Mythology

પુરુષોત્તમ માસની કથા-વગર દિકરે વહુ

ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ. સ્નાન- ધ્યાન કરે, વ્રત- ઉપવાસ કરે. બધીય વાતે સુખી પણ, એક વાતનું એવું દુઃખ કે બધાએ સુખ કડવા થઈ જાય. શેર માટીની ખોટ હતી.

એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. સૌની સાથે બ્રાહ્મણ-બ્રાહ્મણીને પણ વ્રત લીધું. બંને નદી કાંઠે જાય, સ્નાન કરી વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે અને રાતે જમીન પર પથારી કરી સુઈ જાય.

બંનેની ઉંમર થઈ ગયેલી. ઘરમાં કામ કરનાર કોઈ ન મળે. બ્રાહ્મણી વિચાર કરે કે દીકરો હોત તો વહુ આવત. એ ઘરનું કામ કરત અને હું પ્રભુ નું ભજન કરત. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. અરે ગાંડી..

દીકરો હોય એના ઘેર વહુ આવે. આપણે તો રહ્યા વાંઝિયા.

આ સાંભળીને બ્રાહ્મણી બોલી દીકરો હોય એના ઘેર બહુ આવે એમાં શી નવાઈ… વગર દીકરે વહુ લાવો તો ખરા. માર્ગ હું દેખાડું. તમે ઉપડો ઉત્તર દિશામાં અને કન્યા શોધી લાવો. કન્યાના મા-બાપ પૂછે તો કહી દેવાનું કે, દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણે પહેલા તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી. વહુ લાવો તો જ હા..

નહિતર અન્ન-જળનો ત્યાગ કરીને પ્રાણ છોડું. “આતો સ્ત્રીહઠ, ભલભલા રાજાનેય માનવી પડે”

બ્રાહ્મણ તો ઉપડ્યો વહુ શોધવા. ચાલતો ચાલતો રૂપાવટી નગરી માં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. વાળું કરતા કરતા વાત નીકળી. બ્રાહ્મણે કહ્યું કે, – કાશી ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું. દીકરો મહાજ્ઞાની છે.

જે બ્રાહ્મણના ઘેર કપિલ શર્માએ રાતવાસો કર્યો હતો એને એક દીકરી હતી. રૂપ રૂપનો અંબાર અને ગુણોનો પાર નહીં. બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘેર બેઠા માગું આવ્યું છે. તો વધાવી લેવામાં જ હિત છે.

આ બ્રાહ્મણે કપિલ શર્મા ને વાત કરી. નાજુક-નમણી કન્યાને જોઇને કપિલ શર્માના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે?

કપિલ શર્માએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એ બોલ્યો મારા દીકરાની પોથી ને કલમ મારી પાસે છે. કન્યા ત્રણ ફેરા એની સાથે ફરે. ચોથો ફેરો મારો દીકરો ભણીને આવે પછી એની સાથે ફરે.

કપિલ શર્મા કુળવધુ ને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણી તો રાજીની રેડ થઇ ગઈ. “પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં બારણામાં”- એ કહેવત ચરિતાર્થ કરતી હોય એમ વહુ એ ઘરકામ ઉપાડી લીધું અને બ્રાહ્મણી વહુ ને ઘરે સોંપીને નિરાંતે ભજન કરવા લાગી.

એક દિવસની વાત છે. પડોશણ દેવતા લેવા આવી. બ્રાહ્મણ બ્રાહ્મણી ત્યારે મંદિરે ગયા હતા. ઘરમાં રૂડી રૂપાળી વહુ ને જોઈ ને પૂછવા લાગી. અરે બાઈ! તું કોણ છે? ભૂત છે કે પ્રેત? ચુડેલ છે કે ડાકણ? ત્યારે  વહુ બોલી, હું ચુડેલ નથી કે ડાકણ નથી. હું તો આ ઘરની વહુ છું. પડોશણ તો પેટ પકડીને હસવા લાગી. પછી બોલી જુઓ જુઓ ભાઈ વાંઝિયા ના ઘેર વહુ આવી…

પડોશણ એ બધી જ વિગતથી વાત કહી. એ વાત સાંભળી વહુ નું કાળજું વિંધાઈ ગયુ. એતો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આવીને જોયું તો વહુ રાતે એક ખૂણામાં બેસીને રડે છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પડોશણને મારેલા મહેણાં ની વાત કરી

આ સાંભળી બ્રાહ્મણી રોષથી બોલી. – એતો મુઈ છે જ નખ્ખોદણી. કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે છે. દીકરા વગર જગતમાં કોઈના ઘેર વહુ આવી છે તે મારા ઘેર આવે, હું કાંઈ એવી ગાડી ઘેલી છું?

મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે. કાલે પાછો આવશે… ત્યાં સુધી તું ખા-પી, પહેર -ઓઢ. લે આ સાતેય ઓરડાની ચાવી. બધાએ ભરેલા છે. તમ તમારે માણો વૈભવ ને કરો રાજ. પણ વહુ એક સાતમો ઓરડો ન ઉઘાડતી.

વહુએ ચાવીઓ લીધી. બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નહાવા ગયેલ. વહુ એક પછી એક ઓરડા ખોલવા લાગી. પહેલા ઓરડામાં મેવા- મીઠાઈ… બીજા ઓરડામાં હીરના ચીર… ત્રીજો શણગાર થી ભરેલો…આમ એક પછી એક છ ઓરડા ઉઘાડીને જોઈ લીધા પછી, સાસુની ના હોવા છતાં સાતમો ઓરડો ઉઘાડયો. અંદર નજર કરતાં જ એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો એક યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો.

વહુ પર નજર પડતાં જ એ બોલ્યો:- “ઉઘાડ્યા એવા જ બંધ કરો આ દ્વાર. મારા મા-બાપ નું વ્રત તૂટશે. વેદ નો પાઠ અધુરો રહેશે. તમે પોથી સાથે ત્રણ ફેરા ફર્યા છો એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો ફરીશ.”

વહુ ની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત જ દ્વાર બંધ કર્યા. સાતમા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થતા વહુએ સાસુ ને કહ્યું, માજી હવે તમારા દીકરા ને બોલાવો એટલે ચોથો ફેરો ફરી લઉં.

સાસુ-સસરાને તો પરસેવો વળી ગયો. દીકરો લાવવો ક્યાંથી? હવે બહાનું પણ ન દેખાડાય. આબરૂની બીકે બ્રાહ્મણ-બ્રાહ્મણી વખ ઘોળવા નો વિચાર કરવા લાગ્યા. ત્યાં જ વહુ બોલી, એમાં  વિચાર શું કરવાનો? લો હું તમારા દીકરાને બોલાવી લાવુ છું…

સાસુ-સસરા તો અવાક્ થઈ ગયા. વહુએ જ્યાં સાતમો ઓરડો ઉઘાડીને સાદ દીધો કે તરત જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી ની હાલત તો સપનું જોતા હોય તેવી થઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ભક્ત ની લાજ રાખવા પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા-પિતાના આશીર્વાદ માગ્યા, ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી ની આંખો વરસી પડી.

“ભક્તની ભીડ ભાંગતા, સુધારે સૌ કાજ….

ત્રિભુવન ના નાથ છે, રાજાના યે રાજ….

ગજરાજ ને છોડાવવા, ગરુડે થયા સવાર…

પુરુષોત્તમ પ્રભુ રાખે, સદાય જાતી લાજ…”

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને અને વહુને ફળ્યા, એવા સૌને ફળજો.

બોલો પુરૂષોત્તમ ભગવાનની જય

ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર…

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply