Sense stories / बोध कथाए

મનગમતા સુખની પ્રતીક્ષા

એક યુવાન રસ્તેથી પસાર થતો હતો. સામેથી એક યુવાન સુંદરીને આવતી જોઈને તેણે કહ્યું, ‘હે સુંદરી ! હું તારા સૌન્દર્યથી પ્રભાવિત થયો છું… આઇ લવ યુ… શું તું મારી લાઈફપાર્ટનર બનીને મારી સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ ?’

યુવતી ખૂબ સંસ્કારી હતી. એણે કહ્યું, ‘હે અજાણ્યા યુવાન ! તું પણ યુવાન છે અને પરાક્રમી પણ લાગે છે. તારી સાથે જીવન વિતાવવાનું કોઈ પણ યુવતીને અવશ્ય ગમે, મને પણ ગમે જ ! પરંતુ હું તને છેતરવા નથી માગતી. તું મારા સૌંદર્ય પર મોહિત થયો છે, તું મારા સૌંદર્યથી આકર્ષાયો છે. એટલે મારે તને એક સ્પષ્ટ વાત કરવી જોઈએ કે મારી પાછળ મારા કરતાં પણ સુંદર મારી નાની બહેન આવી રહી છે. પોસિબલ છે કે તને એ વધારે ગમે… તારે એની સામે આવો પ્રસ્તાવ મૂકવો જોઈએ…’

યુવાને કહ્યું, ‘ઠીક છે, તું જઈ શકે છે. હું તારી નાની બહેનની પ્રતીક્ષા કરીશ.’

થોડીક વારમાં એક બીજી સુંદરી ત્યાં આવી. એનું સૌંદર્ય પહેલી યુવતી કરતાં વિશેષ હતું. યુવાને તેની નજીક જઈને તેની સમક્ષ પ્રસ્તાવ મૂકતાં કહ્યું, ‘હે સુંદરી ! તું મારી સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ ? મને તારા જેવી સુંદર યુવતી લાઈફપાર્ટનર બને એવી અપેક્ષા છે !’

તરત જ બીજી યુવતી ખડખડાટ હસી પડી અને બોલી, ‘હે યુવાન ! તેં હજી સાચું સૌંદર્ય જોયું જ ક્યાં છે ? મારા કરતાં અનેક ગણી રૂપાળી મારી નાની બહેન મારી પાછળ આવી રહી છે. જો તું એને પસંદ કરીશ, તો તારી મનોકામના પૂરી થઈ જશે !’

પેલા યુવાને બીજી યુવતીને પણ જવા દીધી અને ત્રીજી સુંદર યુવતીની પ્રતીક્ષા કરવા લાગ્યો. થોડી વારે દૂરથી ત્રીજી યુવતીને આવતી એણે જોઈ.

વાહ ! રૂપરૂપનો અંબાર હતી એ યુવતી ! એની આંખો જાણે ઘૂઘવતો મહાસાગર… એના હોઠ જાણે સાતેય રંગ સમેટીને તૈયાર થયેલું ભવ્ય મેઘધનુષ ! એનું વક્ષસ્થળ જાણે ઉન્ન્ત ગિરિશૃંગોની અદભુત લીલા ! મુલાયમ અને મનોહર મીણમાંથી કંડારી હોય એવી એની કોમળ કાયા ! એના ચહેરા પર અદભુત આભા હતી.

પેલા યુવાને તેની સામે પ્રસ્તાવ મૂક્યો, ‘હે સુંદરી ! હું ક્યારનો તારી પ્રતીક્ષામાં અહીં ઊભો છું. તારી પહેલાં બે સુંદરીઓ અહીંથી પસાર થઈ, પણ એ બંને કરતાં તારું સૌંદર્ય બેમિસાલ છે. હું તને મારી લાઈફપાર્ટનર બનાવવા ઉત્સુક છું. શું તું મારો પ્રસ્તાવ સ્વીકારીશ?’

પેલી યુવતી ગંભીર સાદે બોલી,’અરે, યુવાન ! તારે જો જગતનું શ્રેષ્ઠ સૌંદર્ય જોવું હોય તો હજી થોડીક પ્રતીક્ષા કરવી પડશે… અમારી સૌથી નાની બહેન મારી પાછળ આવી રહી છે અને એના સૌંદર્યની આગળ અમારી ત્રણે બહેનોનું સૌંદર્ય વ્યર્થ છે… મને લાગે છે કે તારે એની પ્રતીક્ષા કરવી જોઈએ અને એને એની સામે પ્રસ્તાવ મૂકવો જોઈએ !’
પેલો યુવાન અધિક સુંદર ચોથી યુવતીની પ્રતીક્ષામાં ફરી પાછો ઊભો રહી ગયો.

ત્યાં તો થોડી વારમાં જ દૂરથી આવતી એક યુવતી એણે જોઈ… પણ આ આ યુવતી તો સાવ કદરૂપી અને બિલકુલ બેડોળ હતી… એને જોઈને પેલો યુવાન હતાશ થઈ ગયો. એ ચોથી કદરૂપી યુવતી પેલા યુવાનની નજીક આવી અને યુવાન કશું કહે એ પહેલાં જ બોલી, ‘યુવાન ! હું જાણું છું કે તારે સુંદર લાઈફપાર્ટનર જોઈએ છે, ખરું ને ? મારી આગળ પસાર થયેલી મારી ત્રણ બહેનોને તેં માત્ર એ કારણે જ જવા દીધી કે તેમના કરતાં તેમની પાછળ એક પછી એક વિશેષ સૌંદર્યવાન બહેન આવી રહી હોવાની તને લાલચ મળી હતી… ખરું ને ! પણ હું તો બિલકુલ કદરૂપી છું અને મારી પાછળ હવે કોઈ યુવતી આવવાની નથી ! તારે જો લાઈફપાર્ટનરની જરૂર હોય તો, હું તારો છેલ્લો જ વિકલ્પ છું !’

પેલા યુવાને બંને હાથે પોતાનું માથું કૂટયું. હતાશ થઈને આખરે એણે એ યુવતીને લાઈફપાર્ટનર બનાવીને મજબૂરીથી એની સાથે જીવન જીવવું પડ્યું.

આપણી સ્થિતિ પણ કંઈક આવી જ નથી ?

આપણને જે સુખ વર્તમાનમાં મળ્યું હોય છે એ સુખનો આનંદ માણવાને બદલે, આપણે બીજા વિશેષ અને વ્યાપક સુખની પ્રતીક્ષામાં રહીએ છીએ. આપણી લાલચને કોઈ અંત નથી ! પરિણામે વર્તમાનની પ્રસન્નતા ગુમાવતા રહીએ છીએ અને ભવિષ્યની કાલ્પનિક પ્રસન્નતાની લાલચમાં આખરે એવી પરિસ્થિતિ મજબૂરીથી સ્વીકારવી પડે છે કે જે આપણને બિલકુલ મંજૂર જ ન હોય…!

લાલચને ક્યારેય અંત નથી હોતો અને જીવનને અંત અવશ્ય હોય છે. કોણીએ વળગેલા ગોળ જેવાં સુખો આપણને ભરમાવે છે – ભટકાવે છે અને આપણે આપણા હાથમાં રહેલાં રોકડાં સુખો ફેંકી દેવાની મૂર્ખામી કરીએ છીએ.

‘ધીરજનાં ફળ મીઠાં’ એ કહેવત ખોટી નથી, પણ અધૂરી છે. એ કહેવતનો ઉત્તરાર્ધ છે : ‘વિલંબનાં ફળ માઠાં !’
ધીરજ એટલી જ ધરવી કે એ વિલંબ ન બની જાય… અને એમાંય લાલચની ભેળસેળ તો બિલકુલ ન જ હોવી જોઈએ !

-રોહિત શાહ

Leave a Reply