Ujas Vasavda

હુતો હુતી-ફ્રેન્ડશીપ ડે

“હુતો હુતી”–ફ્રેન્ડશીપ ડે

(ફરી પાછી હાસ્યરસ સાથે હુતો હુતી નું નવું પ્રકરણ લઈ આવ્યો છું. અભિપ્રાય આવકાર્ય..🙏)
તો ચાલો આપણે સાંભળીશું ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આજનું અંતિમ ગીત..
“યારાના યાર કા…. ના કભી.. છૂટેગા…
તેરા નામ..લે લે કર…મેરા દમ..તૂટેગા..”

મેડીએ હીંચકા પર ઝૂલતાં અને રેડિયો પર ગીતો સાંભળતા કાંતિકાકાનું મન આજે ‘ફ્રેન્ડશીપ ડે’ માં અટવાયું અને મનોમન બબડવા લાગ્યા, “હાલી નીકળ્યા છે આ ફ્રેન્ડશીપ ડે વાળા! પશ્ચિમી સંસ્ક્રુતિનું આંધળું અનુકરણ! આપણે તો કીટલી એ ભેગા થઈ અડધી ચાની ચુસ્કી લગાવીએ અને પછી એય…ને અલક મલકની વાતો કરીએ, બે ઘડી આ દુનિયાથી વિમુખ બનીને મિત્રો સાથે અવનવા ગપ્પાઓ મારીએ એટલે આપણો ફ્રેન્ડશીપ ડે ઉજવાય જાય વળી આપણા શરીરમાં નવો પ્રાણ ફૂંકાય એ વ્યાજમાં.”

થોડીવાર મનોમન મલકાયા અને હિંચકા પર બેઠાં થઈ, “મારે શિવલા, જીવલા, ધનજી, રવજીને ફોન કરી આજનો આ મિત્રતા દિવસ ઉજવવો જોઈએ!”

કાંતિકાકા એમના જેવા જ નવરા મિત્રોને યાદ કરી જલસો કરવાની ફિરાકમાં હતાં, ત્યાં જ નીચેથી સરલાબાનો અવાજ કાને અથડાયો,
“સાંભળો છો? બજારનું કામ છે. જરાક નીચે આવો તો!”

કાંતિકાકા સરલાબાની હાકલ સાંભળી અકળાયાને બબડતાં, “ખબર નહીં અમારા મેળપાક કયા ગોરે કરેલા છે! આમતો 36 માંથી પુરા 36 ગુણ મળ્યા હતા! નક્કી મારા સસરાએ ખોટા જન્માક્ષર આપીને મેળપાક કરાવ્યો હશે.”

હજુ કાંતિકાકા દાદર ઉતરતાં હતાં ત્યાં જ ફરી સરલાબાએ ખીજકાયને કહ્યું, “રજાના દિવસોમાં ઉપર બેઠાં આ જુનવાણી રેડિયો શું સાંભળ્યા કરો છો! ઘરના કામકાજમાં થોડુંક ધ્યાન દયો.”

કાંતિકાકાએ પણ અકળાયને કહ્યું, “આખું અઠવાડિયું પેઢીએ કામ જ કરતો હોઉં છું, તે એક દિવસ તો આરામનો જોઈએ ને!”

સરલાબા કાંતિકાકાના હાથમાં 100 રૂપિયાની નોટ આપીને બોલ્યાં, “હવે રહેવા દયો, હું એક દિવસ આરામમાં કાઢીશ તો ખાવાનો ખર્ચો માથે પડશે. ગલીને નાકે આવેલી દુકાનેથી પાંચ ફ્રેન્ડશીપ બેન્ડ લઈ આવો.”

કાકા ટાલ ખંજવાળતા, “ફ્રેન્ડશીપ બેન્ડ??”

સરલાબા રસોડા તરફ જતાં, “કેમ..ફ્રેન્ડશીપ બેન્ડ એટલે નથી ખબર!”

“તું.. ગામડિયણ છે. મને તો બધી ખબર છે. પણ તારે ફ્રેન્ડશીપ બેન્ડનું શું કામ પડ્યું?”

રોટલી વણતાં વેલણ હાથમાં લઈ સરલાબા બહાર આવ્યાં, “એ..ભલે હું ગામડિયણ રહી, હવે તમારે જવું છે કે!” સરલાબાના હાથમાં વેલણ અને ચહેરા પરની તંગ રેખાઓથી ગભરાઈ માથે કાળી ટોપી ચડાવી ઘરનાં દરવાજા તરફ કાંતિકાકાએ ડગલા ભર્યા. પગમાં ચપલ પહેરતા બબડયા, “આને રોજ નવા ગતકડાં સૂજે છે. આ ફ્રેન્ડશીપ બેન્ડ વળી કેવો હશે ને એનું શું કામ હશે!”

કાંતિકાકા તેની લાક્ષણિક અદામાં માથે કાળી ટોપી, સદરો-લેંઘો અને પગમાં કોલ્હાપુરી ચપલ પહેરી શેરીનાં નાકે આવેલી કટલેરીની દુકાને પહોંચ્યા. ત્યાં દુકાનમાં પહોંચી કાકાએ દુકાનદારને કહ્યું, ” પાંચ ફ્રેન્ડશીપ બેન્ડ આપો.” દુકાનદારે કાકાના ચહેરાનું નિરીક્ષણ કર્યું અને મુખ પર આવતું હાસ્ય દબાવી બહાર ટેબલ પર રાખડીઓ અને ફ્રેન્ડશીપ બેન્ડ રાખી વહેંચવા ઉભેલા છોકરાં તરફ જવાનો ઈશારો કર્યો.

કાકા દુકાનની બહાર એ છોકરા પાસે આવી ટેબલ ઉપર નજર ફેરવતાં ફરી કહ્યું, “પાંચ ફ્રેન્ડશીપ બેન્ડ આપો.”

પેલા છોકરાએ કુતૂહલવશ જોયા કર્યું. અત્યારસુધીમાં આધેડ વયની કોઈપણ વ્યક્તિ ફ્રેન્ડશીપ બેન્ડ લેવા આવી ન હતી. થોડીવારે એ છોકરાએ યંત્રવત પૂછ્યું, “કેટલાં વાળા આપું? પાંચ, દસ, પંદર,વીસ, પચ્ચીસ, પચાસ, સો?”

કાકાએ સો રૂપિયાની નોટ પોતાના ગજવામાંથી કાઢી છોકરાનાં હાથમાં મૂકી દીધી. એ છોકરો પણ સમજી ગયો કે વીસ વાળી જોઈએ છે. અલગ અલગ રંગની એક જ ડિઝાઈનની રબરની બકકલ વાળી ફ્રેન્ડશીપ બેન્ડ એક ઝભલાથેલીમાં કાકાને સુપ્રત કરી.

કાંતિકાકા પણ આ ફ્રેન્ડશીપ બેન્ડ જોઈ મનોમન વિચારે ચડ્યા અને ઘર તરફ ધીમે પગલે ચાલતાં, “આ વળી ફ્રેન્ડશીપ બેન્ડનું શું કામ પડ્યું હશે? મને ખબર છે ત્યાં સુધી સરલાને કોઈ મિત્ર જ નથી! હવે પાંચ-પાંચ બેન્ડ મંગાવ્યા એટલે જાણવું તો પડશે.”

ઘર તરફ જતાં રસ્તામાં શેરીના એક વળાંક પાસે યુવાન છોકરો અને છોકરી આવા જ ફ્રેન્ડશીપ બેન્ડ એકબીજાને બાંધતાં હતાં. કાકા એ દ્રશ્ય જોઈ ચમકયા અને મનોમન બબડયા, “ઠીક આ છોકરા-છોકરી એકબીજાને બાંધે. હવે સમજાયું આ ફ્રેન્ડશીપ બેન્ડનું તરકટ. પણ સરલા! અરે! ક્યાંક પેલો સામે વાળો શિવલો તો! ના..ના.. આ ઉંમરે કંઈ સરલા ન બગડે. કદાચ શિવલો હોય તો પણ બીજા ચાર?” કાકાના પગમાં અચાનક જોર વધ્યુ અને ઝડપથી ઘરે પહોંચ્યા.

નાનાબાળકની માફક જ પગમાં પહેરેલા ચપલને ઉલાળી ઘરમાં પ્રવેશ્યા અને રસોડા તરફ આગળ વધતા, “આ ફ્રેન્ડશીપ બેન્ડ તારે કોને બાંધવા છે?”

સરલાબા કાંતિકાકાની અકળામણ સમજી ગયાં હતાં. તેમણે પણ કાકાને ચીડવતાં, “કેમ મારે કોઈ મિત્ર ન હોય?”

“પણ, આ તો..” કાકા આગળના શબ્દો મોંમાં જ રહી ગયા અને ચહેરા પર બાર વાગી ગયા. પોતાની જાતે મનોમન વસવસો કરતા તેમજ અકળાતા વિચારો કરવા લાગ્યા. ત્યાં સરલાબા રસોડાની બહાર આવી કાકાના હાથમાંથી ઝભલાથેલી લઈ, “આ તો શું? બોલો! છોકરા-છોકરી એકબીજાને બાંધે એમ જ ને! તો મારે શું કોઈ પુરૂષ મિત્ર ન હોય?”

સરલાબાના કાઉન્ટર જવાબના લીધે કાંતિકાકાના પગ તળે જમીન સરકી ગઈ અને બેકગ્રાઉન્ડમાં ગીત સંભળાયું,
“દોસ્ત દોસ્ત ના રહા…પ્યાર પ્યાર ના રહા,
જીંદગી હમેં તેરા એતબાર ના રહા…”

વર્ડકપની ફાઈનલમાં અંતિમ બોલ પર એક રન માટે હારી જનાર ટીમના કેપ્ટનના ચહેરા જેવો જ કાંતિકાકાનો ચહેરો બની ગયો. હજુપણ મનમાં એક મુંજવણ હલ થઈ ન હતી. એક ફ્રેન્ડશીપ બેન્ડ જો શિવલાને બાંધે તો બાકીની ચાર? ઘેઘૂર ઘેરાયેલા વાદળો વચ્ચેથી આંખોને આંજી દે તેવી સૂર્યદેવતાની ચમક જેવી ચમક કાંતિકાકાના ચહેરા પર આવી. તેઓ દીવાનખંડના સોફા પરથી ઊભા થઈ રૂમમાં પ્રવેશ્યા અને સુડતાલીસ વર્ષ પહેલાંનો એન.સી.સીનો કમરબંધ હાથમાં લઈ પોતાની નેણ ઊંચી કરી મનોમન બબડયાં, “સરલા અબ આયેગા મઝા..ગબ્બરસિંહ કિ તરહ તુમ્હારે મિત્રો કો ચુન ચુન કે મારૂંગા…” કમરબંધને પોતાની પુરી તાકાત સાથે ઉલાળી પટકે છે.

“ઓહ..ઓય રે…!” કાંતિકાકાની બૂમ નીકળી ગઈ. સરલાબા દોડતાં આવ્યાં જોયું તો પલંગ પર બેસી પોતાના પગને પંપાળતા જોયાં. બાજુમાં કમરબંધ જોઈ સરલાબા સમજી ગયા કે કાકામાં કોઈ કેરેક્ટર ઉતરી આવ્યું લાગે છે.

“શું થયું! પટ્ટો વાગ્યો?” સરલાબાએ છણકો કર્યો.

કાંતિકાકા મોં બગડતાં બોલ્યા, “તારે શું પંચાત!અને હા આને પટ્ટો નહીં કહેવાનું કમરબંધ કહેવાનું.”

“હા.. હા.. ખબર છે. બહુ ઠાવકા ન થાવ. વાગ્યું હોય તો કહો ગરમ હળદર લઈ આવું. આ બધી મારા મિત્રોને લઈને બળતરા છે એ હું બરોબર જાણું છું.”સરલાબા ગિરની સિંહણ માફક તાડુકી રૂમની બહાર જતાં રહ્યાં.

થોડીવારે કાંતિકાકા લંગડાતા પગે બહાર આવ્યા એન.સી.સી.ના પટ્ટાનું બકકલ પગની ઘૂંટીમાં વાગ્યું હતું. તેઓ દીવાનખંડમાં જ ગોઠવાયા. કિટલીએ ભેગા થવાનું ભૂલી મનોમન નક્કી કરી લીધું કે આખો દિવસ દીવાનખંડમાં જ બેસવું અને સરલાબાના પાંચ મિત્રો કોણ છે તે નક્કી કરી પછી તેને મેથીપાક આપીને જ જંપવું.

બપોરે જમવાનો સમય થયો. જમવાનું પતાવ્યા બાદ વાસણ ઘસવા રમા પણ આવી સાથે તેના ચાર ટાબરીયાઓને પણ લાવી. રમા કામવાળીના ચાર નાના બાળકોને એ સાથે જ લઈ ફરતી. તેનો ધણી દાડીએ જાય ઘરે કોઈ ધ્યાન રાખવા વાળું ન હતું. સૌથી નાનો 3 વર્ષના દિકરો અને તેનાથી મોટી ત્રણ દિકરીઓ તેમાં સૌથી મોટી નવ વર્ષની દીકરી હતી.

વાસણ ઘસવાનું કામ પતાવી તે લોકો પણ જતાં રહ્યાં સાંજ પડી સંધ્યાકાળ થઈ. પછી કાકા સરખાઈના અકળાયા સોફા પર બેસીને જકડાઈ ગયા અંતે આખા દિવસનો ગુસ્સો ઠાલવતા, “હવે…તારી ફ્રેન્ડશીપ બેન્ડ વિશે કંઈ કહેવું છે! સવારના પહોંરમાં મને ફ્રેન્ડશીપ બેન્ડ લેવા મોકલ્યો પણ આખો દિવસ વીતી ગયા છતાં તે કોઈને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધ્યો નહીં. તારા મગજમાં શું ચાલે છે?”

સરલાબા ગૃહમંદિરમાંથી પાણીનો કળશ હાથમાં લઈ દર્ભ વડે ઘરમાં વેદોક્ત શ્લોક બોલતાં પાણીનો છંટકાવ કરવા લાગ્યાં. ગુસ્સામાં લાલ એવાં કાંતિકાકા પર પણ પાણી છાંટયું. રોજિંદી સંધ્યા પૂજા પૂર્ણ કરી. રૂમમાં ગયા અને ફ્રેન્ડશીપ બેન્ડ લાવી કાંતિકાકાના હાથમાં બાંધ્યો. કાંતિકાકાની અંતરની ઉર્મિઓ મહાસાગરના મોજા માફક ઉછળવા લાગી. એક યુવાન સ્ત્રી જેમ પહેલીવાર પુરૂષને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધતી હોય તેવો આહલાદક અનુભવ કાંતિકાકાને થવા લાગ્યો. બેકગ્રાઉન્ડમાં પ્રેમગીત વાગવા લાગ્યું.

“સાવન કા મહિના પવન કરે સોર…
જીયારા રે એસે જૂમે જેસે મનમાં નાચે મોર…”

થોડીવારે ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો આવ્યો હોય એમ હાથ ખેંચી, “આ મને કા બાંધ? આ તો તારા મિત્રો માટે હતાંને! અને બીજા ચાર ક્યાં? મને પહેલો બેલ્ટ બાંધીને ફોસલાવી બીજા ચાર કોને બાંધીશ?”

સરલાબા કાંતિકાકાની વર્તણુકથી ગુસ્સે થઈ, “આ પહેલો નહીં છેલ્લો છે. મને બધી ખબર છે. તમે સવારના આ સોફા પર ચોકીફેરો કરવા ખોડાયા છો. તોયે ખબર ન પડીને! મારા ચારેય મિત્રોને મેં ક્યારનાં બાંધી દીધાં અને આ હાથમાં એમણે પણ મને બાંધી દીધાં. આ છેલ્લો વધ્યો તો તે થયું લાવ આ વર મારો પહેલો મિત્ર જ કહેવાય. તે તમને બાંધ્યો.”

સરલાબાનું કથન અને હાથ પરના ફ્રેન્ડશીપ બેન્ડ સામું જોઈ કાંતિકાકા પોતાની લાક્ષણિક અદામાં ટાલ ખંજવાળવા લાગ્યા. સરલાબા તેની આદત મુજબ દિવાસળી ફેંકી જતાં રહ્યાં અને કાંતિકાકાના મગજમાં વિચારોની આગ સળગી ઊઠી. આખી રાત બીજા ચાર ફ્રેન્ડશીપ બેન્ડના જ વિચારમાં કાઢી અને સરલાબા મસ્ત નસકોરાં બોલાવતાં સૂઈ ગયાં.

આખી રાતના ઉજાગરા બાદ સવારે વરંડામાં ઉભા રહી સુસ્ત ચહેરે દાંતણ કરી રહ્યાં હતાં ત્યારે ઘર પાસેથી કામે જવા નીકળેલી રમા અને તેના ટાબરીયા ઘર પાસે ઉભા રહ્યાં અને દરવાજે ઉભેલાં સરલાબા રમાના ટાબરીયા સાથે હથેળી ભટકાવી વાતો કરવા લાગ્યાં. કાંતિકાકાના શંકાશીલ મને ફરી કાનને સરવા કર્યા ત્યારે સરલાબા ‘દોસ્ત’ સંબોધન કરી એ ટાબરીયાઓને ફ્રેન્ડશીપ બેન્ડ ગમી કે નહીં એ પૂછપરછ કરતાં શબ્દો કાને અથડયાં.

કાંતિકાકા દાંતણ પડતું મુકી, નીચે સરલાબા પાસે આવી કમરે હાથ રાખી, વિજયી સ્મિત મુખ પર ધરી, મોટો ગંભીર કેસ સોલ્વ કર્યો હોય તેવા ભાવ સાથે બોલ્યાં, ” સરલા… મેં તારા બીજા ચારેય મિત્રો શોધી લીધાં.”

સરલાબા કપાળે હથેળી રાખી, “ધત.. તેરીકી.. તે તમે હજું સમજ્યા ન’તા હવે છેક મારા ડિટેકટિવ પતિદેવે કેસ સોલ્વ કર્યો! જાવ હવે ઠંડા પાણી નાહી લો એટલે મગજ પણ ઠંડુ થાય પછી પેઢીએ પણ જવું છે ને!” હળવા હાસ્ય સાથે સરલાબા દૈનિક કાર્ય કરવા રસોડામાં જતાં રહ્યાં અને કાંતિકાકા થોડાં કુતૂહલવશ બની સરલાબા તરફ જોતાં રહ્યાં.

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Leave a Reply