Raghuvir Patel

બારીનો તૂટેલો દરવાજો

‘તૂટેલા બારીમાં નજર ટકરાઈ,
નંદવાયેલા અરમાનો જાગ્યા.’

કોરોનાની મહામારીના કહેર વચ્ચે થીજી ગયા છે શહેરો, ને થીજી ગયા છે ગામડા.આજે માણસ માણસથી ડરે છે. પ્રત્યેક વસ્તુમાં મોત દેખાય છે. આવા સમયે વર્ષોથી શહેરમાં રહેતાં ડોકટર હરીશ પાઠક ગામડે આવ્યા. કોરોના વોર્યસ તરીકે લોકોના જાણ બચાવી નામના મેળવી, સાથે કોરોના ચેપગ્રસ્ત થયા. ચૌદ દિવસ હોસ્પિટલ મોત અને જિંદગી વચ્ચેની રમત રમી મોતને માત આપી ઘરે આવ્યા.

શુદ્ધ હવા માટે ગામડે આવ્યા. રાત્રે મોડા આવ્યા પણ સવારે દાતણપાણી કરતાં તેમની નજર રસ્તાની બાજુમાં આવેલા ઘરના કરામાં રહેલી બારી પર ગઈ. ખુલ્લી બારી, તેના દરવાજાનું એક મજાગ્રું તૂટી ગયું છે, એક ખીલે બારી ઢાંકવા મથી રહેલો દરવાજો ખાલીપાનો ખ્યાલ આપી રહ્યો છે. ડો.હરીશના મોઢામાં દાતણ રહી ગયું. તે ડો. હરીશમાંથી હરિયો થઈ ગયા.

વિધુત બાર્ડમાં નોકરી કરતા ચંપકલાલ પાઠક અવારનવાર બદલીઓ થતાં સ્થળ બદલતા રહેતા. આજે આ ગામમાં ભાડાનું મકાન લઈ રહેવા આવ્યા. દસમા ધોરણમાં ભણતા તેમના દીકરા હરિયાને આ ઘર ગમી ગયું. તેનું કારણ સમાન હારમાં પણ વચ્ચે રસ્તો એની બાજુમાં આવેલ ઘરની બારી. તેને પહેલા જ દિવસે ઘરની અગાસીમાં બેસી દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતા તેની નજર બારી ખુલતી જોઈ. તેમાં એક ચળકતું મુખડું જોયું. પહેલાં તો આંખમાંથી ધૂમાડો ખર્યો. હરિયાને ગમ્યો. શાળામાં પહેલા જ વિજ્ઞાનના તાસમાં નવા આવેલા છોકરાને જવાબ આપતો જોઈ પોતાનો નંબર કપાશે એ બીકે સવલી(સવિતા)માં દ્વેષ પેદા થયો.

ધીમે ધીમે અંતર ઘટતું ગયું. ને લખેલ નોટબુકની આપલે થવા લાગી. ફળિયામાં નવા નાવા આવેલું કટુંબ ભળી ગયું. હરિયો ને સવિતા ભળવા લાગ્યા. શાળામાં ભણવા સમયે એકબીજાના હરીફ. છોકરા છોકરીઓમાં તુંતું-મેંમેં થયા કરે આ ઉંમરે આમ જ હોય. શાળામાં હરિયો અવ્વલ નંબરનો થઈને રહ્યો. સવલી ખાસ હરિયા સાથે બોલે નહિ પણ કોઈ છોકરી હરિયા પાસે નોટ માંગે તો તેનું નાક ચઢી જાય. તેને એમ લાગતું કે કોઈ મારું કંઈક લઈ રહ્યું છે. ન ખબર પડતાં હરિયા તરફ કૂણી લાગણીઓ જન્મવા લાગી. બંનેએ પરીક્ષાની તૈયારીમાં મન લગાવી દીધું. સ્પર્ધા નંબર ન જવો જોઈએ.રીઝલ્ટ આવ્યું. બંનેના સરખા ટકા શાળામાં બંનેનો પ્રથમ નંબર. એકબીજાને અભિનંદન

‘સવિતા, પ્રથમ નંબર માટે અભિનંદન.’

‘તને પણ. હવે શું કરવું છે?’

‘સાયન્સ. તારે?’

‘મારે પણ એજ. તું સાયન્સ રાખે ને હું ન રાખું તો કોઈ શું કહે? સવલી ડરી ગઈ, હું કાંઈ પાછી પડું એમ નથી.’

‘ખરેખર આ સાચું કારણ છે?’હરીશના શબ્દે સવિતાને વિચારતી કરી મૂકી. ખરેખર આ સાચું કારણ નથી. સાચું તો એક વિષય હોય તો હરીશને પુસ્તકોના બહાને મળી શકાય. કારણ કે પારકા છોકરા સાથે વાતો કરતી દીકરીને જોઈ નાથા મુખીએ દીકરીને ટકોર કરી હતી. તેમણે ગામમાં થતી આ બંનેની વાતો સાંભળી હતી. તેથી તેને મળવા પર રોક લગાવી હતી.

‘એમ રોજ રોજ છોકરાઓ સાથે શું ઠઠ્ઠામશ્કરી કરો છો? હવે મોટાં થયા જરા ભાન રાખો?’

‘ બાપુ, અમે સાથે ભણીએ છીએ.’

‘એ હવે પૂરું થયું ઘરના કામમાં ધ્યાન આપ ભણવાનું નથી.?’ પિતાનો ટોન સવિતા સમજી ગઈ હતી એટલે જ એકજ વિષયના બહાને મળાશે માટે સાયન્સનો ક્કો ભણતી હતી. હવે પિતાએ તો ભણવા પર જ રોક લગાવી. ‘વધારે ભણીને શું કરવું છે ? વેવાઈને ઘણુ ભરેલું છે.’

સવિતાની નાનપણથી જ સગાઈ કરી દીધી હતી. છતાં સવિતાના મનમાં હરીશના નામની છાપ પડી ગઈ હતી. બંનેના પ્રેમની સાક્ષી આ બારી હતી.એકબીજાના દિલમાં ઉતરવાનું માધ્યમ હતી.

હરીશ ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં ગયો. પિતાએ આ ભાડાનું ઘર ખરીદી લીધું. થોડાક જ સમયમાં સવિતાના પિતાએ ઘડિયાં લગ્ન લઈ લીધાં. પોતાના અરમાનોનો કૂચો કરી તે સાસરે સિધાવી. પ્રેમનું ખીલતું પુષ્પ જ કરમાઈ ગયું. છતાં દિલમાં હુંફ તો એકબીજાને સુખી જોવાની કાયમ રહી. હરીશ ઘરે આવે ત્યારે એ બારી તરફ અવશ્ય જુવે. અંદર શૂન્યાવકાશ સિવાય કાંઈ નહોતું. છતાં એ બંનેના પ્રેમની…

હરીશ સારું ભણી ડોક્ટર થયો. શહેરમાં નામના મેળવી ત્યાં જ રહેવા લાગ્યો. માબાપને પણ ત્યાં બોલાવી લીધા. લગ્ન કર્યા સંતાનો થયા. જયારે નવરો પડે ત્યારે વિચારોના વૃંદાવનમાં ચાલ્યો જાય. સવિતાને યાદ કરીલે. જોકે તેની રજે રજની ખબર રાખે પણ તેની સાથે કોઈ દિવસ વાત નથી કરી. એ એમ માનતો કે ભૂતકાળ સંસારમાં વંટોળ ઉભા કરી શકે, તે તેને માન્ય નહોતું.

સંજોગો કેવા બન્યા કે સવિતાના પતિને ચેપ લાગી ગયો. તે ન બચી શક્યા. સવિતાને પતિથી ચેપ લાગ્યો તે કોરોનામાં ફસાઈ ગઈ. ડો હરીશ જ્યાં કામ કરતા હતા ત્યાં જ લાવવામાં આવી.

‘તપાસ માટે ડોક્ટર આવ્યા નામ સવિતા વાંચી ભૂતકાળ… પણ પ્રાર્થના પ્રભુને કે એ ન હોય. પણ ભગવાને પ્રાર્થના ન સ્વીકારી, એજ નીકળી. તેની દવા કરી. ડોકટરનો પહેરવેશ પ્લાસ્ટિકના વસ્ત્રોને લીધે તે ન ઓળખી શકી. ડોકટરે પણ ઓળખાણ ન આપી. બીજા દિવસે તપાસવા આવ્યા ત્યારે- ‘સવી , કેમ છે?’

‘હેં !’તેના મોઢામાંથી ઉદગાર નીકળી ગયો. એકધારું જોઈ રહી મને સવી કહેનાર અહી કોણ? સવી તો ફક્ત હરિયો જ… બોલનારમાં હરીશને જોવાનો પ્રયત્ન કર્યો.

‘કેમ ઓળખાણ ન પડી?’

‘તું?’

‘હા હું તારો હરિ…’

‘ડોક્ટર મને બચાવી લો મારા બાળકો નાના છે ને એ…’

‘તું ચિંતા ન કર, હું છું ને? તને મોતના મોઢામાંથી પાછી લાવીશ.’

જોકે વધુ વાતચીત ન થઈ પણ ડોકટરે સારવાર વધારી દીધી. તેને વીઆઈપી સગવડ મળવા લાગી. ચૌદ દિવસમાં છેલ્લી ઘડીએ પહોંચેલી સવિતાને બચાવી લીધી. તેને હેમખેમ પિતાના ઘરે પહોંચાડી ત્યાં કોરોનટાઈ કરી હતી. પણ તેનો ચેપ ડોક્ટર હરીશને લાગી ગયો. તેમણે પરિવારને ગામડે મોકલી દીધો. ત્યાં કોરોનટાઈ કર્યાં. બચાવનાર જ મોતના મુખમાં આવી ગયો. જોકે તે બચી ગયા.

‘ભાઈ, કેટલી વાર દાતણ કરતાં? ‘માતાના ટહુકે તે ભાનમાં આવ્યો. બારીનો તૂટેલ દરવાજાને એક ખીલે જકડાઈ રહ્યો હતો. અંદરથી એક કૃશ થયેલું મુખડું અંતરના આશિષ આપતું હતું.

લેખક : રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
9428769433

Categories: Raghuvir Patel

Tagged as:

Leave a Reply