Dr. Vishnu M. Prajapati

માસ્ક

‘ધારુ, આજે તો તારે મારા ઘરે આવવું જ પડશે.’ શાકભાજીવાળાને ત્યાં ધારીત્રીને જોઇને તેની જુની સખી સરિતાએ આગ્રહપૂર્વક કહ્યું.

‘ના સરિતા… પછી ક્યારેક…!!’ ધારીત્રીએ પોતાના ચહેરાને માસ્કથી વધુ ઢાંકતા કહ્યું.

‘આ તારુ પછી… પછી બહુ થયું…. આજે તો તને તારા ઘરે જવા જ નહી દઉં…! ઘરે ગણેશજીની સ્થાપના કરી છે, તેની પ્રસાદી પણ તારે લઇ જવાની છે.’ સરિતા અગાઉ પણ અનેકવાર ધારીત્રીને આગ્રહ કરી ચૂકી હતી પણ તે ક્યારેય તેના ઘરે નહોતી આવતી.

‘આ કોરોના ચાલ્યો જાય પછી આવીશ…બસ… પ્રોમિસ…!! હમણાં સોશિયલ ડિસ્ટન્સ હોં….!!’ ધારીત્રીએ તેના શાકની બેગ ભરી અને પૈસા આપવા પાકીટ બહાર કાઢ્યું.

‘બેન… કોરોના તો જવાનો જ નથી હોં…!’ શાકવાળાએ બન્ને સખીની વાતોની વચ્ચે વણમાગી સલાહ આપી દીધી જે સરિતાને ન ગમ્યું.

‘તું માસ્ક બરાબર પહેરી રાખીશ તો કોરોના શું એનો પડછાયો’ય નહી રહે….!’ સરિતાએ માસ્ક પહેર્યા વગરના શાકભાજીવાળાને ધારદાર ટકોર કરી દીધી અને તેને તરત જ પોતાનું માસ્ક પહેરી લેવું પડ્યું.

‘મિચ્છામી દુક્કડમ…!’ કહીને શાકભાજીવાળાએ પોતાના ખીસ્સામાં રાખેલું માસ્ક બરાબર રીતે પહેરી લીધું.

‘આ ખરુ લાયા હો… મિચ્છામી દુક્કડમ…!!! ભૂલ કરીને મનને મનાવી લેવા કે છટકી જવા આ પ્રથા થઇ ગઇ છે.’ સરિતાએ તેનો અંદરનો રોષ શબ્દોથી ઠાલવી દીધો.

‘પણ.. માફી માંગી તો લે છે… એટલું તો સારું છે ને…??’ ધારીત્રીએ શાકભાજીવાળાનો પક્ષ લીધો તો શાકભાજીવાળાએ દસ રુપિયાનું વણમાગ્યું ડિસ્કાઉન્ટ આપી દીધું.

કોલેજમાં સાથે ભણતી ધારીત્રી અને સરિતાના લગ્ન એક જ શહેરમાં થયા હતા. સરિતા વધુ સુખી સંપન્ન અને ધારીત્રી અનેક આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સરિતા તેને મદદ કરવા ઘણી કોશિશ કરતી પણ પોતાની દરીદ્રતા છતી ન થાય તે માટે ધારીત્રી તેનાથી અંતર જાળવી રાખતી હતી. ધારીત્રીને સરિતાથી કોઇ ઇર્ષ્યા કે દ્વેષ નહોતો પણ હવે બન્ને સામાજિક અને આર્થિક સ્તરથી જુદા પડી ગયા હતા એટલે તે સંકોચ અનુભવતી હતી.

ધારીત્રીએ જલ્દી જલ્દી પગપાળા ચાલવાનું શરૂ કર્યુ પણ સરિતાએ તેનો હાથ પકડી તેના સ્કૂટર પર બેસી જવા કહ્યું, ‘ધારુ, તને તારા ઘરે મુકી જઉં.. ત્યાં સુધી થોડી વાતો થશે…. બેસ પાછળ.’

અનિચ્છાએ ધારીત્રી પાછળ બેસી. સરિતાએ પોતાના સુખની હેલીઓ સાથે સ્કૂટરની રફતાર વધારી અને પાછળ બેઠેલી ધારીત્રી તેને સાંભળીને ફક્ત હકારમાં માથુ હલાવી રહી હતી.

સરિતાએ સ્કૂટર પોતાના ઘર તરફ વાળ્યું અને ધારીત્રીને હવે તેના ઘરે ફરજિયાત જવા માટે બાંધી દીધી.

ધારીત્રીએ તેના સાવ તૂટી ગયેલા ચંપલ બહાર ઉતાર્યા અને શાકની થેલી બગલમાં દબાવી આલિશાન મકાનના સફેદ ચકચકિત ફર્શ પર સંકોચ સાથે પગ મુક્યા.

મુલાયમ સોફા અને દિવાલો પર મોંઘા ચિત્રો બધુ ધારીત્રી વારંવાર જોઇ રહી હતી.

‘હવે તો માસ્ક ઉતાર… ધારુ…!!’ સરિતા કોલેજના સમયથી તેને ધારુ કહીને જ બોલાવતી.

‘અરે ના… ના….!! મારે મોડું થાય છે…!’ એમ કહી ધારીત્રીએ તો માસ્કથી વધુ ચહેરાને ઢાંકી દીધો અને ઉભી પણ થઇ ગઇ.

‘અરે બેસ તો ખરી….!!’

‘ઘરે જઇને જમવાનું બનાવવાનું અને ઘરકામ પણ બાકી છે…!!’ ધારીત્રી જલ્દી જવા ઉતાવળ કરી રહી હતી.

સરિતા તેની ઉતાવળ સમજી ગઇ એટલે તે જલ્દી એક રૂમમાં ગઇ અને થોડીવારમાં જ થોડા મીઠાઇના બોક્સ અને સાથે શરબતનો ગ્લાસ ભરીને લાવી. ‘આજે આટલી મારી મહેમાનગતિ માણી લે પછી હું તને મુકી જઇશ…!!’

ધારીત્રીએ ઉભા ઉભા જ શરબતનો ગ્લાસ હાથમાં લીધો અને સરિતાથી સહેજ ત્રાંસી થઇને પોતાનું માસ્ક સહેજ નીચુ કરીને કાચના ગ્લાસને મોંએ અડાડ્યો.

આ સમયે જ સરિતાની નજર ધારીત્રીના માસ્કથી સહેજ ઉઘાડા થયેલા ચહેરા પર પડી. ‘તને ગાલ પર શું થયું છે, ધારુ…!!’

‘અરે.. એ તો આ માસ્ક પહેરી રાખવાથી એલર્જી…!!’ ધારીત્રીએ ચહેરાનો ખુલ્લો થયેલો ભાગ સંતાડતા કહ્યું.

સરિતાએ તેની તરફ આગળ વધતા કહ્યું, ‘હેં.. માસ્કની એલર્જી…?? લાવ મને બતાવ…!’

‘અરે ના…!!’

પણ સરિતાએ આખરે બળજબરીથી ધારીત્રીનું માસ્ક નીચે કર્યુ… અને ત્યાં જ ધારીત્રીની આંખો પાણીથી ભરાઇ ગઇ…!!

‘ઘારુ.. હું એટલી સાવ નાસમજ નથી કે એલર્જી અને મારના ઉઠેલા સોળનો ફરક ન સમજી શકું…!! બોલ તારો ધણી તને મારે છે’ને..?’ સરિતાના વ્હાલસોયા શબ્દો અને પહેલીવાર કોઇએ તેનું દર્દ જોઇ લીધું એટલે ધારીત્રીના આંખમાંથી આંસુની ધાર થઇ ગઇ. આંખના આંસુ ધીરે ધીરે છેક ગાલ પર પ્રસરતા તેની ખારાશથી ગાલે પડેલા સોળમાં ચચરાટી વધવા લાગી. સરિતા તેનું દર્દ સમજી ગઇ હતી એટલે તેને હાથ પકડીને સોફા પર બેસાડી અને તેની પીઠ પર હાથ ફેરવ્યો.

‘લૉકડાઉનમાં ધંધો બંધ છે એટલે શરાબ અને જુગારની લત લાગી ગઇ છે… કાલે તેને મારી સોનાની બુટ્ટી લેવા મારામારી કરી અને….!!’ ધારીત્રીના શબ્દો રોકાઇ ગયા અને હિબકાં શરૂ થયા….. પછી તો ધારીત્રીના હિબકાની સાથે વહેતા આંસુ અને તેના ગાલ પર ઉઠેલા જાંબુડી રંગના ભારેખમ આંગળીઓના સોળ જ તેની વ્યથા બયાન કરતા હતા..!

સરિતા તરત જ કોઇ ટ્યુબ લઇ આવી અને ધારીત્રીના ગાલ પર તે દવા તેને જાતે જ લગાવી આપી. દર્દ વહેંચીને હળવું થયાનો કે મલમની ઠંડી અસર ધારીત્રીની આંખમાં વર્તાઇ. તે થોડીવારમાં જ સ્વસ્થ બની અને માસ્ક ફરી મોં પર લગાવતા કહ્યું, ‘આપણે સ્ત્રી છીએ એટલે માસ્ક પહેરીને ઘાવ દબાવી રાખવાના અને જીરવી પણ જવાના…!!’

ધારીત્રીના આ શબ્દો પછી બન્ને બહેનપણી વચ્ચે શૂન્યવકાશ સર્જાઇ ગયો. નિ:શબ્દ સંવેદનાઓ બન્ને તરફ વહી રહી હતી અને દુ:ખને વહી જવા થોડો ઢાળ મળે એટલે તે વહી જતુ હોય છે અને અત્યારે ધારીત્રીનું દુ:ખ ધીરે ધીરે સરિતાના વ્હાલના ઢાળ તરફ વહી રહ્યું હતું.

થોડીવાર પછી સરિતાએ મીઠાઇના બોક્ષ આપતા કહ્યું, ‘ગણપતિબાપાની પ્રસાદી છે… તારે લેવાની જ છે.’ ધારીત્રી ના કહી શકે તેમ નહોતી એટલે તે સ્વીકાર્યુ તેને પોતાનું માસ્ક સરખું કરીને બહારની તરફ પગ વાળ્યાં.

સરિતા ધારીત્રીને છેક તેના ઘર સુધી મુકીને આવી.

કોરોનાના સંક્રમણને લીધે બહારથી ઘરે પરત ફરતા નાહી લેવું તે સરિતાનો નિત્યક્રમ હતો એટલે તે સીધી જ બાથરૂમમાં ગઇ. સરિતાએ પોતાના વસ્ત્રો ઉતારી ગરમ પાણીની છાલક શરીર પર છોડી….. અને ત્યાં જ પોતાની પીઠ પર ઉઠેલા સોળ પર ગરમ પાણી પડતા તેના મનમાંથી ઉંહકારો નીકળી ગયો….. ‘તું મારા ઘરમાંથી બહાર નીકળી જા… મને તું ગમતી નથી….!!’ વર્ષોથી બેડરૂમના બંધ બારણાની અંદર પોતાની પીઠ પર ઉઠેલા ગઇ રાતના તાજા સોળ સરિતાને આજે કાયમની જેમ વધુ દર્દ સાથે તડપાવવા લાગ્યા…!!

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply