Ujas Vasavda

પ્રથમ પગલું

એક ડગલું…હા બસ એક ડગલું અને મારા માટે પૃથ્વી પરનો અંતિમ દિવસ પૂર્ણ. હું પૃથ્વી પરની એક ઉંચી એવી જગ્યાએ ઉભો છું, જ્યાં મારી સામે એક અફાટ મહાસાગર, અમાપ આકાશ અને મારી જમણી તરફેથી આવતો ફરફરાટ પવન છે. કાનમાં અથડાતો મહાસાગરના મોજાઓનો ઘૂઘવાટ અને પવનની જુગલબંધી છે. છેલ્લા એક મહિનાથી આ જગ્યાએ આવી હું મારા જીવનનો અંત લાવવા પ્રયત્ન કરી રહ્યો છું. પણ, હિંમત થતી નથી.

આખું જીવન સામાન્ય રીતે જીવ્યો. જીવનમાં આવેલા સતત ઉતાર-ચડાવ અને તેમાં મળેલા અપમાન, અપયશથી મારી જાતને સતત બચાવતો રહ્યો. તો પણ આ જીવનમાં મળ્યું જ શું? મારા પરિવારને પાળવાનો ભાર..! હવે આ ભાર હું વેઠી શકું તેમ ન નથી. રોજબરોજ મારા મા-બાપના પેટ ભરવાની ચિંતા, અભિમાની બોસની કચકચ, ઓછા પગારને લીધે પૈસાની ખેંચ, મારી પોતાની વૈભવી જીવન જીવવાની તમન્ના અને એક માત્ર મારી સખી, મારી પ્રેયસી, મારી પથદર્શક, મારા જીવનની સર્વેસર્વા એવી આકાંક્ષા, પણ બીજા સાથે લગ્નબંધનમાં બંધાઈ ગઈ. જેનો વિરહ પણ હવે મારાથી સહન થતો નથી. હવે એક જ ઈચ્છા કે બસ એક ડગલું માંડું અને આ અફાટ મહાસાગરમાં સમાઈ જાઉં.

હું છેલ્લા એક મહિનાથી રોજ આ જગ્યા પર આવી મારા જીવનનો અંત લાવવા માંગી રહ્યો છું. પણ અહીં પ્રકૃતિનું સૌંદર્ય અને તેના રોજેરોજના વિવિધ પરિવેશ, મહાસાગરના ઉછળ કૂદ કરતાં મોજાઓ, દરિયાલાલના પાણીનો વિવિધ રંગ પરિધાન, પવનના ફરફરાટ સાથે લહેરાતાં આ વિવિધ વૃક્ષોના પર્ણો, પવન-પર્ણ-પાણી અને પક્ષીઓના સંગાથે ઉભું થતું કર્ણપ્રિય સંગીત મને વિચલિત કરી દે છે. પણ, હવે મેં પ્રકૃતિને પણ પેટ ભરીને માણી લીધી છે. આજે હવે કોઈના રોકાયા હું રોકાઈશ નહીં.

મેં મારા હાથો ફેલાવી, આકાશ તરફ નજર કરી, એક પગને હવામાં ઉંચો કર્યો અને ત્યાં જ કોઈએ હાથ મારા ખભ્ભા પર રાખી મને પાછો ખેંચ્યો. મને ખુબ ગુસ્સો આવ્યો. આ એકાંતવાળી જગ્યાએ કોણ આવી ચડ્યું અને તે પણ બરોબર મારા અંતિમ સમયે.

“કોણ છે? મારો ખભ્ભો શા માટે પકડ્યો? મારે મરી જવું છે. મને મરવા દો.” મુખમાંથી ગુસ્સામાં જ શબ્દો સરી પડ્યાં. પાછળ ફરીને જોયું તો સફેદ વસ્ત્રોમાં મોરપીંછ પટ્ટાવળી સાડીમાં સજ્જ, અલભ્ય શાંત ચહેરો, આંખોમાં વાત્સલ્યભાવ છલકાવતી એક સ્ત્રી ઉભી જોવા મળી. બે ક્ષણ તેને નિહાળવામાં જ મન પર હાવી થયેલ મૃત્યુનો રંગ ઉતરી ગયો. મેં તેમને સહજ પૂછ્યું, “દેવી..આપ કોણ છો? અને આ એકાંત જગ્યાએ શું કરો છો? હું મારૂ જીવન ટૂંકાવા માંગુ છું. તમે મને શા માટે રોક્યો?” એ સ્ત્રીએ સૌમ્યતા સાથે મૃદુભાષિ કહ્યું, “હું…!હું પ્રકૃતિ. છેલ્લા એક મહિનાથી તું અહીં જે પ્રયોજન સાથે તું આવે છે. એ નિષ્ફળ બનાવનાર હું જ છું. સમગ્ર જીવસૃષ્ટિ મારા જ ખોળે તો રમે છે. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરે જ તો તને અને મને જન્મ આપ્યો છે. આપણે આપણું કર્મ નિભાવવું એ જ એક માત્ર જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. તું મારા શરણે આવ્યો છે અને દુઃખી થઈ તું મૃત્યુ પામે, એ પણ મારી આંખો સામે તો ઈશ્વરનો ઠપકો મને પણ મળે. હું મારા રૂપરંગોમાં તને મોહીત કરી તારા માથા પર મૃત્યુ રૂપી દાનવને ભગાડી દેતી. પણ, આજે તે મને પણ અવગણી જેથી મારે માનવરૂપે પ્રકટ થવું પડ્યું.”

એ સ્ત્રીના શબ્દોમાં વજન હતું. એ જે કંઈ પણ કહી રહી હતી તેના પરથી કોઈક ચમત્કારી શક્તિ હોવાનો ભાસ થયો. પ્રકૃતિ પોતે પોતાનું મૂળરૂપ છોડી માનવરૂપે કંઈ થોડી આવે!”

“તમને શું ખબર! મારા પર શું વીતી છે? મને જીવનમાં હમેંશા હતાશા જ મળી છે. મારે કેટલું ભોગવવું પડ્યું છે તમને ખબર છે? માતા-પિતાની લાચારી, પ્રેયસીની બેવફાઈ, કાર્ય સ્થળે મારુ સતત અપમાન અને બીજું કેટલુંયે..”

“હા હું બધું જ જાણું છું.” શાંત અને સ્થિર ભાવે દેવીએ મારા વિલાપનો જવાબ આપ્યો.

“પણ એ તો મારો ભૂતકાળ છે તમને કેવી રીતે ખબર? શું તમે ત્રણેય કાળ વિશે જાણી શકો છો?”

એ સ્ત્રીએ મુખ પર સ્મિત ધરી કહ્યું, “હા ચોક્કસ જાણું છું. પણ પરમાત્માએ ચોક્કસ નિયમો ઘડયાં છે તેના લીધે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયની જાણકારી હોવા છતાં નિયમો વિરુદ્ધ ન જવું એ બંધન પણ છે.”

“તો ..તમે આજે એ નિયમો કેમ તોડ્યો? રૂબરૂ પ્રકટ થઈ મારૂં મૃત્યુ શા માટે રોકયું?” થોડું અકળાયને મેં પૂછ્યું.

“મેં કોઈ નિયમ નથી તોડ્યો. શરણે આવનારને બચાવવું એ તો મૂળભૂત નિયમ છે. તું મારા શરણે, મારા ખોળે આવીને મારૂં બાળક બની છેલ્લા એક મહિનાથી બેસે છે તો મા તરીકે મારે તને બચાવવો જ રહ્યો. પરમાત્માએ માતા અને પિતા એટલે જ બનાવ્યાં છે જે દરેક પરિસ્થિતિમાં પરમાત્માની જગ્યાએ મુશ્કેલીના સમયે બાજુએ ઉભા રહે.” સ્ત્રીના અવાજમાં મમતા છલકાઈ.

સ્ત્રીની વાતો ગળે ન ઉતરતા, મેં મારી હતાશા ઠાલવતાં તેને પરખાવ્યું, “પાઠય પુસ્તકમાં લખેલી બધી વાર્તા છે. સત્ય હકીકત તો એ છે, અત્યારે હું જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું તેના માટે મારા માતા-પિતા જ જવાબદાર છે.”

એ સ્ત્રી મારી નજીક આવી મારા માથા પર એક સુંવાળો સ્પર્શ કર્યો અને કહ્યું, “જો તારી ઈચ્છા હોય તો હું તને ભૂતકાળની મુસાફરી કરાવી સત્ય હકીકતથી વાકેફ કરી શકું છું.”

આ સ્ત્રી મને શું કહેવા માંગી રહી છે તે સમજાતું ન હતું હું મનોમંથન કરવા લાગ્યો, “હું જે જીવીને અહીં પહોંચ્યો તે સમગ્ર ફરી મને શા માટે બતાવવા માંગે છે!”

અંતે થોડું વિચારી મેં એ સ્ત્રીને કહ્યું, “એક શરત છે. હું જે જીવીને આ પરિસ્થિતિએ પહોંચ્યો, તેમાં તમે જે સત્ય હકીકતથી વાકેફ કરાવવા ઈચ્છો છો એ સત્ય મારી તરફેણનું અને મારા આત્મહત્યાના નિર્ણયની તરફેણનું હોય તો મને આત્મહત્યા કરતાં તમે રોકશો નહીં બલકે તમે જ તમારામાં મને સમાવી લેશો.”

પ્રકૃતિ દેવીએ તથાસ્તુઃ કહેતાની સાથે જ હું ગર્ભમાં પહોંચી ગયો. એક નવજાત શિશુ તરીકેની પરિસ્થિતિ મારી આંખો સમક્ષ પ્રત્યક્ષ હતી. એક શિશુનો ગર્ભમાનો અનુભવ એક ફિલ્મ જોઈ રહ્યો હોઉં તેમ બધું પ્રત્યક્ષ હતું. કદાચ અત્યાર સુધી કોઈએ એમની આ અવસ્થા પ્રત્યક્ષ જોઈ અનુભવ નહીં મેળવ્યો હોય. મારો જન્મ થયો હું જેના હાથમાં હતો એ કોઈ અન્ય સ્ત્રી હતી. જેમણે મને રડતો રાખી એક કચરા ટોપલીમાં નાખ્યો અને ભાગી ગઈ. થોડી વારે હું મૃત્યુના દરવાજે પહોંચ્યો જ હતો ત્યાં બીજીએ સ્ત્રી અને પુરુષ દેખાયા તેઓએ મને પોતાના હાથમાં લીધો. એ સ્ત્રી અને પુરુષ ગભરાહટ સાથે દવાખાને લઈ ગયા જ્યાં મને નવજીવન મળ્યું. એ સ્ત્રી અને પુરુષ હાલના મારા માતા-પિતા નીકળ્યા. તેઓને પોતાના બાળકની જેમ જ મારી સરભરા શરૂ કરી. બન્ને વચ્ચેનો સંવાદ પણ સંભળાયો, “કહું છું સાંભળો છો! આપણે બે ય કમાઈએ ત્યારે આપણો ગુજરાન ચાલે છે. એમાં વળી આ બબલુંને પણ હવે આપણે જ ઉછેરવાનો છે, તો આ જ હવે મારા પેટનો જણ્યો સમજીએ તો!”

“તારી વાત સાચી..આમ પણ આપણે એક જ સંતાન જોઈતું હતું. એ ઈશ્વરે વગર પ્રસુતિએ જ આપી દીધું.”

સંવાદ સાંભળી મને મારી જાત પ્રત્યે નફરત અનુભવાઈ. મારા મા-બાપ મારા સગાં ન હોવા છતાં ક્યારેય એવું મહેસુસ નથી થવા દીધું. મારા જીવનના દરેક તબક્કે તેઓએ તેમની ઈચ્છાઓને મનમાં મારી, દરેક જરૂરિયાતો પૂરી પાડી. પોતે થિંગડાં વાળા કપડાં પહેર્યા અને મને નવા પહેરાવ્યા. કરજ કરીને, ઉંઘને મારીને દિવસ-રાત કામ કરી પૈસા કમાઈ મને ભણાવ્યો. શેઠને પગે પડી મને નોકરી અપાવી. એ માયાળુ શેઠે એક કડક શિસ્તબદ્ધ વ્યક્તિની નીચે મને મુક્યો. જેથી હું કંઈક સારું શીખી શકું. એ વ્યક્તિ મારો બોસ મારામાં જ રહેલી આળસને દૂર કરવા અને કાર્યક્ષમતાને બહાર લાવવા સતત કચકચ કરતો જોવા મળ્યો.

મારા જીવનની સત્ય હકીકત આવી ભયાનક! હું દરેક જગ્યાએ ખોટી માન્યતાઓ બાંધી બેઠો! પણ, આકાંક્ષા! તેનું શું. તેને પણ મેં ભરપૂર પ્રેમ કરેલો તેમ છતાં તે બીજે પરણી ગઈ!

આકાંક્ષા સાથેનો છેલ્લો સંવાદ મારી સામે આવ્યો, ” હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારા પપ્પાએ મારું સગપણ નક્કી કરી દીધું છે.”

એમના શબ્દોએ મને તોડી નાખ્યો, “અરે!તું જ તો છે જેના સથવારે હું જીવી રહ્યો છું. તું જતી રહીશ તો મારા જીવનના દરેક રંગો ઉડી જશે!”

આકાંક્ષાએ એમનો પ્રેમાળ હાથ મારા ગાલ પર રાખી, ” શ્રીકૃષ્ણ અને રાધાજીને પણ વિરહ ભોગવવું પડ્યું હતું. પણ તેઓનો પ્રેમ જરાય ઓછો ન’તો થયો. આપણો પ્રેમ પણ એવો જ અકબંધ રહેશે પણ ઐક્ય નહીં સાધી શકાય.”

સરળ શબ્દોમાં પ્રસ્તુતિ કરી એ જતી રહી અને હું તેના વિરહમાં તરફડતો રહ્યો. પણ, તે..! તેના આંખોમાં આંશુ હતાં. એ કંઈક છુપાવી રહી હતી. શું હતું એ રહસ્ય?

“આકાંક્ષા…તારે જો એ છોકરાં સાથે પરણવું હોય તો એમણે આપણા ઘરમાં આપણી સાથે જ રહેવું પડશે.”

“પપ્પા..!એવું કેવી રીતે શક્ય બને! એ તેના માતા-પિતા, એમનું સ્વમાન મૂકીને ન આવી શકે. સમાજનો નિયમ છે. છોકરીએ જ પરણી તેના પતિ સાથે રહેવું જ પડે.”

“તારે સમાજના નિયમ મુજબ રહેવું હોય તો મારા મિત્રના દિકરા સાથે લગ્નબંધનમાં જોડાવું પડશે. પેલા ભિખારી જોડે નહીં.”

રડતી આંખોએ આકાંક્ષાએ પોતાના પ્રેમી એટલે કે મારા સ્વમાનના માન ખાતર બીજે લગ્ન કરવા તૈયાર થઈ હતી.

આજ દિન સુધીના આવા અનેક કિસ્સાઓ કે જેના વિશે મેં મારા ભાગ્યને જવાબદાર ઠરાવ્યું હતું. એ સાચા અર્થમાં મારા માટે સદભાગ્ય નીકળ્યું. પ્રકૃતિદેવીએ મારા ભૂતકાળમાં કરાવેલી સફરને લીધે ઘણી સત્ય હકીકતો ઉજાગર થઈ અને મારી લઘુતાગ્રંથીને તોડી પાડી. હું ભોંથપ અનુભવવા લાગ્યો.

“બેટા… બોલ તારે આત્મહત્યા માટેનું છેલ્લું ડગલું ભરવું છે કે પછી, નવજીવન તરફનું પહેલું ડગલું માંડવું છે.” પ્રકૃતિદેવીના નિર્મળ શબ્દોએ મારા જીવનને નવી દિશા તરફ આગળ વધવાનો પ્રાણ ફૂંકયો.

બે હાથ જોડી નતમસ્તક થઈ જન્મ સમયે રડતાં નાનકડાં શિશુની માફક હું ખૂબ રડ્યો. રડવાના લીધે મારુ મસ્તિષ્કમાં રહેલો ભુતકાળનો ભાર ઉતરી ગયો. પ્રકૃતિદેવીની સૂચના મુજબ નવજીવન તરફ પ્રથમ પગલું ભરવા હું તૈયાર થયો.

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Leave a Reply