SHORT STORIES / लघु-कथाए

તોડી

” અમે તને ના પાડી હતી તો પણ તું બે મહિને મળવા આવી ગઈ.તારે તો બાર મહિને એક વાર આવવું. હવે તારી સાસુને કોણ જવાબ આપશે ? એતો માથાની ફરેલી છે . “

યુવાન દીકરીને એક વૃદ્ધ માતા ઠપકો આપી રહી છે. દીકરી નીચું માથું રાખીને બેઠી છે અને તેની આંખોમાંથી ડબ – ડબ આંસુ પડે છે. ખોળામાં રહેલું નાનું બાળક માનો ચહેરો જોઈને ગભરાયેલું છે. એક પગની તોડી (ઝાંઝર – પાયલ ) ક્યાંક ખોવાઈ ગઈ તેની ચિંતા છે . આખો પરિવાર તેને થપકો આપી રહ્યો છે.

” આ વરાહળાની એસટીયાંય નથી બળતી નકાય ડાલાંમાં ન આવવું પડે .” મા ફરીથી બોલી. ( આગળ કેબીન હોય અને પાછળ માલસામાન ભરાય તેવી ગાડીઓને કાંઠાના વિસ્તારમાં ડાલું કહે છે.)

થોડી વાર વાતાવરણ શાંત રહ્યું , ત્યાં નિસાસો નાંખતા મા ધીમા અવાજે બોલી ,
” મું તો કળદેવાંને સવા પચીની પરસાદીયે કર્યોશ પરી પણ મારી દીચરીની તોડી મળવી જોઈએ . એ… માતા …. માડી……. કોઈને બેલે આવી હોય તો આ કુંવાસીને બેલે આવજે …”

દીકરીની આંખોમાંથી આંસુ સુકાતાં નથી.
ભાભીએ સાંત્વના આપતાં કહ્યું ,
” બના…. રોવો મત ! કુંવાસીને આહુડાં પડાવ્યાનું પાપ શેણેય નહિ ધોવાય. એમ કરો મારી તોડીઓ લઈ લો . સાંજે તમારા ભાઈ આવશે ત્યારે વાત કરીશું તો એ ડાલાની ખબર પાડશે તો મળી જશે. “

“ના….ના…. ના… ભાઈને વાત ના કરતા.” ઘણા સમયથી મૂંગી બેઠેલી બેન બોલી , ” મારું દુઃખ હું ભોગવી લઈશ , ભાઈને ચિંતા ન કરાવતા . “

” ઘણા ગાડીવાળા ખાનદાન હોય છે તેમની ગાડીમાં ભૂલાયેલી વસ્તુને સાચવી રાખીને સાચા માલિકને પરત કરતા હોય છે .”

આવી ચર્ચાઓકરવામાં સાંજનો સમય થઇ ગયો. આખું કુટુંબ સાથે જમવા ભેગું થયું. દીકરીને જમવાની ઇચ્છા નથી છતાં બીજા લોકોને ચિંતા ના થાય તે માટે ભાણે બેઠી, થોડુંક ખાધું.આ બાજુ ડાલામાં શું ઘટના બની ?

બજારમાંથી પેસેન્જર ભરેલી ગાડી નીકળી. બધા પેસેન્જરો એકબીજા સાથે વાતો કરતા, પરિચય થતો. ઘરે આવવાના અધડા રસ્તાસુધીમાં તો બધા જ પેસેન્જરો એકબીજાના ઓળખીતા બની ગયા હોય છે. નવી પેઢીવાળા યુવાનીયાઓ કોઈની સાથે વાત કર્યા વગર મોબાઈલ ફોન સાથે ગડમથલમાં મૂંગા મો એ જ મુસાફરી કરતા હોય છે. ગાડી પેસેન્જર ઉતારતી ઉતારતી છેલ્લા સ્ટેશને પહોંચવા આવી . હવે બે- ત્રણ વડીલો જ બાકી રહ્યા.

આ વડીલોમાંથી એકનું ધ્યાન કોઈના તૂટીને પડેલા ઘરેણા તરફ ગયું. તેમણે આ ઘરેણું ઉપાડીને બધાને બતાવ્યું. ‘ આ તોડી કોની હશે ? ‘ તેની ચર્ચા થઈ. ડ્રાઈવરને પણ પૂછવામાં આવ્યું . કોઈને માલિકની જાણ ન થઈ એટલે બધા વડીલો ભેગા મળીને ગાડીમાંથી ઊતરેલા લોકોની યાદ અને ગણત્તરીઓ માંડી. આ ગણતરી દરમિયાન નક્કી થયું કે ફલાણા ગામની એક કુંવાસીને નાનું છોકરું તેડવા હતું અને તે પિયરમાં મળવા આવતી હોય એવું લાગતું હતું તેની જ આ તોડી હોવી જોઈએ.

આટલી ચર્ચાઓ થઈ ત્યાંતો છેલ્લું સ્ટેશન આવી ગયું . હવે શું કરવું જોઈએ ? તોડી કોને આપવી ? તેની પણ ચર્ચાઓ થઈ . બધા વડીલોએ ભગવા રંગની પાઘડી બાંધેલ એક વડીલને તોડી તોડી આપીને કહ્યું , ” બાપજી, તમારા ઉપર ભગવું બાનું છે . તમે આનો યોગ્ય ઉપાય કરજો. આ તોડી અત્યારે તમે લઈ જાઓ , થોડા દિવસ વાટ જો જો . જો કોઈ રણીધણી ન થાય તો ફરી ભેગા મળીને કાંઈક વિચારીશું. “

બાપજીએ કહ્યું , ” તમે ભગવા બાના પર વિશ્વાસ રાખીને આ તોડખો ( ઘરેણું) મને આપ્યો છે તો હું પણ કોઈકને પૂછીને પેલી બાઈ સુધી આ વસ્તુ પહોંચાડી દેવા મહેનત કરીશ.”

*****************************************

બીજા દિવસની સવાર થઇ. સૂરજદાદાએ સોનેરી કિરણો ધરતી ઉપર ફેલાવ્યાં . વલોણાના મધુર અવાજો ગુંજી રહ્યા છે. દીકરીને આખી રાત ઊંઘ નથી આવી તોય સવારે વહેલી જાગી ગઈ.

ઢોલિયા ઉપરથી નીચે પગ મૂક્યો ત્યાં એક પગના પાયલે ખણકારો કર્યો . દીકરી બાળપણના સ્મરણોમાં સરી પડી. પ્રથમ વખત જ્યારે પગમાં પાયલ પહેરેલાં તે દિવસો યાદ આવી ગયા. તે ચાલતીત્યારે તોડીઓની ઘૂંઘરીઓનો મીઠો અવાજ આવતો કેટલાય લોકો તેની સામે જોઈ રહેતા. નિશાળે ભણવા ગઈ તો પણ તોડીઓ પહેરીને ગઈ હતી અને પછી સાહેબે આવું બધું પહેરીને આવવાની ના પાડેલી.

આ બધા દિવસો એના માનસ પટ પરથી પસાર થવા લાગ્યા. “કેવા સોનેરી દિવસો હતા એ…કોઇ બંધન વગર પંખીની જેમ આકાશમાં ઊડવાનું…હે ભગવાન હવે આ જવાબદારીઓવાળી જિંદગીથી થાકી ગઈ છું. ” આવા વિચારો સાથે એક નિશાસો નાખ્યો.

નાના બાળકે ઉંહકારો કરતાં તેને ધવરાવવા ખોળામાં લીધું.

ભાઈ તોડી વિશે પૂછવા આવ્યો ત્યાં બેનના ખોળામાં ભાણિયાને ધાવતો જોઈ મર્યાદાસહ પાછો ફર્યો. બાળકને ઘોડિયામાં સુવડાવ્યું કે તરત જ ભાઈએ આવી પ્રશ્ન પૂછ્યો,
કઈ ગાડીમાં તોડી ખોવાણી બેન ? “

થોડી વાર વિચાર્યું કે ભાઈને કોણે કહ્યું હશે ? પણ તરત સમજાઈ ગયું કે ભાભીએ જ વાત કરી હોવી જોઈએ. હવે છૂપું રાખવાનો કોઈ અર્થ નથી . જવાબ આપ્યો,

” ધોળા ડાલામાં “

ભાઈએ મોબાઈલ ફોન કાઢીને ફટાફટ ગાડીના અનુભવી મિત્રોને વાત કરી , આ રૂટમાં કોને કઈ ગાડીઓ છે ? દશેક મિનિટમાં તો ડ્રાઇવરનું નામ, ગામ વગેરે મળી ગયાં.

ઉતાવળમાં મોબાઈલ ફોન ત્યાં જ મુકી દઈને બાઇકને કિક મારી તોડીની શોધમાં નીકળી પડ્યો. ગાડીવાળાને ઘેર જઈને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બાપજી પાસે તોડી છે. પવનવેગે ઉપડ્યો, બાપજીના ઘરે જઈને બાઈક સ્ટેન્ડ કર્યું.

બાપજીએ આવકાર આપ્યો. પાણીનો કળશિયો આપવા આવ્યા કે તરત જ બોલી ઉઠ્યો,

” બાપજી, આ ગામના બધા આગેવાનોને હું ઓળખું છું. તમે કહો તેને હાલ જ બોલાવી લાવું. આ ડ્રાઈવરને પણ સાથે જ લઈને આવ્યો છું. ગઈ કાલે તોડી મળી તે મારી બેનની છે એટલે મહેરબાની કરીને આપી દો. “

“અરે ભાઈ…. ઉતાવળ ન કરો. શાંતિ રાખો . ચા બને છે , ચા પીઓ . તમારી વસ્તુ હશે તો તમને મળી જશે.”

” હા, વસ્તુ મારી જ છે . તમે કહો તો જવેલરીવાળાનું બિલ લાવી આપીશ .”

” મારે બીલની જરૂર નથી , મેં કહ્યું હતું તે નિશાની લાવી છે ? “

” શાની નિશાની ? મેં કોઈ નિશાની લાવી નથી . તમે કહો તે દેવ આગળ ધૂપ ઉપાડવા તૈયાર છું ! છાનામાના તોડી આપી દો નહીંતર મારે બીજો રસ્તો લેવો પડશે “

ઉગ્ર ચર્ચાઓ થતાં શેરીઓમાં ચાલતા લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું.

ટોળામાંથી અવાજ આવ્યો,

” શું છે બાપજી ? શાનો કજીયો છે ? આ ભાઈ સાચો હોય તો તેની વસ્તુ તેને આપી દ્યો. નિશાનીની શી જરૂર છે ? ”
એટલા શબ્દો પુરા થાય ત્યાં તો આખા ટોળાએ ઘોઘાટ કર્યો,
” હા આપી દ્યો … આપી દ્યો….”

બાપજીએ જવાબ આપ્યો,

” સવારે ઊઠીને મેં ઘણા લોકોને ફોન કરીને આ તોડીના સાચા માલીકનો ફોનથી સંપર્ક થઈ ગયો છે . તે લોકો સાચી નિશાની સાથે લઈને આવી રહ્યા છે.”

ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયેલો યુવાન ક્રોધિત થઈ બોલ્યો,

” તમે હવે હદ કરો છો બાપુ ……ગઇકાલથી મારી બેને અન્ન નથી લીધું અને તમે કહો છો કે સાચો માલીક બીજો છે ! કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે આ તોડી લેવા આવે છે તેનેય જોઈ લેવો છે ! “

ગામમાં ભીડ જામી ગઈ . જાણે મફતનું મનોરંજન મળ્યું હોય એમ ટોળું વિસ્તરણ પામતું હતું.

એવામાં રીક્ષામાંથી એક વૃદ્ધ મહિલા ઉતરીને ટોળાને વીંધીને વચ્ચે આવતી હતી તેને જોઈને યુવાને કહ્યું,બાઈ, તું કેમ આવી ? “

(ઉ.ગુ. ના કેટલાક તાલુકાઓમાં માતા- મમ્મીને બાઈ કહીને બોલાવે છે.)

મહિલાએ જવાબ આપ્યો,

” ગાંડા….. , ઉતાવળિયા….તારું મોબાઈલનું ડબલું ઘરે ભૂલીને ભાગી ગયો હતો…..આ બાપજીએ વાયા વાયા ફોન કરીને તારો નંબર લઈને તેના પર ફોન કરીને તોડી (ઝાંઝર) લેવા આવવાનું કહ્યું હતું અને સાથે સાચી નિશાન કે ઓળખ માટે એની જોડની બીજી તોડી સાથે લઈને આવવાનું કહ્યું હતું. બસ એ જ એની સાચી નિશાની છે.”

ઓઢણીના પલ્લે બાંધેલી એક તોડી (પાયલ) બહાર કાઢી બોલ્યાં,

” લ્યો બાપજી , એની જોડની એક તોડી .”

આખા ગામની સાક્ષીએ બાપજીએ તે ઝાંઝર લઈને ગઈ કાલે મળેલા ઝાંઝર સાથે સરખામણી કરતાં સાચા માલિક આ વૃદ્ધા છે તે નક્કી થયું.

યુવાનને અવિવેક કર્યાનો પસ્તાવો થયો અને તેણે ક્ષમા માંગી. બાપજી પણ સમજી ગયા કે પોતાની બેનને સંકટમાંથી બહાર કાઢવા આ કામ કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ છે.

બધાએ ચા-પાણી કર્યાં. તોડી (પાયલ-ઝાંઝર) મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો. પંખીડાનો મેળો છૂટો પડયો . સૌ સૌના કામમાં લાગી ગયાં.

-દિનેશગીરી સરહદી

Leave a Reply