Mythology

પુરુષોત્તમ માસની કથા – માલણ અને કુંભારણ ની વાર્તા

એક ગામમાં બે બહેનપણીઓ રહે. એક માલણ અને બીજી કુંભારણ. માલણ ખૂબ ભલી અને દયાળુ હતી. નિત્ય વ્રત જપ કરે, ઉપવાસ-એકટાણા વગેરે કરે, યથાશક્તિ દાન-દક્ષિણા વગેરે પણ કરે. ત્યાં બીજી બાજુ કુંભારણ ટૂંકા જીવની. દાન દક્ષિણા આપવા નું આવે ત્યારે એને આંખે અંધારા આવી જાય.(લાગુ પડે તેને જય શ્રી કૃષ્ણ)

એવામાં એક વખત પુરૂષોત્તમ માસ આવ્યો. માલણ તો હરખાતી કુંભારણને કહેવા લાગી કે ચાલ આપણે પણ વ્રત કરીએ. ત્યારે કુંભારણ બોલી; ના હોં, મારાથી તો વ્રત થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં. મારે તો કંઈ વ્રત કરવું નથી. તું તારે કર અને સ્વર્ગ ભોગવ. માલણે તેને બહુ સમજાવી ત્યારે ઘણું સમજાવ્યા પછી કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ. પછી વાત આવી દાન-દક્ષિણા ની. ત્યારે કુંભારણ બોલી કે પાઈ પાઈ કરીને પૈસા ભેગો કર્યો છે એ એમ તો કેવી રીતે આપી દેવાય? ઘડપણમાં ખાવું શું? આ તો આપણી ભવિષ્યની મૂડી છે. પણ હા, મારી પાસે કાચા માટલા છે. તું કહેતી હોય તો એ હું દક્ષિણામાં આપું.

માલણે કહ્યું કે, એ તો ગોળ કરતાંય ગળ્યું. માટલાનું દાન તો અતિ ઉત્તમ. બન્નેએ વ્રત શરૂ કર્યા. રોજ નદીએ સ્નાન કરવા જાય, બ્રાહ્મણ વાર્તા કરે એ સાંભળે. માલણ પોથી પર પૈસા મૂકે ત્યારે કુંભારણ પોથી પર માટલું પછાડે. આખી જિંદગી કોઈને કશું આપ્યું નહોતું એટલે માટલું આપતા પણ શેનો જીવ ચાલે?

માટલું પછાડતાં જ ફૂટી જાય. આમ કરતાં અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો. માલણ તો વહેલી ઉઠી બગીચામાંથી બધા જ ફુલ વીણી લીધા અને બજાર જઈને વેચ્યા તો એક સોનામહોર મળી. એ બ્રાહ્મણને દાનમાં આપી. પછી હરખાતી હરખાતી સખી પાસે જઈને પૂછવા લાગી કે તું આજે છેલ્લા દિવસે શું દાન આપીશ? ત્યારે કુંભારણ હસતાં હસતાં બોલી કે, કોઈએ ન આપ્યું હોય એવું દાન આપીશ.

એવામાં એક બ્રાહ્મણ આવ્યો બિચારાને મોટી as કે આજે અધિક માસનો છેલ્લો દિવસ છે સારામાં સારી દક્ષિણા મળશે. બ્રાહ્મણ ને આંગણે આવેલો જોઈ કુંભારણ ઘર પછવાડે થી ગધેડો લઈ આવી અને કહ્યું કે, લો ગોરબાપા! આ ગધેડો દીધો તમને દાનમાં.

બ્રાહ્મણ તો અવાક થઈ ગયું ગધેડાના તે દાન હોય માલણ પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય આવા દાનથી પ્રભુ રીઝે નહીં રૂઠે. પણ કુંભારણ તો એકની બે ના થઈ. એણે તો જોરથી બૂમ પાડીને કહ્યું કે, જો ગોરભા ગધેડો ન સ્વીકારે તો ટાંટીયા ભાંગી નાખું.

બ્રાહ્મણ તો ડરી ગયો ને દાનમાં મળેલ ગધેડો લઈને ચાલતો થયો. થોડે રસ્તે જતાં ગધેડો ચક્કર ખાઈને પડ્યો. તત્કાળ એના પ્રાણ છૂટી ગયા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વાતો કરી રહ્યા છે ત્યાં ગધેડો દેખાયો. ગધેડાને જોઈને લક્ષ્મીજી બોલ્યા કે, પ્રભુ ગધેડો અહીં ક્યાંથી? ત્યારે ભગવાન હસતાં હસતાં બોલ્યા કે, દાનમાં આવ્યો છે. મળેલું દાન તો હંમેશા આંખ માથા પર ચઢાવવું જ પડે.(બ્રાહ્મણ ને આપેલું દાન એ દેવોને આપ્યા બરાબર છે) “જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે..”

આ બાજુ વ્રત પૂર્ણ કર્યા પછી માલણે પુરૂષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે, હે પુરૂષોત્તમ પ્રભુ! મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે એવું ફળ મને મળજો. ત્યાં તો ચમત્કાર થયો તેના ઘરમાં સોનામહોરો નો વરસાદ થયો. માલણ ની આંખમાં હરખના આંસુ આવી ગયા. એણે પ્રભુનો પાડ માન્યો.

આ બાજુ કુંભારણે પણ એવી જ પ્રાર્થના કરી, પણ આ શું? પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડા ના લીંડા વરસવા લાગ્યા. જોતજોતામાં તો ઓસરી અને ફળિયુ ભરાઈ ગયા. કુંભારણ તો બેબાકળી થઈ ગઈ અને દોડતી દોડતી પોતાની સખી પાસે ગઈ. જઈને કહ્યું કે ગજબ થઇ ગયો ફળ મળવાની વાત તો દૂર રહી, આ તો ગધેડા ના લીંડા વરસે છે. માલણ કુંભારણ ના ઘેર આવી એણે બે હાથ જોડીને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા. કુંભારણને હવે સત્ય સમજાયું અને ત્યારથી એણે આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

“યાદ રાખજો પ્રભુ કોઈનું દેવું રાખતા નથી. જે જેવું આપે છે એ વ્યાજ સહિત તેને પાછું મળે છે.”

વ્રતના પ્રભાવથી માલણે આખી જિંદગી સુખ ભોગવ્યું અને સદેહે વૈકુંઠ પામી.

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા માલણને ફળ્યા એવા સૌને ફળજો.

બોલો પુરૂષોત્તમ ભગવાનની જય….

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply