SHORT STORIES / लघु-कथाए

સપ્તમે સખા

“અરે મીરાં, તમારો હાથ તો આપો.. કે મને મિત્ર નથી બનાવવો?? હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા..” ને માધવરાય પોતે જ હસી પડ્યા..

અચકાતા અચકાતા મીરાબહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમને બાંધી દીધો..

“ફ્રેન્ડસ..” મીરાબહેન સામે જોઇને આવું કહીને તેઓ હસી પડ્યા..

અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઉભા હતા..

“કેમ મારા દીકરા!! માર ગુરુ.. આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હોં..”અધ્યાય તરત બોલ્યો,

“મેં શું શીખડાવ્યું પપ્પા.. કંઇક ફોડ પાડીને વાત કરો તો સમજાય..”

“હા..હા..હા.. બેસો બેસો અહીં..” કહીને સોફા તરફ ફરીને માધવરાય બેઠા.. મીરાબહેન, અંગિકા અને અધ્યાય પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા..

“હું બહુ નાનો હતો ત્યારે મારા માતા-પિતાના સંબંધોને જોતો.. બાપુજી હમેશા બાને માન આપતા.. પત્ની તરીકેનું માન ! તેમનો સંબંધ બહુ સુંદર હતો.. પરંતુ એ બંને ફક્ત પતિ-પત્ની જ હતા.. મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા.. એ પણ ઈંગ્લીશ મીડ્યમમાં.. એક વાર બાપુજી કંઇક દુકાનનો હિસાબ કરતા હતા.. ગોટાળો થયો.. બા બાજુમાં જ હતા.. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય.. ખબર નહીં બાપુજીને શું થયું કે બાને જાપટ જીકી દીધી.. હું મારા ઓરડામાં ઉભો ઉભો આ જોતો હતો.. હબકી ગયો.. ને દીકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે.. “મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો.. સલાહકાર, મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો રસીલા..”

ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે.. માર્ગદર્શક ના બની શકે.. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં. તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દીકરા.. હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું મારામાંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું કે ખુશ થાઉ ખબર નથી પડતી.. કદાચ આ તારી માંના જ સંસ્કાર હશે દીકરા.. તને સ્ત્રીનું સન્માન કરતા અને તેને સખી સમજતા શીખવ્યું હશે તેણે..!!

આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તને રસોડામાં જોયો હતો.. વહુની મદદ કરતા.. એ પછી તેને સેન્ડલ પહેરાવતાં.. એ સમયે આ દ્રશ્યો જોઇને તો લોહી ઉકળી ગયેલું.. પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું તું કરતો હતો એ સાચું જ હતું.. હું કરું છું એ ખોટું છે.. દુકાનમાં બેઠો હતો ત્યારે આ તમારા ફ્રેન્ડશીપ ડેના બધા પોસ્ટર વાંચ્યા.. એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું.. “સપ્તમે સખા”

પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન.. તેના મિત્ર બનીને રહેવાનું એ વચન.. એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ.. મેં કરેલાં બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઇને અભિમાન થયું.. બસ ત્યારે જ આ બેલ્ટ લીધો.. અને તારા મમીને પહેરાવવાનું વિચાર્યું.. મંગળસૂત્ર અમારા સુખી લગ્નજીવનની નિશાની છે એમ આ બેલ્ટ હવે અમારા સખાભાવની નિશાની બનશે..”

મીરાબહેન તો આ સાંભળીને રડી જ પડેલા.. માધવરાયનું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું..

“અરે હા છોકરાઓ.. તમે બંને અહીં આવો.. મોટાના ઘરે તો જઈ આવ્યો.. તમે બેય બાકી છો.. એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ્સ જોઇને ખુશ થયેલો.. કહેતો હતો કે હું ને મીરાં ક્યારે એના ઘરે જઈએ છીએ હવે.. બહુ યાદ કરતો હતો..
ચાલો તમે અહીં આવો.. બંનેને આ બેલ્ટ બાંધી આપું..

આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું.. સંબંધને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય.. જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય.. સ્વાર્થ નહીં. આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું.. કેમ વહુ બહેનપણી બનશો ને મારા”

સસરાજીના મુખેથી આવું સાંભળીને અંગિકાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું.. એ પછી અંગિકા અને અધ્યાયને એ બેલ્ટ બાંધી માધવરાયે એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું..એ જ રાતના લગભગ બાર વાગ્યે ઊંઘ ના આવતા હિંચકે બેઠેલા મીરાબહેન પાસે માધવરાય આવ્યા..

“હું એક હજુ વાત કહેતા તો તને ભૂલી જ ગયો મીરાં..”

મીરાબહેન અચાનક માધવરાયને જોઈને ફરી અચંબિત થઇ ગયા.. “બોલો ને સાહેબ..”

“બસ આ જ.. હવેથી તારે મને સાહેબ નથી કહેવાનું.. આજથી હું તને સખી કહીશ અને તું મને સાથી.. તું મારી સંગિની છે, અને આજથી સખી પણ બની છે.. મારી જીવનસખી.. આખી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે.. આ સાતમું વચન આ ઉમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો.. મારી સખી.. મારી સંગિની..”

ને પાંસઠ વર્ષનાં મીરાબહેન બધું ભૂલીને પોતાના અડસઠ વર્ષના પતિને-સખાને-સાથીને વળગી પડ્યા..!!!!!

-અજ્ઞાત 

Leave a Reply