Mythology

પુરુષોત્તમ માસની કથા – પાંચા પટેલ

સીતાપુર નામે એક ગામ હતું. એ ગામમાં પાંચા પટેલ રહે. એ પટેલ ને પાંચ દીકરા એટલે લોકો તેને પાંચા પટેલ કહે. પટેલ ની નિરાંતે પ્રભુ ભજન કરે અને દીકરાઓ ખેતી કરે. જીવના ભારે ઉદાર. ભૂખ્યાને ને ભોજન કરાવે અને માંગનાર કોઈ આવે તો માંગે એ આપે. એક પણ વ્રત છોડે નહીં.

એવામાં એકવાર પુરૂષોત્તમ માસ આવ્યો. પટેલે તો વ્રત શરૂ કર્યું. પટેલનો શ્રદ્ધાભાવ જોઈ ભગવાનને તેની પરીક્ષા કરવાનું મન થયું.

“ભગવાન ક્યારે, કોની, કેવી રીતે  પરીક્ષા લે છે તે કોઈ જાણી શકતું નથી.” ભગવાન તેના આંગણે ભિખારી બનીને આવ્યા. તેના ફળિયામાં 500 મણ ઘઉં નો ઢગલો પડયો છે. તેની બાજુમાં પાંચા પટેલ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે. ભિખારીને આવેલો જોઈ પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા, પણ આ તો અનોખો ભિખારી. એ તો કહે આપવું હોય તો આખો ઢગલો આપો. સામે પક્ષે પણ આતો પાંચા પટેલ. તરત ઢગલો આપી દીધો. ગાડાવાળા ને બોલાવીને કહી દીધું કે ઘઉં આ ભાઈ જ્યાં કહે ત્યાં પહોંચાડી દો. તેની આવી ઉદારતા જોઈને પ્રભુ પ્રસન્ન થયા. તેમણે જેવો ઘઉં ના ઢગલા પર હાથ ફેરવ્યો ત્યાં તો ઘઉં સાચા મોતી બની ગયા. ધાર્મિક વૃત્તિનો તે પાંચા પટેલ પ્રભુ ને ઓળખી ગયો અને તરત તેમના પગમાં પડી ગયો. પ્રભુ બોલ્યા., હે ભક્ત! તારી ભક્તિ અને સેવાથી હું  તારા પર પ્રસન્ન થયો છું. તારે માગવું હોય એ માગ. ત્યારે પાંચા પટેલ બોલ્યો, પ્રભુ સદેહે વૈકુંઠ ની યાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો.

પ્રભુએ હસીને પટેલને સાથે લીધા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ દેખાડ્યું.

આ બાજુ પટેલના ઘરમાં રોકકળ થવા લાગી. પટેલ ગયા ક્યાં? દશે દિશામાં માણસો દોડાવ્યા પણ ક્યાંય પટેલ ન મળ્યા. છોકરા તો ગયા જ્યોતિષી પાસે. જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જ્યોતિષી બોલ્યા કે જીવતા હશે તો અગિયારમાં દિવસે પાછા આવશે ન આવે તો બારમું કરી નાખવું. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. અગિયાર દિવસ રાહ જોઈ પણ બાપા ના આવ્યા. બારમા દિવસે દાઢી-મૂછ મુંડાવી ને સરાવવા બેઠા ત્યાં તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા, ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી જીવતો જાગતો છું. વૈકુંઠમાં જઈ આવ્યો. પુરૂષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા.

ગામના લોકો તેમની પર હસવા લાગ્યા અને કહ્યું કે પાંચા પટેલ ગાંડા થઈ ગયા લાગે છે. બ્રાહ્મણો બોલ્યા; પટેલ આતો ગધેડાને તાવ આવે એવી વાત છે. સદેહે કોઈ વૈકુંઠમાં જાય નહીં. જો તમે ગયા હોય તો અમને પણ લઈ જાવ નહીંતર ચઢો ચિતા પર. પટેલ તો ગભરાયા.

આ તો ધરમ કરતા ધાડ પડી. કરવા લાગ્યા પ્રભુને યાદ. ભક્તને ભીડ માં પડેલો જોઇ ભગવાન તરત ગરુડે ચઢીને આવ્યા. તેમને જોઈ પટેલની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યા. કહ્યું કે, પ્રભુ આ સાત બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની યાત્રા કરાવો નહિતર મારે ચિતા પર ચઢવું પડશે. પ્રભુ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે ભક્ત! વૈકુંઠ ના દર્શન તો પુણ્યશાળી ને જ થાય. પણ આ તો ભક્ત ની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા ભક્ત તમે ગરુડ ના પગ પકડો. બીજો તમારા પકડે, ત્રીજો બીજાના પગ પકડે. જેને આવવું હોય તે આ રીતે આવે. પટેલે તો તરત ગરુડ ના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડયા. આમ સાત બ્રાહ્મણ અને આઠમાં પટેલ ઉડ્યા આકાશમાં.

હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પુછ્યું, પટેલ ત્યાં લાડવા તો મળશે ને?

“બિલાડીની નજર શિંકા પર અને બ્રાહ્મણ ની નજર લાડુ પર” – પટેલે હા પાડી એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું, કેટલા મળશે? આટલા બધા એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં તો કડડભૂસ… કરતા બધા પછડાયા ધરતી પર. સાતેય બ્રાહ્મણ મરી ગયા. એકમાત્ર પટેલ જીવતા રહ્યા. સાતેય બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ રડવા લાગ્યા, હે પ્રભુ આ તો તેં મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તો આમાંથી ઉગાર, નહીંતર હું ય પ્રાણ છોડીશ. ચિતા ખડકી ને પટેલે અગ્નિ સ્નાન કરવાનો નિશ્ચય કર્યો, ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા.

“નિષ્કામ ભાવે ભક્તિ કરે, કરે કર જોડી પ્રણામ.

યાત્રા થાય ભવબંધન ટળે, સદેહે ભોગવે ધામ.”

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા પાંચા પટેલને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો

બોલો શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય..

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply