Mythology

પુરુષોત્તમ માસની કથા-વનડિયા ની વાર્તા

કંચન નગર માં કનકવતી નામની કન્યા રહે. તેને સાત ભાઈ. સાતેય પરણેલા. ઘરમાં સાતસાત ભાભી એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહિ વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો બારે મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણાં કરે, ધર્મ-ધ્યાન કરે, દાન-પુણ્ય કરે, કથા-વાર્તા સાંભળે.

એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. સાતેય ભાભી સાથે કનકવતી એ વ્રત કર્યું. નદીએ ન્હાવા જાય, કથા સાંભળે. આમ કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી. સાતેય ભાભી કહેવા લાગી- નણંદબા! ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ. મારે તો મારો એક ઈશ્વર. તેના સિવાય હું કોઈ ની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં પડું.

સાતેય ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની બે ના થઈ. ત્યારે વનડિયા ને રીસ ચડી. વનડિયો તો વન નો દેવ. “રીઝે તો રાજ દે અને ખીજે તો ખેદાનમેદાન કરી નાખે.”

કનકવતી એ વાર્તા સાંભળવાની ના પાડતાં વનડિયા ના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતી ના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો.

એમ કરતાં રાત પડી. સાત ભાઇની લાડકીબેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવર નું રૂપ ધારણ કરી કનકવતી ની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કુવો- હવાડો કરવો પડે.

સવારે નાની ભાભી કનકવતી ની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણી ને વાત કરી. ઘડીકમાં તો સાતેય વહુ જાણી ગઈ અને નણંદ બા ના નામ પર થું થું કરવા લાગી.

“બિલાડીના પેટમાં ખીર ન ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે”

સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત. લાભ મળે તો સતી સીતાનેય ગાળ દે. સાતેય વહુઓ એ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આતો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે. જઈને કહ્યું કે, સાચું બોલ નહિતર જમીનમાં ભંડારી દઈશું.

બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપનેય પરપુરુષ નો વિચાર કર્યો નથી. હું મન, વચન ને કર્મ થી પવિત્ર છું. માનવું હોય તો માનો, નહીંતર ખુશીથી મારી નાખો.

એમ કરતાં રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી સુઈ ગઈ અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતાં જ સાતેય ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. સાતેય ભાઈઓએ પાટુ મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો, અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે નહીંતર મર્યો સમજ…..

ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું તો વનડિયો દેવ. શસ્ત્રથીયે ના મરું અને શાસ્ત્રથીયે ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડી ને મારું અપમાન કર્યું છે એનું વેર વાળવા આવ્યો છું.

સાતેય ભાઈ પૂછવા લાગ્યા: તમને રીઝવવાનો કોઈ ઉપાય?

હા ઉપાય એક…. જો તમારી બેન વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય.

હે દેવ! અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે પણ એના માથે આળ આવી ચડ્યું છે એનું શું? ગામના મોઢે અમારું ગળણું કઇ રીતે બાંધવું?

ત્યારે વનડિયો બોલ્યો, સાંભળો… આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે., એના પર કનકનો કળશ ચઢાવવાનો છે. કળશ સતી વગર ચઢે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પિટાવે  ત્યારે તમે બેન ને મોકલજો. એનું આળ ઉતરી જશે. સત્યનો જય થશે.

સાતેય ભાઈઓએ વનડિયા ને વંદન કર્યાં. પછી વનડિયો અંતર્ધ્યાન થયો.

સવારે કનકવતી એ વાડને પાડુ, પાળને પુરી, લહેર ને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી તેથી એ દોષ માંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષીને તેડાવીને પૂછ્યું, મહારાજ! કળશ કોણ ચઢાવશે?

ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા! સતી સ્ત્રી વગર કળશ કોઈ ચઢાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં પાણી સીંચે અને એ જળ કળશને છાંટે તો પાંપણના પલકારે કળશ ચઢી જાય. પણ સતી સ્ત્રી મળવી દોહ્યલી છે. માટે રાજ્યમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પિટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી..

“સતના પારખા આપવા કોણ તૈયાર થાય?”

ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી. વાયુવેગે વાત ગામમાં ફેલાઇ ગઇ. લોકો દાંત કાઢવા લાગ્યા.

બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણી નો ભાંડો ફૂટશે.

કળશ ચઢાવવા એ કાંઈ નાની મા નો ખેલ છે.

કનકવતી એ તો કાચા સુતરના તાંતણા સાથે ચારણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ.

તરત સતી નો જયજયકાર થવા લાગ્યો. કનકવતીએ એ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવોફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા- પ્રજા બધા કનકવતી ના ગુણગાન ગાવા લાગ્યા.

માટે જ કહ્યું છે કે, -વનડિયા તું વનડિશ મા.

ભાઈ ની બેન ને કડડીશ મા

કુડા કલંક ચઢાવીશ મા

સત્ માં વહેમ જગાડીશ મા

તારો વાસ પ્રભુની પાસ

અમે તારા ચરણમાં દાસ

પુણ્ય ફળ્યા ને પાતક ટળિયા

પુરુષોત્તમ પ્રભુ આવી મળિયા

“હે વનડિયા દેવ! તમે જેવા કનકવતીને ફળ્યા તેવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. “

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply