Sense stories / बोध कथाए

વ્યસનના ફાયદા

ગુજરાતી ભાષામાં એક કહેવત છે, “આડે લાકડે આડો વેર.” આ કહેવતનો ઈશારો છે કે કેટલાક માણસોને તમે સીધું સમજાવશો, સાચું સમજાવશો તો એ નહિ માને. એને સમજાવવા ઉલ્ટી રીતો જ કામ લાગે. લાકડું આડું હોય ને સુથારને સીધું વેતરવું હોય તો શું કરે? કરવતથી આડો વેર કરશે એટલે કરવતને આડી મુકશે ને સીધો વેર થશે, સીધું કપાશે.

એમ કેટલાક માણસો સીધો કાન ન પકડે, એને ઊંધો કાન પકડાવવો પડે. અને એ હોંશે-હોંશે પકડે’ય ખરો. પણ.. આ કલા આવડવી જોઈએ.  ઘણાના ભલા થાય એવી આ કલાની એક નાનકડી ઘટના. નાની ઉંમરમાં સાંભળેલી, પછી વાંચેલી ને ફેરફાર સાથે ઠેર-ઠેર વંચાતી ને લખાતી ને કામ લાગતી કથા વાંચો.

એક ગામમાં વિહાર કરતા મહાત્મા પધાર્યા. પ્રવચનમાં મેળો જામવા માંડ્યો. સંતની વાણી જોશભરી ને મર્મભરી હતી, સાથે મધુર પણ હતી. ચાર-પાંચ દિવસના પ્રવચને આખા ગામને ઘેલું લગાડ્યું. એક દિવસ સંઘના આગેવાને આવી મહાત્માજીને કહ્યું, “ગુરુદેવ! આપની હૃદયસ્પર્શી વાણીથી અમારા ઘરોમાં ને વિચારોમાં ધરખમ ફેરફારો આવી ગયા છે.”

“પણ.. હજુ’ય ગામના 40-50 યુવાનો જે બંધાણી છે, વ્યસની થઈ ગયા છે એ નથી આવતા. એમાં મારો’ય દિકરો છે. જે તંબાકુ-મસાલા ને ક્યારેક છાંટો પાણી’ય કરી આવે છે. પહેલા એકે’ય યુવાનને સોપારીનું’ય વ્યસન નો’તુ. પણ Circle એવું મળ્યું કે એક પછી એક થતા આજે આપણા 50 જેટલા યુવાનો રવાડે ચડી ગયા છે. આ બધા પહેલા પૂજા’ય કરતા હતા, ને હવે એવા થઇ ગયા છે કે, સાંજે દર્શન પણ ક્યારેક કરે તો. બાકી.. દર્શનના’ય વાંધા.

મ.સા. કહે, “એક વાર ગમે તેમ કરી એમને વ્યાખ્યાનમાં લઈ આવો. ફરક પડી શકે છે, તમે લાવો.”

શેઠ કહે, *”મહારાજ સાહેબ! એને કહેવાથી કંઈ નહિ વળે. ઘણીવાર કહ્યું, પણ.. કોઈ દિવસ આવવાનું નામ નહિ. હવે ઉંમરલાયક છોકરાને કેમ કહેવાય?”

——————————————————-
એક મિનિટ : લાયક હોય તો.. ઉંમરલાયક હોય તો’ય કહેવાય. બાકી.. ના-લાયકને તો ક્યારેય ન કહેવાય. અનુશાસન લાયકનું થાય, ના-લાયકનું નહિ.
——————————————————-

કથા – મ.સા. કહે, “છતાં Try કરજો. પણ.. ઉદય ન આવે ત્યાં સુધી ઉદ્યમ નકામો જાય.”

થોડાક દિવસ વીત્યા ને એક દિવસ મહારાજ સાહેબે જાહેર પ્રવચન નક્કી કર્યુ. ને વિષય રાખ્યો: “વ્યસનના ફાયદા.”

જ્યાં સભામાં વિષય જાહેર થયો ને જયજયકાર કરનારા કેટલાક લોકોએ હાહાકાર કરી મુક્યો. ને કહ્યું, “આવા વિષય પર જૈન સાધુથી વ્યાખ્યાન થાય જ નહિ.” પણ મ.સા. શાંત હતા. કેમકે એમને ખબર હતી કે, કોઈ-કોઈ ફૂટપટ્ટી નાની પણ હોય છે. ફૂટપટ્ટી પોતાના માપ પ્રમાણે જ માપી શકે. એમાં Scaleનો દોષ નથી. પણ.. નાની Scale હિમાલયને માપવા જીદે ચડે, તો Fail જાહેર થાય જ!

આખા’ય ગામમાં જાહેર પ્રવચનનો વિષય ચર્ચાના ચકડોળે ચઢ્યો. સામે પડનારા’ય હતા, તો Support કરનારા’ય હતા. ને રવિવાર આવી ગયો. એ દિવસે હાહાકાર કરનારા વહેલા હાજર થઈ ગયા હતા.

——————————————————-
ધજા જેવા છે માણસો, જે પવન પ્રમાણે ફરકે;
શિખર જેવા તો કો’ક, જે જરા તરા’ય ન ચસકે!
——————————————————-

રોજ કરતા એ દિવસે ભીડ વધુ હતી. ને મોટી વાત તો એ હતી કે ગામના એ પચાસે પચાસ બંધાણીઓ આવી બેઠા હતા. ને પછી મ.સા.નું ધુંઆધાર પ્રવચન ચાલુ થયું. સતત 1.5 કલાક Non Stop વરસતા મ.સા.એ કહ્યું, “આજના વ્યાખ્યાનનો મુખ્ય વિષય છે, વ્યસનના ફાયદા.” બધા જ યુવાનોના ચહેરા પર ખુશી ફરી વળી.

મ.સા.એ કહ્યું, “માવા-તંબાકુ, મસાલા ને દારૂ આ એટલી ચમત્કારીક આઈટમો છે, ઔષધીઓ છે કે, જે એનો ઉપયોગ કરે તેને અનેક ફાયદા જિંદગીમાં થાય. એમાં મુખ્ય ચાર ફાયદાઓ છે. 1) તેને કૂતરું કરડે નહિ. 2) તેને વાહનયોગ થાય. 3) તેને ઘેર ચોરી ન થાય. 4) તે જીવે ત્યાં સુધી ઘરડો ન થાય.”

આટલું સાંભળતા તો બંધાણીઓ ઝાલ્યા ઝલાય નહિ એટલા ખુશ થઈ ગયા. ને મહાત્માએ Time થઈ જતા પ્રવચનને સર્વમંગલ કર્યું. બીજે દિવસે પ્રવચનસભા હકડેઠઠ ભરાઈ ગઈ. એ બંધાણી-બંદાઓ તો સૌથી પહેલા આવીને ગોઠવાઈ ગયા. આજે મહાત્માએ પ્રવચનમાં જીવનને નંદનવન બનતું અટકાવે છે કોણ? ને પછી પારિવારિક જીવનનું સૌંદર્ય ને માધુર્ય માણવાના ઉપાયો બતાવ્યા.

ને છેલ્લે કહ્યું,*”પોતાની જવાબદારીને જે પૂરેપૂરી નિભાવે તેની સમજદારીને સ્વર્ગના દેવતાઓ પણ સલામ કરે.” ને વાતનું અનુસંધાન લઈને કહ્યું, “જે વ્યક્તિ પરિવાર માટે ‘જવાબદારી’ બની જાય તેની જિંદગી બેકાર છે.” ને છેલ્લે કહ્યું, “વ્યસનના 4 ફાયદા.

1) વ્યસનીને અશક્તિ એટલી આવે કે, ચાલતા લાકડી રાખવી પડે. લાકડી જોઈ કૂતરું દૂર ભાગે, તો કરડે ક્યાંથી?

2) વ્યસનીના પગ સીધા ન પડે. એ લાંબુ ચાલી જ ના શકે. એટલે વાહનયોગ આવે જ.

3) વ્યસનીને કફ-ખાંસી એટલા થાય કે એ આખી રાત ખો-ખો કરે, તો ઊંઘે ક્યાં? ને ચોરી થાય ક્યાં? ચોર જ ન આવે.

4) વ્યસની ઘરડો ન થાય, કારણકે ફેફસા આદિના રોગથી જવાનીમાં જ મરી જાય.

વ્યસન કરનારાએ એટલું યાદ રાખવું, તારા હિસાબે તું એક જીવિત વ્યક્તિ જ છે. પણ.. પરિવારની તો તું જીવનશક્તિ છે! તારા ગયા પછી તારો પરિવાર અસહાય બની જશે ને કદાય કોઈની સહાય પર જીવશે, કોઈની મહેરબાની હેઠળ હીજરાશે.” પછીનું પ્રવચન સભાએ રડતા રડતા સાંભળ્યું. ને તમામ યુવાનોએ ભીની આંખે વિદાય લીધી.

બીજે દિવસે ઘર-ઘરમાં આનંદના દીવા પ્રગટ્યા. ને પછી એક દિવસ તમામ યુવાનોએ વ્યસનનો ત્યાગ કર્યો.

કથા તો પૂરી કરીએ. પણ.. ઘણીવાર આપણે ચિંતા વ્યકત કરીએ, પ્રેમથી ને પ્રીતથી કહીએ, તો’ય આપણી વાત સંતાનો કે સ્વજનો નથી સાંભળતા કે સ્વીકારતા ત્યારે ચાર લાઈન યાદ રાખીએ,

આપણા મનમાં હોય છે પ્રીત,
થોડીક બદલીએ કહેવાની રીત;
આ કથાની અપનાવીએ Trick,
તો પરિવારમાં આપણી જીત!

✍🏻 પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ
Dt.: 14.09.2020, Monday
શ્રી ભીલડીયાજી તીર્થ

Leave a Reply