Mythology

પુરુષોત્તમ માસની કથા : કોયલ-કોકિલ ની વાર્તા

એક નદી કાંઠે આવેલા ઘટાદાર  આંબાપર એક કોયલ અને કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડી માં રખડે અને કેરીઓ ખાય.

હવે એક દિવસની વાત છે. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ આવ્યો, ત્યારે ગામના સૌ નરનારી નદીમાં સ્નાન કરે, કથાવાર્તા કરે. આ જોઇને કોયલને થયું કે લાવને હું પણ વ્રત કરું. એણે કોકિલ ને વાત કરી પણ રખડેલ કોકિલે ઉપવાસ નું નામ પડતા જ મોં બગાડ્યું. એણે કહ્યું કે,

“તું તારે ઉપવાસ કર ને ભૂખે મર. હું તો આંબાડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઇશ.”

કોયલે તો વ્રત કરવાનું શરૂ કર્યું. સુરજ ઉગે એ પહેલાં સ્નાન કરી લે. સૌથી નીચેની ડાળે બેસીને વાર્તા સાંભળે. આખો દિવસ ઉપવાસ કરે અને પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ છે એ તેની સામે દાંત કાઢતો જાય અને કેરીઓ ખાતો જાય. એમ કરતાં કરતાં અધિક માસ પૂર્ણ થયો. આ બાજુ યમ નાં તેડા આવ્યા. કોયલ અને કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ તે જ રાજા ના બકરા તરીકે જન્મ્યો. દિવસો વીતતા ગયા અને કુંવરી ને બકરો મોટા થયા. કુંવરીને બકરા પર ઘણું હેત. બકરા ને રમાડે, જમાડે નવરાવે-ધોવડાવે. રાત્રે પણ પોતાના ખંડમાં જ સુવડાવે. બકરો થોડીવાર પણ જુદો જુદો થાય તો તે બાવરી બની જાય.

આમ કરતાં વર્ષો વિત્યા. કુંવરી મોટી થઈ. નવાનગરના રાજકુંવર સાથે એનાં લગ્ન થયાં. રાજાએ સાત ગાડાં ભરીને દહેજ આપ્યું. હીરા, માણેક, નીલમ, રત્ન, સોના-ચાંદી, હાથી-ઘોડા,હીર ના ચીર વગેરે દીધા, પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યા કે, દીકરી જે જોઈએ તે માગી લે. તું જે માગે એ બધું જ હું તને આપીશ. આ બધું તારું જ છે ને.

ત્યારે કુંવરીએ પેલો બકરો માગ્યો. રાજાએ તેને બકરો આપ્યો. ત્યારે બકરાને સાથે લઈને કુંવરી સાસરે આવી. બકરા ને રમાડે-જમાડે, ઘણું હેત અને વ્હાલ કરે. કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય.

ખૂબ જ સુખ માં દિવસો વિતતા ગયા. એક દિવસ પિતાના મૃત્યુ પછી તે કુંવર ગાદીએ બેઠો. તે કુંવરી રાજરાણી બની ગઈ.

ફરીથી એકવાર અધિક માસ આવ્યો, ત્યારે તેના પ્રથમ દિવસે તે કુંવરી પતિ સાથે નદીએ નહાવા ગઈ. નહાઈને પાછી આવી ત્યારે બકરા ને વાચા ફૂટી તે બોલ્યો-તમે નમ્યા અમે રમ્યા જમ્યા.બોલો કોયલ બાઈ ઇચ્છાવર પામ્યા?

આ શબ્દો સાંભળતાં જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો તે બોલી. -“ફટ રે ભૂંડા, ફટ ખાઉધરા, તેં તજ્યો અમૃતમાસ. તમે ડાળો ઝૂલ્યા કેરીઓ જમ્યાં, અમે પામ્યા રાણીવાસ..”

આ બધી ચર્ચા અને વાર્તા કુંવરીની પાછળ ઉભેલા પતિએ સાંભળી. તેના અચરજ નો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો.

દરબાર માં એક જ્ઞાની બ્રાહ્મણ હતો. તેણે રાજાને કુંવરીના પૂર્વ જન્મની વાત કરી. તેણે કહ્યું કે જો તમે અને રાણી પાંચ ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરા નો મોક્ષ થાય. રાજા અને રાણીએ પાંચ ઉપવાસ કર્યા. પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું. તત્કાળ બકરા નો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરૂષ પ્રગટ થયો. સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને દિવ્ય પુરુષ તે વિમાનમાં બેસીને પરમધામમાં ગયો.

હે પુરૂષોત્તમ ભગવાન! તમે જેવા કોયલને ફળ્યા. એવા પૂર્ણ ભાવથી વ્રત કરનાર જીવમાત્રને ફરજો.

બોલો પુરૂષોત્તમ ભગવાનની જય

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply