SHORT STORIES / लघु-कथाए

રૂપસુંદરી

‘એ રૂપસુંદરી આટલી તકલાદી હશે એની મને શી ખબર ?’

”હૈયે હાથ મૂકીને જવાબ આપ, દીકરા! અમારી સલાહ ખોટી હતી? પૂરેપૂરો પરફેક્ટ પ્લાન બનાવીને એ પદમણીએ તને પાંજરામાં પૂર્યોે હતો, એ હકીકત હવે તો સમજાય છેને તને?”

”અત્યારે કોણ હશે?” બાસઠ વર્ષનો સુરેશ સોની સેટેલાઈટ એરિયાના આલિશાન બંગલામાં રહેતો હતો. રાત્રે બાર વાગ્યે ડોરબેલનો અવાજ સાંભળીને એ ભડક્યો. એનો બેડરૂમ નીચેના માળે જ હતો. પલંગ પર બાજુમાં સૂતેલી પત્નીના નસકોરાં બોલતાં હતાં. બત્રીસ વર્ષના દીકરા નિકુંજનો બેડરૂમ પહેલા માળે હતો. પરંતુ તીવ્ર હતાશામાં ફસાયેલો એ એકનો એક દીકરો અત્યારે એના લેપટોપ ઉપર કોઈ ફિલ્મ જોતો હશે. એ દુખિયારો એના રૂમમાં જાગતો હશે તોય નીચે આવીને બારણું નહીં ખોલે, એ ખાતરી હતી એટલે પોતે જ ઊભા થઈને બારણું ખોલવું પડશે.

કંટાળા સાથે સુરેશ પલંગમાં બેઠો થયો. જાણે ધરપત ના હોય એમ આગંતુક બેલ વગાડી રહ્યો હતો. ડ્રોઈંગરૂમમાં આવીને સુરેશે લાઈટ કરી. વીસ બંગલાની આ સોસાયટીમાં વાચમેન અને સીસીટીવી કેમેરા માટે વાટાઘાટો થતી હતી પણ હજુ કંઈ ફાઈનલ નહોતું થયું. ઘરમાં પોતાના બેડરૂમની તિજોરીમાં જે દલ્લો રહેતો હતો એની સલામતી માટે બંગલામાં સાગના મુખ્ય બારણા પછી લોખંડનું જાળીવાળું બારણું પણ લગાડેલું હતું. રોજ રાત્રે લોખંડના બારણાંને અંદરથી તાળું માર્યા પછી લાકડાનું બારણું સુરેશ ધામકતાપૂર્વક જાતે બંધ કરતો હતો. પોતાની પત્ની કે ડિપ્રેશનમાં ડૂબેલા દીકરા ઉપર આ વાતમાં એને વિશ્વાસ નહોતો.

હાથમાં ચાવી લઈને એણે પહેલું બારણું ખોલ્યું. લોખંડના જાળીવાળા બારણાં પાસે ઊભેલી વ્યક્તિને જોઈને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

”જલ્દી બારણું ખોલ.” ગાળ બોલીને બાબુ ટાઈગરે આદેશ આપ્યો. ”બારણું ખોલવામાં આટલી વાર? અત્યારમાં ઘોંટી ગયો હતો?”

”તું અહીં કેમ આવ્યો?” બારણું ખોલ્યા વગર સુરેશે પૂછયું તો ખરું પણ બોલતી વખતે એનો અવાજ ગભરાટથી ધૂ્રજતો હતો. ”મારું ઘર કઈ રીતે શોધ્યું?”

”પહેલા બારણું તો ખોલ,(ગાળ)” બાબુ ચિડાયો. ”શરીર ઉપર ક્યાં મારીએ તો શ્વાસ સૂનમૂન થઈ જાય,એ શોધી કાઢનાર શેતાનને તારા જેવા શેઠિયાનું ઘર શોધવામાં કેટલી વાર લાગે?” સુરેશના ગૂંચવાયેલા ચહેરા સામે જોઈને એણે પૂછયું. ”તું ખોલીશ કે બારણું તોડી નાખું?”આ ગોરીલો બારણું તોડી શકે એ હકીકતનું સુરેશને ભાન હતું. ત્રણ ખૂન કરીને પણ દરેક વખતે પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જનારો આ ક્રૂર હત્યારો ધારે તે કરી શકે. સુરેશે ચૂપચાપ બારણું ખોલ્યું.

આ ગોરીલો બારણું તોડી શકે એ હકીકતનું સુરેશને ભાન હતું. ત્રણ ખૂન કરીને પણ દરેક વખતે પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જનારો આ ક્રૂર હત્યારો ધારે તે કરી શકે. સુરેશે ચૂપચાપ બારણું ખોલ્યું.ધૂળથી ખરડાયેલા બૂટ સાથે ડ્રોઈંગરૂમના સોફા પર બાબુ પગ પર પગ ચડાવીને બેઠો. જાણે પોતાનું જ ઘર હોય એટલા આરામથી એ બેઠો હતો. છ ફૂટ બે ઈંચની ઊંચાઈ અને વજન એકસો ચાલીસ કિલો જેટલું તો હશે. હાથીની સૂંઢ જેવા બંને હાથ એકબીજાની સાથે બીડીને એણે માથાની પાછળ ટેકવ્યા હતા. આછા વાદળી રંગનું અર્ધી બાંયનું ટિશર્ટ અને કાળું જિન્સ. કરડાકીભર્યો ચોરસ ચહેરો સૂર્યના તાપથી તાંબા જેવા રંગનો દેખાતો હતો.એના પર ચારેક દિવસની વધેલી દાઢીના સફેદ કોંટા ચહેરાની ભયાનકતામાં વધારો કરતા હતા. શિકારી કૂતરા જેવી આંખો ઝીણી કરીને એ ચારે બાજુ નજર ફેરવી રહ્યો હતો.

”તું નસીબ લઈને જન્મ્યો છે,શેઠ!” ફિલસૂફની જેમ બાબુ બબડયો. ”જીવના જોખમે હું માલ લાવી આપું, એના માંડ વીસ ટકા આપીને તું તારી તિજોરી ભરે છે. આલિશાન બંગલામાં તારે જલસા છે ને મારે ઘોલકી જેવા ઘરમાં રહેવાનું.એ પણ આઠ-દસ મહિના.બાકીના દિવસો તો જેલની કોટડીમાં વીતાવવા પડે.”

સુરેશનું ગળું સૂકાતું હતું. બાબુ ટાઈગરનો ચોરીનો માલ પોતે કાયમ ખરીદતો હતો પણ એ સોદા તો માણેકચોકની દુકાનમાં જ થતા હતા. આ માણસ આ રીતે પહેલી વાર ઘર શોધીને શા માટે આવ્યો હશે? મનમાં ફફડાટ હતો છતાં હિંમત કરીને એણે પૂછયું. ”કામ શું છે? જલ્દી બોલ અને ફટાફટ ભાગ.”

”તારા કરતા મારે વધારે ઉતાવળ છે,અડબંગ! અમદાવાદ છોડીને કાયમ માટે મુંબઈ જવાનું છે.ત્યાં દીકરી-જમાઈ કોઈ ફ્લેટમાં સિક્યોરિટીમાં સેટિંગ કરી આપશે.”

આટલા ટેન્શન વચ્ચે પણ સુરેશ હસી પડયો. ”આખી જિંદગી ચોરીચપાટી અને ખૂનખરાબામાં કાઢી હોય એ માણસ ચોકીદાર? તને ચોકીદાર તરીકે રાખશે કોણ?”

”એ બધી ગોઠવણ જમાઈ કરવાનો છે.મારો દેખાવ જોઈને પેલા લોકો તરત નોકરી આપી દેશે.” સુરેશની આંખોમાં આંખો પરોવીને એણે આદેશ આપ્યો. ”તું દસ લાખ રૂપિયા ઢીલા કર.અત્યારે જ ભાગવાનું છે.”

”દસ લાખ?” સુરેશનો અવાજ તરડાઈ ગયો.”ગાંડો થઈ ગયો છે તું? ઘરમાં પાંચ-છ હજાર પડયા હશે.” ધંધાદારી સમજ સાથે એણે સ્પષ્ટતા કરી.”માલની સામે તરત પૈસા આપું છુંને? આ નિયમ કેમ ભૂલી ગયો?તારા જેવા છાપેલા કાટલાને દસ લાખ શા માટે આપું?”

બાબુને અત્યારે ગરજ છે એ જાણીને સુરેશે સખ્તાઈથી કહ્યું. ”એક તો અડધી રાત્રે ઘેર આવવાની મૂર્ખામી કરી છે અને માલ વગર પૈસા માગે છે?”

બે ગાળ બબડીને બાબુ ઊભો થયો. પેન્ટના ખિસ્સામાંથી મેલોઘેલો રૂમાલ કાઢયો. જાણે જાદૂ કરતો હોય એમ ટિપોઈ ઉપર એણે રૂમાલ ખોલ્યો ત્યારે સુરેશની આંખો ત્યાં સ્થિર થઈ ગઈ.ચાલીસ વર્ષથી ઝવેરાતના ધંધામાં હોવાથી એની આંખ ભૂલ કરે એ સંભવ નહોતો.દસેક તોલાની જાડી ચેઈનમાં વચ્ચે એક પાનનો આકાર મધ્યમાં હતો અને એની બંને તરફ બીજા ત્રણ ત્રણ પાન બનાવેલા હતા.એ સાતેય પાનમાં જે હીરા જડેલા હતા. એ નેકલેસની ચમક સામે એ તાકી રહ્યો.અઠ્ઠ્યાવીસ નાના હીરાઓની વચ્ચે સાત લાલ રૂબી અને સાત લીલા પન્ના અદ્ભૂત કારીગરીથી જડેલા હતા.

એણે બાબુ સામે જોયું. એ પોતાની સામે આશાભરી નજરે તાકી રહ્યો છે,એનો ખ્યાલ આવ્યો એટલે એણે પૂછયું. ”આટલો મોંઘો માલ ક્યાંથી લાવ્યો? આ તો સળગતું લાકડું કહેવાય. આને શોધવા માટે તો પોલીસ આકાશ-પાતાળ એક કરે.” લગીર સખ્તાઈથી એણે પૂછયું. ”સાચું બોલ.આ નેકલેસ ક્યાંથી ઉઠાવ્યો?”

”હું નાનો ચોર ને તું મોટો ચોર એટલે ઉઘાડા થવામાં મને કોઈ શરમ નથી. મોભો નડે એટલે તારે બ્લાઈન્ડમાં રમવું પડે, પણ મારી બાજી ખુલ્લી છે.” બાબુના અવાજમાં નિખાલસતા હતી. ”મને મુંબઈ બોલાવવા માટે દીકરી ધમપછાડા કરે છે. એ બાપડીને એમ કે મારો બાપ અમદાવાદમાં પોલીસની બીકથી ઉચાટમાં જીવે એના કરતા મુંબઈ આવીને શાંતિથી નોકરી કરે તો સારું. મારા માટેની એવી ચિંતામાં એ રોજ ફોન કરે છે. પણ એકની એક દીકરીના ઘેર ખાલી હાથે ના જવાય એ હું સમજું છું. એકાદ મોટો હાથ મારીને દીકરી માટે દલ્લો લઈને જવાની મારી ગણતરી હતી. એ માટે દસ દિવસ મથ્યો એમાં આજે મેળ પડી ગયો.”

સુરેશ શ્વાસ રોકીને સાંભળતો હતો. એની સામે જોઈને બાબુ બોલતો હતો.

”અમદાવાદમાં સારામાં સારા દાગીના ક્યાં મળે? એસ.જી.હાઈવે પરની ક્લબમાં કોઈ માલેતુજારના લગ્ન હોય ત્યારે બધી શેઠાણીઓ હરીફાઈમાં ઊતરીને દાગીનાથી લથબથ થઈને આવે. ગાડીમાં આવવાનું હોય એટલે એમને લૂંટાવાની કે ચેઈન સ્નેચિંગની ચિંતા ના હોય. પાર્કિંગમાં કોઈ મોટી ગાડીની પાછળ લપાઈને ધીરજથી બેસીને રાહ જોવાની મારી કાયમી આદત છે. કેમેરાની ઝંઝટ પણ ત્યાં અંધારામાં ના નડે. છવ્વીસેક વર્ષની પરી જેવી રૂપાળી શેઠાણીની લાંબી પતલી ગરદનમાં દૂરથી જ આ નમૂનો જોયો કે તરત નક્કી કરી લીધું કે આજે આ હાર મારો. એની જોડે રૂડોરૂપાળો સુટેડબુટેડ મુછ્છડ યુવાન હતો. એનું શું કરવું એ વિચારતો હતો એ જ વખતે ભગવાને મારી અરજ સાંભળી. ચાર-પાંચ યુવતીઓનું ટોળું આવ્યું. ઋષિકુમાર.. ઋષિકુમાર..એમ કલબલ કરતી એ છોકરીઓ પેલા હીરોને ઘેરી વળી.આ વાત પેલી શેઠાણીને ગમી ના હોય એમ એ પાકગની બીજી લાઈન તરફ એકલી આગળ વધી. અંધારું હતું એનો મને લાભ મળ્યો.ગરોળી લપકીને જીવડાને પકડી લે એમ મેં એને પકડી લીધી.”

પોતાનો થાળી જેવડો પંજો ગર્વથી ઊંચો કરીને એણે સુરેશને બતાવ્યો.

”એનું મોઢું જમણા હાથના આ શિકારી પંજાથી દબાવીને હું ઉભડક પગે બેઠો હતો ને પેલી મારા પગ પાસે ફસડાઈ પડી હતી.ચીસાચીસ ના કરે એ માટે એનું મોઢું જોરથી દબાવી દીધેલું.એ બાપડીના કરમની કઠણાઈ એવી કે એ જ વખતે પેલા ટોળાની પાસે બે પોલીસ ઈન્સ્પેક્ટર આવીને વાતો કરવા લાગ્યા.આ છોકરી ભૂલેચૂકેય અવાજ ના કરે એટલે હાથના પંજાની ભીંસ વધારતો રહ્યો.ડાબા હાથે આ દાગીનો કાઢીને ખિસ્સામાં મૂક્યો.આ પાંચ-સાત મિનિટના ખેલમાં એના શ્વાસ ક્યારે અટકી ગયા એની મને ખબર પણ ના પડી!”

એના ખવીસ જેવા ચહેરા પરની ઠંડી ક્રૂરતા સામે સુરેશ ફાટી આંખે તાકી રહ્યો.

”સાચું કહું છું, શેઠ, એને મારવાનો કોઈ ઈરાદો નહોતો. એ રૂપસુંદરી આટલી તકલાદી હશે એની મને ક્યાંથી ખબર હોય? એને ત્યાં પડતી મૂકીને ગાડીઓની લાઈનની પાછળ ચાર પગે ચાલતો આગળ સરકી ગયો. ખાસ્સો દૂર પહોંચીને બહાર નીકળ્યો ને રોડ પરથી બાઈક મારી મૂકી. સીધો તારા ઘેર.”

સુરેશે નેકલેસ હાથમાં લઈને ચકાસ્યો. હવે એના અવાજનો રણકો બદલાઈ ગયો હતો. ”બાબુ, વર્ષોનો સંબંધ છે એટલે તને મદદ કરવી પડે.” એણે બાબુના ખભે હાથ મૂક્યો. ”કોઈ હાથચાલાકી કર્યા વગર ચૂપચાપ બેસ. હું આવું છું.”

પોતાના રૂમમાં જઈને સુરેશે નેકલેસ તિજોરીમાં મૂક્યો અને બે હજારની નોટના પાંચ બંડલ બહાર કાઢયા. એ લઈને એ બાબુ પાસે આવ્યો. ”તારી દીકરીનું તેં કહ્યું એટલે મદદ કર્યા વગર છૂટકો નથી. આ દસ લાખ ખિસ્સમાં મૂક અને ભાગ. પોલીસતપાસનો ધમધમાટ ચાલુ થાય એ પહેલા જે પહેલી ટ્રક મળે એમાં બેસીને દીકરીના ઘેર પહોંચી જા. ભાગ.”

દસ લાખ રૂપિયા ખિસ્સામાં ઠાંસીને આભારવશ બાબુએ સુરેશ સામે હાથ જોડયા અને આવ્યો હતો એ જ રીતે રવાના થઈ ગયો.

બારણું બરાબર બંધ કરીને સુરેશ સોફા પર બેઠો. વિચારમગ્ન દશામાં બે મિનિટ બેસી રહ્યા પછી એ હળવે રહીને ઊભો થયો. ધીમા પગલે સીડી ચડીને એણે પુત્રના ઓરડા સામે જોયું. અંદર લાઈટ ચાલુ હતી એટલે એણે ધીમેથી બારણું ખખડાવ્યું.

લેપટોપ પર નેટફ્લિક્સ જોઈ રહેલા નિકુંજે બારણું ખોલ્યું. પપ્પાને સામે ઊભેલા જોઈને એને નવાઈ લાગી. પ્રશ્નાર્થ નજરે એ આશ્ચર્યથી બાપ સામે તાકી રહ્યો.

”માત્ર બે મિનિટ તારી સાથે વાત કરવાની છે. ધ્યાનથી સાંભળ.” પલંગ પર બેસીને સુરેશે ઠંડકથી કહ્યું. નિકુંજ હજુ અચરજમાં જ ડૂબેલો હતો.

”સાંભળ. મેં અને તારી બાએ હજારવાર ના પાડેલી, તોય ઉપરવટ જઈને તું એ રૂપાળીને પરણ્યો. એને આ બંગલામાં લાવ્યો ત્યારે માત્ર તારા સુખ ખાતર અમે એને આવકાર આપીને સ્વીકારી લીધી. આપણા શારૂમ માટે સાત પાનની ડિઝાઈનવાળો ત્રીસ લાખનો જડતરનો નેકલેસ હું દુબઈથી લાવેલો. એ રૂપાળીને આપવા માટે તેં એ માગ્યો ને મેં કાચી સેકન્ડમાં આપી દીધેલો. તમે બંને રાજીખુશીથી રહો એનાથી વિશેષ અમારે શું જોઈએ? આટલી સુખસાહ્યબી હોવા છતાં,લગ્નના એક વર્ષ પછી એણે તારી જોડે ઝઘડા શરૂ કર્યા અને બધા દાગીના લઈને ઘર છોડીને ભાગી ગઈ. એ પછી આપણી પાસેથી પંદર કરોડ ઓકાવવા એણે છૂટાછેડાનો દાવો કર્યો, એના માટે તારા કોર્ટના ધક્કા ચાલુ છે, અને એ નખરાળી તો ટીવીના નાટકિયા ઋષિકુમાર જોડે ખુલ્લેઆમ રખડીને જલસા કરે છે. એ વાતની તો બજારમાં પણ બધાને ખબર છે.”

બાપ બોલતો હતો.પુત્ર ચૂપચાપ સાંભળતો હતો.

”હૈયે હાથ મૂકીને જવાબ આપ, દીકરા! અમારી સલાહ ખોટી હતી? પૂરેપૂરો પરફેક્ટ પ્લાન બનાવીને એ પદમણીએ તને પાંજરામાં પૂર્યોે હતો, એ હકીકત હવે તો સમજાય છેને તને?”માથું હલાવીને નિકુંજે પિતાની વાતમાં સંમતિ આપી.

”નાઉ રિલેક્સ. ઉપરવાળાના ન્યાયમાં કોઈ કચાશ ના હોય. અહીંની કોર્ટ કોઈ ફેંસલો કરે એ અગાઉ ઈશ્વરે તારા કેસનો ચુકાદો આપી દીધો છે, બેટા! એ પણ આપણી તરફેણમાં ! અત્યારે મોડું થયું છે. હવે તારે ઊંઘની ગોળી લેવાની કોઈ જરૂર નથી. તમામ ચિંતા છોડીને આરામથી ઊંઘી જા, સવારે આખી વાત આરામથી સમજાવીશ.”

પપ્પા જે બોલ્યા એનો પૂરો અર્થ સમજાયો નહોતો. એ છતાં, એ જે કહે એમાં સચ્ચાઈ હોય છે એની હવે નિકુંજને ખબર પડી ગઈ હતી. એના માથા પર હાથ મૂકીને સુરેશ ઓરડામાંથી બહાર નીકળી ગયો.

લેપટોપ ઓલવીને નિકુંજ પલંગમાં લાંબો થયો. દીકરીના ઘેર જવા માટે હાઈવે પરથી બાબુ ટ્રકમાં બેસી ગયો હતો. પુત્રની પરેશાનીથી વ્યથિત પિતાને પણ એ રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

ક્રાઈમવૉચ – મહેશ યાજ્ઞિાક

સૌજન્ય: https://www.gujaratsamachar.com/news/magazines/shatdal-magazine-mahesh-yagnik-crime-watch-04-march-2020

Leave a Reply