SELF / स्वयं

પુરુષોત્તમ માસની કથા – હેમચંદ શેઠ ની વાર્તા

હેમવતી નામની નગરીમાં હેમચંદ નામનો એક શેઠ રહેતો હતો તેની પત્ની નું નામ મેનાવતી. સાત માળની હવેલીમાં રહે. સુખ-સમૃદ્ધિ અઢળક હતી. પાણી માગો તો દૂધ મળે પણ શેઠ શેઠાણી ના હાથ મારે સાંકડા. કોઈને કંઈ આપવાની વાત આવે તો ટાઢ ચડી જાય. દાન ધર્મ ની વાત સાંભળતા તાવ આવે. તેમના ઘેર એક પછી એક સાત દીકરી જન્મી તોય શેઠની આંખ ઉઘડતી નથી જે દાન નથી કરતા અને સમૃદ્ધિ પણ સંતાપ જ આપે છે. એટલે જ તો કહ્યું છે કે….

“તુલસી પંછી પીનેસે, ઘટે ન સરિતા નીર.

ધરમ કિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર.”

તેમની પાડોશમાં જ એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહેતા હતા. તેમને સાત દીકરાઓ હતા. તેઓ ખુબ ગરીબ હતા. બ્રાહ્મણ વિચારો કથાવાર્તા કાંઈ જાણે નહીં એટલે ગામમાં લોટ માગે.. જે લોટ મળે એનાથી બ્રાહ્મણી રોટલા કરે અને સાત છોકરા તથા બે માણસ પોતે એમ નવ જણ જમે. શાક દાળ તો કદી જોવાય ન મળે.પણ બંને ધાર્મિક ખૂબ.

સમય જતાં એક વાર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ વ્રત લીધું. બંને નદીએ નાહવા ગયા ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. બ્રાહ્મણ પાસેથી એ વ્રત જાણીને શેઠને થયું કે લાવને હું પણ વ્રત કરું. કદાચ ભગવાન આ વખતે દીકરો આપે. વળી આ વ્રત તો બહુ સારું છે. એક ટંક ખાવાનું બચશે…

પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ -બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે ને પુરૂષોત્તમ પ્રભુ પાસે દીકરા માટે આજીજી કરે, પણ જ્યાં દાન-દક્ષિણા ની વાત આવે ત્યાં આડું જોઈ જાય. એમ કરતાં પદ્મિની(કમલા) એકાદશી આવી.

પોતાના શયનખંડમાં પલંગ પર સૂતેલા શેઠને સપનામાં પુરૂષોત્તમ ભગવાને દર્શન આપીને કહ્યું, હે વણિક! તેં જીવનમાં ક્યારેય દયા દાન કે ધર્મ ધ્યાન કર્યા નથી. પણ તે મારું વ્રત કર્યું છે. તારા પડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણ -બ્રાહ્મણી રહે છે. તે બંને મારા પરમ ભક્ત છે. તું એમની દરિદ્રતા દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાના ભારોભાર સોનામહોર બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયું આપું છું.

એટલું કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થતાં જ શેઠના દિલમાં દયા જાગી.

સવારે વહેલી પરોઢે દાયણ દોડતી આવી અને કહેવા લાગી, જાગો શેઠજી જાગો..

પારણે પોઢનાર આવ્યો… પેઢીએ બેસનાર આવ્યો.. પાઘડી નો બાંધનાર પધાર્યો… ઘોડાનો ખેલનાર આવ્યો…. લાવો વધામણી. “

શેઠની ખુશીનો પાર ન રહ્યો તેણે દાયણને કેડે બાંધેલો કંદોરો આપ્યો. સવારે ભગવાન પુરૂષોત્તમની પૂજા કરી અને દિલ ખોલીને દાન દીધા. બ્રાહ્મણ-બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભારોભાર સુવર્ણદાન કર્યું. પછી ચારેય જણાએ આજીવન પુરૂષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો…

પુરુષોત્તમ કી આસ એક, દુજી આસ નિરાશ.

નદી કિનારે ઘર કરે, કબહુ ન લાગે પ્યાસ..

હે પુરૂષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો.

બોલો શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય…

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Leave a Reply