , થાક અનુભવે ત્યારે મસુરી આવવાની જક લઈ બેઠી એટલે લઈ આવ્યો.”

“નિર્મિશ! જેનો જીવનસાથી નિર્મિશ હોય એના જીવનમાં દુઃખ, દર્દ કે થાક નો પડછાયો સુધ્ધાંના પડે. મેં જક ના પકડી હોત તો ક્યારેય અહીં આવવાનું ન થાત. તું મને એવું ભરપૂર સુખ આપે છે કે…”

“સુગંધા! હવે રૂમ ઊધાડીશ કે બહાર જ ઊભો રાખીશ?”

“ઓહ ચાવી તાે મારા હાથમાં જ રહી ગઈ! રૂમમાં જવાની ઇચ્છા નથી થતી. આ ગેલેરીમાં જ ઉભા રહીએ અને મસુરી જોયા જ કરીએ અને રજાઓ ઊભાં ઊભાં જ પૂરી કરીએ. બરાબર ?”

“સુગંધાદેવી ! બે દિવસ પછી મારી રજાઓ પૂરી થાય છે અને આવતીકાલે સાંજે આપણે પાછા દિલ્હી જવાનું છે.”

“નિર્મિશ…પ્લીઝ, તારી રજા લંબાવ ને? આટલી સરસ જગ્યાએથી આટલી જલદી પાછા જવાનું..?”

“ફરજ મુખ્ય વાત છે, સુગંધા! મારી પોસ્ટ જવાબદારીવાળી છે અને હું પોતે જ બીનજવાબદાર તરીકે વર્તું તાે મારાે સ્ટાફ…જવાબદારી…જવાબદારી દરેક વખતે આ શબ્દ આગળ આવી જાય છે.”

“બચાવાે…ઓ…માં…મરી …ગઈ…” સુગંધા અને નિર્મિશ બંને આ અવાજ સાંભળી ચમકયાં. બાજુની રૂમમાંથી એક સ્ત્રીનો રડવાનો તથા ચીસો પાડવા નો અવાજ આવી રહ્યો હતો.

“નિર્મિશ ! શું થયું? સુગંધા કોઈ સ્ત્રીને એના પતિ મારપીટ કરી રહ્યો હોય એવું લાગે છે.” ઓ…મા …ફરીથી અવાજ સાંભળતા સુગંધા બોલી ઊઠી, “નિર્મિશ ચાલ આપણે નીચે જતાં રહીએ.” અને લગભગ દોડતી નીચે તરફ જવા લાગી. જોડે નિર્મિશ પણ ગયો.

દાદર ઉતરી શ્વાસ લેતા સુગંધા બોલી, “નિર્મિશ! આવી સુંદર જગ્યા એ પણ લોકો દુઃખ શા માટે શોધી કાઢતા હશે ? શું સ્ત્રીઓને મારનાર પતિથી ક્યારેય ભૂલ નહીં થતી હોય? એ સ્ત્રીએ એવું શું કર્યું હશે કે કે એનો પતિ… ” સુગંધા અટકી ગઈ. એને નિર્મિશ સામે જોયું. નિર્મિશ ગુપચુપ ઊભો રહ્યો હતો . જાણે સુગંધાની કોઈ વાત સાંભળતો જ ના હોય.

સુગંધા નિર્મિશ સામું જાેઈ બાેલી, “નિર્મિશ શું થયું ?”

“કંઈ નહીં સુગંધા! આમજ…”

“નિર્મિશ મને તો એમ હતું કે માત્ર સ્ત્રીઓ જ વધુ પડતી સંવેદનશીલ હોય છે . પરંતુ હવે લાગે છે કે તું તો મારાથી પણ વધુ સંવેદનશીલ છે. આપણા આનંદમાં ખોટી ખલેલ પહોંચી. પણ જવા દે એ વાત. દુનિયામાં આવાં કેટલાય દંપત્તિઓ હશે. આપણે દરેકના દુઃખે દુઃખી થઈ કઈ રીતે જીવી શકીએ? ચાલ, આપણે રૂમમાં જવા કરતા ફરીથી બહાર ફરી આવીએ.” સુગંધા નિર્મિશ સામે જોયું.

નિર્મિશ હજી પણ ચુપ હતો. જાણે સુગંધાની કાેઈ વાત કાને પડી જ ના હોય. “નિર્મિશ … તને શું થઈ ગયું છે? તું કંઇક તો બોલ. ચાલ, આપણે અત્યારે જ દિલ્હી પાછા જતા રહીએ.”

“શું કહ્યું?” નિર્મિશ જાણે વિચારોની દુનિયામાંથી જાગયાે હોય તેમ.

રાત્રે બંને પાછા ફર્યા ત્યારે બાજુના રૂમમાંથી ધ્રુસકા સંભળાયા કરતાં હતાં. સુગંધાને થયું કે અે બાજુની રૂમમાં જાય. ત્યાં સૂતેલી સ્ત્રીને જઈ આશ્વાસન આપે. કોણ જાણે સુગંધાને એ સ્ત્રી પ્રત્યે અંતરથી લાગણી થવા માંડી હતી કારણ કે એ સ્ત્રી નો અવાજ સાંભળીને એક વાત નક્કી થઈ ચૂકી હતી કે સ્ત્રી ગુજરાતી જ છે. અને એક ગુજરાતી ને બીજા ગુજરાતી પ્રત્યે અજાણ્યા પ્રદેશમાં વધુ આકર્ષણ થાય એ સ્વાભાવિક હતું.

સુગંધા ગેલેરીમાં ખુરશી નાખીને બેઠી હતી. નિર્મિશને આટલા વર્ષોમાં તેણે ક્યારેય આ રીતે ઉદાસ થયેલો જોયો ન હતો. નિર્મિશ આજે જમ્યાે પણ ન હતો. તેથી સુગંધા પણ જમી ન હતી. રાત્રે મોડે સુધી નિર્મિશ અને સુગંધા વાતો કરતા, પણ તે દિવસે તો નિર્મિશ બહારથી આવીને સીધો સુઈ ગયો હતો. સુગંધા એ બાબતનો વિચાર કરી રહી હતી “શું નિર્મિશ આટલો બધો લાગણીશીલ છે કે પારકી સ્ત્રી નું દુઃખ જોઈ અસ્વસ્થ બની જાય છે? દુનિયામાં તો આવી કેટલીય દુઃખી વ્યક્તિ હોય છે. દરેકના દુઃખે આ રીતે દુઃખી થઈએ તો આપણી જિંદગીમાં સુખ શાેધ્યું પણ ના જડે. જો નાની નાની બાબતમાં થી દુ:ખ શાેધી લેવાય તો સુખ શા માટે ના શોધી લેવાય? જીંદગી જીવવાની છે તો હસી ખુશી ને શા માટે ના વિતાવવી?”

સુગંધા વિચાર્યા જ કરત પણ ત્યાં બાજુની રૂમ ખુલી એ તરફ સુગંધાનુ ધ્યાન ગયું. કદાચ સુગંધાના મનમાં બાજુની રૂમમાં રહેનાર વ્યક્તિને જોવાની ઈચ્છા સહજપણે જાગી હતી. સુટમા સજ્જ થયેલો યુવાન બહાર આવ્યો. હાથની આંગળીઓ પર સોનાની બે વીંટીઓ હતી. ગળામાં સોનાની ચેઈન હતી. લાગતું હતું કે અત્યંત પૈસાદાર ઘરનાે નબીરો છે. છતાં પત્ની સાથે આવો વ્યવહાર…!!

સુગંધાએ ઘડિયાળમાં જોયું, રાતના સાડા નવ થયા હતા. આવી મનોરમ્ય જગ્યાએ રાત્રે આ યુવાન પત્નીને મૂકીને ક્યાં જતો હશે? રૂમનું બારણું ખુલ્લું હતું. પાછળ તેની પત્ની બારણું બંધ કરવા આવી ત્યારે સુગંધા એ યુવતી સામે જોયું. એક જ દ્રષ્ટિ માંડ મળી હશે અને બારણું તરત બંધ થઈ ગયું. આછા ગુલાબી રંગની નાઈટીમાં યુવતી સુંદર લાગતી હતી. થોડી ક્ષણો સુગંધાને થયું એ અજાણી યુવતી પાસે જાય અને પૂછે શું થયું હતું? કોણ જાણે પતિ-પત્નીને શા માટે ઝઘડા થતા હશે ? પોતાના સાત વર્ષના દાંપત્ય જીવનમાં તાે ક્યારેય ઝઘડો થયો ન હતો . આ યુવતી અેના માબાપને છોડી અહીં આવી હશે અને અહીં પ્રેમ મળવાને બદલે પતિનો માર!

સુગંધા રાતના અગિયાર વાગ્યા સુધી ગેલેરી માં બેસી રહી. ત્યાં સુધી બાજુવાળો યુવાન પાછો આવ્યો ન હતો . બીજા દિવસે સવારે પણ નિર્મિશ ઉદાસ જ હતો. સુગંધા નિર્મિશ પાસે જતા બોલી “આજે તો આપણે દિલ્હી જવાનું છે. પાછા જતાં પહેલાં બધાં માટે થોડી ખરીદી કરી લઈએ. હજી તો આપણે કોઈના માટે કંઈજ ખરીધું નથી.”

“સુગંધા! મારી તબિયત ઠીક નથી. તું એકલી જ જઈને ખરીદી કરી આવ. તેં અહીંનું બજાર જાેયેલું છે અને કાેના માટે કેવા પ્રકારની ખરીદી કરવી એનું વ્યવહારુ જ્ઞાન મને નથી. તું ખરીદી કરી આવ પછી આપણે દિલ્હી જતાં રહીયે.”

સુગંધાએ મનાેમન નીસાસાે નાંખ્યો. એ મસુરી આવી ના હોત તો સારું થાત. પતિનું હાસ્ય છીનવાઈ ગયું હતું. અરે ક્યાંય પણ જવાનું હોય તો નિર્મિશ હાસ્ય સહિત કહેતો “સેવક સેવામાં હાજર છે.” અને આજે. .. પરંતુ જતાં પહેલાં ખરીદી કરવી જરૂરી હતી.

સુગંધા ખરીદી કરીને પાછી ફરી ત્યારે દાદરની સામે જ આવેલી બાજુની રૂમ ઉઘાડી હતી. અને આશ્ચર્યજનક બાબત તો એ હતી કે એ યુવતી ની બાજુમાં નિર્મિશ બેઠો હતો. પ્રથમ તો સુગંધાને આંખો પર વિશ્વાસ જ ના બેઠો. નિર્મિશ એક અજાણી યુવતી સાથે! બંનેની પીઠ બારણા બાજુ હતી. સુગંધાની રુમ પણ ખુલ્લી હતી.

સુગંધાને થયું કે એ નિર્મિશને બૂમ પાડે પણ ત્યાં જ નિર્મિશનો અવાજ સંભળાયો “નિકેતા, જિંદગીમાં મારે ખાતર તું દૂખ ભોગવતી આવી છું. ગઈ કાલે તારો રડવાનો અવાજ હું ઓળખી ગયો હતો. મેં રાત કઈ રીતે વિતાવી એ તને નહીં સમજાય. નિકેતા, તારું રુદન મારાથી સંભળાતું નથી. લગ્ન પહેલા પણ… અને અત્યારે પણ …”

“નિર્મિશ મને તો દુઃખ સહન કરવાની આદત પડી ગઈ છે. પણ હું તારા આંસુ નહીં જોઈ શકું. બસ મારે તને હસતાે જોવો છે -ખુબ હસતાે…” સુગંધા બારણાં પાસે મુર્તિમંત બનીને ઉભી રહી. પુરુષનું આવું સ્વરૂપ! સાત સાત વર્ષ સુધી મારી સાથે રહ્યો છતાં પણ મન પારકી યુવતીમાં…! તાે અત્યાર સુધી હું જેને સુખ માનથી આવી એ મારો ભ્રમ હતો!? ખરા દિલથી જે પુરુષ પોતાની પત્ની ને પ્રેમ ના કરી શકે એની સાથે જિંદગી વિતાવવા નો શું અર્થ? નિર્મિશ કરતાં તો નિકિતા નો પતિ સારો…દિલની કડવાશ બહાર કાઢે છે.

સુગંધા ને લાગ્યું કે તે હવે અહીં ઉભી રહી શકશે નહીં. સુગંધા પાછળ ફરતી હતી ત્યાં જ રાતવાળા યુવાનને દાદર ચડતો જોતાં જ સુગંધા એ એક પળમાં નિર્ણય લઈ લીધો. સીધી નીકેતાના રુમમાં દાખલ થઈ બોલી, ” નિકેતા …”નિર્મિશ તથા નિકેતા બંનેની નજર સુગંધા પર પડી. અજાણી યુવતી પોતાના નામથી સંબોધે તે તેથી આશ્ચર્યચકિત નેત્રે નિકિતા સુગંધા તરફ જોઈ રહી. ત્યાં સુધીમાં તાે નિકેતા નો પતિ રૂમમાં દાખલ થયો.

નિર્મિશ અને નિકેતા બંને ગભરાટ અનુભવી રહ્યાં હતાં. ત્યાં જ સુગંધા બોલી, “નિકેતા! તું પણ મસુરી માં છું એ મને ખબર જ નહીં. બાજુબાજુની રૂમમાં રહેવા છતાં પણ આપણે એકબીજાને જોયા જ નહીં! આ મારા પતિ…” અને નિર્મિત તરફ આંગળી કરી. નિકેતાનાે ગભરાટ હાસ્યમાં બદલાઈ ગયો. નિર્મિશના માેં પર પણ હાસ્ય આવી ગયું. બે હાથ નિકેતા તરફ જાેડયા. નિકેતા એ પણ એના એન્જિનિયર પતિની ઓળખાણ કરાવી.

સુગંધાને થયું હવે બધુ વાતચીત કરવાનો અર્થ નથી તેથી તે બોલી “આવજે નિકેતા ! અમારે અત્યારે દિલ્હી જવું છે. મારું સરનામું….” અને સુગંધાએ પર્સમાંથી કાર્ડ કાઢયું. નિર્મિશના નામનું હતું. ઉપર સુગંધા એ પોતાનું નામ લખ્યું જેથી નિકેતા સુગંધાનુ નામ જાણી શકે.

સુગંધા અને નિર્મિશ જ્યારે પોતાની રૂમમાં આવ્યાં ત્યારે નિર્મિશ કે સુગંધા બન્નેમાંથી કોઈ કશું જ ન બોલી શક્યું. સુગંધાના માેં પરનું હાસ્ય વિલાઇ ગયું હતું. નિર્મિશ પણ ઉદાસ હતો. બે કલાક સુધી બંને ચૂપ રહ્યા. કદાચ સાત વર્ષના દાંપત્ય જીવનમાં પ્રથમ વખત આટલું લાંબુ મૌન બંને વચ્ચે રહ્યું હશે. આખરે મૌન તોડતા નિર્મિશ જ બોલ્યો “સુગંધા! તું મને માફ કરીશ?”

છતાં પણ સુગંધા ચુપ રહી. નિર્મિશ બોલ્યો “સુગંધા ! તેં સમયસૂચકતા ના વાપરી હોત તો નિકેતાની જિંદગી બરબાદ થઈ જાત …”છતાં પણ સુગંધા મૌન રહી ત્યારે નિર્મિશ અકળાઈ ઊઠયાે, ખુરશી લઈ ગેલેરીમાં બેસી ગયો. નિર્મિશની આંખમાં આંસુ આવી ગયા હતા.

સુગંધા નિર્મિશ પાસે આવી બાેલી “તેં મને રાત્રે જ કહ્યું હોત તો …” આખરે સુગંધા બોલી એ જ નિર્મિશને મન બસ હતું. ” નિર્મિશ! તમારી વાતો સાંભળી મને સખત આઘાત લાગેલો, પરંતુ થયું કે તું મને જ્યારે આટલો ભરપૂર પ્રેમ આપે છે તો તારા ભૂતકાળને કારણે તારી સાથે ઝઘડો કરી તને દુઃખી કરવા નો શો અર્થ? અને વાત રહી સમય સૂચકતાની…એ તો સ્ત્રી નો સહજ ગુણ છે. એક સ્ત્રીને આપત્તિમાંથી બચાવી એ શું ખોટું છે? અને એવી સ્ત્રી કે જેને મારાે પતિ ચાહતો હોય…” સુગંધા અટકીને આગળ બોલી, ” નિર્મિશ! આપણી પ્રિય વ્યક્તિને જે પ્રિય હોય એ આપણને પણ પ્રિય હોવું જ જોઈએ ને?”

“તો શું સુગંધા તે મને માફ કરી દીધો?

“ના…માફી મારે માગવાની છે કે તારા જેવા પતિ માટે ખરાબ વિચારી લીધું. નિર્મિશ ! આપણે તો ભવોભવ સાથે રહેવાનું છે, ખુશ રહેવાનું છે અને વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળમાં નહીં.

“સુગંધા એક વાત કહું ? લાગે છે કે મારા મા-બાપે તારી પસંદગી યોગ્ય જ કરી છે. તને ભવોભવની સાથી બનાવતા ખરેખર હું મારી જાતને ધન્ય ગણીશ.”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Leave a Reply